ભરત વિંઝુડાની ગઝલસંપદા/તમે કવિતા છો

૪૪
તમે કવિતા છો

તમે કવિતા લખો નહીં, તમે કવિતા છો,
સ્વયંની સામે પડો નહીં તમે કવિતા છો!

જુઓ તમારી નજીકમાં બધું કવિતામય,
બની ગયું છે જશો નહીં, તમે કવિતા છો!

નહીં તમારા વગર ચાલે વાસની માફક,
નજરથી દૂર રહો નહીં, તમે કવિતા છો!

એ જાણતલ છે બધા જાણે છે પિછાણે છે,
ભલે કોઈને કહો નહીં, તમે કવિતા છો!

સ્વરૂપ સૃષ્ટિમાં ઈવરનું હોય છે એવું,
તમારું છે એ ભૂલો નહીં, તમે કવિતા છો!

સરસ્વતીનું છે વરદાન કોઈના ઉપર
તમે બધાને મળો નહીં, તમે કવિતા છો!

(તમે કવિતા છો)