ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/અન્ધકાસુરની કથા


અન્ધકાસુરની કથા

ભગવાન વિષ્ણુએ જ્યારે દિતિના બધા પુત્રોનો વધ કર્યો ત્યારે તે દેવીએ તપ કરીને બ્રહ્માપુત્ર કશ્યપની આરાધના કરી. તે દેવીની તપસ્યા, સેવા વગેરેથી કશ્યપે પ્રસન્ન થઈને કહ્યું, ‘ઉત્તમ વ્રતનું પાલન કરનારી દેવી, હું તારા પર પ્રસન્ન છું, ઇચ્છા થાય તે વરદાન માગ.’

દિતિએ કહ્યું, ‘ભગવન્, દેવતાઓએ મારા બધા પુત્રોની હત્યા કરી છે, હવે દેવતાઓ મારી ન શકે એવો એક પુત્ર મારે જોઈએ છે.’

કશ્યપ બોલ્યા, ‘હે કમલલોચના, તારા પુત્રને દેવતાઓ મારી નહીં શકે, દેવાધિદેવ શંકર સિવાય કોઈ દેવતા તેનો વધ કરી નહીં શકે. મારી સત્તા રુદ્ર પર ચાલી નથી શકતી. એટલે તારા પુત્રની રક્ષા રુદ્રથી કરતી રહેજે.’ એમ કહી કશ્યપે દેવીના ઉદરનો સ્પર્શ કર્યો, પરિણામે દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને હજાર હાથ, હજાર મસ્તક, બે હજાર નેત્ર અને બે હજાર પગ હતા. તે અંધ ન હતો તો પણ અંધની જેમ ચાલતો હતો એટલે ત્યાંના લોકો તેને અન્ધક કહેવા લાગ્યા. હું અવધ્ય છું એમ જાણીને તે લોકોને ત્રાસ આપવા લાગ્યો. પોતાના બળનું અભિમાન કરીને તે રત્નો ઉઠાવી લાવતો હતો. ઘણો શક્તિશાળી હોવાને કારણે તેણે અપ્સરાઓને પોતાના ઘરમાં રાખી હતી. પાપી અન્ધકાસુરે પરસ્ત્રીઓનું અને પરધનનુંહરણ કરવા માંડ્યું, બધાનો તિરસ્કાર કરનારા અસુરોનો સાથ લઈને તે ત્રણે લોક પર વિજય મેળવવા તત્પર થયો. આ સમાચાર સાંભળી ઇન્દ્રે પિતા કશ્યપને પૂછ્યું, ‘અન્ધકાસુરે આવું કાર્ય આદર્યું છે તો અમે શું કરીએ? નાના ભાઈનો આવો દુરાચાર કેવી રીતે વેઠી શકાય? આ દિતિનો પ્રિય પુત્ર છે, હું એના પર પ્રહાર કેમ કરી શકું? હું જો એનો વધ કરીશ તો માસી મારા પર ક્રોધે ભરાશે.’

દેવરાજની વાત સાંભળીને કશ્યપે કહ્યું, ‘હું અન્ધકને અટકાવીશ.’ પછી કશ્યપ ઋષિએ દિતિ સાથે જઈને અન્ધકને માંડ માંડ ત્રિભુવનવિજય કરતાં અટકાવ્યો. એમની ના છતાં દુષ્ટ અન્ધક સ્વર્ગવાસી દેવતાઓને હેરાન કરતો જ રહ્યો. તે દુર્બુદ્ધિએ નન્દનવનનાં વૃક્ષો, ઉદ્યાનોનો નાશ કર્યો. ઉચ્ચૈ:શ્રવાના વંશજ અશ્વોને સ્વર્ગમાંથી બળ વાપરીને લઈ આવ્યો. વરદાનના અભિમાનને કારણે દેવતાઓને હેરાન કરતો જ રહ્યો. વરદાનના અભિમાનને કારણે દેવતાઓના દેખતાં જ ઐરાવતના વંશજ દિવ્ય હાથીઓનું અપહરણ કરી બેઠો. દેવતાઓ માટે આપત્તિ રૂપ અન્ધક જે યજ્ઞયાગાદિ વડે દેવતાઓને હવિ મળતા રહેતા હતા તે યજ્ઞમાં વિઘ્નો ઊભાં કરવા લાગ્યો. યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરનારા અન્ધકથી ડરી જઈને ત્રણે વર્ણના લોકો ન યજ્ઞ કરી શકતા, ન તપ. તેની ઇચ્છા પ્રમાણે વાયુ વહેતો હતો. સૂર્ય તેની રુુુુચિ પ્રમાણે તપતા હતા, ચન્દ્રમા તેની ઇચ્છાથી દેખાતા અથવા ન દેખાતા. શક્તિના અભિમાનથી દુુર્બુદ્ધિવાળા અન્ધકના ભયથી આકાશમાં વિમાન ઊડી શકતા નહીં. આખું જગત તેનાથી ભયભીત થઈને ઓમકાર અને વષટકારના ધ્વનિવિહોણું થઈ ગયું. તેણે ઉત્તર કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ અને જંબુદ્વીપના બીજા પ્રદેશો ઉપર પણ આક્રમણ કરવા માંડ્યું. અજેય દેવતા અને દાનવ તેનું સન્માન કરતા હતા. બીજાં પ્રાણીઓ સમર્થ હોવા છતાં તેનો આદર કરતાં હતાં. તેના ઉત્પાતથી ત્રાસી ગયેલા બ્રહ્મવાદી ઋષિઓ ભેગા મળીને તેના મૃત્યુનો ઉપાય વિચારવા લાગ્યા. તે ઋષિઓમાં ધીમાન બૃહસ્પતિ પણ હતા. તેમણે કહ્યું, ‘આ અસુરનું મૃત્યુ રુદ્ર સિવાય કોઈના હાથે થવાનું નથી. દિતિને વરદાન આપતી વેળા કશ્યપે આમ કહ્યું હતું. એટલે હવે આપણે એવો ઉપાય વિચારીએ જેથી શંકર ભગવાનને આ અસુરના ત્રાસનો ખ્યાલ આવે. ભગવાન રુદ્ર આ જગતના સ્વામી છે, સજ્જનોના આશ્રય છે. જ્યારે તેમને આ વાતની જાણ થશે ત્યારે બધાનું દુઃખ દૂર કરશે. ભગવાન શંકરનું તો વ્રત છે કે દુષ્ટોથી સાધુઓની, ખાસ કરીને, બ્રાહ્મણોની રક્ષા કરવી. તો આપણે નારદ પાસે જઈએ, તેઓ ભગવાન શંકરના મિત્ર છે.’ બૃહસ્પતિની વાત સાંભળીને બધાએ આકાશમાં જોયું તો દેવર્ષિ નારદ જાતે જ ત્યાં આવી પહોેંચ્યા હતા.

તેમણે નારદમુનિનો યથાયોગ્ય સત્કાર કર્યો, તેમનું પૂજન કર્યું અને કહ્યું, ‘દેવર્ષિ, તમે હમણાં જ કૈલાસ પર્વત પર જાઓ અને અન્ધકાસુરનો વધ કરવા ભગવાન શંકરને વિનંતી કરો. તમે જગતની રક્ષા કરવા પ્રયત્ન કરો.’ નારદ મુનિએ તથાસ્તુ કહી તેમની વિનંતી સ્વીકારી. ઋષિઓ ગયા પછી આ વિશે શું કરી શકાય તેનો વિચાર તે વિદ્વાન મુનિએ કર્યો. પછી ભગવાન શંકર (વૃષધ્વજ) જ્યાં નિત્ય મંદારવનમાં વિરાજતા હતા ત્યાં દેવર્ષિ નારદ જઈ પહોેંચ્યા. ભગવાન શૂલપાણિના મિત્ર મન્દાર વનમાં એક રાત રહીને શિવની આજ્ઞા લઈ ફરી સ્વર્ગલોકમાં પાછા આવ્યા. તેમણે પોતાના ગળામાં સારી રીતે ગૂંથેલી મંદારમાલા પહેરી હતી. તેની સુગન્ધ બીજી સુગન્ધોથી ચઢિયાતી હતી. તેઓ જ્યાં અભિમાની અન્ધકારસુર રહેતો હતો ત્યાં જઈ પહોેંચ્યા. નારદના ગળાનાં પુષ્પોની સુગંધથી અંધક આકર્ષાયો અને પુષ્પમાળા સામે જોઈને કહ્યું, ‘મુનિશ્રેષ્ઠ, આ સુંદર પુષ્પો ક્યાં છે? આ તો વારંવાર સુંદર વર્ણ અને સુવાસથી મને આકર્ષે છે, સ્વર્ગમાં જે પુષ્પો છે તેના કરતાંય આ પુષ્પો તો બધી રીતે ચઢિયાતાં છે. તમારી જો મારા પર કૃપા હો તો મને આ પુષ્પોનું સ્થળ બતાવો.’ પછી નારદ મુનિએ અન્ધકાસુરનો જમણો હાથ પકડીને કહ્યું,

‘મંદરાચલ પર્વત પર ઇચ્છાનુસાર ગતિ કરનારું એક વન છે. ત્યાં આ ફૂલ થાય છે. તે વન ભગવાન શંકરનું છે. એ વનમાં તેમની આજ્ઞા વિના કોઈ પ્રવેશી શકતું નથી. ત્યાં ભગવાનના પાર્ષદો તેની રક્ષા કરે છે. વિવિધ વેશ ધારણ કરેલા અનેક અસ્ત્રશસ્ત્ર તેમની પાસે છે. તેમનું રૂપ ભયાનક છે, તેમના પર વિજય મેળવવો બહુ અઘરી વાત છે. મહાદેવ તેની રક્ષા કરે છે એટલે તે બધાં પ્રાણીઓથી અવધ્ય છે. મંદાર વૃક્ષોના ઉદ્યાનમાં ભગવાન ઉમા સાથે વિહાર કરે છે, પોતાના પાર્ષદો સાથે તેઓ ત્યાં રહે છે. વિશેષ તપ કરીને ભગવાન શંકરની આરાધના કરો તો આ પુષ્પ મળે. આ બધાં વૃક્ષ ભગવાનને પ્રિય છે. સ્ત્રીરત્ન, મણિરત્ન અને એવું સર્વ બધાને ફળરૂપે આપે છે. ત્યાં મંદારવનમાં પુષ્પના તેજથી જ બધું પ્રકાશિત થાય છે. ત્યાં દુઃખ-શોક નથી. ત્યાં કેટલાંક વૃક્ષ ઉત્તમ સુવાસ પ્રગટાવે છે, કેટલાંક વૃક્ષ જળ પ્રગટાવે છે, બીજાં વૃક્ષ વિવિધ સુવાસિત વસ્ત્ર આપે છે. એટલું જ નહીં — એ વૃક્ષો પાસેથી ભક્ષ્ય, ભોજ્ય, પેય, ચોષ્ય, લેહ્ય પદાર્થો સાંપડે છે. બસ એક જ વાત સમજી લે કે તે મંદારવનમાં ભૂખતરસ, ગ્લાનિ, ચિન્તાને કોઈ સ્થાન નથી. ત્યાં સ્વર્ગથી અનેક ગણા ઉત્તમ ગુણ છે, એનું સેંકડો વર્ષોમાંય વર્ણન ન થઈ શકે. ત્યાં એક દિવસ માટે પણ રહેવા મળે તો મહેન્દ્ર સહિત બધા લોકો પર વિજય મેળવીશ. તે સ્વર્ગનુંય સ્વર્ગ છે, સર્વ સુખોનુંય સુખ છે. હું તો એવું માનું છું કે સમગ્ર જગતનો સાર આ મંદારવન જ છે.’

નારદ મુુનિની વાત ધ્યાનથી સાંભળી અન્ધકાસુરે મંદરાચલ જવાનો નિર્ધાર કર્યો. ઘણા બધા અસુરોની સાથે મહાદેવના નિવાસસ્થાન મંદાર પર્વત પર અન્ધકાસુર ગયો. પર્વત મેઘાચ્છાદિત હતો, ઘણી ઔષધિઓ ત્યાં હતી, વિવિધ સિદ્ધો અને મહર્ષિઓનો સમુદાય ત્યાં હતો. બધી દિશાઓમાં ચંદન અને અગરુનાં વૃક્ષો હતાં. સરલ(ચીડ)નાં વૃક્ષો પણ હતાં. કિન્નરોના ગીતધ્વનિથી તે સ્થળની રમણીયતા વધુ ગાઢ થતી હતી. વૃક્ષો પણ હતાં. હાથી અને સાપ પણ ઘણા હતા. વાયુને કારણે પ્રફ્ુલ્લ કાનનોથી નૃત્યનો ભાસ થતો હતો. વહેતી ધાતુઓને કારણે આંગળીને ચંદનની અર્ચા કરી હોય એમ લાગતું હતું. પક્ષીઓનાં કલકૂજન હતાં. પવિત્ર સ્થાને બેસનારા હંસ ઉડાઉડ કરતા હતા, આખા પર્વતમાં તે દેખાતા હતા. દૈત્યોનો વિનાશ કરનારા મહિષો વિહાર કરતા હતા. ચંદ્રકિરણો જેવી કાંતિવાળા સિંહ ચારે દિશાઓમાં હતા. મૃગોનાં ટોળાં હતાં. આ મંદારપર્વત દેવતારૂપ લાગતો હતો. તેને જોઈને ઘમંડી અન્ધક બોલ્યો, ‘હે મહાગિરિ, તું તો જાણે છે કે મારા પિતાના વરદાનથી હું બધા માટે અવધ્ય છું. ચરાચર પ્રાણીઓ સહિત ત્રણે લોક મારા અંકુશમાં છે. ભયભીત થઈને કોઈ મારી સાથે યુદ્ધ નથી કરતું. મારા જાણવામાં આવ્યું છે કે તારા શિખર પર પુષ્પોથી સુશોભિત પારિજાત વન છે. તે ક્યાં છે તે કહે. હું એ વનનો ભોગવટો કરીશ. ત્યાં જવા હું બહુ આતુર છું. તું ક્રોધે ભરાઈને શું કરી લઈશ? તારી રક્ષા કરી શકે એવો કોઈ પુુરુષ મને દેખાતો નથી.’

આ સાંભળીને મંદરાચલનો અધિષ્ઠાતા દેવ ત્યાંથી અંતર્ધાન થઈ ગયો. ત્યારે વરદાનના અભિમાનને કારણે તે અન્ધક ક્રોધે ભરાઈને ગર્જના કરતો બોલ્યો, ‘અરે પર્વત, યાચના કરવા છતાં તું મને માન નથી આપતો. તો લે, હું ક્રોધે ભરાઈ તને ચૂર ચૂર કરી નાખું છું.’ એમ કહી તે પરાક્રમી દાનવે બધા અસુરોની સાથે અનેક યોજનોમાં ફેલાયેલા મંદરાચલના એક શિખરને ઉખેડી નાખ્યું અને બીજાં શિખરો પર ફેંકીને ચૂર ચૂર કરી નાખ્યું. તે મહાન પર્વતે અનેક નદીઓને સંતાડી દીધી. તેની સ્થિતિ પર વિચાર કરીને તે મહાન પર્વત પર કૃપા કરી. તેમની કૃપાથી પારિજાત વગેરે પુષ્પોવાળું એ વન ફરી હાથી, હરણ અને હાથીઓથી શોભી ઊઠ્યું. મહાદેવના પ્રભાવથી અસુરોએ ઉખાડી નાંખીને ફેંકાયેલાં એ શિખર અસુરોને જ મારી નાખતાં હતાં. જે મહાન અસુરો મંદરાચલનાં શિખરો ફેંકીને ભાગી જતા હતા તેઓ જ મૃત્યુ પામતા હતા. જે અસુરો સ્વસ્થ ચિત્તે પર્વત શિખરો પર ઊભા રહ્યા હતા તેઓ શિખરો વડે મૃત્યુુ પામતા ન હતા. અન્ધકે જ્યારે પોતાની સેનાનો વિધ્વંસ જોયો ત્યારે ગર્જીને બોલ્યો, ‘અચલ, તારી સાથે યુદ્ધ કરીને શો લાભ? તેં રણભૂમિમાં છળ કરીને દૈત્યોનો વધ કર્યો છે. હવે આ વનના સ્વામીને હું લલકારું છું. તે યુદ્ધ કરવા મારી સામે આવે.’

અન્ધકાસુરે આમ કહ્યું એટલે તેને મારી નાખવાની ઇચ્છાથી મહેશ્વરદેવ હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસીને ત્યાં આવ્યા. ભગવાન ત્રિલોચન પ્રમથગણ અને ભૂતપ્રેતથી ઘેરાયેલા હતા.

ભગવાન શંકરના કોપથી ત્રણે લોક ધૂ્રજી ઊઠ્યા. નદીઓ વિરુદ્ધ દિશામાં વહેવા લાગી, તેમનું જળ ખળભળી ઊઠ્યું. મહાદેવના તેજથી બધી દિશાઓમાં અગ્નિદાહ ફેલાયો. બધા ગ્રહ વિપરીત બન્યા, પર્વતો ડોલવા લાગ્યા, મેઘ તેમના ઉપર અંગારવર્ષા કરવા લાગ્યા. ચંદ્રનાં કિરણો ઉષ્ણ થયાં, સૂર્યનાં કિરણો શીતલ થયા. ઘોડીઓના પેટે ગાયના વાછરડા જન્મવા લાગ્યા, ગાયો ઘોડાઓને જનમ આપવા લાગી. પૃથ્વી પર વૃક્ષો એમ જ ભસ્મ થઈ ગયાં. ગાયો સાંડ પર ચઢી જતી હતી. સંસારની આ વિપરીત સ્થિતિ જોઈ પ્રજ્વલિત અગ્નિ જેવું ત્રિશૂળ શંકર ભગવાને ફેંક્યું અને તે અસુરની છાતીમાં વાગ્યું. અને અસુર ભસ્મ થઈ ગયો. બધા શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દુંદુભિનાદ થયો, પુષ્પવર્ષા થઈ, ત્રણે લોકે નિરાંતનો શ્વાસ લીધો. દેવગંધર્વનાં ગીત, અપ્સરાઓનાં નૃત્ય થયાં. બધું જ પૂર્વવત્ થઈ ગયું. ઉમાસમેત ભગવાન પારિજાત વનમાં વિહરવા લાગ્યા, આખા વનને ઇન્દ્ર વગેરે દેવોના વિહારયોગ્ય બનાવ્યું.


(વિષ્ણુપર્વ ૮૬-૮૭)