બે હજાર ચોવીસ સમક્ષ/પૅન્શનર – જિતેન્દ્ર પટેલ

નવલકથા

‘પેન્શનર’ : જિતેન્દ્ર પટેલ

મેહુલ પટેલ

મધ્યમવર્ગીય જીવન-વાસ્તવનો અસરકારક ચિતાર

લેખકની આ છઠ્ઠી નવલકથા ૧૫૨ પૃષ્ઠો અને ૩૫ પ્રકરણો ધરાવે છે. જિતેન્દ્ર પટેલે વાર્તાઓ, નાટકો, જીવનચરિત્ર, પ્રવાસકથાઓ પણ લખ્યાં છે લેખકને જે કથા આલેખવી છે એ સહજ અને સમાંતરે ચાલે છે. ‘પેન્શનને ઘડપણની લાકડી માનવામાં આવે છે. તેના સહારે વૃદ્ધ લોકો તેમનું શેષ જીવન નચિંતપણે અને આરામથી વિતાવી શકે છે. પરંતુ આ પેન્શનને કારણે ક્યાંક પ્રશ્નો પણ ઊભા થયા છે’. – નવલકથાનો આ કેન્દ્રવર્તી વિચાર છે. નવીન અને નરેશના જીવનમાં ઊભા થતા પ્રશ્નોના કેન્દ્રમાં માતા સવિતાબાનું પેન્શન છે. સવિતાબાનાં સંતાનોમાં હેમંત, રસિક, નરેશ અને નવીન અને પુત્રી હીરલ છે, જે વડોદરામાં નિવાસ કરે છે. એમના પતિની સરકારી નોકરી હતી પણ પતિની નિવૃત્તિ બાદ પતિ-પત્ની ગામડે રહેવા જતાં રહેલાં અને પતિના અવસાન બાદ પણ વિધવા સવિતાબા એકલાં ગામડે રહેતાં. હેમંત અને રસિક ક્લાસ વન ઑફિસર થયા ને નરેશે કાપડની દુકાન કરી. પણ સૌથી નાના ને લાડકવાયા નવીનના નોકરી-ધંધાનું કાંઈ ઠેકાણું ન પડતાં અને એની બંને પુત્રીઓ મૌલિ અને મૈત્રીને ભણાવવાના અને ઘરના ખર્ચ માટે એ સતત તાણ અનુભવતો રહે છે. એટલે જ માતાના પેન્શનમાંથી ટેકો મેળવી લેવાના આશયથી માતાને નવીન પોતાની પાસે તેડી આવે છે. સાસુના આગમનથી નારાજ થયેલી પુત્રવધૂ નીલમ એ નારાજગી મૌન રહીને વ્યક્ત કરે છે. સવિતાબાના નવીનને ઘેર રહેવા ગયાં એથી મોટો પુત્ર નરેશ અકળાય છે. બાને પોતાને ઘરે રાખવાની થતી ખેંચતાણના મૂળમાં બાનું પેન્શન છે. બાકીના બંને પુત્રોએ માતાના પેન્શનનો હક્ક કર્યો છે જેના મૂળમાં પોતાને ઘેર સવિતાબાને રાખવાં ન પડે એવો ગર્ભિતાર્થ અહીં સૂચવાય છે. નવીનની નોકરી છૂટી જવી, પડોશીઓ દ્વારા નવીનના ઘરે રહેવાને કારણે થતી પૂછતાછ અને અંતે બાએ નવીનને ધંધો કરવા આપેલ પૈસામાંથી નવીને પાનનો ગલ્લો કરવો – આ બધી ઘટનાઓ લેખકે કુશળતાપૂર્વક નિરૂપી છે. પણ નવીનનું નસીબ વાંકું હોવાનું સવિતાબાનું રટણ એણે કરેલા પાનના ગલ્લાની બાબતમાં પણ સાચું ઠરે છે. પાનના ગલ્લે વધતી ઉધારી, જુગારીઓનું ગલ્લામાં બેસીને રમવું અને પકડાઈ જવું, ને અંતે પાનનો ગલ્લો બંધ કરવો પડ્‌યો – એ નવીનની નિયતિ બને છે. નવીનના વ્યવસાયને કારણે પરિવારના અન્ય ભાઈઓની આબરૂને લાંછન લાગવાનો વિચાર, કાપડની દુકાન હોવા છતાં બાના પેન્શનમાં સરખો ભાગ લેવા ઇચ્છતાં નરેશ-માલતી, નવીનના ઘરે જ સવિતાબાનું પાકીટ ચોરાઈ જવાની ઘટના, લેણદારોની આવનજાવન – આ તમામ બાબતોમાં કથા ગૂંથાતી ને વિસ્તરતી રહે છે. કથાના મધ્ય ભાગમાં નવીનને બાનું પેન્શન આપવું ને સવિતાબાને સાચવવા ઉપરાંત એમનાં મૃત્યુનું કારજ પણ એણે જ કરવું – તેવું સૌ વચ્ચે નક્કી થાય છે ત્યારે નવીન બાના કારજ માટે એની આર્થિક મૂંઝવણ જે રીતે વ્યક્ત કરે છે તેમાં માતાની જવાબદારી પ્રત્યે બેપરવાહ બનતી જતી આજની પેઢીની માનસિકતા પણ લેખકે છતી કરી છે. પેન્શનનો હલ નીકળતાંની સાથે જ બૅંકમાંથી એ.ટી.એમ. કાર્ડ કઢાવી નવીનનું ઘરમાં સોફા, કલર ટીવી, વોશિંગ મશીન વગેરે લઈ આવવું, બાને જાત્રાએ લઈ જવાને બદલે મિત્ર કાનજી સાથે પોતે જાત્રાએ નીકળી જવું; બીજી બાજુ હેમંત દ્વારા પોતાના પડોશીઓ સાથે સવિતાબાને યાત્રાએ મોકલવાં – આ ઘટનાઓ લેખકની ગોઠવણી કૃત્રિમ જણાય છે. કથામાં પછીથી નવો વળાંક આવે છે. જાત્રાએ ગયેલાં સવિતાબા ડાકોરના પગથિયેથી લપસી પડતાં તેમના પગે ફ્રેક્‌ચર થાય અને ત્યારે ઘરે આવેલાં સવિતાબાને જોઈ ભાઈઓ વચ્ચે ચાલતા આ સંવાદો – ‘તું અત્યારે ફ્રી જ છો, બાને કોઈ વાતની તકલીફ પડવા દેતો નહીં’(નરેશ), ‘મા- બાપની સેવા કરવાની તક બહુ ઓછા લોકોને મળતી હોય છે’(રસિક), ‘માત્ર સેવા જ નહીં, ઋણ ચૂકવવાની પણ તક મળી છે.’ (નરેશ) – નવીનને દઝાડે છે. એક રાત્રે પાણી પીવા ઊભાં થયેલાં સવિતાબા પડી જતાં ને તેમનાં હાડકાંમાં મોટી ક્રેક પડતાં ડૉક્ટર માત્ર ને માત્ર તેમની સેવા જ કરવાનો ઉપાય પુત્રોને સૂચવે છે. નવીનને પડતી મુશ્કેલીથી અકળાયેલાં સવિતાબાનું દુઃખ તીવ્ર બને છે. મજબૂત મનોબળ ધરાવનાર સવિતાબાનું ભાંગી પડવું, એથી એમણે કરેલી મૃત્યુની પ્રાર્થના, એમને થતું વિસ્મરણ, સવિતાબાની સ્વસ્થતા માટે સૌએ રાખેલી બાધા – વગેરે બનાવો કૃતિને ગતિ આપે છે. સવિતાબાનું મૃત્યુ નજીક આવતું ભાળી ગયેલાં સંતાનો એમની નજીક વારાફરતી ગોઠવાયેલાં રહે છે. ઉજાગરાને કારણે અને માતાના મૃત્યુની વેદનામાં નવીન એક રૂમમાં પલંગ પર સૂવા માટે જાય છે ને અચાનક જ ઢળી પડે છે. એ ક્ષણે નરેશ દ્વારા થતો એને જગાડવાનો પ્રયાસ, હેમંતે કરેલો એના બરફ જેવા ઠંડા શરીરનો સ્પર્શ, નવીનના પગ પાસે રડતી નીલમ – આ બધું ખૂબ જ ઝડપથી બની જાય છે. પરિવાર જ્યારે સવિતાબાની વિદાય કલ્પી રહ્યો હતો ત્યારે એને બદલે નવીન વિદાય થઈ જાય છે. કથાને અંતે હેમંત હીરલને બાથમાં લઈને રડતાં રડતાં બોલી ઊઠે છે – ‘નવીન બાથી આગળ નીકળી ગયો!’(પૃ.૧૫૨) હંમેશાં નવીન સવિતાબાને કહ્યા કરતો કે, ‘બાને મારા પહેલાં નહિ જવા દઉં ને આજે એણે એમ જ કર્યું!’ – સવિતાબાના મૃત્યુનો આવનાર ઑથાર જીરવાય એ પહેલાં જ નવીન મૃત્યુને વરી ચૂક્યો હતો. હંમેશાં સૌને અળખામણો જણાયેલો નવીન સૌથી આગળ નીકળી જતાં પરિવાર અવાક્‌ થઈ જાય છે. ત્યાં કથા વિરામ લે છે. સમગ્ર કૃતિમાં પેન્શનની વ્યંજના અભિવ્યક્તિ પામી છે. નવલકથામાં – દાઝ્યા ઉપર ડામ દેવો, જીવ ચચરવો, સોપો પડી જવો, અણસાર પામી જવો, અવળા પાસા પડવા, વટનો કટકો હોવું – વગેરે જેવા રૂઢિપ્રયોગો અને કહેવતોનો પ્રયોગ કોઈ ને કોઈ પાત્રો કટાક્ષના રૂપે પ્રયોજે છે. સવિતાબાની બોલીમાં અનુભવી માતાની કુનેહ અને પુત્રોને આગળ વધારવાની હોંશ એમના માતૃત્વની પરિચાયક છે. તો સવિતાબાએ નવીનને આપેલું પેન્શન, નવીનની દીકરીઓ માટે ચાંદીની વીંટી લેવી, નવીનની જરૂરિયાત મુજબ અન્ય પુત્રોની જાણ વગર તેને પૈસા આપતાં રહેવું, નવીનનો જ પક્ષ ખેંચતાં રહેવું, પાકીટની ચોરી છૂપાવવી, નીલમને ગાજ-બટન કરવા સતત મદદ કરતાં રહેવું, પોતાની સેવામાં પેન્શનના રૂપિયા વપરાઈ જાય તો નવીનનું ઘર કેમ ચાલશે?-ની ચિંતા, નવીનના પૈસા વપરાઈ જવાની બીકે સારવાર ન કરાવવી – વગેરે ઘટનાઓમાં નવીન પરત્વે સવિતાબાનું એકતરફી વલણ જોઈ શકાય છે. નવલકથાની ઘટનાઓની ગતિ તેમજ કૃતિની સરળ ભાષા અસરકારક બને છે. ખાસ તો, ગામડાંનો સંયુક્ત પરિવાર ને એની વિવિધ ભાવભંગિઓ અહીં જુદી ભાત પાડે છે. તેમજ આપણી એક સમયે જીવાયેલી સંસ્કૃતિને પ્રગટ કરે છે. આપણી સમાજવ્યવસ્થાને નડતા કુસંપના મૂળમાં મોટેભાગે આર્થિક સમસ્યા જ હોય છે – એનું અહીં નિદર્શન થયું છે. સવિતાબાનું પાત્ર અહીં કેન્દ્રમાં છે. વિધવા હોવા છતાં તેઓ વિષમ પરિસ્થિતિમાં અડગ રહે છે. પોતાના દીકરાઓને પેન્શન બાબતે ‘એ તો તમારા બાપુની કમાણી છે, તમારી નથી. પેન્શન ક્યાં વાપરવું એની મને સલાહ આપવાની જરૂર નથી.’ (પૃ. ૧૪૭) આ પ્રકારે સ્પષ્ટ કહી દેતાં જરાય અચકાય નહીં એવાં સવિતાબા ‘મેં આજ સુધી કોઈની સેવા લીધી નથી ને આજ મારે આ દિવસો જોવા પડ્યા! આવી જિંદગી જીવવા કરતાં તો જતાં રહેવું સારું.’ (પૃ. ૧૩૯) એમ બોલે છે ત્યારે પરિસ્થિતિએ એમનું મનોબળ તોડી નાખ્યાની પ્રતીતિ થાય છે. કથાના આરંભથી સૌ માટે અણગમતું બનેલું નવીનનું પાત્ર કથાને અંતે સૌનું દિલ જીતી લે છે. પતિને રોજગારીમાં તકલીફ હોવાથી નાનું-મોટું કામ શોધી લેતી, ગાજ-બટન કરવાનું કામ કરતી નીલમમાં પતિને સહકાર આપતી ગુજરાતી સ્ત્રીનું ચિત્ર ઊપસે છે. વારંવાર પરિવારનાં કટુ વચનો સાંભળવા છતાં એ પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી લેવાની વૃત્તિ ધરાવે છે. એકંદરે નવલકથા મધ્યમ શક્તિની છે, પણ સાંપ્રત સમયના સંદર્ભમાં એક મધ્યમવર્ગીય સંયુકત પરિવારમાં આર્થિક વ્યથા અને એકલતા અનુભવતા એક સામાન્યજનની આ કથા સહૃદયના ચિત્તને ક્ષુબ્ધ કરવામાં સફળ થાય છે.

[ખુશ્બૂ પ્રકાશન, અમદાવાદ]