બોલે ઝીણા મોર/પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર


પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર

ભોળાભાઈ પટેલ

તિથિ જોવામાં ભૂલ થયેલી. રવિવારે પૂનમ છે, એમ માનેલું. એટલે સંધ્યા સમયે પૂર્વ દિશામાં જરા રતુંબડો ચહેરો લઈ બહાર નીકળતા ચંદ્રને જોયો કે એને પૂનમનો માનીને અભિવંદના કરી. ચૌદશ અને પૂનમના ચંદ્ર વચ્ચે બહુ ફેર લાગે નહિ. ઉર્દૂ કવિઓ તો ‘ચૌદહવી કા ચાંદ’ની વધારે પ્રશંસા કરતા હોય છે. સુંદરતા પૂર્ણતાએ પહોંચે ત્યારે સુંદરતમ નથી હોતી, કેમ કે પૂર્ણતાની ક્ષણે જ એમાં અવક્ષયનો આરંભ હોય છે. ચૌદશ પછી પૂનમ તરફની ગતિ સૌન્દર્યના વિકાસની એક બાકી કળાની અપેક્ષા જગાડે છે. સુન્દરતમ થવા પૂર્વેની અવસ્થાએ સુંદરતાનો ચરમ આવિર્ભાવ થવાનું અનુભવાય છે. ચૌદશનો ચંદ્ર એટલે એ દિવસે પૂર્ણિમાપ્રકલ્પ લાગેલો.

આ વખતે પૂનમની રાત્રિએ ચંદ્રગ્રહણ હતું. આપણે ખગોળશાસ્ત્રી પણ નથી અને જ્યોતિષી પણ નથી. ખગોળશાસ્ત્રમાં રસ ખરો, પણ જ્યોતિષમાં રુચિ જરા પણ નહિ. મિત્ર રઘુવીરની જ્યોતિષપ્રીતિ મને હંમેશાં અચંબો પમાડે છે. ચંદ્ર-રાહુના સકંજામાં ક્યારે પકડાય છે અને ક્યારે મુક્ત થાય છે એવું છાપામાં હતું, પણ વાંચવા છતાં મનમાં નોંધાયેલું નહિ. મધ્યરાત્રે જાગી ગયો, એટલે ઊઠીને બહાર બાલ્કનીમાં આવી આકાશ ભણી જોયું, ચંદ્ર કેટલો પકડાયો છે. પણ ચંદ્ર તો પુરજોશમાં પ્રકાશતો હતો. મને થયું કે ગ્રહણ લાગીને પણ છૂટી ગયું હશે. ચંદ્રના ચહેરા પર પ્રહણથી મુક્ત થવાનો આનંદ દેખાય છે.

બીજે દિવસે સવારે ખબર પડી કે ગઈ કાલે તો ચૌદશ હતી અને પૂનમ તો આજે છે, અને આજે ચંદ્રગ્રહણ છે. વળી પાછી આખા દિવસની પ્રવૃત્તિમાં એ વાત મનમાંથી સરી ગઈ. સંધ્યા થઈ એટલે ચંદ્ર સાંભર્યો. નગરના લોકો જ્યારે ચિત્રહાર સામે બેઠા ત્યારે હળવેકથી હું ઘરની બહાર સરકી ગયો. કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાથી આપણે ત્યાં પણ પવનમાં કંપ હતો. ચિત્રહાર કે ફિલ્મ બતાવાતી હોય ત્યારે થોડી વાર રસ્તા પર ભીડ ઓછી થઈ જતી હોય છે. ઘરની બહાર નીકળી રસ્તા પર હું આવ્યો ત્યારે પૂર્વ દિશામાં જોયું તો ચંદ્રના ચહેરાની એક કોર ઝલાઈ ગઈ હતી. એની સામે જોતો ઊભો રહ્યો. ચંદ્રગ્રહણ જોવાય? ન જોવાય? અશુચિ થઈ જવાય? નાનપણના સંસ્કાર તો એ હતા. બચપણના દિવસોમાંનો ચંદ્રગ્રહણનો એક પ્રસંગ યાદ છે. ઘરમાંથી અશૌચ લાગે એવી ચીજો બહાર કાઢી નાખવામાં આવી હતી. દહીંની મોટી ગોરસીઓમાં દાભ મૂકી દીધેલા, કેમ કે એટલું બધું દહીં ફેંકી દેવાય નહિ.

ઓરડાથી ઓસરી સુધી ઘરને લીંપી દેવામાં આવ્યું. ગ્રહણ ચાલુ રહ્યું ત્યાં સુધી સૌ ઘરની બહાર. ગ્રહણ છૂટ્યા પછી સ્નાન અને ગૃહપ્રવેશ. કેટલાક તો એ સમયે તળાવે નાહવા ગયેલા.

એ વખતે એ વાત અમારા બાળમાનસમાં સાચી હતી કે રાહુ ચંદ્રને ગળી જાય છે. સમુદ્રમંથન અને અમૃતકુંભ વિષે થોડું સમજાયું હતું. પણ એ વખતે એ નહોતું સમજાયું કે દેવોદાનવોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યા પછી છળકપટથી એકલા દેવોએ અમૃત પી જવાની તરકીબ કરી હતી, અને રાહુ અને કેતુને એની ખબર પડી જતાં એ પણ દેવોની લાઇનમાં બેસી ગયેલા, અને અમૃત ગળા નીચે ઊતરે એ પહેલાં ચંદ્ર દ્વારા એમનું માથું કાપી નાખવામાં કેવો અન્યાય હતો. આજે હવે સમજાય છે. પછી એ વખતે ચંદ્ર વિષે બીજી એક કરુણ વાત ભણેલા. દક્ષ પ્રજાપતિની સત્તાવીશ કન્યાઓ સાથે ચંદ્રે લગ્ન કરેલું, તેમાં રોહિણી એને સૌથી પ્રિય. એટલે બાકીની છવ્વીસની ફરિયાદથી દક્ષે ચંદ્રને ‘તને ક્ષય થશે’ એવો શાપ આપ્યો. ચંદ્રે સોમનાથનું તપ કર્યું – શાપ તો નહિ ટળે, પણ પંદર દિવસ ક્ષય થશે અને પંદર દિવસ વૃદ્ધિ થશે એવી છૂટછાટો આપી. આ પણ સાચું હતું અમારે મન.

સૌથી સાચી વાત તો બા અને મોટી બહેનો પાસેથી સાંભળેલીઃ ‘ચાંદો સૂરજ લડતા’તા. લડતાં લડતાં કાંડી જડી. કાંડી મેં વાડમાં નાખી. વાડે મને વેલો આપ્યો.’ એ વાત. હમણાં નાના જગતને જાડા કોરા કાગળ ક્લિપ કરીને આપ્યા, કહ્યું : ‘કવિતા લખ. કિન્નરી ચિત્ર દોરે.’ પછી હું ભૂલી ગયો. સવારે પેલા ક્લિપ કરેલા કાગળમાં કવિતા જોઈ :

ચાંદો સૂરજ રમતા’તા.
રમતાં રમતાં કોડી જડી.

બાળમનોવિજ્ઞાની શિક્ષણકારોએ જૂની વાત બદલી નાખી. ચાંદોસૂરજ લડતા’તા એમ નહિ પણ રમતા’તા. બીજી વાત એ કે અમે કાંડીને ઉત્તર ગુજરાતની બોલીભેદે કુહાડી જ સમજતા. લડતા હોય પછી કુહાડી જ હોય ને! રમવાની કોડી છે, એ તો પછી સમજાયું. ચંદ્રમાં દેખાતા ડાઘ વિશેની કથા નાનપણથી મા (દાદી) પાસેથી જાણેલી. ચંદ્ર એક વાર નીચે ઊતરી આવેલો, તે એક રબારણે વલોણું કરતાં કરતાં મસોતું લગાડી ઊંચે ઠેલ્યો. એ મસોતાનો ડાઘ રહી ગયો છે. એના ખોળામાં હરણ છે, એ બૌદ્ધજાતકની વાત પણ જાણેલી.

ચંદ્ર સાથે શરૂઆતની આત્મીયતા તે આવી નિકટની. પછી ભૂગોળ ભણ્યા. પૃથ્વી ગોળ હોવાની, સૂર્યની આજુબાજુ ફરતી હોવાની વાત મનમાં ઊતરે નહિ. તો પછી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એ કેવી રીતે? ધીમે ધીમે સમજાતું ગયું. સમજાતી ગઈ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણની વાત, પણ પેલા પુરાકલ્પનની વાત પણ નવી રીતે સમજાઈ. એને કપોલકલ્પિત સમજી હસી કાઢી નાખી નથી. એ વાત તો પછી, એ પહેલાં ચંદ્ર સાથે પરિચયનો બીજો તબક્કો શરૂ થયો હતો અને એ હતો ચંદ્ર વિષેની કવિતાઓનો.

મા મને ચાંદલિયો આલો
મા મારા ગજવામાં ઘાલો.

હજી પણ એ સંધ્યાને સ્મરું છું, જ્યારે ખેતરેથી પાછાં આવતાં મોડું થયેલું અને ચંદ્ર ઊગી ગયેલો. હું ચાલું એટલે એ ચાલે, હું દોડું એટલે એ દોડે. વિસ્મિત થયેલો હું. આજે આપણા ચાલવા સાથે ચંદ્ર ચાલતો દેખાય, તો વિસ્મય પામતા નથી. એ ભોળો અચંબો ક્યાંથી લાવવો હવે?

મેં ચાલતાં ચાલતાં આકાશમાં ચંદ્ર સામે જોયું. એના ત્રીજા ભાગમાં છાયા ફરી વળી હતી. આકાશ જાણે મલિન લાગતું હતું. ચંદ્રની નજીક સ્વાતિનો જ તારો હશે, ઝાંખો લાગતો હતો. આ બાજુ તેજસ્વી મૃગશીર્ષ પણ ઝાંખું હતું. ઉત્તરમાં શર્મિષ્ઠાનો અંગ્રેજી આકારનો M—એમ પણ ઝાંખો. મને થયું, આખું નક્ષત્રમંડળ મ્લાન બની ગયું છે — જ્યારે નીચે અમદાવાદ નગર તો પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.

કવિઓએ સુંદર ચહેરા માટે જે ઉપમાનો સૌથી વધારે વાપર્યાં છે, તે છે ચંદ્ર અને કમળ. ચંદ્ર જેવું મુખ, કમળ જેવું મુખ. ચંદ્રાનના, કમલાનના. ચંદ્ર શું સાચે જ સુંદર છે? અમસ્તુ જ સુંદર ચહેરાને કોઈ ‘ચાંદ કા ટુકડા’ કહેતું હશે? ચંદ્ર વિષે દુનિયાની બધી ભાષામાં કવિતાઓ છે. ખૂબી તો એ છે કે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો અને ચંદ્ર ગ્રહનું બધું સંશોધન-પરીક્ષણ થયું એ પછી પણ ચંદ્ર વિષે રોમૅન્ટિક કલ્પનાઓ ઓછી થઈ નથી.

માન્યું કે ચંદ્ર પણ એક ગ્રહ છે. એમાં ખાડાટેકરા છે. ત્યાં મનુષ્યવસ્તી તો શું કોઈ સચેતન જીવનનું અસ્તિત્વ નથી. આ બધું જાણ્યા છતાં ચંદ્રનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. આકાશમાં ચંદ્ર જોતાં એવું બધું ભુલાઈ જાય છે. એ ચંદ્રની ચાંદની ધરતી પર પથરાયેલી જોઈ આપણે ભૂલી જઈએ છીએ કે આ ઊછીનો પ્રકાશ છે. આપણા પર અસર રહે છે ચાંદનીના સૌંદર્યની.

હું ખુલ્લા મેદાનમાંથી હવે ચંદ્ર ભણી જોતો હતો. એનો પોણો ભાગ છાયા નીચે આવી ગયો હતો. બેત્રણ હોસ્ટેલવાસી છોકરા સાઇકલ પર જતા હતા. તેઓ ચર્ચા કરતા જતા હતા, આ તો ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો છે પડછાયો. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી ગઈ છે! પરંતુ ચંદ્રના ક્ષીણ તેજબિંબ તરફ જોતાં ભૂગોળ-ખગોળની વાત યાદ આવવાને બદલે કવિઓની જ વાત વધારે યાદ આવે. કવિઓ મગજને કન્ડિશન કરી દેતા હોય છે.

ચંદ્રપ્રેમી માટે અંગ્રેજીમાં એક શબ્દ ‘લ્યુનાટિક’ છે અને લ્યુનાટિકનો અર્થ પાગલ પણ થાય છે. પોએટ અને લ્યુનાટિકને એકસરખી કલ્પનાઓ આવે છે એવું શેક્સપિયરે કહ્યું છે, અને હા, લવર-પ્રેમીને પણ. ચંદ્રની ચાંદની સાથે જેટલો કવિઓને અનુરાગ છે, એટલો સંસારભરનાં પ્રેમીઓનો – ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં સૌનો રહ્યો છે. ભવિષ્યનાં પ્રેમીઓનો પણ રહેશે. ચાંદની માણસના મગજમાં ઊતરી જતી હોય છે – પ્રિયજન સાથે હોય ત્યારે તો ખાસ. પછી એ પ્રેમી ક્વચિત્ કવિ બની જાય, ક્વચિત્ લ્યુનાટિક બની જાય. જીવતા માણસે થોડાક તો લ્યુનાટિક બનવું જોઈએ. એવું કહીએ કે ક્યાંક વક્ર થઈ મજાક કરતું સ્મિત પણ જોવા મળે.

મેદાનની ધારે એક અપત્ર વૃક્ષ નીચે હું થોડી વાર ઊભો રહ્યો. આખો ચંદ્ર ઢંકાઈ ગયો હતો. એનું છાયારૂપ દેખાતું હતું. આ ચંદ્રનું ઉપમાન કવિ કયા ઉપમેય માટે પ્રયોજી શકે? કોઈ મ્લાનમુખી વિરહિણી? પોતાના કલંકની વાત સાંભળી જેના ચહેરા પર કાલિમા ફરી વળી છે એવી સીતા?

ફરીને પાછો આવ્યો ત્યારે સોસાયટીને ઝાંપે એક કિશોર ગ્રહણગ્રસિત ચંદ્ર તરફ જોઈ રહ્યો હતો. મેં પૂછ્યું, તું કારણ જાણે છે, ચંદ્રગ્રહણ કેમ થાય છે એનું? એની ઉમ્મરે મેં રાહુ ચંદ્રને ગળી જાય છે એવો કદાચ જવાબ આપ્યો હોત. એણે તો મૌખિક પરીક્ષામાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપતો હોય તેમ ચપળતાથી જવાબ આપ્યો : સૂર્ય-પૃથ્વી અને ચંદ્ર એક લીટીમાં આવતાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્ર ગ્રહણથી મુક્ત થવા લાગ્યો હતો.

મોડી રાતે જોયું, ચંદ્ર પૂર્ણપણે પ્રકાશી રહ્યો હતો. મ્યુનિસિપલ કૉર્પોરેશનના પાણીવિભાગે સનાતની સ્નાનાર્થીઓ માટે રાત્રે પાણીનો પુરવઠો પૂરો પાડ્યો હતો. પણ મેં સૂતાં પહેલાં બાલ્કનીમાં ઊભા રહી ગ્રહણમુક્ત પ્રસન્ન ચંદ્રનું ‘ગુડ નાઇટ, ડિયર’ કહી અભિવાદન કરી લીધું.