ભરત વિંઝુડાની ગઝલસંપદા/સુંદર થવાનું

૨૯
સુંદર થવાનું

હોય છે એથી બહેતર થવાનું
આ જગત ખૂબ સુંદર થવાનું

એકબીજાની વચ્ચે થયેલી
વાત છે તો વતેસર થવાનું

એ નદી તો વહેતી રહેશે
જળને આપી સમંદર થવાનું

ઓરડો એક છે સાવ ખાલી
એમાં રહીએ તો એ ઘર થવાનું

જાણતા હોય છે એ મળે છે
શું મળીને પરસ્પર થવાનું

ફેરવી નાંખ પુસ્તકની ભાષા
મન થયું છે નિરક્ષર થવાનું

(આવવું અથવા જવું)