ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/વિષ્ણુનું રૂપ લેનાર વણકર અને રાજકન્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષ્ણુનું રૂપ લેનાર વણકર અને રાજકન્યા

કોઈ એક નગરમાં એક વણકર અને એક સુથાર વસતા હતા. તેઓ જન્મથી જ સહચારીઓ હતા. પરસ્પરમાં અત્યંત સ્નેહવાળા તેઓ સર્વદા સર્વ સ્થાનોમાં વિહાર કરતા સમય ગાળતા હતા. હવે, એક વાર તે નગરના કોઈ દેવસ્થાનમાં યાત્રામહોત્સવ થયો હતો. નટ, નર્તક અને ચારણોથી સંકુલ અને જુદા જુદા દેશોમાંથી આવેલા લોકોથી ભરેલા તે સ્થાનમાં ભ્રમણ કરતા તે બે મિત્રોએ હાથણી ઉપર આરૂઢ થયેલી, સર્વ લક્ષણથી યુક્ત, કંચુકીઓ અને વર્ષધરો (અંત:પુરના ષંઢ રક્ષકો) વડે વીંટળાયેલી તથા દેવતાના દર્શન માટે આવેલી કોઈ રાજકન્યાને જોઈ, તેને જોઈને કામનાં બાણોથી પ્રહાર પામેલો તે વણકર જાણે વિષથી પીડાયેલો હોય, જાણે દુષ્ટ ગ્રહથી ગ્રહણ કરાયેલો હોય તેમ એકાએક ભૂમિ ઉપર પડ્યો. તેને એવી અવસ્થામાં આવેલો જોઈને, તેના દુઃખથી દુખિત થયેલો સુથાર વિશ્વાસુ મનુષ્યો દ્વારા તેને ઉપડાવીને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં ચિકિત્સકોએ ઉપદેશેલા વિવિધ શીતોપચારોથી તથા મંત્રવાદીઓના મંત્રોથી ઉપચાર કરવામાં આવતાં તે ઘણે સમયે મુશ્કેલીથી સચેતન થયો. પછી સુથારે તેને પૂછ્યું, ‘હે મિત્ર! તું અકસ્માત્ શાથી મૂર્ચ્છા પામ્યો? તારી પોતાની સ્થિતિ મને કહે.’ વણકર બોલ્યો, ‘મિત્ર! જો એમ છે તો મારું રહસ્ય સાંભળ, જેથી મારી સર્વ આત્મવેદના તને કહું. તું જો મને પોતાનો મિત્ર માનતો હોય તો કાષ્ઠપ્રદાન વડે (મારી ચિતા રચીને) તું મારા ઉપર કૃપા કર. પ્રેમના અતિરેકથી મેં તારું કંઈ અયુક્ત કર્યું હોય તો ક્ષમા કરજે.’ આ સાંભળીને અશ્રુથી ઊભરાઈ જતી આંખોવાળો સુથાર પણ ગદ્ગદ કંઠે કહેવા લાગ્યો; ‘તારા દુઃખનું કારણ શું છે તે મને કહે, જેથી થઈ શકે તેમ હોય તો તેનો પ્રતિકાર થાય. કારણ, કહ્યું છે કે બ્રહ્માંડમાં રહેલી કોઈ પણ વસ્તુ ઔષધિ, ધન અને ઉત્તમ મંત્રોથી તથા મહાત્માઓની બુદ્ધિથી આ લોકમાં અસાધ્ય નથી. આ ચાર સાધનોથી મેળવી શકાય એવી વસ્તુ હશે તો હું મેળવીશ.’

વણકર બોલ્યો, ‘મિત્ર! એ સાધનોથી તથા બીજા હજારો ઉપાયોથી પણ મારું દુઃખ અસાધ્ય છે, માટે મારા મરણને માટે તું હવે વિલંબ કરીશ નહિ.’ સુથાર બોલ્યો, ‘હે મિત્ર! તારું દુઃખ અસાધ્ય હોય તો પણ મને જણાવ, જેથી હું પણ તેને અસાધ્ય તરીકે જાણીને તારી સાથે અગ્નિપ્રવેશ કરું. તારાથી એક ક્ષણનો પણ વિયોગ હું સહન કરીશ નહિ એ મારો નિશ્ચય છે.’ વણકર બોલ્યો, ‘વયસ્ય! હાથણી ઉપર બેઠેલી જે રાજકન્યાને મેં ઉત્સવમાં જોઈ હતી, તેના દર્શન પછી કામદેવે મારી આ અવસ્થા કરી છે; તેની વેદનાને હું સહન કરી શકતો નથી.’ સુથાર પણ સ્મિત કરીને આ પ્રમાણે બોલ્યો, ‘વયસ્ય! જો એમ જ હોય તો દૈવકૃપાએ આપણું પ્રયોજન સિદ્ધ થયું છે. આજે જ તે રાજકન્યાની સાથે સંગમ કર.’ વણકર બોલ્યો, ‘મિત્ર! રક્ષક પુરુષો વડે અધિષ્ઠિત કન્યા — અંત:પુર, જ્યાં વાયુ સિવાય બીજા કોઈનો પ્રવેશ નથી ત્યાં તેની સાથે મારો સંગમ શી રીતે થઈ શકે? અસત્ય વચનથી શું કામ મારી વિડંબના કરે છે?’ સુથાર બોલ્યો, ‘મારો બુદ્ધિપ્રભાવ જો.’ એમ કહીને તે જ ક્ષણે તેણે જૂના અર્જુન વૃક્ષના લાકડામાંથી કળ વડે ઊડતો ગરુડ, તથા શંખ ચક્ર ગદા પદ્મથી યુક્ત બાહુયુગલ તથા કિરીટ અને કૌસ્તુભમણિ પણ તૈયાર કર્યા. પછી તે ગરુડ ઉપર વણકરને બેસાડીને, વિષ્ણુનાં ચિહ્નો વડે તેને ચિહ્નિત કરીને તથા કળ ફેરવવાની સમજૂતી આપીને તે બોલ્યો, ‘મિત્ર! આ પ્રમાણે વિષ્ણુનું રૂપ ધારણ કરી — અંત:પુરમાં સાત માળના પ્રાસાદના છેક ઉપરના માળમાં જ્યાં તે કન્યા એકલી જ રહે છે ત્યાં મધ્યરાત્રિએ તું જજે, અને મુગ્ધ સ્વભાવવાળી અને તને વાસુદેવ તરીકે માનતી તે કન્યાને તારી મિથ્યા વક્રોક્તિઓ વડે રંજિત કરીને વાત્સ્યાયને કહેલી વિધિથી તું ભોગવજે.’

જેણે વાસુદેવનું રૂપ ધારણ કરેલું છે એવા વણકરે પણ આ સાંભળીને ત્યાં જઈને એકાન્તમાં તે કન્યાને કહ્યું, ‘રાજપુત્રિ! તું ઊંઘે છે કે જાગે છે? તારામાં અનુરાગી એવો હું લક્ષ્મીનો ત્યાગ કરીને તારે માટે સમુદ્રમાંથી અહીં આવ્યો છું, માટે સાથે સંગમ કર.’ તે કન્યા પણ ગરુડારૂઢ, ચતુર્ભુજ, આયુધો સહિત તથા કૌસ્તુભમણિથી યુક્ત એવા તેને અવલોકીને વિસ્મય પામતી શયનમાંથી ઊભી થઈને બોલી, ‘ભગવન્! હું માનવી સ્ત્રી હોઈ અપવિત્ર ક્ષુદ્ર જંતુ છું. જ્યારે આપ તો ત્રૈલોક્યપાવન અને વન્દનીય છો. માટે આ વસ્તુ કેવી રીતે યોગ્ય ગણાય?’ વણકર બોલ્યો, ‘સુભગે! તેં સાચું કહ્યું, પરન્તુ રાધા નામની મારી પત્ની પ્રથમ ગોપકુલમાં જન્મેલી હતી, તે જ તું અહીં ઉત્પન્ન થઈ છે. તે કારણથી હું અહીં આવ્યો છું.’ એમ કહેવામાં આવતાં તે રાજકન્યા બોલી, ‘ભગવન્! જો આમ હોય તો મારા પિતા પાસે માગણી કરો. તેઓ વિધિપૂર્વક સંકલ્પ કરીને આપને મારું દાન કરશે.’ વણકર બોલ્યો, ‘સુભગે! હું મનુષ્યોને દર્શન પણ આપતો નથી. તો પછી તેમની સાથે ભાષણ કરવાની તો વાત જ ક્યાં રહી? માટે તું ગાંધર્વવિધિથી તારી જાતનું મને દાન કર; નહિ તો શાપ આપીને વંશસહિત તારા પિતાને ભસ્મસાત્ કરી દઈશ.’ એમ કહીને ગરુડ ઉપરથી ઊતરીને ડાબે હાથે પકડીને ભય તથા લજ્જા પામેલી અને કંપતી એવી કન્યાને તે શય્યામાં લઈ ગયો અને શેષ રાત્રિકાળમાં વાત્સ્યાયનોક્ત વિધિથી તેનો ઉપભોગ કરીને પ્રભાતમાં કોઈ જાણે નહિ તેમ તે ચાલ્યો ગયો. એ પ્રમાણે નિત્ય રાજકન્યાનું સેવન કરતાં તેનો સમય વીતતો હતો.

હવે, તે રાજકન્યાના ઓષ્ઠપ્રવાલને ખંડિત થયેલા જોઈને કંચુકીઓ પરસ્પરને એકાન્તમાં કહેવા લાગ્યા, ‘અહો! જુઓ, આ રાજકન્યાના શરીરના અવયવો જાણે પુરુષથી ભોગવાયા હોય તેવા દેખાય છે. તો સુરક્ષિત એવા આ ભવનમાં એ પ્રકારનો વ્યવહાર કેવી રીતે થયો હશે? માટે આપણે રાજાને નિવેદન કરીએ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને સર્વે એકત્ર થઈને રાજાને કહેવા લાગ્યા, ‘દેવ! અમે જાણતા નથી; પરન્તુ સુરક્ષિત એવા કન્યા-અંત:પુરમાં કોઈ પુરુષ પ્રવેશ કરે છે, માટે એ બાબતમાં દેવની આજ્ઞા પ્રમાણ છે.’ એ સાંભળીને જેનું ચિત્ત અત્યંત વ્યાકુળ થયું છે એવા રાજાએ દેવીને એકાન્તમાં કહ્યું, ‘દેવિ! આ કંચુકીઓ શું કહે છે તે વિશે તપાસ કરો. જે મનુષ્ય આવું કરતો હશે તેના ઉપર કૃતાન્ત કોપેલો છે.’ એ સાંભળીને વ્યાકુળ થયેલી દેવીએ પણ સત્વર જઈને ખંડિત અધરવાળી અને નખના ક્ષત વડે યુક્ત શરીરનાં અંગોવાળી તેને જોઈ, અને કહ્યું ‘અરે, પાપિણિ! કુલકલંકિનિ! તેં શા માટે આ શીલખંડન કર્યું? કાળ જેનુંઅવલોકન કરી રહ્યો છે એવો કયો પુરુષ તારી પાસે આવે છે? થવાનું હતું તે થઈ ગયું, પણ હવે તું સત્ય હકીકત મને કહે.’ આ સાંભળી લજ્જાથી જેનું મુખ નીચું થઈ ગયું છે એવી કન્યાએ પણ વિષ્ણુરૂપી વણકરનો વૃત્તાન્ત નિવેદન કર્યો. એ સાંભળીને જેનું વદન પ્રહસિત બન્યું છે તથા જેનાં સર્વ અંગો પુલકિત થયાં છે એવી દેવીએ સત્વર રાજાની પાસે જઈને કહ્યું, ‘દેવ! દૈવકૃપાએ તમારો ભાગ્યોદય થયો છે. નિત્ય મધ્યરાત્રિએ ભગવાન નારાયણ કન્યાની પાસે આવે છે. તેમણે ગાંધર્વવિધિથી કન્યા સાથે વિવાહ કર્યો છે. માટે આજે મધ્યરાત્રે હું અને તમે બારીમાં ઊભા રહીને તેમનું દર્શન કરીએ, કારણ કે તેઓ મનુષ્યોની સાથે વાર્તાલાપ કરતા નથી.’ આ સાંભળીને હર્ષિત થયેલા તે રાજાનો તે દિવસ, જાણે સો વર્ષનો હોય તેમ મહામુશ્કેલીએ પસાર થયો.

પછી રાત્રે રાણી સહિત રાજા આકાશ તરફ દૃષ્ટિ રાખીને ગુપ્ત રીતે બારીમાં ઊભો રહ્યો હતો ત્યારે તેણે ગરુડારૂઢ, શંખ ચક્ર ગદા પદ્મ જેણે હાથમાં ધારણ કર્યાં છે એવા તથા વિષ્ણુનાં યથોક્ત ચિહ્નો વડે અંકિત એવા તે વણકરને આકાશમાંથી ઊતરતો જોયો. તે સમયે જાણે પોતે અમૃતનાં પૂરમાં સ્નાન કર્યું હોય એમ માનતો તે રાજા રાણીને કહેવા લાગ્યો, ‘પ્રિયે! તારાથી અને મારાથી વધારે ધન્ય બીજું કોઈ નથી, કે જેમની સંતતિને નારાયણ સેવે છે. માટે આપણા સર્વે મનોરથો સિદ્ધ થયા છે. હવે જમાઈના પ્રભાવથી આખીયે પૃથ્વી આપણે વશ થશે.’ આ પ્રમાણે નિશ્ચય કરીને તે સર્વે સીમાડાના રાજાઓ સાથેના સંબંધમાં મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. આ પ્રમાણે તેને મર્યાદાનું ઉલ્લંઘન કરતો જોઈને તે સર્વે રાજાઓ એકત્ર થઈને તેની સાથે વિગ્રહ કરવા લાગ્યા. એ સમયે રાજાએ દેવી દ્વારા પોતાની પુત્રીને કહ્યું, ‘પુત્રિ! તારા જેવી દીકરી હોવા છતાં સર્વે રાજાઓ મારી સાથે યુદ્ધ કરે છે એ શું યોગ્ય છે? માટે તારે તારા પતિને કહેવું જોઈએ, જેથી તેઓ મારા શત્રુઓનો નાશ કરે.’ પછી તે રાજકન્યાએ રાત્રે પેલા વણકરને વિનયપૂર્વક કહ્યું, ‘ભગવન્! આપ જમાઈ હોવા છતાં મારા પિતાનો શત્રુઓ દ્વારા પરાભવ થાય એ યોગ્ય નથી. માટે કૃપા કરીને સર્વે શત્રુઓનો નાશ કરો.’ વણકર બોલ્યો, ‘સુભગે! તારા પતિના એ શત્રુઓ તે શી ગણતરીમાં છે? તું વિશ્વાસ રાખ, એક ક્ષણવારમાં જ સુદર્શનચક્ર વડે તે સર્વેના તલતલ જેવડા ટુકડા કરી નાખીશ.’

હવે, સમય જતાં આખોયે દેશ શત્રુઓએ ઘેરી લીધો. તે રાજાના કબજામાં માત્ર તેનો કિલ્લો જ રહ્યો. તો પણ વાસુદેવનું રૂપ ધારણ કરનાર આ વણકર છે એમ નહિ જાણતો રાજા રોજ વિશેષે કરીને કર્પૂર, અગર, કસ્તૂરી આદિ વિશિષ્ટ સુગંધી પદાર્થો તથા અનેક પ્રકારનાં વસ્ત્રો, ખાદ્યો અને પેયો મોકલીને પોતાની પુત્રી દ્વારા તેને કહેવરાવતો કે, ‘ભગવાન! પ્રભાતમાં નક્કી આ કિલ્લો પણ ભેદાઈ જશે, કારણ કે ઘાસ અને લાકડાં પૂરાં થયાં છે, તેમ જ સર્વે મનુષ્યો પ્રહારોથી જર્જરિત દેહવાળા બની યુદ્ધ કરવાને અશક્ત બન્યા છે, તથા ઘણા નાશ પામ્યા છે. તો આ જાણીને અત્યારે જે ઉચિત હોય તે આપે કરવું જોઈએ.’ એ સાંભળીને વણકર પણ વિચાર કરવા લાગ્યો કે, ‘આ કિલ્લો ભેદાઈ જશે તો આ રાજકન્યાથી મારો વિયોગ થશે, માટે ગરુડ ઉપર આરૂઢ થઈને આયુધ સહિત મારી જાતને આકાશમાં દર્શાવું, કદાચિત્ મને વાસુદેવ માનીને શંકામાં પડેલા તે શત્રુઓ રાજાના યોદ્ધાઓ દ્વારા હણાઈ જશે. કહ્યું છે કે ઝેર વિનાના સર્પે પણ મોટી ફણા કરવી જોઈએ; ઝેર હોય કે ન હોય, પણ ફટાટોપ ભયંકર થઈ પડે છે.

અથવા આ સ્થાનનું રક્ષણ કરતાં મારું મૃત્યુ થશે તો પણ તે વધારે સારું થશે. કહ્યું છે કે

ગાયને માટે, બ્રાહ્મણને માટે, સ્વામીને માટે, સ્ત્રીને માટે અથવા પોતાના સ્થાનને માટે જે પ્રાણનો ત્યાગ કરે છે તેને અક્ષયલોક પ્રાપ્ત થાય છે.’

એ પ્રમાણે નિશ્ચય કરીને પ્રભાતમાં દાતણ કર્યા પછી તેણે રાજકન્યાને કહ્યું, ‘સુભગે! સર્વ શત્રુઓ નાશ પામશે ત્યાર પછી હું અન્નપાણીનું આસ્વાદન કરીશ. વધારે શું કહું? તારો સંગમ પણ ત્યારે જ કરીશ. પરન્તુ તું તારા પિતાને કહેજે કે પ્રભાતે તમારે સર્વ સૈન્યની સાથે નગરમાંથી બહાર નીકળીને યુદ્ધ કરવું. હું આકાશમાં રહીને તે શત્રુઓને નિસ્તેજ કરી દઈશ. પછી તમારે સુખેથી તેમનો નાશ કરવો. હું પોતે જો તેમનો નાશ કરું તો તે પાપીઓની વૈકુંઠમાં ગતિ થાય. માટે તમારે એવું કરવું કે જેથી તેઓ પલાયન કરતાં હણાય, અને તેથી વૈકુંઠમાં ન જાય.’ રાજકન્યાએ પણ તે સાંભળીને પિતા પાસે જઈને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તેના વાક્યમાં શ્રદ્ધા કરતો રાજા પણ પ્રભાતમાં ઊઠીને સુસજ્જ સૈન્યની સાથે નગરની બહાર નીકળ્યો. જેણે મરણનો નિશ્ચય કર્યો છે એવો વણકર હાથમાં ધનુષ્ય લઈ, ગરુડારૂઢ થઈ આકાશમાં ઊડતો યુદ્ધ માટે નીકળ્યો.

એ સમયે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનારા ભગવાન નારાયણે ગરુડને સંભાર્યો કે તુરત જ તે હાજર થયો. તેને હસીને નારાયણે કહ્યું, ‘હે ગરુડ! તું જાણે છે કે લાકડાના ગરુડ ઉપર આરૂઢ થયેલો વણકર મારું રૂપ ધારણ કરીને રાજક્ન્યાને ભોગવે છે?’ ગરુડે કહ્યું, ‘દેવ! તેનું સર્વ ચરિત્ર હું જાણું છું. તો હવે આપણે શું કરવું?’ ભગવાન બોલ્યા, ‘મરણને માટે નિશ્ચય કરીને તથા નિયમ લઈને આજે તે વણકર યુદ્ધને માટે નીકળ્યો છે, ઉત્તમ ક્ષત્રિયોનાં બાણથી ઘાયલ થઈને તે નક્કી મરણ પામશે. તે મરણ પામશે એટલે સર્વ લોકો કહેશે કે ઘણા ક્ષત્રિયોએ મળીને વાસુદેવનો અને ગરુડનો નાશ કર્યો. એ પછી લોકો આપણી પૂજા નહિ કરે. માટે તું જલદીથી લાકડાના ગરુડમાં પ્રવેશ કર. હું પણ વણકરના શરીરમાં પ્રવેશ કરીશ, જેથી તે શત્રુઓનો નાશ કરશે. પછી શત્રુઓનો વધ કરવાથી આપણા માહાત્મ્યમાં વૃદ્ધિ થશે.’ ગરુડે ‘ભલે’ એ પ્રમાણે કહી ભગવાનની આજ્ઞા સ્વીકારી, એટલે ભગવાન નારાયણે વણકરના શરીરમાં સંક્રમણ કર્યુ. પછી ગગનમાં રહેલા તથા શંખ ચક્ર અને ધનુષ્યના ચિહ્નવાળા તે વણકરે ભગવાનના માહાત્મ્યથી ક્ષણવારમાં સર્વે મુખ્ય ક્ષત્રિયોને નિસ્તેજ બનાવી દીધા. પછી પોતાના સૈન્ય વડે પરિવરાયેલા રાજાએ એ સર્વે શત્રુઓને હરાવીને મારી નાખ્યા. લોકોમાં એવો પ્રવાદ ચાલ્યો કે આ રાજાએ પોતાના જમાઈ વિષ્ણુના પ્રભાવથી સર્વે શત્રુઓને મારી નાખ્યા છે. તે શત્રુઓને મરેલા જોઈને પ્રસન્ન મનવાળો વણકર પણ ગગનમાંથી નીચે ઊતર્યો, એટલે રાજા, અમાત્ય અને નાગરિકોએ તેને નગરવાસી વણકર તરીકે ઓળખ્યો અને પૂછ્યું, ‘આ શું?’ એટલે તેણે પણ મૂળથી માંડીને પૂર્વેનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. પછી વણકરના સાહસથી રંજિત થયેલા મનવાળા તથા શત્રુઓના વધથી જેનો પ્રતાપ વધ્યો છે એવા રાજાએ સર્વે જનોની સમક્ષ વણકરને તે રાજકન્યા વિવાહવિધિથી આપી તથા દેશ પણ આપ્યો. વણકર પણ તે રાજકન્યાની સાથે મનુષ્યલોકમાં સારભૂત પાંચ પ્રકારનું વિષયસુખ અનુભવતો સમય ગાળવા લાગ્યો.