ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/કામોદાની કથા


કામોદાની કથા

કપંજિલ તેના પિતાને પોતાનો એક અનુભવ કહે છે:

‘ગિરિરાજ મેરુના શિખર પરથી હિમ અને દૂધ જેવો ગંગાપ્રવાહ બહુ વેગથી પૃથ્વી પર પડે છે. તે પ્રવાહ કૈલાસશિખર પર પહોંચીને ચારે બાજુ ફેલાઈ જાય છે. એના પ્રવાહને કારણે દસ યોજન લાંબુંપહોળું પવિત્ર અને શુદ્ધ જળથી ભરેલું એક સરોવર બન્યું છે. તેને ગંગાહૃદ કહે છે. તેની બરાબર સામે એક શિલા પર છૂટા કેશ રાખીને એક કન્યા બેઠી હતી. દિવ્ય રૂપ અને લક્ષણવાળી તે કન્યાએ દિવ્ય આભૂષણો પહેર્યાં હતાં. તે કોણ હતી? ગિરિરાજ કન્યા પાર્વતી કે ઇન્દ્ર-યમરાજની પત્ની હતી? તેનાં શીલ, રૂપ, ગુણ બીજી દિવ્યાંગનાઓમાં ન હતાં. ત્યાં બેઠેલી કન્યા બહુ દુઃખી હતી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. તેનાં અશ્રુ મોતીની જેમ ચમકતાં હતાં. તે અશ્રુ ગંગાના પ્રવાહમાં પડતાંવેંત કમળપુષ્પમાં ફેરવાઈ જતાં હતાં. પછી તે ગંગાના પ્રવાહમાં વહ્યે જતાં હતાં.’

‘પિતાજી, મને કહો કે તે કન્યા કોણ હતી?’

આ સાંભળી, તેના પિતા કુંજલે કહ્યું, ‘સાંભળ, આ દેવતાઓએ કહેલી કથા છે. એક સમયે રાજા નહુષે યુદ્ધમાં પરાક્રમી હુંડ નામના રાક્ષસને મારી નાખ્યો. તેનો પુત્ર વિહુંડ પણ તપસ્વી અને વીર હતો. તેણે જ્યારે જાણ્યું કે નહુષે મારા પિતાનો અને સેનાનો વિનાશ કર્યો છે ત્યારે તેને બહુ ક્રોધ આવ્યો અને તે દેવતાઓનો વિનાશ કરવા તપ કરતો બેઠો. તપને કારણે તેના વધી રહેલ પુરુષાર્થની વાત દેવતાઓ જાણતા હતા, વળી યુદ્ધમાં વિહુંડની સામે ટકી રહેવું બહુ અઘરું હતું. તેના મનમાં ત્રિલોકનો નાશ કરવાનો વિચાર આવ્યો. તેણે નિર્ધાર કર્યો કે મનુષ્યોને અને દેવતાઓને મારી નાખી મારા પિતાનો બદલો લઉં. પછી તેણે અત્યાચાર ગુજારવા માંડ્યા. પ્રજાને પણ ત્રાસ આપ્યો. તેના તેજથી ત્રસ્ત થઈને દેવોએ વિષ્ણુ પાસે જઈને રક્ષા કરવા કહ્યું. ભગવાને દેવતાઓ માટે કંટક બની ગયેલા વિહુંડને મારવાનું વચન આપ્યું.

દેવતાઓને આમ કહ્યા પછી ભગવાને માયાને પ્રેરી. આખા જગતને મોહ પમાડનારી વિષ્ણુમાયાએ રૂપ અને લાવણ્યથી ભરી ભરી તરુણીનું રૂપ લીધું. તે નંદનવનમાં જઈને તપ કરવા લાગી. તે જ વેળા વિહુંડ દેવતાઓનો વધ કરવા દિવ્ય માર્ગેથી ચાલ્યો. નંદનવનમાં પહોંચ્યો એટલે તેની દૃષ્ટિ તપોરત માયા પર પડી. તેને એ ખ્યાલ ન આવ્યો કે આ મારા જ વિનાશ માટે સર્જાઈ છે. આ સુંદરી કાલસ્વરૂપા છે એ વાત તે સમજી ન શક્યો. માયાની કાયા તપ્ત સુવર્ણ જેવી હતી, રૂપનો વૈભવ તો ભારોભાર હતો. તેને જોતાંવેંત તે મોહી પડ્યો. ‘ભદ્રે, તું કોણ છે? તારું શરીર અદ્ભુત છે. મારા મનને તેણે મથી નાખ્યું છે. તું મારી સાથે ક્રીડા કર, કામજનિત વેદનામાંથી મને ઉગાર. બદલામાં તારે જે જે જોઈએ તે બધું હું આપીશ.’

માયા બોલી, ‘જો તું મને ભોગવવા માગતો હોય તો સાત કરોડ કમળ વડે શંકર ભગવાનની પૂજા કર. તે ફૂલ કામોદમાંથી પ્રગટેલાં હોવાં જોઈએ. એ ફૂલોની માળા બનાવીને તું મારા ગળામાં પરોવે તો હું તારી પત્ની બનું.’

આ સાંભળી વિહુંડ તૈયાર થયો, ફૂલો લાવવાનું વચન આપ્યું અને પછી જેટલાં પવિત્ર અને સુંદર વન હતાં તેમાં તે ભમવા લાગ્યો. બહુ શોધ ચલાવી પણ ક્યાંય કામોદ નામનું વૃક્ષ ન જ મળ્યું. બધા તેને ના જ પાડતા હતા. એટલે એમ કરતાં કરતાં તે શુક્રાચાર્ય પાસે ગયો અને કામોદ વૃક્ષ વિશે પૂછ્યું.

તેમણે કહ્યું, ‘કામોદ નામનું કોઈ વૃક્ષ છે જ નહીં. કામોદા તો એક સ્ત્રીનું નામ છે. તે જ્યારે હસે છે ત્યારે સુવાસિત, સુંદર કામોદ ફૂલ પ્રગટે છે. પીળા રંગવાળાં આ ફૂલ બહુ સુવાસિત હોય છે. તેના એક ફૂલ વડે પણ જે શંકર ભગવાનની પૂજા કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. કામોદાનાં અશ્રુમાંથી સર્જાતાં ફૂલોમાં સુવાસ હોતી નથી, એટલે તેનો સ્પર્શ ન કરવો.’

આ સાંભળી વિહુંડે તે ક્યાં રહે છે તે પૂછ્યું.

શુક્રાચાર્યે તેને કહ્યું, ગંગાદ્વાર પાસે કામોદ નામના નગરમાં તે દિવ્ય સમૃદ્ધિ ધરાવતી સ્ત્રી રહે છે. તે અલંકારોથી બહુ સોહે છે. તું ત્યાં જા અને તે યુવતીની પૂજા કર. કોઈ રીતે પણ તેને હસાવ.’

આમ કહીને ગુરુ ચૂપ થઈ ગયા અને મહાપરાક્રમી દાનવ પોતાનું કાર્ય સિદ્ધ કરવા તૈયાર થયો.

કપંજિલે પૂછ્યું, ‘કામોદાના હાસ્યમાંથી પ્રગટતાં સુંદર ફૂલ લેવા દેવતાઓ આટલા બધા આતુર કેમ? એમનાથી થતી પૂજા વડે શંકર ભગવાન આવા સંતુષ્ટ કેમ થાય છે? કામોદા કોણ અને કોની પુત્રી?’

ભૂતકાળમાં દેવતાઓએ અને દાનવોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. એમાંથી ચાર કન્યાઓ પ્રગટી. પછી અમૃતકળશ નીકળ્યો. આ કન્યાઓમાં એક લક્ષ્મી, બીજી વારુણી હતી, ત્રીજી કામોદા અને ચોથી જ્યેષ્ઠા. કામોદા અમૃતની લહેરમાંથી પ્રગટી હતી અને ભવિષ્યમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે વૃક્ષમાં ફેરવાશે અને ભગવાનને આનંદ આપશે. વૃક્ષ રૂપે તેનું નામ તુલસી. જે તુલસીનું એક પાન પણ શ્રીકૃષ્ણને સમપિર્ત કરશે તેના પર ભગવાન પ્રસન્ન રહેશે અને જે જોઈતું હશે તે આપશે.

આ ચારમાંથી એક કામોદા જ્યારે બહુ આનંદમાં આવીને હસે ત્યારે તેના મોંમાંથી સોનેરી રંગનાં સુંદર ફૂલ પ્રગટે છે, તે કદી કરમાતાં નથી. આ ફૂલોને એકઠાં કરીને જે બ્રહ્મા, વિષ્ણુ, શંકરની પૂજા કરે છે તેના પર બધા દેવ સંતુષ્ટ થાય છે, અને જ્યારે તે દુઃખી થઈને રડે છે ત્યારે તેનાં અશ્રુમાંથી પણ સુંદર અને સુવાસહીન ફૂલ ઝરે છે. આ ફૂલો વડે જે શંકરની પૂજા કરે તેને દુઃખ સાંપડે છે, જે એક પણ વાર આ ફૂલથી પૂજા કરે તેને દેવો સંતાપ આપે છે.

ભગવાન વિષ્ણુએ પાપી વિહુંડનાં પરાક્રમ અને દુ:સાહસ જોઈને તેની પાસે દેવર્ષિ નારદને મોકલ્યા. તે વેળા વિહુંડ કામોદા પાસે જઈ રહ્યો હતો. નારદે તેની પાસે જઈને તે ક્યાં જઈ રહ્યો હતો તે પૂછ્યું, ‘અત્યારે તમે બહુ ઉતાવળા અને વ્યગ્ર લાગો છો.’

વિહુંડે દેવષિર્ને પ્રણામ કરીને કહ્યું, ‘હું કામોદ પુષ્પ લેવા જઈ રહ્યો છું.’

આ સાંભળી નારદે તેને કહ્યું, ‘દૈત્ય, તું કદી કામોદ નામના નગરમાં ન જતો. ત્યાં ભગવાન વિષ્ણુ રહે છે. તું કેવી રીતે કામોદ પુષ્પ મેળવીશ તે તને કહું. તે પુષ્પ ગંગામાં ઝીલાશે અને વહેતાં વહેતાં તારી પાસે આવશે. તે સુંદર પુષ્પ તું પાણીમાંથી બહાર કાઢજે. આમ તેનો સંગ્રહ કરી તારો મનોરથ પૂરો કરજે.’

વિહુંડને આમ કહી નારદ કામોદ નગર તરફ ચાલ્યા. જતાં જતાં તેમણે એ દિવ્ય નગર જોયું. પછી નગરમાં રહેતી કામોદાને ઘેર ગયા. કામોદાએ મુનિને આસન આપીને બેસાડ્યા અને તેમનાં ખબરઅંતર પૂછ્યાં. પછી નારદ મુનિએ તેને પૂછ્યું, ‘ભગવાનના તેજમાંથી પ્રગટેલી દેવી, તને કોઈ કષ્ટ તો નથી ને?’

કામોદાએ કહ્યું, ‘તમારા જેવા મહાત્માઓ અને ભગવાન વિષ્ણુની કૃપાથી સુખી છું. મારો એક પ્રશ્ન છે. એક સમયે મેં એક ભયાનક સ્વપ્ન જોયું. કોઈએ મને કહ્યું કે ભગવાન સંસારમાં જન્મ લેશે. આવા સ્વપ્નનો કયો અર્થ? તમે પ્રખર જ્ઞાની છો તો મને કહો.’

નારદે તેને વિવિધ પ્રકારનાં સ્વપ્નની સમજ આપીને કહ્યું કે ભૃગુ ઋષિના શાપને કારણે ભગવાન સંસારમાં અવતાર લેવાના છે. આમ કહીને નારદ ત્યાંથી જતા રહ્યા. ભગવાનના દુઃખે દુઃખી થઈને કામોદા ગંગાકિનારે બેસીને વારે વારે રુદન કરવા લાગી. તેનાં અશ્રુ ગંગામાં પડતાં હતાં અને પાણીમાં પડતાંવેંત તે પુષ્પમાં ફેરવાઈ જતાં હતાં. વિહુંડ તો વિષ્ણુની માયાથી મોહિત હતો. તેણે પુષ્પ જોયાં, શુક્રાચાર્યે તેને કહ્યું હતું તો પણ તેને સમજ ન પડી કે આ દુઃખને કારણે પ્રગટેલાં પુષ્પ છે. તેને તો પુષ્પ જોઈને આનંદ થયો અને બધાં પુષ્પ પાણીમાંથી લઈ આવ્યો અને તે પુષ્પ વડે શંકર ભગવાનની પૂજા તે કરવા લાગ્યો. તેણે સાત કરોડ પુષ્પથી પૂજા કરી તે જોઈને પાર્વતીમાતા ક્રોધે ભરાયાં. તે બોલ્યાં, ‘આ દુર્બુદ્ધિ દાનવનું કુકર્મ તો જુઓ. તે શોકને કારણે પ્રગટેલાં પુષ્પ વડે તમારી પૂજા કરી રહ્યો છે. તેને દુઃખ જ મળશે, તે સુખનો અધિકારી નથી.’

શંકર ભગવાને કહ્યું, ‘તારી વાત સાચી. આ પાપીએ તો પહેલેથી સત્યને બાજુ પર મૂક્યું છે. આ પૂજાથી કોનું કલ્યાણ થવાનું છે? તે મૂરખ છે, એટલે તું તારા તેજ વડે તેનો વધ કર.’

પાર્વતીએ શંકર ભગવાનની વાત માની લીધી અને વિહુંડનો વધ કરવાનો ઉપાય વિચારવાં લાગ્યાં. તેમણે માયાવી બ્રાહ્મણનું રૂપ લઈને પારિજાતનાં પુષ્પો વડે શંકર ભગવાનની પૂજા કરવા લાગ્યાં. તે દાનવે આવીને તેમની પૂજાનો નાશ કરી નાખ્યો. પોતે શોકજનિત પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. તે વેળા તે દુષ્ટનાં નેત્રોમાંથી ટપકતાં અશ્રુ શિવલંગિ પર પડતાં હતાં. આ જોઈને દેવીએ બ્રાહ્મણરૂપે જ તે દાનવને પૂછ્યું, ‘તમે કોણ છો? શોકમગ્ન થઈને ભગવાનની પૂજા કરી રહ્યા છો? તમારાં આંસુ ભગવાનના મસ્તક પર પડે છે. તમે આમ કેમ કરો છો?’

વિહુંડ બોલ્યો, ‘થોડા દિવસ પહેલાં મેં એક સુંદરી જોઈ હતી, તે સર્વાંગસુંદર હતી, કામદેવનું નિવાસસ્થાન હતી. તેને જોઈને હું કામુક બની ગયો, મેં તેને સમાગમ માટે પ્રાર્થના કરી તો તેણે કહ્યું, કામોદનાં સાત કરોડ પુષ્પોથી ભગવાનની પૂજા કરો. તે સ્ત્રીને પામવા આ પૂજા કરી રહ્યો છું. ભગવાન તો મનોવાંછિત ફળ આપનારા છે.’

‘અરે તારો ભાવ ક્યાં છે અને તારું જ્ઞાન ક્યાં છે? કામોદાનું રૂપ કેવું છે? તેં તેના હાસ્યથી પ્રગટતાં પુષ્પ ક્યાં પ્રાપ્ત કર્યાં છે?’

વિહુંડે કહ્યું, ‘હું ભાવ કે ધ્યાન કશું નથી જાણતો. ગંગામાં જે પુષ્પ વહીને આવે છે તે જ દરરોજ ભેગાં કરું છું. શુક્રાચાર્યે મને આ પુષ્પનો પરિચય આપ્યો હતો. તેમની આજ્ઞાથી જ આ પૂજા કરું છું.’

દેવીએ કહ્યું, ‘પાપી, આ પુષ્પ કામોદાના રુદનમાંથી પ્રગટેલાં છે. તું પાપી ભાવ લઈને પૂજા કરી રહ્યો છે, તેં બહુ મોટો અપરાધ કર્યો છે, એટલે હું તને શિક્ષા કરીશ.’

આ સાંભળી વિહુંડ બોલ્યો, ‘અરે દુષ્ટ, તું મારા કાર્યની નિંદા કરે છે? તને આ તલવારથી હમણાં જ મારી નાખું છું.’ એમ કહીને વિહુંડે બ્રાહ્મણને મારવા તલવાર ઉગામી અને તે જોઈને પાર્વતીમાતાએ હુંકાર કરીને તેને ધરાશાયી કરી દીધો. આ લોકવિનાશક દાનવના મૃત્યુથી જગત સ્વસ્થ થઈ ગયું.


(ભૂમિખંડ)