ભરત વિંઝુડાની ગઝલસંપદા/ઢોલક

૬૭
ઢોલક

બેઉ પગ પર બિરાજશે ઢોલક,
સૂરને તાલ આપશે ઢોલક.

હોઈએ સામસામે તો પણ શું?
બેઉ બાજુએ વાગશે ઢોલક.

નૃત્ય કરતાં ન આવડે સહેજે,
પણ કોઈને નચાવશે ઢોલક.

ચામડું છે કોઈ પશુનું એ,
અસ્થિ પોતાનાં શોધશે ઢોલક.

ઢોલ અથવા તો ઢોલકી કહીએ,
ખૂબ ખોટું લગાડશે ઢોલક.

શું ભજનમાં કે શું કવાલીમાં?
એક સરખાં જ લાગશે ઢોલક.

(તમારા માટે)