ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/રાજા રજિ અને તેના પુત્રોની કથા


રાજા રજિ અને તેના પુત્રોની કથા

સ્વર્ભાનુકુમારી પ્રભા આયુની પત્ની હતી. તેના દ્વારા આયુ પાંચ પુત્રોનો પિતા બન્યો, તે બધા મહારથીઓ હતા. નહુષ, વૃદ્ધશર્મા, રમ્ભ, રજિ અને અનેના ત્રણે લોકમાં વિખ્યાત હતા. ભૂતકાળમાં દેવદાનવો વચ્ચે જ્યારે ઘોર યુદ્ધ થયું ત્યારે બંને પક્ષના લોકોએ પ્રજાપતિ બ્રહ્માને પૂછ્યું: ‘અમારા આ યુદ્ધમાં વિજય કોનો થશે? અમે તમારી પાસેથી સત્ય જાણવા માગીએ છીએ.’

બ્રહ્માએ કહ્યું, ‘શક્તિશાળી રાજા રજિ હાથમાં શસ્ત્રો લઈને જે પક્ષમાં રહીને લડશે તે ત્રણે લોકમાં વિજયી થશે. જે પક્ષે રજિ ત્યાં ધૃતિ, જ્યાં ધૃતિ ત્યાં લક્ષ્મી, જ્યાં ધૃતિ અને લક્ષ્મી ત્યાં ધર્મ અને વિજય.’

બ્રહ્માની વાત સાંભળીને દેવ-દાનવો પ્રસન્ન થઈ વિજય મેળવવાની ઇચ્છાથી રજિને પોતાના પક્ષમાં લેવા તેની પાસે ગયા. તે રાહુના દૌહિત્ર હતા, રાહુની પુત્રી પ્રભાના પેટે જન્મ્યા હતા. સોમવંશની વૃદ્ધિ કરનારા રજિ તેજસ્વી હતા. બધા જ દેવદાનવો પ્રસન્ન થઈ તેમની પાસે ગયા, ‘રાજન્, તમે અમને વિજયી બનાવવા હાથમાં ધનુષ લો.’ સ્વાર્થ સમજનારા રજિએ સ્વાર્થનો વિચાર કરીને દેવદાનવોને કહ્યું,

‘હું જો બધા દાનવોને જીતી ઇન્દ્ર થઈ શકું તો તમારા પક્ષે રહીને લડીશ.’ દેવતાઓએ કહ્યું, ‘ભલે એમ જ થશે.’ દેવતાઓની વાત સાંભળીને રાજા રજિએ મુખ્ય મુખ્ય દાનવોને પણ એવી જ રીતે પૂછ્યું, ‘અહંકારી દાનવોએ સ્વાર્થ જોઈને ગર્વપૂર્વક કહ્યું, ‘અમારા ઇન્દ્ર તો પ્રહ્લાદ છે. એમને માટે જ અમે વિજય મેળવવા માગીએ છીએ. આ શરતે જ તમે અમારા પક્ષે રહો.’

તેઓ દાનવોની વાત માનવા જતા જ હતા ત્યાં દેવતાઓએ તેમને પોતાના પક્ષે લાવવા કહ્યું,

‘રાજન્, તમે વિજય મેળવો અને અમારા ઇન્દ્ર બની જાઓ.’

દેવતાઓનું આ વચન સાંભળીને રજિએ બધા દાનવોનો નાશ કર્યો, અને આમ કરીને દેવતાઓએ ગુમાવેલી બધી સંપત્તિ તેમને પાછી મેળવી આપી. પછી દેવતાઓ સાથે રહીને ઇન્દ્રે પોતાને રજિનો પુત્ર બતાવી કહ્યું,

‘તમે અમારા સૌના ઇન્દ્ર છો એમાં કશી શંકા નથી. આજથી હું ઇન્દ્ર તમારો પુત્ર અને તમારા પુત્ર રૂપે મારી ખ્યાતિ થશે.’

ઇન્દ્રની આ વાત સાંભળીને રજિએ ‘તથાસ્તુ’ કહ્યું. તેઓ જ્યારે બ્રહ્મલોકવાસી થયા ત્યારે તેમના પાંચસો પુત્રોએ લોકવ્યવહાર પ્રમાણે પોતાનો ભાગ બળજબરીથી લીધો. તેમને ઇન્દ્રના ત્રિવિલ્પ નામના સ્વર્ગ ઉપર વારંવાર આક્રમણ કરીને લીધું.

ઘણા સમય પછી રાજ્ય અને યજ્ઞભાગ ગુમાવી બેઠેલા ઇન્દ્રે એક દિવસ એકાંતમાં બૃહસ્પતિને કહ્યું, ‘તમે એક બોર જેટલા પણ પુરોડાશખંડની વ્યવસ્થા મારા માટે કરો. રજિના પુત્રોએ મારું રાજ્ય, મારું ભોજન છિનવીને મને સાવ પાણીપાતળો કરી નાખ્યો છે.’

બૃહસ્પતિએ કહ્યું, ‘જો વાત આવી હતી તો તારે મને પહેલાં જણાવવું હતું ને! તારું પ્રિય કરવા માટે હું બધું કરી છૂૂટું. તારા મનોરથની સિદ્ધિ માટે પ્રયત્ન કરીશ. એને કારણે તું તારું રાજ્ય અને તારો યજ્ઞભાગ બહુ શીઘ્ર પ્રાપ્ત કરી શકીશ. તારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.’

એમ કહી બૃહસ્પતિએ ઇન્દ્રનું તેજ વધારવા કર્મ કરવા માંડ્યું. બૃહસ્પતિએ રજિના પુત્રોની બુદ્ધિમાં મોહ પમાડવા નાસ્તિકવાદથી ભરચક અને ધર્મનો દ્વેષ કરનાર શાસ્ત્ર ઊભું કર્યું. તર્કના આધારે પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં તે ઉત્કૃષ્ટ મનાયું. બૃહસ્પતિનું આ નાસ્તિક દર્શન દુષ્ટ લોકોને બહુ પ્રિય છે. ધામિર્ક લોકોની વાતચીતમાં એની ચર્ચા નથી થતી. બૃહસ્પતિનું એ શાસ્ત્ર સાંભળીને મંદબુદ્ધિ રજિપુત્રો પ્રાચીન ધર્મગ્રંથોના દ્વેષી થયા. આ અન્યાયી દર્શન તેમને ગમી ગયું. એ અધર્મથી તેઓ નાશ પામ્યા. બૃહસ્પતિની કૃપાથી રજિપુત્રોનો નાશ કરીને ઇન્દ્ર પ્રસન્ન થયા. નાસ્તિકવાદનો આશ્રય લઈને તે રજિપુત્રો ધર્મવિરુદ્ધ બ્રહ્મદ્રોહી, અશક્ત, પરાક્રમહીન થઈ ગયા અને તેમને મારીને ઇન્દ્રે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.


(હરિવંશપર્વ ૨૮મો અધ્યાય)