ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/શતધનુ અને તેની રાણી શૈવ્યાની કથા


શતધનુ અને તેની રાણી શૈવ્યાની કથા

પ્રાચીન સમયમાં શતધનુ નામના એક ખ્યાતનામ રાજા હતા. તેમની પત્ની શૈવ્યા પતિવ્રતા, સત્યવાદી, દયાવાન, વિનયી, નીતિમાન હતી. રાજાએ પોતાની પત્નીની સાથે સર્વવ્યાપી દેવ જનાર્દનની પૂજા કરી. પ્રતિદિન તેઓ અનન્યભાવે હોમ, જપ, દાન, ઉપવાસ અને પૂજન કરતા હતા. એક દિવસે કાર્તિકીપૂણિર્માનો ઉપવાસ કરીને ગંગાસ્નાન કર્યું અને તે જ વખતે સામેથી એક પાખંડી આવ્યો. તે બ્રાહ્મણ રાજાના ધનુર્વેદાચાર્યનો મિત્ર હતો એટલે આચાર્યનું ગૌરવ સાચવવા રાજાએ તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કર્યો. પરંતુ રાણીએ તેનો કોઈ સત્કાર કર્યો નહીં અને મૌન પાળ્યું. તે તો ઉપવાસી હતી એટલે તેને જોઈને સૂર્યદર્શન કર્યું, પછી તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરી.

સમયાંતરે રાજાનું મૃત્યુ થયું, દેવી શૈવ્યાએ પણ રાજાનું અનુગમન કર્યું. રાજાએ ઉપવાસ હતો ત્યારે પાખંડી સાથે વાતચીત કરી હતી એને કારણે તે કૂતરાની જાતિમાં જન્મ્યા. રાણી કાશીનરેશની કન્યા રૂપે અવતરી. તે સુલક્ષણા, શાસ્ત્રજ્ઞ અને પૂર્વજન્મની જાણકાર હતી. તેને દિવ્યદૃષ્ટિથી જાણ થઈ કે મારા પતિ કૂતરાની જાતિમાં જન્મ્યા છે. વિદિશા નગરીમાં જઈને તેણે પોતાના પતિને કૂતરા રૂપે જોયો. રાજકન્યાએ રાજાનો સત્કાર કરીને ઉત્તમ ભોજન આપ્યું. આવું મધુર અન્ન ખાઈને જાતિના ગુણધર્મ પ્રમાણે ગેલ કરવા લાગ્યો. આનાથી સંકોચ પામીને કુત્સિત જાતિમાં જન્મેલા પોતાના પતિને પ્રણામ કરીને તે બોલી, ‘મહારાજ, તમે તમારી ઉદારતાને યાદ કરો. આજે તમે શું કરો છો? તીર્થસ્નાન કર્યા પછી પેલા પાખંડી સાથે કરેલી વાતચીતને કારણે તમે આ જન્મ લીધો છે!’

કાશીરાજકન્યાએ આમ યાદ કરાવ્યું એટલે તેને પૂર્વજન્મ પર વિચાર કર્યો. તેને નિર્વેદ જાગ્યો. ઉદાસ થઈને તે નગરબહાર ગયો અને પ્રાણ ત્યજી દીધા, નવા જન્મે તે શિયાળ થયો. કાશીનરેશકન્યાએ દિવ્ય દૃષ્ટિથી આ જાણી તેને જોવા કોલાહલ પર્વત પર ગઈ. પોતાના પતિને શિયાળ રૂપે જન્મેલો જોઈ તે કહેવા લાગી, ‘કૂતરારૂપે જ્યારે જન્મ્યા ત્યારે મેં તમને પૂર્વજન્મનો પ્રસંગ કહ્યો હતો તે યાદ છે ને?’ સત્યવાદી રાજા શતધનુએ આ સાંભળીને પોતે શરીરનો ત્યાગ કર્યો. અને નવા જન્મે તે વરુ તરીકે જન્મ્યા. તે વેળાએ પણ રાજકન્યાએ નિર્જન વનમાં જઈને પતિને ફરી તેમના પૂર્વજન્મની યાદ અપાવી. ‘તમે વરુ નથી, તમે રાજા શતધનુ છો. સૌથી પહેલાં તમે કૂતરા રૂપે, પછી શિયાળ રૂપે હતા, હવે તમે વરુ થયા છો.’ રાજા શરીરત્યાગ કરીને ગીધ જાતિમાં જન્મ્યા. તે વેળાએ પણ તેની પવિત્ર પત્નીએ ફરી ઉપદેશ આપ્યો, ‘હે રાજન્, તમે તમારા પૂર્વજન્મને યાદ કરો, આ ગીધલક્ષણોને ત્યજી દો. પાખંડી સાથે વાતચીત થઈ એને કારણે તમે આજે ગીધ છો.’

પછી કાગડા રૂપે જન્મેલા પતિને તેણે કહ્યું, ‘તમને સામંતો જે ભેટ આપતા હતા તેને કારણે આજે તમને કાકબલિ મળે છે.’ આમ રાજાને પૂર્વજન્મનું ભાન થયું એટલે તે નવા જન્મે મોર થયા. કાશીરાજકન્યાએ મોરને યોગ્ય આહાર આપીને ફરી રાજાને તેમના પૂર્વજન્મની યાદ અપાવી. તે સમયે રાજા જનકે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, તેમાં મોરને સ્નાન કરાવ્યું. રાજાને પોતાના પૂર્વજન્મોની યાદ આવી એટલે શરીરત્યાગ કર્યો અને રાજા જનકને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. પછી તે રાજકન્યાએ પોતાના પિતાને સ્વયંવર રચવા કહ્યું. તેણે સ્વયંવરમાં પધારેલા રાજાને પતિ તરીકે પસંદ કર્યા. જનકના મૃત્યુ પછી વિદેહનગર પર રાજ કર્યું. પત્ની સાથે વિહાર કર્યો, અનેક પુત્રોને જન્મ આપ્યો, યજ્ઞો કર્યા. છેલ્લે ધર્મયુદ્ધમાં મૃત્ુયુ પામ્યા.

(ત્રીજો ખંડ, ૧૮)