ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/શતબુદ્ધિ, સહબુદ્ધિ અને એકબુદ્ધિ


શતબુદ્ધિ, સહબુદ્ધિ અને એકબુદ્ધિ

‘કોઈ એક જળાશયમાં શતબુદ્ધિ અને સહબુદ્ધિ નામે બે મત્સ્ય રહેતા હતા. તેમની સાથે એકબુદ્ધિ નામે દેડકાને મિત્રતા થઈ હતી. તે ત્રણેય જળાશયના કિનારા ઉપર કેટલીક વાર સુધી સુભાષિતગોષ્ઠિનું સુખ અનુભવીને ફરી પાછા પાણીમાં જતા હતા.

હવે, એક વાર તેઓ ગોષ્ઠિ કરતા હતા ત્યારે માછીમારો હાથમાં જાળ લઈને, ઘણાં માછલાં મારીને તથા એ માછલાં માથે ઉપાડીને સૂર્યાસ્તવેળાએ તે જળાશય પાસે આવ્યા. પછી જળાશય જોઈને તેઓ પરસ્પરને કહેવા લાગ્યા, ‘અહો! આ ધરો ઘણાં માછલાંવાળો અને ઓછા પાણીવાળો જણાય છે, માટે પ્રભાતે અહીં આવીશું.’ એમ કહીને તેઓ પોતાને ઘેર ગયા.

પછી ઉદાસ મુખવાળાં માછલાં પરસ્પર વિચાર કરવા લાગ્યાં, પછી દેડકો બોલ્યો, ‘હે શતબુદ્ધિ! તેં માછીમારોનું કહેવું સાંભળ્યું? માટે આ બાબતમાં શું કરવું યોગ્ય છે? નાસી જવું કે દૃઢતાથી અહીં રહેવું? જે કરવું યોગ્ય હોય તેની હમણાં જ આજ્ઞા કરો.’ તે સાંભળી સહબુદ્ધિ હસીને બોલ્યો, ‘હે પુત્ર! તું ડરીશ નહિ, કેમ કે તેમના વચનના સ્મરણમાત્રથી ભય રાખવો ન જોઈએ, ડરવું ન જોઈએ. કહ્યું છે કે

સર્પોના, ખલ પુરુષોના અને સર્વ દુષ્ટ ચિત્તવાળાઓના અભિપ્રાયો સિદ્ધ થતા નથી તેથી આ જગત ટકી રહે છે.

માટે તેઓનું આગમન જ નહિ થાય. કદાચ થશે તો બુદ્ધિપ્રભાવ વડે મારી સાથે તારી પણ હું રક્ષા કરીશ, કેમ કે પાણીમાં તરવાથી અનેક ગતિઓ હું જાણું છું.’ તે સાંભળીને શતબુદ્ધિ બોલ્યો, ‘અરે! તેં યોગ્ય કહ્કહ્યું છે. તું સહબુદ્ધિ જ છે. અથવા આ ખરું કહ્યું છે કે

આ લોકમાં બુદ્ધિશાળીઓની બુદ્ધિ માટે કશું અગમ્ય નથી, કેમ કે ચાણક્યે પોતાની બુદ્ધિથી ખડ્ગધારીને નંદોને હણ્યા હતા.

તેમ જ

જ્યાં વાયુની અથવા સૂર્યનાં કિરણોની પણ ગતિ નથી ત્યાં પણ સદા બુદ્ધિશાળીઓની બુદ્ધિ તરત પ્રવેશ કરે છે.

માટે માત્ર વચન સાંભળવાથી જ પૂર્વજોની પરંપરાથી ઊતરી આવેલા જન્મસ્થાનનો ત્યાગ કરી શકાતો નથી. કહ્યું છે કે

જ્યાં પોતાનો જન્મ થયો હોય એવા કુસ્થાનમાં પણ પુરુષોને જે સુખ મળે છે તે દિવ્ય વસ્તુઓના સ્પર્શથી મનોહર સ્વર્ગમાં પણ મળતું નથી.

માટે અહીંથી કદી પણ જવું જોઈએ નહિ. ઉત્તમ બુદ્ધિના પ્રભાવથી હું તારું રક્ષણ કરીશ.’ દેડકો બોલ્યો, ‘મારી તો એક જ બુદ્ધિ છે, અને તે અહીંથી પલાયન કરી જવાની. માટે હું આજે જ મારી પત્ની સહિત બીજા જળાશયમાં જાઉં છું.’ એમ કહીને તે દેડકો રાત્રે જ અન્ય જળાશયમાં ગયો. માછીમારોએ પણ પ્રભાતમાં આવીને મત્સ્ય, કાચબા, દેડકા, કરચલા આદિ હલકાં, મધ્યમ અને ઉત્તમ જળચરોને પકડ્યાં. પોતાની પત્નીઓ સહિત નાસવાનો પ્રયત્ન કરતા તે શતબુદ્ધિ અને સહબુદ્ધિએ વિવિધ ગતિઓના જ્ઞાનથી ઘણી વાર સુધી પોતાનું રક્ષણ કર્યું, પણ છેવટે તેઓ જાળમાં પકડાઈ ગયા, અને તેમનો નાશ થયો. પછી આનંદિત થયેલા તે માછીમારો પાછલે પહોરે પોતાને ઘેર જવા નીકળ્યા. શતબુદ્ધિ ભારે હોવાથી એકે તેને ખાંધ ઉપર ઉપાડ્યો હતો. સહબુદ્ધિને લટકતો લઈ જતા હતા. પછી વાવના કિનારા ઉપર બેઠેલા દેડકાએ તેમને એ રીતે લઈ જવાતા જોઈને પોતાની પત્નીને કહ્યું, ‘પ્રિયે! જો, જો!

શતબુદ્ધિને ઊંચે ઉપાડેલો છે અને સહબુદ્ધિ લટકે છે; હે ભદ્રે! એકબુદ્ધિ એવો હું નિર્મળ જળમાં ક્રીડા કરું છું.’

તેથી હું કહું છું કે એકલી બુદ્ધિ જ પ્રમાણભૂત ગણાતી નથી.’ સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એમ હોય તો પણ મિત્રના વચનનું ઉલ્લંઘન કરવું જ જોઈએ. પણ શું થાય? મેં વાર્યો છતાં અતિલોભ અને વિદ્યાના અહંકારથી તું રહ્યો નહિ. અથવા આ ખરું કહ્યું છે કે

મામા! તેં સારું ગાયું. મેં કહ્યું તો પણ તું રહ્યો નહિ. (તારા ગળામાં) આ અપૂર્વ મણિ બંધાયો છે; ગીતની નિશાની તને મળી છે.’

ચક્રધર બોલ્યો, ‘આ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —