ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/કાગડાનું જોડું અને કાળો નાગ


કાગડાનું જોડું અને કાળો નાગ

કોઈ એક પ્રદેશમાં એક મોટા વૃક્ષ ઉપર કાગડાનું એક જોડું રહેતું હતું. તેમાંના કાગડીને જ્યારે પ્રસવ થાય ત્યારે તે વૃક્ષની બખોલમાંથી એક કાળો નાગ નીકળીને સદા તેનાં બચ્ચાંને ખાઈ જતો હતો. આથી ખેદ પામીને તે કાગડીએ એક બીજા વૃક્ષના મૂળમાં રહેનારા તેમના પ્રિય મિત્ર એક શિયાળ પાસે જઈને કહ્યું, ‘ભદ્ર! આ પ્રકારની પરિસ્થિતિમાં અમારે શું કરવું? આ દુષ્ટાત્મા કાળો નાગ તો બખોલમાંથી નીકળીને અમારાં બાળકોને ખાઈ જાય છે. માટે તેમની રક્ષા માટેનો કોઈ ઉપાય કહો.

જેનું ખેતર નદીકિનારે હોય, જેની પત્ની બીજાની સોબતમાં હોય અને જેનો વાસ સર્પવાળા ઘરમાં હોય તેને કેવી રીતે નિરાંત વળે? વળી ત્યાં રહેતાં પ્રતિદિન અમારું જીવન પણ જોખમમાં હોય છે.’

શિયાળ બોલ્યો, ‘આ બાબતમાં વિષાદ કરવા જેવો નથી. ખરેખર, એ દુષ્ટનો વધ યુક્તિ વિના કરી શકાશે નહિ. યુક્તિ વડે શત્રુ ઉપર જેવો જય મેળવી શકાય છે તેવો શસ્ત્રો વડે મેળવી શકાતો નથી; યુક્તિ જાણનારો અલ્પ કાયાવાળો હોય તો પણ શૂરવીરો તેનો પરાભવ કરી શકતા નથી

તેમ જ

મોટાં, મધ્યમ કદનાં અને નાનાં ઘણાં માછલાં ખાધા પછી અતિ લોલુપતાથી કરચલાને પકડવાને કારણે કોઈ એક બગલો મરણ પામ્યો.’

કાગડા-કાગડીએ કહ્યું, ‘એ કેવી રીતે?’ શિયાળ કહેવા લાગ્યો —