ભારતીયકથાવિશ્વ−૪/શિવપુરાણ/બ્રહ્માપુત્રી સંધ્યાની કથા


બ્રહ્માપુત્રી સંધ્યાની કથા


બ્રહ્મા પોતાની પુત્રી સંધ્યાને જોઈને કામાસક્ત થઈ ગયા હતા. પણ શંકર ભગવાનથી ડરી જઈને સંધ્યાને ત્યજી દીધી હતી. સંધ્યાનું ચિત્ત પણ કામબાણથી વ્યાકુળ થઈ ગયું હતું. સંયમી મરીચિ જેવા ઋષિઓની સ્થિતિ પણ એવી જ હતી. મજાક ઉડાવતા શંકરની વાત સાંભળીને, ઋષિઓને જોઈને ચલિત બનીને, મુનિઓના મનમાં જાગેલો રતિભાવ જોઈને સંધ્યા પોતે દુઃખી દુઃખી થઈ ગઈ હતી. કામદેવને શાપ આપીને બ્રહ્મા પણ ત્યાંથી જતા રહ્યા. આ દરમિયાન સંધ્યા વિચારે ચઢી. થોડા સમય અગાઉ બની ગયેલી ઘટનાનો વિચાર કરવા લાગી.

‘મારા યૌવનકાળે મને જોઈ પિતા કામવશ થયા. પોતાના માનસપુત્રો એવા ઋષિઓના દેખતાં મારા પિતાનું મન ચલિત થયું હતું. મારું મન પણ કામવિહ્વળ થઈ ગયું હતું, બધા ઋષિમુનિઓને જોઈને પણ હું ડગી ગઈ હતી. એ પાપનું ફળ તો કામદેવને મળી ગયું, શંકર ભગવાનના દેખતાં બ્રહ્માએ કામદેવને શાપ આપ્યો. પણ મારોય અપરાધ તો છે, હું પણ એ પાપનું ફળ કેમ ન ભોગવું, મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. મને કામવિહ્વળ જોઈ મારા પિતાએ અને ભાઈઓએ મારી ઇચ્છા કરી, મારાથી વધુ પાપી કોણ હશે? તે બધાને જોઈને મને તેમના માટે પતિ જેવો ભાવ જાગ્યો હતો. હું જાતે જ આ પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ, વેદમાર્ગને અનુસરી અગ્નિમાં ઝંપલાવીશ. આ પૃથ્વી પર એક મર્યાદા સ્થાપીશ, તરત જન્મેલાં પ્રાણીઓ પણ કામયુક્ત ન થાય, મહા તપ કરીને હું મર્યાદા બાંધીશ અને પછી આત્મહત્યા કરીશ. જે શરીરની ઇચ્છા મારા પિતાએ અને મારા ભાઈઓએ કરી એ શરીરનો હવે મારે કશો ખપ નથી. જે શરીરથી કામભાવ પ્રગટ્યો તે શરીર પુણ્ય માટે-ધર્મ માટે કામ નહીં લાગે.’

આમ વિચારી ચંદ્રભાગ પર્વતમાંથી વહેતી ચંદ્રભાગા નદી કાંઠે તપ કરવા ગઈ.

આ વાર્તા જાણીને બ્રહ્માએ જિતેન્દ્રિય, જ્ઞાની, વેદજ્ઞ વસિષ્ઠને કહ્યું, ‘તમે ઉત્તમ મનવાળી સંધ્યા પાસે જાઓ, તે તપ કરવા માગે છે તો તમે તેને વિધિવત્ દીક્ષા આપો. તમને, મને અને પોતાને કામવિહ્વળ થયા તે માટે તે લજ્જા અનુભવે છે. તે કોઈને કશું કહ્યા વિના આત્મહત્યા કરવા માગે છે. તે લોકોમાં કામ અંગે એક મર્યાદા સ્થાપવા માગે છે, એટલે જ તે ચંદ્રભાગા તીરે તપ કરવા ગઈ છે. પણ તપ અંગે તે કશું જાણતી નથી. તમે એને ઉપદેશ આપી પોતાની ઇચ્છા પાર પાડે એવું તમે કરો. તમે બીજું સ્વરૂપ ધારણ કરીને જજો અને તપવિધિ બતાવજો. તમારું મૂળ સ્વરૂપ જોઈને તે કશું કહી નહીં શકે.’

બ્રહ્માની વાત સાંભળીને વસિષ્ઠ સંધ્યા પાસે ગયા. માનસરોવર જેવા જ એક સરોવરકાંઠે તેમણે સંધ્યાને જોઈ. કમળ વડે પ્રકાશિત તે સરોવર કાંઠા પર બેઠેલી સંધ્યાને કારણે ચંદ્રોદયથી અને નક્ષત્રોથી આકાશ શોભે તેમ શોભતું હતું. સંધ્યાને જોયા પછી કુતૂહલવશ સરોવર સામે જોવા લાગ્યા. સુંદર સરોવરમાંથી નીકળીને ચંદ્રભાગા નદી એ પર્વતના મોટા શિખરમાં થઈને દક્ષિણ સમુદ્રમાં જતી હતી. જેમ હિમાલયના પશ્ચિમ ભાગને ભેદીને ગંગા સમુદ્રને મળે છે તેમ ચંદ્રભાગા પર્વતના પશ્ચિમ ભાગમાં થઈને સમુદ્રને મળે છે. ચંદ્રભાગ પર્વત પર સરોવરકાંઠા પર સંધ્યાને જોયા પછી વસિષ્ઠે તેને આદરપૂર્વક પૂછ્યું,

‘તું આ નિર્જન પર્વત પર શા માટે આવી છે? તું કોની પુત્રી છે, શું કરવા ધાર્યું છે? જો આ વાત ગુપ્ત રાખવા જેવી ન હોય તો મને કહે. તારું મુખ પૂર્ણચંદ્ર જેવું હોવા છતાં હાવભાવ વિનાનું કેમ છે?’

અગ્નિની જેમ પ્રકાશતા વસિષ્ઠની વાત સાંભળીને પ્રણામ કરી સંધ્યાએ કહ્યું,

‘જેને માટે હું આ પર્વત પર આવી છું તે મારું કાર્ય હવે સંપન્ન થશે. તમારા દર્શનથી જ એ સિદ્ધિ થશે. હું સંધ્યા, બ્રહ્માની પુત્રી, તપ માટે આવી છું. યોગ્ય લાગે તો મને ઉપદેશો. હું કશો વિધિ જાણતી નથી. એ ચિંતાથી સુકાઈ ગઈ છું.’

તેની આ વાત સાંભળીને ઋષિએ કશું પૂછ્યું નહીં, તપ કરવાનો દૃઢ નિશ્ચય કરનારીને તેમણે શંકર ભગવાનનું ધ્યાન ધરવા કહ્યું અને મંત્ર આપ્યો. અને પછી શું શું કરવું, કેવી રીતે કરવું તેની સમજ પાડી અને પછી પોતે અંતર્ધાન થઈ ગયા. આનંદ પામેલી સંધ્યા તપ કરવા માંડી. અને એના તપથી ભગવાન પ્રસન્ન થયા. સંધ્યા આગળ પ્રગટ થયા, આંખો મીંચીને બેઠેલી સંધ્યાના હૃદયમાં પ્રવેશી દિવ્ય જ્ઞાન, વાણી આપ્યાં.

આ પછી સંધ્યાએ ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. એટલે પ્રસન્ન થયેલા ભગવાને વરદાન માગવા કહ્યું, એટલે સંધ્યા બોલી,

‘તમે જો મને વરદાન આપવા માગતા હો તો ભૂતકાળના પાપમાંથી હું મુક્ત થઉં. આ જગતમાં પ્રાણીઓ જન્મીને તરત કામાંધ ન થાય, યોગ્ય વયે જ તેમનામાં કામવૃત્તિ પ્રગટે. મારા જેવી પ્રસિદ્ધ બીજી કોઈ સ્ત્રી ન થાય. મારો પતિ મિત્ર થાય, કામી ન થાય, જે પુરુષ મને વાસનાથી જોશે તે પુરુષ તે જ વેળા નપુંસક થાય.’

ભગવાને કહ્યું, ‘તારા તપથી જે પાપ હતું તે નિર્મૂળ થઈ ગયું છે. તેં માગેલાં બધાં વરદાન આપ્યાં. પ્રાણીઓ યૌવનકાળમાં જ કામવૃત્તિવાળાં થશે. ત્રણે લોકમાં તારા જેવો સતીભાવ કોઈનો નહીં થાય, તેં શરીરત્યાગ કરવાનો નિશ્ચય કર્યો જ છે તે હું કહું તે પ્રમાણે કર. મેધાતિથિ ઋષિ બાર વરસ ચાલે એવો યજ્ઞ કરશે. તું તે યજ્ઞમાં તારી આહુતિ આપજે. તું મેધાતિથિની પુત્રી રૂપે જન્મીશ. તારે જે પતિ પામવો હોય તેનું સ્મરણ કરીને અગ્નિમાં ઝંપલાવજે.’

આવું વરદાન આપીને શંકર ભગવાન અદૃશ્ય થયા. જે મુનિએ તેને ઉપદેશ આપ્યો હતો તેમનું જ પતિરૂપે ધ્યાન ધરી સંધ્યાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. શંકર ભગવાનની આજ્ઞાથી અગ્નિએ તે શરીરને બાળી નાખ્યું અને તે સૂર્યમંડળમાં સ્થાપ્યું. તે વેળા સૂર્યે શરીરના બે ભાગ કર્યા. રાત્રિના અંતે, દિવસના આરંભે તે પ્રાત:સંધ્યા થઈ. સૂર્ય જ્યારે અસ્ત પામે છે ત્યારે સાયંસંધ્યા ઉદય પામે છે. યજ્ઞ પૂરો થયો એટલે તપ્ત કાંચનપૂર્ણ કન્યા મેધાતિથિને સાંપડી. તેમણે તેનું નામ અરુંધતી પાડ્યું. તે સ્ત્રી કોઈ પણ રીતે ધર્મને રોકતી ન હતી એટલે તેનું એ નામ લોકમાં પ્રસિદ્ધ થયું. મુનિ તેને ઉછેરવા લાગ્યા. તે જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે તે ચંદ્રભાગા નદીને અને અરણ્યને પણ પવિત્ર કરવા લાગી. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશે વસિષ્ઠ સાથે તેનો વિવાહ કર્યો; આમ વસિષ્ઠ અને અરુંધતી જગપ્રસિદ્ધ પતિપત્ની બન્યાં.

(૭)