ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ


છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ

‘કોઈ એક સ્થાનમાં વર્ષાકાળમાં વ્રત કરવા માટે કોઈ બ્રાહ્મણને મેં વાસ કરવા માટે વિનંતી કરી હતી. પછી મારાં એ વચન ઉપરથી તે બ્રાહ્મણે પણ મારી શુશ્રૂષા કરી અને દેવતાની પૂજા કરતો હું સુખપૂર્વક રહેવા લાગ્યો. હવે, એક દિવસ પરોઢમાં જાગી ગયેલો હું બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો સંવાદ ધ્યાન દઈને સાંભળવા લાગ્યો. એમાં બ્રાહ્મણે કહ્યું, ‘બ્રાહ્મણિ! અનંત દાનરૂપી ફળ આપનારી દક્ષિણાયન સંક્રાન્તિ પ્રભાતમાં થશે, માટે હું દાન લેવા માટે બીજે ગામ જઈશ. તું ભગવાન સૂર્યદેવના નિમિત્તે એક બ્રાહ્મણને કંઈક ભોજન આપજે.’ એ સાંભળીને તે બ્રાહ્મણી તીખાં વચનોથી તેનો તિરસ્કાર કરતી કહેવા લાગી, ‘દારિદ્ય્રથી પીડાતા એવા તમને ભોજનની પ્રાપ્તિ ક્યાંથી થાય? આવું બોલતાં શું તમને લજ્જા આવતી નથી? વળી તમારો હાથ ઝાલ્યા પછી કદી પણ મને સુખ મળ્યું નથી, મિષ્ટાન્નનો આસ્વાદ મળ્યો નથી અને હાથ, પગ કે કંઠ આદિનું આભૂષણ પ્રાપ્ત થયું નથી.’ એ સાંભળીને ભયથી ત્રાસ પામેલો હોવા છતાં બ્રાહ્મણ ધીરે ધીરે બોલ્યો, ‘બ્રાહ્મણિ! આમ કહેવું યોગ્ય નથી, કહ્યું છે કે

એક કોળિયામાંથી અર્ધ ભાગ યાચકજનોને શા માટે ન આપવો? ઇચ્છાનુસાર વૈભવ તો ક્યારે કોને મળવાનો છે? વૈભવશાળી જનો ઘણાં દાન આપવાથી જે ફળ પ્રાપ્ત કરે છે તે દરિદ્ર માણસ એક કોડી આપીને મેળવે છે એવું અમે સાંભળ્યું છે. દાતા નાનો હોય તો પણ સેવાય છે, કૃપણ સમૃદ્ધિ વડે મહાન હોય તો પણ સેવાતો નથી; મીઠાં પાણીથી ભરેલો કૂવો લોકમાં પ્રીતિપાત્ર થઈ પડે છે, સમુદ્ર નહિ.

તેમ જ

જેણે દાન આપવા વડે મહિમા પ્રાપ્ત કર્યો નથી તેને રાજરાજ (મહારાજ અથવા કુબેર) એવું મિથ્યા નામ આપવાથી શું? નિધિઓના રક્ષક (કુબેરને) વિદ્વાનો મહેશ્વર — મહાદેવ કહેતા નથી.

વળી

ઉત્તમ હાથી સદા દાન (મદજળ અથવા દાન આપવું તે) વડે ક્ષીણ થતો હોવા છતાં પ્રશંસાપાત્ર ગણાય છે, અને શરીરે પુષ્ટ છતાં દાનરહિત હોવાથી ગધેડો નિન્દ્ય મનાય છે. મેઘ માત્ર જળ આપવા છતાં લોકને પ્રિય થઈ પડે છે અને મિત્ર (સૂર્ય) પોતાના કર (હાથ અથવા કિરણ) પ્રસારે છે તેથી તેની સામે પણ જોવાતું નથી (અર્થાત્ તુચ્છ વસ્તુનું પણ દાન આપનાર પ્રિય થઈ પડે છે અને મિત્ર પણ જો હાથ લાંબો કરે તો કોઈ તેની સામે પણ જોતું નથી.)

એમ જાણીને દરિદ્ર મનુષ્યોએ પણ યોગ્ય સમયે થોડામાંથી થોડું પણ સુપાત્રને આપવું. કહ્યું છે કે

દાન લેનાર સુપાત્ર હોય. મોટી શ્રદ્ધા હોય અને યથોચિત દેશકાળ હોય તો વિવેકી જનો વડે અપાતું દાન અનંત ફળ આપનારું થઈ પડે છે.

તેમ જ

અતિ તૃષ્ણા કરવી નહિ તેમ તૃષ્ણાનો ત્યાગ પણ કરવો નહિ; અતિ તૃષ્ણાને વશ થયેલાના મસ્તકમાં ચૂડા — અણી થાય છે.’

બ્રાહ્મણી બોલી, ‘એ કેવી રીતે?’ બ્રાહ્મણ કહેવા લાગ્યો —