ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/કરાલા નામની કુટ્ટનીની વાર્તા


કરાલા નામની કુટ્ટનીની વાર્તા

‘શ્રી પર્વતમાં બ્રહ્મપુર નામના નગરમાં ઘંટાકર્ણ નામનો એક રાક્ષસ રહેતો હતો એવી એક અફવા સંભળાતી હતી. કોઈ એક ચોર ઘંટ લઈને દોડતો હતો અને વાઘે તેને મારી નાખ્યો અને પછી તે ચોરને ખાઈ ગયો. હવે ચોરના હાથમાં રહેલો ઘંટ પડી ગયો અને તે વાંદરાંઓને મળ્યો. આ તો વાંદરાં એટલે વારે વારે તે ઘંટ વગાડવા લાગ્યા. નગરના માણસોએ વાઘે ખાધેલો ચોર જોયો અને વારે વારે ઘંટારવ સાંભળવા લાગ્યા. ગામલોકોએ માની લીધું કે કોઈ ઘંટાકર્ણ નામનો રાક્ષસ છે અને તે જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે મનુષ્યભક્ષી બને છે, પછી ઘંટ વગાડે છે. ગામલોકો તો ગામ છોડીને નાસી ગયા. હવે તે નગરમાં કરાલા નામે એક કુટ્ટની રહેતી હતી. ઘંટ કસમયે વાગે છે તો શું એ વાંદરાંઓ વગાડતા હશે? મનમાં એવો વિચાર કરીને જાતે જઈ ખાત્રી કરી આવી. પછી રાજા પાસે જઈને બોલી, ‘મહારાજ, જો તમે થોડો ખર્ચ કરો તો હું આ ઘંટાકર્ણને વશ કરું.’ રાજાએ હા પાડી અને તેને ધન આપ્યું. એ ધન વડે તેણે મંડપરચના કરાવી, ગણપતિ વગેરે દેવતાના પૂજનનો ઢોંગ કર્યાે અને વાંદરાંઓને બહુ ભાવે તેવાં ફળ લઈ વનમાં ગઈ, ચારે બાજુએ ફળ વેર્યાં. વાંદરાં ફળની લાલચે ઘંટ મૂકીને ફળ લેવા દોડ્યાં અને કુટ્ટની ઘંટ લઈને નગરમાં આવી, લોકોએ તેને બહુ માન આપ્યું.’