બોલે ઝીણા મોર/અંધકાર વચ્ચે પ્રકાશ ટકી રહે છે


અંધકાર વચ્ચે પ્રકાશ ટકી રહે છે

ભોળાભાઈ પટેલ

In the midst of death life persists,
in the midst of untruth truth persists,
in the midst of darkness light persists.
— Mahatma Gandhi

૩૦ જાન્યુઆરી.

મહાત્મા ગાંધીના નિર્વાણનો પવિત્ર દિવસ આપણી રોજબરોજની સ્કૂલ ઘરેડમાં એક હળવો કંપ જગાવી જાય છે. ‘આમાર જીવન ઈ આમાર બાની’ – મારું જીવન એ જ મારો સંદેશ – કહેનાર ગાંધીના મહાકાવ્યોપમ જીવનનું તો સ્મરણ થાય, એમની વાણીનું પણ. એ વાણી ઘણી વાર ઉપનિષદના દ્રષ્ટા ઋષિઓની વાણી-આર્ષવાણી સમી સંભળાય છે, કેમ કે અનુભૂતિજન્ય છે.

અસતો મા સદ્ ગમય… (હે ઈશ્વર) તું અમને અસત્યમાંથી સત્ય ભણી લઈ જા, અંધકારમાંથી પ્રકાશ ભણી લઈ જા, મૃત્યુમાંથી અ-મૃત ભણી લઈ જા. ઉપનિષદના ઋષિના એ જ શબ્દો, પણ થોડા ફેરફાર સાથે ગાંધી પોતાના યુગને અનુરૂપ પરમ આશ્વાસક રૂપે સંયોજે છે. મૃત્યુ વચ્ચે જીવન ટકી રહે છે, અસત્ય વચ્ચે સત્ય ટકી રહે છે, અંધકાર વચ્ચે પ્રકાશ ટકી રહે છે. ચારે તરફ ઘેરી વળતાં આસુરી બળો જ્યારે પ્રબળ બની જતાં હોય ત્યારે એક મહાત્માની વાણી આશાનો પરમ સંદેશ આપી રહે છે. આજના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘડાતા જતા ઇતિહાસમાં આ સંદેશાના જાણે સાક્ષી બનીએ છીએ. ગાંધીએ તો પોતાના કર્મજીવનથી એ સિદ્ધ કર્યું જ હતું.

ગાંધીજીના આ જ શબ્દો અહીં યાદ કરવાનું નિમિત્ત એક રીતે આકસ્મિક અને આશ્ચર્યકારક છે. એ શબ્દો તો મને મળ્યા છે એક કાર્ડ ઉપરથી, ‘અ ગાંધી કોમેમોરેશન કાર્ડ.’ પરંતુ એ કાર્ડ ક્યાંથી મળ્યું? અંગત વાત કરવાની અનુમતિ લઉં?

રોજ કરતાં વહેલાં ઊઠી સ્નાનાદિથી પરવારી હું તરત બહાર રસ્તા પર નીકળી ગયો. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહના દિવસો એટલે રાજધાની દિલ્હીમાં કડકડતી ટાઢ હોય, પરંતુ આ દિવસોમાં જ્યારે આછું ધુમ્મસ પણ હોય, અને સૂરજ નીકળવામાં હોય ત્યારે નવી દિલ્હીના વિશાળ બંને બાજુ વૃક્ષવીથિકાવાળા માર્ગો પર ચાલવાનો આનંદ લેવાનો અવસર ત્યાં હોઉં તો લેવાનું હું ચૂકતો નથી. આ બધા દિવસો દિલ્હીમાં રાજકીય પરિદૃશ્યના, પરિવર્તનના હતા; ગરમાગરમીના હતા; પણ આ સવાર જાણે અહીંના વિસ્તારમાં મુક્ત છે. આ વિસ્તાર એટલે એક બાજુ કલાસંસ્થા ત્રિવેણી, શ્રીરામ આર્ટ સેન્ટર, આર્કિયૉલૉજિકલ મ્યુઝિયમ; બીજી બાજુ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા; ત્રીજી તરફ સાહિત્ય અકાદેમી, સંગીતનૃત્યનાટ્ય અને લલિત કલા અકાદેમીનું રવીન્દ્રભવન અને પ્રસિદ્ધ મંડી હાઉસ વચ્ચે એક વિશાળ ટ્રાફિક આઈલેન્ડ. સવારસાંજ રસ્તા વાહનથી ઊભરાવા છતાં ચાલવા માટે સારા છે.

સૂરજ ઊગી ગયો હતો અને હળવો કંપ ઉપજાવતો પાનખરનો પવન પાંદડાં ખેરવતો હતો, રસ્તાઓ સાફ થતા હતા, બસ સ્ટેન્ડો પર ઉતારુઓ ઊભવા લાગ્યા હતા. ઠંડી એક તાજગી આપતી હતી, જેનો સ્પર્શ પામી હું ફરી પાછો બારહખંભા રોડ ઉપરના જે.એન.યુ. (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું ટૂંકું, લાડકું નામ)ના ગોમતી અતિથિગૃહમાં પાછો આવી ગયો અને મારા રૂમમાં જવાને બદલે ગરમ ગરમ ચાના ઘૂંટ ભરવા કૅન્ટીન તરફ વળી ગયો. કાઉન્ટર ઉપર બે ચા અને એક ટોસ્ટનો ઑર્ડર આપી હું ખાલી ટેબલ માટે કૅન્ટીનમાં નજર દોડાવવા લાગ્યો. ટેબલ તો એકે ખાલી નહોતું, પણ ખૂણા ઉપરના એક ટેબલે માત્ર એક વ્યક્તિ શાલ ઓઢી નિજમાં નિમગ્ન હોય એમ બેઠી હતી – કદાચ ચાની રાહ જોવાતી હોય. હું તેમની સામે જઈ આસ્તેથી બેઠો; પછી એમની સામે જોયું. પરિચિત મોં-કળા. એમણે મારી સામે જોયું અને ઊંડાણમાંથી ઉષ્મા વીંટાળી બોલતા હોય એમ બોલ્યા : ભોલાભાઈ!

હવે મારો વારો હતો. પરિચિત ચહેરાઓના વનમાં હું આ ચહેરો અને એની પાછળનું નામ શોધંશોધ કરી રહ્યો, ત્યાં જાણે પાર પામી જતા હોય એમ બોલ્યા, ‘મૈં રામ, રામચંદ્ર ગાંધી.’

અંધકારમાં દીવો થતાં હું એકદમ ઊભો થઈ ગયો અને એમની નિકટ પહોંચી ગયો. એ ઊભા થઈ ગયા. અમે ભેટી રહ્યા.

રામચંદ્ર ગાંધી અહીં? હા, એ પણ કદાચ જે.એન.યુ.ના કોઈ પરિસંવાદમાં આવ્યા હોય. કહે, હું તો અહીં બંગાળી માર્કેટ નજીક આવેલી સેન્ટ્રલ લેનમાં રહું છું. રોજ સવારે ચા પીવા અહીં આવું છું. આ કિશોર ગરમ ગરમ ચા રોજ મને તૈયાર કરી આપે છે.

મારા હૃદયમાં હજી આવેશ શમ્યો નહોતો. એમને અમસ્તાય ઘણી વાર યાદ કરું છું. આ રામચંદ્ર ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર, દેવદાસના પુત્ર. માતૃપક્ષે રાજાજીના દૌહિત્ર. ઑક્સફર્ડમૅન. ત્યાં ફિલૉસૉફી ભણ્યા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિના ચિંતક, પણ ઓલિયા માણસ. એકદમ ભારતીય અદ્વૈતદર્શન અને રમણ મહર્ષિના વિચારોના અનુરાગી. શાંતિનિકેતનમાં તુલનાત્મક ધર્મોના અધ્યાપક તરીકે નિમાઈને આવેલા, ત્યારે હું પણ એક વર્ષ માટે ત્યાં હતો. અમે ઘણી વાર મળતા. એમનું મોં, ખાસ તો લમણાનો ભાગ જોતાં ગાંધીજી મોં-કળા (છબીમાં જ જોઈ છે) અચૂક યાદ આવે.

શાંતિનિકેતનના માર્ગો પર માથે વાંસનું મોટું ઘેરાવાવાળું ટોપું પહેરીને ચાલતા હોય. લારી પાસે ઊભા રહી કેળાં પણ ખાતા હોય. કેટલીક સાંજે પંચવટીના મારા આવાસે આવી પહોંચે.

‘ભોલાભાઈ હૈં?’

પછી બેસે. હૃદયથી વાતો કરે. આંખોમાં હંમેશાં આર્દ્રતા. મારી દીકરી મંજુ એ દિવસોમાં વિધવા થયેલી એનો ઘા મારા હૃદય પર તાજો હતો. મને આશ્વાસન એવી રીતે આપે કે જીવને શાતા થાય.

નાસ્તો આવ્યો. ચા આવી.

શાંતિનિકેતનથી છૂટા પડ્યા પછી એક વાર અમદાવાદમાં એમને મળવાનું થયેલું. અમે ઘર-પરિવારની વાતો પણ કરી. મારી દીકરી મંજુના ખબર પૂછ્યા. એમની દીકરી લીલા ઑક્સફર્ડમાં અત્યારે શેક્સપિયર પર, એના હૅમ્લેટ નાટક પર પીએચ.ડી. કરી રહી છે, એ કહ્યું, (રામચંદ્ર ગાંધીનાં પત્ની એમનાથી છૂટાં થઈ ગયાં છે. દીકરી લીલા એમની સાથે છે.) લીલાની વાત કરતાં કહે : લીલાએ કહ્યું કે, ‘બાબા, યહ હૅમ્લેટ તો સાધક હૈ, મેં ઉસ પર કામ કરના ચાહતી હૂં.’ મેં એને અનુમતિ આપી. ભારતીય દૃષ્ટિથી એ હૅમ્લેટનું મૂલ્યાંકન કરી શકશે એમ મને લાગી ગયું.

ઘણી બધી વાતો થઈ. ચૂંટણી દરમ્યાન રાજમોહન ગાંધી (એમના ભાઈ થાય)ના મતવિસ્તારમાં પણ કામ કર્યું. પછી કહે : હમણાં એક કાર્ડ તૈયાર કરાવ્યું છે. આમ તો ગ્રીટિંગ કાર્ડ, ખાસ તો નવ વર્ષ, પણ તેમાંય ગાંધીનિર્વાણ અને પછી ઈસ્ટર માટે – પણ બધા પ્રસંગો આમ તો. રામ ગાંધીને ચિત્રકળામાં ઘણો રસ. શાંતિનિકેતનમાં નિયમિત રીતે રવીન્દ્રનાથનાં પેઇન્ટિંગ્ઝ, જે રોજ પાંચ-છની સંખ્યામાં જ મૂકવામાં આવતાં, તે જોનાર અલ્પસંખ્યક મંડળીમાં એ હોય.

કાર્ડની છબિ અને સંદેશની વાત કરી.

કાર્ડમાં જે ફોટો છાપ્યો છે તેમાં ચીનના બાઇજિંગ નગરના ટેએનમીન સ્ક્વેરની ઘટના છે. સ્વતંત્રતા માટે સ્ક્વેરમાં ભેગા થયેલા હજારો ચીની છાત્રોને ટોપાધારી સૈનિકોએ નૃશંસ રીતે વીંધી નાખેલા એ ઘટના આપણે સૌ જાણીએ છીએ. કાર્ડના ફોટોચિત્રમાં ટોપાધારી સૈનિકો વચ્ચે બે હાથ જોડી એક ચીની શિશુ પ્રાર્થના કરી રહ્યો છે. ફોલ્ડ કરેલા કાર્ડના બીજા ભાગ પર મહાત્મા ગાંધીની ઇન ધ મિડસ્ટ ઑફ…વાળી પંક્તિઓ છે.

આ કાર્ડ માટે પરબીડિયું તૈયાર કર્યું છે, તેમાં આછા રેખાંકનમાં જેલના સળિયા પાછળ બેસીને વાંચતા ગાંધીજીની તસવીર છે. રામ ગાંધીએ પછી કહ્યું, સાંજે તમે ત્રિવેણીમાં આવશો તો કાર્ડ બતાવીશ. પછી કહે, આ કાર્ડ ચૅરિટી ફંડ માટે તૈયાર કર્યું છે. દશ રૂપિયાનું એક કાર્ડ છે. ગુજરાતમાં મિત્રો એ ખરીદશે એવી આશા છે. મેં કહ્યું, ૫૦ કાર્ડ તો મને અમદાવાદ મોકલી જ આપશો.

અમે છૂટા પડ્યા. સાંજે ત્રિવેણીમાં ન મળાયું, પણ અઠવાડિયા પછી એક પૅકેટમાં કાર્ડ આવ્યાં. અધીરાઈથી પૅકેટ ખોલી કાર્ડ જોયું. પેલી ટોપાધારી સૈનિકો વચ્ચે પ્રાર્થના કરતા ચીની શિશુની તસવીર જોતો જ રહી ગયો. શું બાળકના મોઢા પર ભાવ છે. ભલભલા અઘોરીની સુપ્ત માનવ્યતા જાગી ઊઠે. એના જોડેલા ટચૂકડા હાથ, નાની મુદ્રા, ચાર ચાર આંગળીઓ, જુદો દેખાતો અંગૂઠો અને જરા નમેલું ચીની મોઢું (જરા દબાયેલા નાકવાળું) અડધી બીડેલી આંખો, કપાળે આવેલા વાળ. જોયા જ કરું. સૈનિકોના પ્રતીક રૂપે તો ચારે બાજુ ટોપા-હેલમેટ. હેલમેટ વચ્ચે જોડહસ્ત શિશુ કાદવ વચ્ચે ખીલી ઊઠતું કમળ હિંસા ઉપર પ્રેમનો વિજય – ગાંધીજીનો જ સંદેશ. સર્વ દેશ માટે, સર્વ યુગ માટે, આખી માનવજાતિ માટે. કાર્ડના બીજા ફોલ્ડ પર ગાંધીજીનાં વચનો છે જ.

કાર્ડ માટેના પરબીડિયા પર ગાંધીજીની આછી તસવીર છે. જેલના સળિયા પાછળ બેસીને લખી રહેલા ગાંધીની તસવીર પણ કહી જાય છે કે અંતરાત્માના અવાજને ચૂપ કરી શકાતો નથી. કાર્ડ ખરીદવા માટેની અપીલના પરિચયપત્રમાં આ સંદેશ અંગ્રેજીમાં મિતાક્ષરી શૈલીમાં સમજાવ્યો છે, પણ હું તો રામચંદ્ર ગાંધીના જ શબ્દો, જે એમણે મને લખેલા પત્રમાં છે, ટાંકું છુંઃ

‘આપસે બરસોં બાદ મિલકર આનંદ હુઆ – બીતે હુએ દિન યાદ આ ગયે.

સાથ ૫૦ કાર્ડ લિફાફે સમેત ભેજ રહા હૂં. મેરી આશા હૈ, અમદાવાદ સે પ૦૦ કાર્ડ કી માંગ આયેગી. ક્યોકિ ઇસ કાર્ડ કી પ્રાસંગિકતા બઢતી જાતી હૈ. લિફાફે મેં ગાંધીજી કી તસવીર દુનિયાભર કે અંતરાત્મા કી ગિરફતારી ઔર અમરતા દોનોં કા પ્રતીક હૈ.

ઔર હિંસા કે દલદલ (કાદવ) સે ઉપર ઊઠતા હુઆ બાલક નવયુગ કા સ્વાગત કર રહા હૈ, નઈ ચેતના કો પ્રણામ કર રહા હૈ.

ઇસ કાર્ડ કા સંદેશ ચીન કી આલોચના (ટીકા) નહીં કર રહા હૈ. કાર્ડ કા લિફાફા (પરબીડિયું) ભારત કી આલોચના નહીં કર રહા હૈ. વિનમ્રતા ઔર આત્મવિશ્વાસ કે સાથ દોનોં દેશ સે કાર્ડ પ્રાર્થના કરતા હૈ કિ અંતરાત્મા ઔર પ્રજાતંત્ર રિહા (મુક્ત) હોં. પર કાર્ડ કા સંદેશ સાર્વભૌમ હૈ. ચીન ઔર ભારત તક સીમિત નહીં.

ગાંધીજી કા સંદેશ આજ કી ભાષા મેં ‘અસતો મા સદ્ ગમય…’ વૈદિક મંત્ર કી ગૂંજ હૈ! કલિયુગ કી સાંત્વના હૈ, નિર્માણમંત્ર હૈ આનેવાલે ‘મિલેનિયમ’ કા, સહસ્ર વર્ષ કે દૌર કા. –આપકા, રામચંદ્ર ગાંધી’