ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/દુ:શલાના જન્મની કથા


દુ:શલાના જન્મની કથા

ગાંધારીએ પોતાના ગર્ભને પાડી નાખ્યા પછી ભગવાન વ્યાસે પોતે જ એ ગર્ભને ઠંડા પાણીથી નવડાવ્યો અને તેના સો ભાગ કર્યા. તે વેળા દરેક ભાગને ઘીથી ભરેલા કૂંડામાં નંખાવ્યો. તે વેળા સતીસાધ્વી ગાંધારીને વિચાર આવ્યો, મારા ગર્ભમાંથી સો પુત્ર તો જન્મશે, વ્યાસ ભગવાનનું વચન છે પણ મને જો એક પુત્રી હોય તો વધુ આનંદ થાય. આ પુત્રો ઉપરાંત એક કન્યા જન્મે તો દૌહિત્રના પુણ્યનો લાભ મારા પતિને મળે. કહ્યું છે કે સ્ત્રીઓને પોતાના પુત્ર કરતાં જમાઈ વધુ વહાલો હોય છે. એટલે સો પુત્રો ઉપરાંત એક પુત્રી જન્મે તો પૌત્રો અને દૌહિત્રોથી વીંટળાઈને ધન્ય થઈ જઉં. જો મેં ખરેખર તપ કર્યું હોય, દાન કર્યું હોય, હોમહવન કર્યા હોય અને વડીલોની સેવા કરીને તેમને પ્રસન્ન કર્યા હોય તો મને પુત્રી થાય. એ દરમિયાન વેદવ્યાસે પેલા ગર્ભના સો અંશ કરીને ગાંધારીને કહ્યું, ‘હું અસત્ય બોલ્યો ન હતો. સો અંશ ઉપરાંત એક ભાગ બચ્યો છે. તેનાથી તને તારી ઇચ્છા પ્રમાણે એક ભાગ્યવાન કન્યા જન્મશે.’

આમ કહીને વ્યાસ ભગવાને ઘીથી ભરેલું એક કૂંડું મંગાવ્યું અને તેમણે તે કન્યાઅંશ નાખી દીધો. આમ દુ:શલા જન્મી.

(ગીતાપ્રેસ, આદિ પર્વ, ૧૧૫)