ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/લક્ષ્મણાસ્વયંવર


લક્ષ્મણાસ્વયંવર

(દ્રૌપદી શ્રીકૃષ્ણની પત્નીઓ રુકિમણી, ભદ્રા, જાંબવતી, સત્યા, સત્યભામા, કાલિન્દી, શૈવ્યા, લક્ષ્મણા, રોહિણી વગેરેને પૂછે છે કે શ્રીકૃષ્ણે તમારું પાણિગ્રહણ કેવી રીતે કર્યું હતું ત્યારે બધી સ્ત્રીઓ પોતપોતાની વિગતો આપે છે, લક્ષ્મણાની વિગતો વધુ રસપ્રદ છે.)

દેવર્ષિ નારદ વારે વારે ભગવાનના અવતાર અને તેમની લીલાઓનું કર્યા કરતા હતા. એ મેં સાંભળ્યું, પછી એ વાત પણ જાણી કે લક્ષ્મીજીએ બધા લોકપાલોને બાજુ પર મૂકીને ભગવાનને જ પતિ રૂપે પસંદ કર્યા હતા. એટલે મારું મન ભગવાન પ્રત્યે આકર્ષાયું. મારા પિતા બૃહત્ સેન મારા પર બહુ પ્રેમ વરસાવતા હતા. જ્યારે તેમણે મારા મનની વાત જાણી ત્યારે એક ઉપાય કર્યો. જેવી રીતે પાંડવવીર અર્જુનને મેળવવા માટે દ્રૌપદીના પિતાએ મત્સ્યવેધ યોજીને સ્વયંવર રચ્યો હતો તેવી રીતે મારા પિતાએ પણ એવી જ યોજના કરી. દ્રૌપદીના સ્વયંવર કરતાં અહીં જરા જુદી યોજના હતી. અહીં મત્સ્ય બહારથી દેખાતો ન હતો, પાણીમાં તેનું પ્રતિબિંબ પડતું હતું. આ વાતની જાણ જ્યારે રાજાઓને થઈ ત્યારે ચારે દિશામાંથી હજારો રાજા અસ્ત્રશસ્ત્ર લઈને પોતપોતાના ગુરુઓની સાથે અમારી રાજધાનીમાં આવી ચઢ્યા. તેમની વીરતા અને અવસ્થાને ધ્યાનમાં રાખીને મારા પિતાએ બધાનું સ્વગત કર્યું. મને મેળવવા માટે બધા રાજાઓએ ધનુષબાણ હાથમાં લીધા. એમાંથી કેટલા બધા રાજાઓ તો પણછ પણ બાંધી ન શક્યા. કેટલાકે ધનુષના એક છેડે પણછ તો બાંધી પણ બીજો છેડો જોડી જ ન શક્યા, જરા ઝટકો લાગતાં જ તેઓ જમીન પર પડી ગયા. જરાસંધ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન, કર્ણ —- આ બધાએ પણછ તો ચડાવી પણ તેમને માછલી દેખાઈ નહીં. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોયું, તે ક્યાં છે તેનો અંદાજ પણ આવ્યો, તેમણે સાવધ રહીને બાણ છોડ્કહ્યું પણ લક્ષ્યવેધ ન થયો, તેમના બાણથી માત્ર સ્પર્શ જ થયો.

આમ ભલભલા અભિમાનીઓનો ગર્વ ઓગળી ગયો. મોટા ભાગના રાજાઓએ મને પામવાની ઇચ્છા જતી કરી. લક્ષ્યવેધ પણ માંડી વાળ્યો. ત્યારે શ્રીકૃષ્ણે ધનુષ ઊંચક્યું અને રમતાં રમતાં પણછ ચડાવી, બાણ સજ્જ કર્યું અને પાણીમાં માત્ર એક જ વાર પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું અને માછલી નીચે ફંગોળી. ત્યારે બપોરનો સમય હતો, અભિજિત મુહૂર્ત હતું, તે સમયે ચારે બાજુ જયજયકાર થયો, આકાશમાં દુંદુભિ વાગ્યાં. ઘણા દેવતાઓ આનંદથી છલકાઈ પુષ્પવર્ષા કરવા લાગ્યા. તે સમયે મેં રંગભવનમાં પ્રવેશ કર્યો,

પગનાં ઝાંઝર રણઝણી રહ્યાં હતાં. સુંદર ઉત્તમ રેશમી વસ્ત્ર પહેર્યાં હતાં. કેશમાં પુષ્પમાળાઓ પરોવી હતી અને મોં પર લજ્જાપૂર્ણ સ્મિત હતું. મારા હાથમાં રત્નહાર હતો. તેમાં વચ્ચે વચ્ચે સુવર્ણ હતું એટલે તે વારેવારે તે વધુ તેજસ્વી લાગતું હતું. મારા મોં પર કાળા કેશની લટો ખૂબ જ સોહી ઊઠી હતી, મેં એક વાર મોં ઊંચું કરીને જરા સ્મિત સાથે બેઠેલા રાજાઓ પર નજર નાખી ન નાખી અને પછી ધીમેથી વરમાળા કૃષ્ણના ગળામાં પરોવી દીધી. હું તો પહેલેથી કૃષ્ણ પર જ મોહી પડી હતી. જેવી વરમાળા કૃષ્ણના ગળામાં પરોવી ત્યાં મૃદંગ,પખાવજ, શંખ, ઢોલ, નગારાં વાગવા માંડ્યાં, નૃત્યકારો — નૃત્યાંગનાઓએ નૃત્ય કરવા માંડ્યાં, ગાયકોએ ગીત રજૂ કર્યાં.

પણ કૃષ્ણને મેં પસંદ કર્યા તે કેટલાક કામાતુર રાજાઓને ન ગમ્યું. તેઓ ક્રોધે ભરાયા. ભગવાને મને રથ પર ચઢાવી દીધી, અને શાર્ઙ્ગ ધનુષ્ય હાથમાં લઈને યુદ્ધ માટે સજ્જ થઈ ગયા, અને મને સીધી દ્વારકા લઈ જવા લાગ્યા. કેટલાક રાજાઓએ પીછો કર્યો પણ તેઓ સાવ નિષ્ફળ થયા.

અને મને લઈને શ્રીકૃષ્ણ દ્વારકામાં પ્રવેશ્યા. આખી નગરી અદ્ભુત રીતે શણગારી હતી, એટલાં બધાં ધ્વજ, પતાકા, તોરણ, હતાં કે સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચ્યો જ ન હતો. મારી ઇચ્છા પાર પડી એટલે મારા પિતાને બહુ આનંદ થયો. તેમણે મિત્રો — સ્વજનોનો ભેટસોગાદો વડે સત્કાર કર્યો. શ્રીકૃષ્ણ પાસે તો શું ન હતું. છતાં મારા પિતાએ બહુ પહેરામણી આપી. દાસદાસી, હાથીઘોડા આપ્યા. મને એમ લાગ્યું કે પૂર્વજન્મમાં મેં બહુ પુણ્ય કર્યાં હશે અને એટલે જ કૃષ્ણ પતિરૂપે મળ્યા.