બોલે ઝીણા મોર/તન્વી શ્યામા…


તન્વી શ્યામા…

ભોળાભાઈ પટેલ

ઘણી વાર થાય કે આ કવિલોકોય ખરા છે – પછી એ પ્રાચીન કવિ હોય કે અર્વાચીન, પરદેશી ભાષાના હોય કે આપણી ભાષાના. ભલે એ બધા કલ્પનાલોકના જીવ કહેવાતા હોય; પણ મનુષ્યના અંતઃકરણની કેટલી બધી સાચી વાતો કહેતા હોય છે! અનેક વાર આપણને થાય કે કોઈ અપૂર્વ અનુભવમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, અગાઉ કોઈને આવું આવું નહિ થયું હોય; પણ કોઈ કવિની ચોપડીમાંથી પસાર થતાં એવું લાગે. અરે આ વાત તો હજાર વર્ષ પહેલાંનો આ કવિ પણ કહી ગયો છે! નારીની કલ્પનાની બાબતમાં તો આવું ખાસ બન્યું છે.

આપણે નારી વિષે ગમે તેવી અદ્ભુત કલ્પના, આપણા મનથી જાણે પહેલી વાર કેમ ન કરતા હોઈએ; એવી કલ્પના કોઈ ને કોઈ કવિમહાશયે કરી દીધી જ હોય. બેવફા નારી વિષે ભર્તૃહરિ અને શેક્સપિયર ક્યારેક એક વેવલેન્થ પર જોવા મળે. પણ એ વિષે વાત નથી કરવી. વાત નારીની સુંદરતાની કરવી છે, અથવા એક સુંદર નારીની વાત કરવી છે.

દરેક કવિએ – કલાકારે નારીની સુંદરતાની વાત કરી જ છે. દરેકની પોતાની એક સ્વપ્નકન્યા હોય છે. કવિ હોય કે ન હોય; પણ કવિ હોય એટલે એની કવિતા કરે. પણ કવિતા ન લખે એવા સૌ હૃદયકવિઓ મનોમન તો સુંદર નારીની કલ્પના તો કરતા હોય છે. એટલે રવિ ઠાકુરે નારી વિષે કવિતા કરતાં કહ્યું :

Woman, you are one-half woman
one-half dream.

નારી – તું અર્ધી નારી અને અર્ધી કલ્પના છે! માત્ર વિધાતાએ નારીને ઘડી નથી, પુરુષે પણ તેનામાં સૌંદર્ય સીંચી પોતાના અંતરમાંથી એને ઘડી છે. અને કવિલોકો તો સોનાના ઉપમાસૂત્રથી વણેલા વસ્ત્ર વડે એને શણગારે છે. પાર્વતીનાં અંગ-ઉપાંગોના વર્ણન પછી કવિ કાલિદાસ ભલે કહેતા હોય કે વિધાતાએ એક જ સ્થળે જગત આખાનું સૌંદર્ય જોવા માટે પાર્વતીને ઘડી છે (એકત્ર સૌંદર્ય દિદક્ષુ એવ), પણ એ કવિ કાલિદાસની સૃષ્ટિ છે. (આવી એક પાર્વતીની શિલ્પમૂર્તિ ભુવનેશ્વરનના લિંગરાજ મંદિરના ગભારાની ઉત્તર દીવાલે છે.)

હજી અષાઢ છે અને ‘મેઘ પર મેઘના ડુંગર ડોલી રહ્યા છે.’ એટલે કાલિદાસનો હજી મન પરથી કબજો છૂટ્યો નથી, વિશેષે એના ‘મેઘદૂત’નો. પથારીમાં એક બાજુએ ‘મેઘદૂત’ પડ્યું હોય છે. આ દિવસોમાં વિરહિણી પ્રિયા માટે યક્ષનો સંદેશો લઈને જતો આ મેઘ આખરે છે શું? કાલિદાસ કહે છે તેમ એ માત્ર ‘ધૂમ્રજ્યોતિ સલિલ પવનનો સમવાય’ છે? કોઈએ ઠીક જ કહ્યું છે કે ‘મેઘદૂત’નો મેઘ એ તો વિરહી યક્ષનું હૃદય છે, એની જ અતૃપ્ત વાસનાની તૃપ્તિ મનકલ્પિત ચિત્રોથી કવિએ કરાવી છે.

પણ આ યક્ષ તો કાવ્યવિવેચનની પરિભાષામાં કહીએ તો કવિએ યોજેલા ‘પર્સોના’ – એક માસ્ક-મહોરું છે. એની પાછળ તો સ્વયં કવિ છે. આ કવિએ આપણને માલવિકા આપી છે, શકુન્તલા આપી છે, ઉર્વશી આપી છે, પાર્વતી આપી છે, ઇન્દુમતી આપી છે, પરંતુ સંપૂર્ણ સૌંદર્યની મૂર્તિ કવિકલ્પનાથી પણ પૂરેપૂરી ક્યાં ઘડાય છે? એણે ‘મેઘદૂત’માં યક્ષપ્રિયા ઘડી છે. આ યક્ષપ્રિયા જનવસ્તીથી દૂર કૈલાસની ગોદમાં વસેલી અલકાનગરીમાં રહે છે. અલકાનગરી પણ એક સ્વપ્નનગર છે, અને યક્ષપ્રિયા એ સ્વપ્નનગરમાં રહેતી સ્વપ્નકન્યા. સદેહે તો કોઈ નર ત્યાં જઈ શકે નહિ એટલે મેઘની પાંખે.

કુબેરનગરી-અલકાનગરીમાં તો દુઃખ કે જરાવાર્ધક્ય જેવું કાંઈ હોતું નથી. યૌવન જ એક વય હોય છે અને આનંદનો જ એક ભાવ હોય છે. પણ ‘મેઘદૂત’નો આ યક્ષ દુઃખી છે, કેમ કે એને અલકાનગરીમાંથી દેશવટો આપવામાં આવ્યો છે. મિલ્ટનની ભાષામાં ‘ફૉલ ઑફ આદમ’ – ઈડન ગાર્ડનમાંથી આદમનું પતન, પણ એની સાથે પતનમાં પણ ઈવ હતી. અહીં તો એકલા યક્ષને જ હાંકી કાઢવામાં આવ્યો, પણ આદમની જેમ સદા માટે નહિ, માત્ર એક વર્ષ માટે.

યક્ષનો દોષ શો હતો? બિચારું દંપતી કિલ્લોલ કરતું હતું. એના સ્વામી ધનપતિ કુબેરે ભ્રકુટી કેમ વાંકી કરી? કહે છે કે આ યક્ષને કુબેરે માત્ર એક કામ સોંપ્યું હતું. – રોજ પ્રાતઃકાળે તાજાં હજાર કમળો કુબેર માટે લઈ આવવાનાં. પણ આ ભઈલાને વહેલી સવારે પ્રિયાનો સંગ છોડી જવાનું ગમે નહિ. આગલી સાંજે જ કમળ લાવી રાખતો અને પછી બીજી સવારે જઈ આપી આવતો. એક વાર સાંજે બિડાયેલા કમળમાં ભમરો કેદ થઈ ગયેલો તે સવારમાં આપેલા કમળમાંથી બહાર નીકળ્યો. કુબેર સમજી ગયા કે આ તો વાસી કમળ છે. ક્રોધિત થયા. ફરજપાલનમાં બેદરકારી માટે યક્ષને દંડ કર્યો. એક તો અલકાનગરીમાંથી દૂર દક્ષિણમાં નિર્વાસન, એનો ઊડવાનો મહિમા પણ હરી લીધો. આ દેશવટો એક વર્ષ માટે હતો.

પણ આ પ્રેમાપાગલ દંપતી માટે એક વર્ષ એટલે? બિચારો યક્ષ – એનો આ પ્રથમ વિરહ હતો. જનકતનયા સીતાના સ્નાનથી પવિત્ર બનેલા જળવાળા છાયાઘન વૃક્ષોવાળા રામગિરિ આશ્રમોમાં એણે જેમતેમ આઠ માસ વિતાવ્યા. દૂબળો પડી ગયો. પણ ત્યાં ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ એણે મેઘને જોયો. એની વ્યાકુળતાનો પાર રહ્યો નહિ. મેઘને જોઈ પ્રિયજન સાથે હોય એ પણ વ્યાકુળ બને તો એકબીજાને ગાઢ આલિંગનમાં બાંધવા આતુર વિરહીજનોની તો કેવી દશા થાય?

પછી તો ઉત્તર તરફ જતા મેઘને જ યક્ષે સંદેશવાહક બનાવી પોતાની વિરહિણી પ્રિયાને પોતાના કુશળ સમાચાર મોકલવા ઇચ્છા કરી. મેઘને વિનંતી કરી છે કે અલકાનગરી સુધીનો માર્ગ બતાવ્યો, એ અલકાનગરીમાં પોતાનું ઘર ક્યાં છે, એ પણ બતાવ્યું. હિમાલયમાં કૈલાસ, કૈલાસની ગોદમાં વસેલી અલકાનગરી, અલકાનગરીમાં કુબેરનું ભવન, એ ભવનની પાસે યક્ષનું ઘર – અને એ ઘરમાં છે એક વિરહિણી નારી..

સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ નારીઓના એટલે કે નાયિકાઓના વર્ણનમાં બહુ ઊંડા ઊતર્યા છે. નાયિકાભેદના અને પછી એ નાયિકાના ‘નખશિખ’ એટલે કે પગના નખથી માથાના કેશ સુધીનાં – શિખા સુધીનાં અંગોનું વર્ણન કરતા ગ્રંથો સદીઓ સુધી લખાતા રહ્યા. નાયિકાઓના સૂક્ષ્મ ભેદોપભેદ ગણવા બેસીએ તો લગભગ ત્રણસો ચોરાશી પ્રકારની નાયિકાઓ થવા જાય છે. કુલજા, દિવ્યા, ક્ષત્રિયા, ગણિકા, એમાં પછી વયભેદે મુગ્ધા, મધ્યા, પ્રગલ્ભા; એમાં પછી ધીરા, અધીરા, ધીરાધીરા એમ ભેદ પડતા જાય; પછી એમાં દરેકના આઠ પ્રકારઃ પ્રોષિતપતિકા, વિપ્રલબ્ધા, ખંડિતા, કલહાન્તરિતા, વિરહોત્કંઠિતા, વાસકસજ્જા, સ્વાધીનભર્તૃકા અને અભિસારિકા.

પણ અરે, આ નાયિકાઓની શૃંખલામાં પેલી એકાકિની વિરહિણી યક્ષપ્રિયાને ભૂલી જઈશું. યક્ષ મેઘ સમક્ષ યક્ષપ્રિયાના રૂપનું વર્ણન કરે છે. દંપતી માટે આ પ્રથમ વિરહ છે. આ વિરહાવસ્થામાં એ કેવી લાગતી હશે, શું કરતી હશે, કેવી રીતે દિવસો અને રાત્રિઓ યાપન કરતી હશે, એ બધું વાસનાવિદગ્ધ કલ્પનાથી કહે છે. ખરેખર તો મેઘ તો ત્યાં પહોંચતાં પહોંચશે, યક્ષનું મન તો ત્યાં પહોંચી ગયું છે. એ જુએ છે; જોવા કહે છે એની સુંદરી પ્રિયાને :

તન્વી શ્યામા શિખરિદશના પક્વ બિમ્બાધરોષ્ઠી,
મધ્યે ક્ષામા ચકિતહરિણીપ્રેક્ષણે નિમ્નનાભિઃ |

શ્રોણીભારાદલસગમના, સ્તોકનમ્રા સ્તનાભ્યાં;
યા તત્રસ્યાદ્ યુવતિવિષયે, સૃષ્ટિરાદ્યેવ ધાતુઃ ||

કેવી છે યક્ષપ્રિયા? એ તન્વી છે. એટલે કે પાતળી, એકવડા બાંધાની છે. એ શ્યામા છે. શ્યામા એટલે કાળી નહિ. શ્યામા એટલે યુવતી. એવી યુવતી જેનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવો હોય, જેનાં ગાત્ર શીતકાળમાં સુખોષ્ણ – સુખ આપે એવાં ઉષ્ણ હોય અને ગ્રીષ્મકાળમાં સુખશીતલ – સુખ આપે એવાં શીતલ હોય. (વળી શ્યામા એટલે હજી જેને સંતાન નથી થયું એવી.) શિખરિદશના એટલે મલ્લિનાથને મતે સૂક્ષ્માગ્ર દાંતવાળી. કોઈને મતે ઉંદરદંતી. એવા દાંત ભાગ્યવંતીનાં લક્ષણ ગણાય. પક્વબિમ્બાધરોષ્ઠી – જેનો નીચેનો હોઠ પાકેલા ટીંડોરા જેવો લાલ છે, એટલે કે સહેજ પુષ્ટ પણ છે. મધ્યે ક્ષામા છે, એટલે કે કેડથી પાતળી છે. એ કેડ માટે સંસ્કૃત કવિઓ ક્યારેક મુષ્ટિમેય — મુઠ્ઠીમાં માય એવું વિશેષણ પ્રયોજતા હોય છે. એની આંખો કેવી છે? તો કહે છે કે ચકિત થયેલી હરિણીની આંખો જેવી, ચકિતહરિણીપ્રેક્ષણા (ટાગોરે એમની કૃષ્ણકલીની આંખો માટે ‘કાલો હરિણ ચોખ’ ઉપમા યોજી છે, જેનું મેઘાણીએ ગુજરાતી કર્યું – ‘આંખ બે કાળી હરણાંવાળી રે’.) એ નિમ્નનાભિ છે – એની ડૂંટી ઊંડી છે. સાથળ ભારે હોવાથી જે અલસગતિએ ચાલે છે અને જે સ્તનોના ભારથી સહેજ આગળ ઝૂકેલી છે – સ્ટોકનમ્રાસ્તનાભ્યામ્ — પછી યક્ષ કહે છે કે આ મારી પ્રિયતમા યુવતીઓની બાબતમાં વિધાતાની આદ્યાસૃષ્ટિ છે. એટલે કે વિધાતાનું સર્વોત્તમ સર્જન છે. અર્થાત્ એ વિશ્વસુંદરી છે.

અષાઢનો પહેલો દિવસ તો ક્યારનોય ચાલ્યો ગયો છે, પણ ઘણા ટીકાકારોને મતે વિરહી યક્ષે સુંદર મેઘને અષાઢસ્ય પ્રથમ દિવસે નહિ, પણ ‘અષાઢસ્ય પ્રશમ દિવસે’ પર્વતશિખરે હાથીની જેમ ઢીંક મારતો જોયેલો. ‘પ્રથમ દિવસે’ એટલે છેલ્લે દિવસે. એ પછી તરત શરૂ થનાર છે શ્રાવણ. એટલે હજુ એવું લાગે છે કે આકાશમાં ભમતા મેઘ દૂર વસતી વિરહિણી પ્રિયાઓ માટે વિરહીઓનો સંદેશો લઈ જઈ રહ્યા છે.

ઘણી વાર એવું લાગે છે કે કાલિદાસ મારો સમકાલીન કવિ છે – કે પછી હું આ કલકોલાહલભર્યા વર્તમાનથી ભાગી દૂર પ્રાચીન કાળના કાલિદાસનો સમકાલીન બની જાઉં છું? પલાયન નહિ તો! ૩૧-૭-૮૮