બે હજાર ચોવીસ સમક્ષ/યાત્રાપથે – દક્ષા વ્યાસ

પ્રવાસ

‘યાત્રાપથે’ : દક્ષા વ્યાસ

મનાલી જોષી

સ્થળયાત્રા અને ચૈતન્યયાત્રા

દક્ષા વ્યાસના પ્રથમ પુસ્તક ‘ઉત્તરાંચલ – એક અનુભૂતિ’માં ચારધામની યાત્રા વિશેનું આલેખન છે. ‘યાત્રાપથે’માં હિમાચલ પ્રદેશ, ગોવા, આંદામાન, લક્ષદ્વીપ અને દક્ષિણ ભારતના તેમના પ્રવાસ દરમિયાન થયેલ અનુભવો, ઉદ્‌ભવેલાં સંવેદનો, સ્થળોનો પરિચય અને કેટલાંક નિરીક્ષણોનું આલેખન છે. પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે કે, ‘પ્રવાસલેખન સંદર્ભે જે-તે સ્થળનાં માત્ર વર્ણનો નહીં, પણ એના દર્શને આંદોલિત થયેલી મારી ચેતનાએ અનુભવેલાં સંવેદનોને પણ સતત વાચા આપવાનું મારું વલણ રહ્યું છે.’ (પૃ. ૪) જગતના અપૂર્વ ઐશ્વર્યને કારણે તેમણે પકડેલી કલમે તેમની કુતૂહલવૃત્તિને સમાવી લીધી છે. યાત્રા દરમિયાન ડાયરીમાં નોંધાયેલાં ટાંચણો તેમની કલમની વહારે ધાયાં છે. બાકી તો જાણે સંવેદનો અને સ્મૃતિપટ પર અંકાયેલી ચેતનાને તેમણે સહજપણે અંકિત કરી છે. ‘પ્રવાસ’ને બદલે તેમણે ‘યાત્રા’ શબ્દ પસંદ કર્યો છે. એ શબ્દની પવિત્રતા, આપણાં પૌરાણિક સ્થળો, તેની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય, તેની સાથે જોડાયેલી કથાઓ વગેરે જાણે એકમેક સાથે ભળીને એક શૈત્ય-પાવનત્વ ઊભું કરે છે. આમ, ‘યાત્રાપથે’ શીર્ષકમાં આ અપૂર્વ સંયોજન સાથોસાથ માત્ર ગંતવ્યસ્થાન નહીં પરંતુ સંપૂર્ણ યાત્રાનું સંવેદન તેમને મન વધુ મહત્ત્વનું તે સ્પષ્ટપણે જણાય છે. પુસ્તકનું પહેલું પગરણ ‘દેવભૂમિ હિમાચલને ખોળે’ છે. પિંજોર ગાર્ડન, શિમલા, જખ્ખુ હનુમાનજી મંદિર, માતારાદેવી મંદિર, બૈજનાથ, મનાલી, હિડીમ્બા મંદિર, વશિષ્ઠ મંદિર, બિજલી મહાદેવ, કુલુ, વૈષ્ણવ દેવી થઈને બિયાસના રસ્તે તે પાછાં ફયાર્ં ત્યાં સુધીની યાત્રાનો સમાવેશ થયો છે. હિમાચલનું પ્રાકૃતિક સૌંદર્ય, પાઈનનાં વૃક્ષોનો વૈભવ, બરફથી આચ્છાદિત પહાડો, કલકલ વહેતી બિયાસનું વર્ણન અદ્‌ભુત છે. શિમલાનું કેથેડ્રલ, તેની સાથે જોડાયેલી બ્રિટીશ તવારીખો, તેનું એલિઝાબેથન શૈલીનું સ્થાપત્ય વગેરેનું વર્ણન તેમની ઐતિહાસિક, ભૌગોલિક અને સ્થાપત્યશૈલીના રસનું આલેખન કરે છે. મંદિરો સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનો સંક્ષિપ્ત પરિચય તેઓ એટલી સહજ રીતે આવરી લે છે કે, ક્યાંય કથાઓનો ભાર નથી લાગતો. સાથોસાથ, વાચકને સ્થળપરિચય સાથે કલાયાત્રાનો પણ અનુભવ થાય. ચંબા, રેણુકાતાલ, કસૌલી તેમના પેકેજ ટૂરમાં નથી તેનો અફસોસ પણ જાહેર કર્યો છે. પ્રવાસની આ સંવેદના અંગે તેઓ કહે છે કે, ‘લાગે છે કે પ્રવાસમાં આનંદ અને અફસોસ સમાંતરે ચાલતા રહે છે.’ (પૃ. ૧૬) પહાડી ઉપરનાં એકલ-દોકલ મકાનો જોઈને તેમને થાય છે કે, ‘ઊંચી-ઊંચી પહાડીઓ ઉપર એકલવીરની પેઠે છૂટાં-છવાયાં મકાનો ઊભાં છે. એ મનુષ્યની કુદરતપ્રીતિને વ્યક્ત કરતાં હશે કે કુદરતને નાથવાના ઘમંડી પુરુષાર્થની ચાડી ખાતાં હશે?’ (પૃ. ૧૭) તેમની હિમાચલની સમગ્ર યાત્રા આનંદને વ્યક્ત કરે છે પરંતુ, તેમના મનમાં ઘર કરી જાય છે ‘બિયાસ’. ચંચલ યુવતીસમી ઊછળતી-કૂદતી તે જ્યારે પાછા વળતી વખતે વૈષ્ણવદેવીના રસ્તે ગંભીર બની વહે છે ત્યારે લેખિકાને તે ગૃહિણીસમી લાગે છે. પુસ્તકમાંનું બીજું પ્રકરણ ‘મત્સ્યકન્યા ગોવા’ છે. એક સહેલીનો સાથ હોવા છતાં તેમની અહીંની યાત્રામાં આંતર્જગતનો આવિર્ભાવ વધુ જોવા મળ્યો છે. સતત એકલતા, વિરહ અને સ્મૃતિની વચ્ચે ઝંખવાતું મન રંગીન ગોવાના પ્રવાસમાં ખોવાયેલું જોવા મળે છે – ‘તારાથી જોજનો દૂર ને છતાંય કેટલી સંનિકટ છું! કાશ એનો તને આ ક્ષણે અણસાર હોય!’ (પૃ. ૩૫) ખારાં જળ પ્રત્યેનો તેમનો પ્રેમ લગભગ હિમાચલ સિવાયનાં બધાં જ પ્રકરણોમાં પ્રભુત્વ ધરાવે છે. તેમ છતાં આ પ્રવાસમાં સતત વિરહ અને તરસ છે. ગોવાનાં વિવિધ નામ, તેની સાથે જોડાયેલા પૌરાણિક, ઐતિહાસિક અને સાહિત્યિક સંદર્ભોથી શરૂ કરીને પણજી, આરવાલેમ વૉટરફૉલ, મંગેશી મંદિર વગેરે જેવાં વિવિધ સ્થળોએ તે પહોંચે છે. આ પ્રકરણ દરમિયાન તેમનું મન વિવિધ સ્થળોનાં બાહ્યપટ પરથી છટકીને આંતર્જગતને વધુ પ્રધાન બનાવે છે. આ આવન-જાવન અંત સુધી શરૂ છે. ગોવા એટલે તેમના શબ્દોમાં ‘વિસ્તારિત ચૂઈ ફરકાવ્યા કરતી આ એક સુંદર માછલી છે.’ (પૃ. ૫૨) આ પ્રકરણમાં આવતી કાવ્યપંક્તિઓ અને ગદ્ય પણ લલિત નિબંધનો અનુભવ કરાવે છે. આ પ્રકરણ સમગ્ર યાત્રાલેખનમાં જુદું તરી આવે છે, તે વધુ પોતીકું લાગે છે. ત્રીજા પ્રકરણ ‘આંદામાનને આંગણે’માં શરૂઆતે ૧૮૫૭ અને તેની સાથે જોડાયેલા ક્રૂર, અમાનુષી અત્યાચારો, બ્રિટીશરોની નિર્દયતાભરી દૃષ્ટિથી રચાયેલી જેલ, તેની વિવિધ કોટડીઓ, કોલું, આસપાસ ભયંકર ઘૂઘવતો સમુદ્ર વગેરેનું અરેરાટીભર્યું વર્ણન છે. માનવજાત કેટલી ક્રૂર હોઈ શકે તેની પરાકાષ્ઠાનો નમૂનો અહીં જોવા મળે છે. વીર સાવરકર પ્રત્યેની લાગણી વાચકહૃદયને પીગાળી મૂકે છે. ત્યાંનું પીપળાનું વૃક્ષ એ ‘A great saga of Indian freedom struggle’નું સાક્ષી છે, તેવું જ સંવેદનનું સાક્ષીપણું તેમની લેખિની દ્વારા વાચકવર્ગને પ્રતીત થાય છે. આ મહાતીર્થની યાત્રાની કરુણા અને દુઃખ બાદમાં રાધાનગર બીચ પરની યાત્રામાં ધોવાય છે. ત્યાંનું સૌંદર્ય તેમણે મંત્રમુગ્ધ બની આલેખ્યું છે. લાઇમસ્ટોન કેવ્સની યાત્રા દરમિયાન તેમનું મન કલાપ્રેમી બાળક જેવું બની જાય છે, આંદામાનમાં નેતાજી સુભાષચંદ્રની ઐતિહાસિક વાત હોય કે ત્યાં રહેતાં આદિવાસીઓની, તેઓ ભલે સમગ્ર વિસ્તાર આવરી શકતાં ન હોય પણ વાચકોને ત્યાંનો મુખ્ય અને સંક્ષિપ્તમાં એટલો સરસ પરિચય આપે છે કે, પાષાણયુગથી પૌરાણિક અને ત્યાંથી ઐતિહાસિક યુગથી વર્તમાનમાં યાત્રાનો તંત અતૂટ ચાલ્યા કરે છે. તેમના મતે ‘આંદામાન કોઈ પ્રદેશ નથી, સ્થળ નથી, નક્કર અનુભવ છે... અનેરો અહેસાસ છે.’ (પૃ. ૭૮) ત્યારબાદ ‘લક્ષદ્વીપ : એક અનુભવ’માં કોચીન એનાર્કુલમથી શરૂ થતી તેમની યાત્રા ગુરુવાયુર મંદિર થઈને આદિ શંકરાચાર્યના પવિત્ર સ્થાન કાલડી, કેરળના સૌથી મોટા ધોધ આદરાપલ્લી થઈને લક્ષદ્વીપ સુધી જાય છે. આ યાત્રાની શરૂઆતમાં જ અદ્વૈતનો આનંદ લૂંટી, પ્રાકૃતિક સમૃદ્ધિ પોષીને મન જ્યારે ક્રૂઝ પર સવારી કરે છે ત્યારે તૂતક પરનાં સામુદ્રિક સંભારણાં અને સંગીતમય ઝલક તેમના સ્મૃતિપટ પર કાયમી બને છે. એક બાજુ ક્રૂઝ પરની આઠ બાય સાતની નાની રૂમ અને બહાર ઘૂઘવતો, વિરાટ સમુદ્ર – આ સંનિધિ અનુભવને વધુ અજાયબ બનાવે છે. વિવિધ ટાપુઓ પરની વસ્તી, ત્યાં મુખ્યત્વે રહેતી મુસ્લિમ પ્રજાની રહેણી-કરણી, ત્યાંની બાળકીઓનાં નૃત્યો, તરાપાની મોજ, ત્યાંનાં ધંધા-કારીગરી-કળા અને સંત કોજા, અહમદ ઑલિયા, અબુ બકર, સૈયદ મહમ્મદ કાસિમની કબરો વિશે ખૂબ જ રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાંના ૩૬માંથી ૧૧ જ ટાપુઓ પર માનવવસ્તી અને તેમાંથી પેકેજમાં ૩ ટાપુઓની સહેલનો સમાવેશ છે – ક્લ્પેની, કવરત્તી અને મીનીકોય. ખારાં પાણીના અફાટ જળની વચ્ચે ટાપુઓ પર મીઠા જળના કૂવા – જાણે નરી અજાયબ દુનિયા! પિત્તિ ટાપુ પર પંખીઓની વિવિધતા તો મીનીકોય પર ‘આવાહ’ ગણાતાં મકાનો અને ત્યાંની અલાયદી સંચાલન-વ્યવસ્થા. જાણે તેઓ કહે છે તેમ જ – ‘ક્ષણે ક્ષણે યત્‌ નવતામ્‌ ઉપૈતિ’ જેવું આ પ્રકરણ વાચકમનને એ પ્રતીતિ કરાવે છે કે દુનિયા કેટલાં આશ્ચર્યોથી ભરપૂર છે. અન્ય એક ‘ગુરુવાયુરથી રામેશ્વરમ્‌’ની યાત્રા છે. જ્યાં ગુરુવાયુર મંદિર, તેની પૌરાણિક કથા, તેની ચાક્ષુષ આનંદ આપતી સ્થાપત્યશૈલી, પૂજા-દર્શન વિધિનો પરિચય આપે છે. નૈયાર નદી, અનસૂયા કથાનો પણ સંદર્ભ આપી તેઓ ૧૮૯૨માં જ્યાં સ્વામી વિવેકાનંદ તરીને પહોંચેલા અને ત્રણ દિવસ ધ્યાનસ્થ રહેલા એ શીલા – કન્યાકુમારી, તેની પૌરાણિક પાર્વતીકથા વિશે પરિચય આપે છે. મદુરાઈનું મીનાક્ષી-સુંદરમ્‌ મંદિર, ત્યાંના રણકતા સ્થંભોનું ગીત અને અંતે રામેશ્વરમ્‌ અને કોડાઈ કેનાલનો અદ્‌ભુત નજારો આલેખે છે. આ યાત્રા લાઘવપૂર્વક સ્થળો-સંદર્ભોનો પરિચય કરાવે છે. અંતિમ પ્રકરણ ‘પૂટપર્તિ – એક ભાવયાત્રા’નું છે. આ યાત્રા શારીરિક વિટંબણા સાથે આરંભાય છે. શ્રીસત્યસાંઈબાબાના આશ્રમ પૂટપર્તિની આ યાત્રા સત્યસાંઈબાબાના આશ્રમ, પ્રશાંતિનિલયમ્‌, સર્વધર્મ ચિન્હ, બાબાની વિભૂતિ-વિરક્તિનું ચિન્હ, બાબાનું પ્રવચન, તેમનાં પુસ્તકો, વિવિધ ધર્મનાં ચિન્હોનો અર્થ, વગેરેનું ભાવભર્યું દર્શન કરાવે છે. આ યાત્રા પાછળનો ભાવ અન્ય યાત્રા કરતાં નોખો છે. માત્ર ધર્માંધતાથી નહીં પરંતુ માનવમૂલ્યો, તેની જીવનમાં મહત્તા, સમાજમાં તેનું પાલનથી લઈને તેમનાં મૂલ્યોને આધારે બનેલી ડીમ્ડ યુનિવર્સિટીનો પરિચય આ યાત્રામાંથી મળે છે. એક પ્રવાસી હોવાનો રસ તેમને વિવિધ સ્થળોએ લઈ ગયો છે. તે માત્ર સ્થળોનાં પ્રવાસી નથી, તેમનું આંતર્જગત આ સંવેદનોની ચર્વણા કરીને ખીલ્યું છે તે ચેતનાનો અનુભવ વાચકહૃદયને થયા વગર રહેતો નથી. આ ઉપરાંત, તેમની લેખિકા તરીકેની કેટલીક વિશેષતાઓ મહત્ત્વની છે. તેઓ ઐતિહાસિક, ભૌગોલિક, પૌરાણિક, રાજનૈતિક, સામાજિક-સાંસ્કૃતિક તમામ વિશેનો પરિચય એટલી સુંવાળપ અને સહજતાથી આપે છે કે, વાચકનો વાચનયાત્રાનો તંતુ તૂટતો નથી. તેમની કલાપારખુ નજર યાત્રા દરમિયાન પાઈનનાં વૃક્ષો હોય, ચંપાનો છોડ હોય, જલરાશિ હોય કે અગાધ અંધારું – વિશાળમાં વિશાળથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંવેદનને આલેખવામાં માહિર છે. જ્યાં એમને આપણાં મૂર્ધન્ય સાહિત્યકારોની યાદ આવી જાય કે તરત તેમની કાવ્યપંક્તિઓ પણ ટાંકે છે. તો ગોવા જેવી યાત્રામાં આપમાંથી નીકળતી કવિતાનો ધોધ રમતો કરે છે. આંદામાન જેવા કોઈક પ્રકરણમાં ક્યાંક તમને વિગતોનો ભાર લાગી પણ જાય પરંતુ મોટે ભાગે તેનો વિસ્તાર તેઓ અવગણે છે. તેઓ ન જઈ શક્યાં હોય તેવાં સ્થળોનો પણ ટૂંકમાં પરિચય આપે છે. જેથી તે સ્થળનું મહત્ત્વ પામી શકાય. મજા પડે છે તેમની સહજ-સરળ અને જરૂર પડ્યે ત્યાં પ્રૌઢ બનતી ભાષાશૈલીમાં. યાત્રાનો રસ તો અચરજ, આનંદ અને ઉત્સાહનો હોય, પણ જ્યાં થાક, કંટાળો, વયમર્યાદા, એકલતા જણાય ત્યાં તે સંપૂર્ણપણે પ્રામાણિક બની તેને આલેખે છે. કેટલાંક પ્રસંગે તેઓ કહેવતો-રૂઢિપ્રયોગો-સૂત્રો-શ્લોકો-અવતરણો ટાંકે છે, એથી ભાષામાં એકવિધતા લાગતી નથી. તૂતક પર ભયના પ્રસંગે- ‘મારે અર્જુનથી ઊંધું છે. એને માત્ર માછલીની આંખ જ દેખાય છે, મને સ્ટીમલોંચની બેઠક સિવાય માત્ર ને માત્ર ચોપાસ ફેલાયેલાં સાગરજળ જ દેખાય છે.’ (પૃ. ૯૫) કે દક્ષિણ ભારતની રેલવેયાત્રા દરમિયાન નાસ્તાની ઉજાણી દરમિયાન – ‘આ ઐશ્વર્ય આગળ અમારા નાસ્તા શરમાઈને કોકડું વળી થેલામાં જ પડી રહ્યા.’ (પૃ. ૧૦૬) જેવાં વાક્યો હાસ્યરસિક અને માર્મિક દૃષ્ટિનું આલેખન કરે છે. સમગ્ર પુસ્તકમાંથી પસાર થતાં એ પ્રતીતિ ચોક્કસપણે થાય છે કે, ‘યાત્રાપથે’ એ એક સતત ચાલતું, રમતું, દોડતું, ભીંજાતું, આનંદતું ચૈતન્ય છે, તેની યાત્રા છે.

[શબ્દલોક પ્રકાશન, અમદાવાદ]