બોલે ઝીણા મોર/પરિચય


પરિચય

ભોળાભાઈ પટેલ

સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

બોલે ઝીણા મોર

લેખકનું અંગત સંવેદનવિશ્વ આ નિબંધોમાં ઝિલાયું છે. પ્રકૃતિ, મનુષ્યસંબંધો, પુસ્તકો, ફિલ્મોના અનુભવો વાચકોમાં વહેંચવાનો – શૅર કરવાનો આનંદ અહીં ખૂબ રસ પડે એ રીતે વ્યક્ત થયો છે. ક્યાંક કુદરતને માણ્યાના હર્ષનું રંગદર્શી રૂપ ઊઘડ્યું છે – જેમ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો…’ એવા નિબંધોમાં; ક્યાંક વિચાર-સંચાર તીવ્રતાથી રજૂ થયો છે – ‘ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે’ જેવા લેખોમાં; ક્યાંક, કોઈ ઉત્તમ ફિલ્મનો આનંદ કોઈ આસ્વાદ-પરિચયરૂપે મુકાયો છે – પીટર બ્રૂકની ‘મહાભારત’ નામની 6 કલાકની અંગ્રેજી ફિલ્મ પરનો નિબંધ આવો એક નમૂનેદાર લેખ છે; ક્યાંક વિશિષ્ટ કાવ્યાસ્વાદ કરાવતું સ્મરણ-અંકન છે – જેમ કે ‘બસ્તીમેં ચાર ચાંદ…’ નામનો નિબંધ; ક્યાંક, અધ્યાપક તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓ સાથેના ચર્ચા-સંવાદનો વિચારોત્તેજક ને સૌને રસ પડે એવો આલેખ છે. આવા વિવિધ વિષયો પરના નિબંધો વાચકને પણ એક તાજગીનો અનુભવ કરાવે છે.

લેખકનું બહોળું વાચન હંમેશાં એમની સ્મૃતિમાં ચમકતું રહે છે ને પ્રકૃતિના આનંદને એ દ્વિગુણિત કરે છે . લેખક કહે છે – ‘કોઈ ઋતુની વાત કરીએ ને કવિ કાલિદાસ ન આવે કે રવિ ઠાકુર ન આવે એવું કેમ બને?’ અનેકવિધ કવિતા ઉપરાંત પૌરાણિક પ્રસંગો અને પાત્રો પણ આ નિબંધોમાં અનાયાસ ઊપસે છે ને લેખકની રસિક બહુશ્રુતતાનો પરિચય આપે છે.

તો, એવા વૈવિધ્યવાળા નિબંધલોકમાં પ્રવેશીએ… —રમણ સોની