ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગોઠવી આપો

૫૯
ગોઠવી આપો

વહ્યાં’તા એ ક્રમે આંસુનાં મોતી ગોઠવી આપો,
તમે બે આંખથી ટપકેલી જોડી ગોઠવી આપો.

ભળી ગઈ છે બધીયે એકબીજામાં દુકાનેથી,
હવે એ પહેરવા ચણિયા ને ચોળી ગોઠવી આપો.

તમે વિદ્યાર્થીઓની ગોઠવો છો એ બરાબર છે,
ભણાવે એની પણ કોઈ કસોટી ગોઠવી આપો.

તમે સંઘર્ષ બહુ સારો કર્યો છે એટલા માટે,
સહજ રીતે બીજા જણનીય રોજી ગોઠવી આપો.

શિશુએ આવીને એવું કહ્યું કાગળ બતાવીને,
નદી દોરી છે, એમાં તરતી હોડી ગોઠવી આપો.

અભણ ને ગ્રામ્ય લોકો જે રીતે વાતો કરે છે એ,
બરાબર સાંભળો ને એવી બોલી ગોઠવી આપો.

(ચિત્તની લીલાઓ)