ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બે માથાંવાળો વણકર


બે માથાંવાળો વણકર

‘કોઈ એક નગરમાં મંથરક નામે વણકર રહેતો હતો. કપડાં વણવાનું કામ કરતાં તેનાં એ કામ માટેનાં બધાં લાકડાં એક વાર ભાંગી ગયાં. એથી લાકડું લેવા માટે તે કુહાડો લઈને વનમાં ગયો. ભમતાં ભમતાં તે સમુદ્રના કિનારા સુધી ગયો. ત્યાં તેણે સીસમનું ઝાડ જોયું. પછી તેણે વિચાર્યું, ‘આ વૃક્ષ મોટું દેખાય છે, માટે એ કાપવાથી કપડાં વણવા માટેનાં ઘણાં લાકડાં થશે.’ એમ વિચારીને તેણે એ વૃક્ષ ઉપર કુહાડો ઉગામ્યો.

હવે, તે વૃક્ષમાં કોઈ વ્યંતર રહેતો હતો. તેણે કહ્યું, ‘અરે! આ વૃક્ષ મારું નિવાસસ્થાન હોઈ તેનું સર્વથા રક્ષણ કરવું જોઈએ, કેમ કે સમુદ્રના તરંગોના સ્પર્શ વડે શીતળ વાયુથી શાન્તિ પામતો હું અહીં ખૂબ સુખથી રહું છું.’ વણકરે કહ્યું, ‘અરે! હું શું કરું? લાકડાની સામગ્રી વિના મારું કુટુંબ ભૂખથી પીડાય છે. માટે તું જલદી અન્ય સ્થળે જા. હું આ ઝાડ કાપીશ.’ વ્યંતર બોલ્યો, ‘અરે! હું પ્રસન્ન થયો છું, માટે કોઈ અભીષ્ટ વસ્તુની પ્રાર્થના કર, અને આ ઝાડનું રક્ષણ કર.’ વણકરે કહ્યું, ‘જો એમ હોય તો હું મારે ઘેર જઈ મારા મિત્રને અને પત્નીને પૂછીને આવું છું, પછી તું મને વરદાન આપજે.’

પછી વ્યંતરે ‘ભલે’ એમ કહ્યું, એટલે તે વણકર આનંદિત થઈને પોતાના ઘર તરફ પાછો વળ્યો. આગળ જાય છે તો ગામમાં પેસતાં તેણે પોતાના મિત્ર વાળંદને જોયો. તેણે એને વ્યંતરનું વાક્ય કહ્યું કે, ‘હે મિત્ર! મને કોઈ વ્યંતર સિદ્ધ થયો છે. માટે કહે, એની પાસેથી હું શું માગું? હું તને પૂછવા આવ્યો છું.’ વાળંદ બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો તું રાજ્ય માગ, જેથી તું રાજા થાય અને હું મંત્રી થાઉં. આપણે બન્ને આ લોકમાં સુખ ભોગવીને પરલોકનું સુખ અનુભવીશું. કહ્યું છે કે

દાનપરાયણ રાજા આ લોકમાં નિત્ય કીર્તિ પ્રાપ્ત કરીને તેના પ્રભાવથી પાછો સ્વર્ગમાં દેવોની સાથે સ્પર્ધા કરે છે.’

વણકર બોલ્યો, ‘એ ખરું છે, પણ પત્નીને પૂછી જોઉં.’ તેણે કહ્યું, ‘ભદ્ર! સ્ત્રીની સાથે મંત્રણા કરવી એ શાસ્ત્રવિરુદ્ધ છે, કેમ કે તેઓ અલ્પ મતિવાલી હોય છે. કહ્યું છે કે

બુદ્ધિમાન મનુષ્યે સ્ત્રીઓને ભોજન અને વસ્ત્ર આપવાં, ઋતુકાળે તેમની સાથે સંગમ કરવો, અને આભૂષણો આદિ આપવાં, પણ તેઓની સાથે મંત્રણા કરવી નહિ. હે રાજન! ભાર્ગવે કહ્યું છે કે —- જ્યાં સ્ત્રી, જુગારી અથવા બાળકનું ચલણ હોય છે તે ઘર નિર્મૂળ થયાં છે. પુરુષ જ્યાં સુધી એકાન્તમાં સ્ત્રીઓનું વચન સાંભળતો નથી ત્યાં સુધી જ તે પ્રસન્ન સુખવાળો અને વડીલો ઉપર પ્રીતિવાળો રહે છે. એ સ્વાર્થપરાયણ સ્ત્રીઓ કેવળ પોતાના સુખમાં આસક્ત હોય છે; સુખના કારણરૂપ ન હોય એવો કોઈ પણ — પોતાનો પુત્ર પણ તેમને વહાલો નથી.’

વણકર બોલ્યો, ‘તો પણ મારે તેને પૂછવું જોઈએ, કારણ કે તે પતિવ્રતા છે. વળી તેને પૂછ્યા સિવાય હું કંઈ કરતો નથી.’ એમ કહી સત્વર ઘેર જઈ તેણે પત્નીને કહ્યું, ‘પ્રિયે! આજે મને કોઈ વ્યંતર સિદ્ધ થયો છે. તે ઇચ્છિત વસ્તુ આપે છે. તેથી હું તને પૂછવા આવ્યો છું. માટે કહે, શું માગું? આ મારો મિત્ર વાળંદ કહે છે કે — તું રાજ્ય માગ.’ તે બોલી, ‘આર્યપુત્ર! વાળંદોની બુદ્ધિ કેટલી હોય? માટે તમારે તેનું વચન કરવું નહિ. કહ્યું છે કે

બુદ્ધિમાન મનુષ્યે ચારણો, બંદીજનો, નીચજનો, વાળંદો, બાળકો અને ભિક્ષુઓ સાથે મંત્રણા કરવી નહિ.

વળી રાજ્યની વ્યવસ્થા એ ખૂબ ક્લેશપરંપરાવાળી છે, અને સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, દ્વિધાભાવ આદિને કારણે તે પુરુષને કદી સુખ આપતી નથી. કેમ કે

જ્યારે પણ મનુષ્ય રાજ્યની અભિલાષા કરે છે ત્યારે એની બુદ્ધિ દુઃખો તરફ વળે છે. રાજાઓના અભિષેક સમયે કુંભો પાણીની સાથે જ આપત્તિ ઢોળે છે.

તેમ જ

રાજ્યને લીધે રામનો દેશવટો અને વનમાં નિવાસ, પાંડવોનો વનવાસ, યાદવોનો નાશ, નળ રાજા રાજ્યથી ભ્રષ્ટ થયો હતો તે, સૌદાસની એવી અવસ્થા (મનુષ્યભક્ષક રાક્ષસ તરીકેની દશા), સહાર્જુનનો વધ તથા રાવણની વિડંબના જોઈને રાજ્યની ઇચ્છા કરવી નહિ. જે રાજ્યને માટે ભાઈઓ, પુત્રો તથા પોતાના સંબંધીઓ પણ રાજાનો વધ કરવા ઇચ્છે છે તે રાજ્યનો દૂરથી જ ત્યાગ કરવો.’

વણકર બોલ્યો, ‘તેં સાચું કહ્યું, માટે કહે, શું માગું?’ તે બોલી, ‘તમે દરરોજ એક જ કપડું તૈયાર કરો છો, તેનાથી ઘરનો બધો ખર્ચ થઈ રહે છે. હવે તમે બીજા બે હાથ અને બીજું માથું માગો, જેથી આગળથી અને પાછળથી એમ બે કપડાં તૈયાર કરી શકો. એકના મૂલ્યમાંથી પહેલાંની જેમ ખર્ચ ચાલશે, અને બીજાના મૂલ્યમાંથી વિશેષ કાર્યો થશે. એ પ્રમાણે આપણી જાતિમાં વખાણ પામતા એવા તમારો કાળ સુખથી જશે તેમ જ આ લોક અને પરલોક સુધરશે.’ તે પણ એ સાંભળી હર્ષ પામીને બોલ્યો, ‘ધન્ય છે, પતિવ્રતા! ધન્ય છે! તેં યોગ્ય કહ્યું છે; માટે હું એમ કરીશ. આ મારો નિશ્ચય છે.’

પછી તેણે જઈને વ્યતંરને પ્રાર્થના કરી કે, ‘વ્યતંર! જો તું મને ઇચ્છિત આપતો હોય તો મને બીજા બે હાથ અને બીજું માથું આપ.’ એમ કહેતાં તે જ ક્ષણે તે બે માથાં અને ચાર હાથવાળો થયો. પછી મનમાં હર્ષ પામીને તે ઘેર આવતો હતો ત્યારે ‘આ રાક્ષસ છે’ એમ માનતા લોકોએ દંડ અને પથ્થરના પ્રહારોથી માર્યો, એટલે તે મરણ પામ્યો.

તેથી કહું છું કે — જેની બુદ્ધિ નથી અને જે મિત્રનું કહ્યું કરતો નથી તે મંથર વણકરની જેમ નાશ પામે છે.’

ચક્રધર બોલ્યો, ‘અરે! એ સત્ય છે. સર્વે લોક અશ્રદ્ધેય એવી આશારૂપી પિશાચિની પાસે જઈને હાંસીપાત્ર થાય છે. અથવા કોઈએ આ ખરું કહ્યું છે કે

ભવિષ્યકાળને માટે જે અસંભાવ્ય વિચારો કરે છે તે, સોમશર્માના પિતાની જેમ, ધોળો થઈને સૂવે છે.’

સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —