ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/જંગલી શિયાળની કથા


જંગલી શિયાળની કથા

(કણિક ધૃતરાષ્ટ્રને રાજનીતિ શીખવાડતા આ દૃષ્ટાંતકથા કહે છે.)

કોઈ એક વનમાં બુદ્ધિશાળી અને સ્વાર્થી શિયાળ રહેતો હતો. તેને ચાર મિત્રો: વાઘ, ઉંદર, વરુ અને નોળિયો. એક દિવસ તેણે હરણોના મુખીને જોયો, ભારે બળવાન. આ મિત્રો તેને પકડી ન શક્યા. પછી અંદરઅંદર ચર્ચા કરવા બેઠા.

શિયાળે કહ્યું, ‘વાઘ ભાઈ, તેં આ હરણને મારવા બહુ પ્રયાસ કર્યા. પણ આ હરણ બહુ ઝડપથી દોડી શકે છે, યુવાન છે અને ચતુર છે. એટલે જ તે પકડાતો નથી. હવે મારી વાત સાંભળો, આ હરણ સૂઈ જાય ત્યારે ઉંદરે તેના પગ કાપી નાખવાના. એટલે વાઘ તેને પકડી શકશે. પછી આપણે બધા તેને ખાઈ જઈશું.’

શિયાળની વાત સાંભળીને બધાએ એવું જ કર્યું. ઉંદરે બચકાં ભર્યાં હતાં એટલે હરણના પગ લડખડવા લાગ્યા. વાઘે તેને તરત જ મારી નાખ્યું.

હરણનો નિર્જીવ દેહ, ધરતી પર પડેલો હતો એટલે લુચ્ચા શિયાળે બધાને કહ્યું, ‘સરસ-સરસ. હવે તમે નાહીધોઈને આવો. હું અહીં ચોકીપહેરો ભરીશ.’

શિયાળના કહેવાથી બધા નદીએ નહાવા ગયા. શિયાળ ભારે ચિંતામાં હોય તેમ ત્યાં ઊભું રહ્યું. એટલામાં નાહીધોઈને સૌથી પહેલાં તો વાઘ આવી ગયો. તેણે ચિંતાતુર શિયાળને જોઈને પૂછ્યું, ‘શા વિચારમાં પડી ગયું છે? તું તો અમારા બધામાં સૌથી વધુ હોશિયાર છે. આજે આપણે હરણનું માંસ ખાઈને નિરાંતે હરીશું ફરીશું.’

એટલે શિયાળ બોલ્યું, ‘અરે ઉંદરે મને જે કહ્યું તે સાંભળો. તે કહે — વનરાજ વાઘનું બળ ક્યાં ગયું? આજે તો આ હરણને મેં માર્યું છે. મારા બળબુદ્ધિનો ઉપયોગ કરીને તે પેટ ભરશે. બહુ અભિમાનભરી વાતો તેણે કરી. એની મદદ વડે મેળવેલા આ માંસને ખાવાનું મને નહીં ગમે.’

વાઘે કહ્યું, ‘એમ? તેણે તો મારી આંખો ઉઘાડી દીધી. હવે હું મારા પરાક્રમથી જ શિકાર કરીશ, પછી જ પેટ ભરીશ.’ એમ કહી વાઘ જતો રહ્યો. એટલામાં ઉંદર નાહીધોઈને આવ્યો. તેને જોઈને શિયાળ બોલ્યું, ‘અરે ભાઈ, નોળિયાએ જે કહ્યું, તે સાંભળ. વાઘે આના શરીરમાં દાંત બેસાડ્યા એટલે તેનું માંસ ઝેરી થઈ ગયું. હું તો નહીં ખાઉં. મને ન ગમે. જો તું કહે તો હોય તો હું ઉંદરને જ ખાઈ જઉં.’

આ સાંભળી ઉંદર તો ગભરાઈને પોતાના દરમાં ભરાઈ ગયો. પછી વરુ પણ નાહીને આવી ચઢ્યું. શિયાળે તેને કહ્યું, ‘આજે તો વાઘ તારા પર બહુ ગુસ્સે થયો છે. તારું આવી જ બન્યું. તે વાઘણને થઈને આવી રહ્યો છે. હવે તને જે ઠીક લાગે તે કર.’ આ સાંભળી વરુ ભાગી ગયું. એટલામાં નોળિયો આવી ગયો. શિયાળે તેને કહ્યું, ‘મેં મારા બાહુબળ વડે બધાને હરાવ્યા. તેઓ બધા હાર કબૂલીને જતા રહ્યા છે. હવે તારામાં હિંમત હોય તો મારી સાથે લડી લે. પછી માંસ ખાજે.’

નોળિયાએ આ સાંભળી કહ્યું, ‘જ્યારે વાઘ, વરુ, ઉંદર, આ બધા જો હારી ગયા તો મારી કઈ વિસાત? હું તારી સાથે યુદ્ધ ન કરી શકું.’ એક કહી નોળિયો પણ ત્યાંથી જતો રહ્યો.

આમ બધા જતા રહ્યા એટલે નિરાંતે શિયાળે હરણનું માંસ ખાધું.

(ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૭૦-૧૭૨)