ભરત વિંઝુડાની ગઝલસંપદા/દૂરી કરી
૩૦
દૂરી કરી
દૂરી કરી
લાલ લીલી જાંબલી ભૂરી કરી,
તું અધૂરી છે, તને પૂરી કરી!
મારી પાસે હું જ છું એવી નહીં,
તુંય છે, એવી મેં મગરૂરી કરી!
હું જરા નજદીક આવ્યો એટલે,
તીરને ટૂંકા કરી છૂરી કરી!
એક તકિયો વચ્ચે આવી જાય છે,
આવીને તેં આટલી દૂરી કરી!
તેં મને બેસાડી ઊંચા આસને,
મારી હાલત કેટલી બૂરી કરી!
(લાલ લીલી જાંબલી)