ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/યવક્રીતકથા


યવક્રીતકથા

ભરદ્વાજ અને રૈભ્ય બંને મિત્રો. એકબીજા સાથે ખૂબ બને અને બંને વનમાં રહેતા હતા. રૈભ્યના બે પુત્ર અર્વાસુ અને પરાવસુ; ભરદ્વાજનો એક જ પુત્ર યુવક્રીત. રૈભ્ય ભારે વિદ્વાન અને ભરદ્વાજ મોટા તપસ્વી. નાનપણથી બંનેની કીતિર્ જગતમાં જાણીતી. યવક્રીતે જોયું કે મારા પિતા માત્ર તપસ્વી છે પણ તેમનો કોઈ સત્કાર કરતું નથી. અને રૈભ્યને બ્રાહ્મણો પૂજે છે. તે સંતાપ કરવા લાગ્યા અને ક્રોધી થઈને વેદ જાણવા ભારે તપ કર્યું. સારી રીતે સળગતી આગમાં શરીર તપાવ્યું, તેમના તપથી ઇન્દ્રને બીક લાગી. પછી તે યવક્રીત આગળ આવ્યા, ‘તમે શા માટે આટલું બધું ભારે તપ કરો છો?’

‘બ્રાહ્મણોને ભણ્યા વિના જ વેદોનું જ્ઞાન થઈ જાય એટલા માટે હું આ તપ કરી રહ્યો છું. હું જ્ઞાન માટે જ તપ કરી રહ્યો છું. હું તપ વડે જ બધી વિદ્યાઓને પામવા માગું છું. ગુરુ પાસેથી વેદનું જ્ઞાન મેળવવા જઈએ તો બહુ સમય લાગે છે. એટલે આ જ્ઞાન માટે તપ કરું છું.’

ઇન્દ્રે કહ્યું, ‘જે માર્ગે તમે જવા માગો છો તે સાચો માર્ગ નથી. વેદ ભણવા જ પડે, એ ન ભણીને કયો લાભ. એટલે જાઓ અને ગુરુ પાસે વેદ ભણો.’

આમ કહીને ઇન્દ્ર તો જતા રહ્યા, યવક્રીત પાછા તપમાં જોડાઈ ગયા. બહુ ઘોર તપ કરીને આ મહાતપસ્વી યવક્રીતે દેવેન્દ્રને બહુ દુઃખી કર્યા. તેમનું આ તપ જોઈને ઇન્દ્રે ફરી તેમને અટકાવ્યા, ‘તમે બહુ અશક્ય કાર્ય કરી રહ્યા છે. આ બુદ્ધિપૂર્વકનું કામ નથી. છતાં આ તપસ્યાથી માત્ર તમારી અને તમારા પિતાની આગળ વેદ પ્રકાશિત થઈ જશે.’

આ સાંભળી યવક્રીતે કહ્યું, ‘દેવરાજ, તમે જો મારી ઇચ્છા પૂરી નહીં કરો તો આનાથી પણ વધારે ઘોર તપ કરીશ. મારી બધી ઇચ્છા પાર નહીં પાડો તો મારા શરીરના ટુકડેટુકડા કરી અગ્નિમાં હોમતો જઈશ.’

આને બીજી કોઈ રીતે હટાવવો પડશે એમ વિચારી બુદ્ધિમાન ઇન્દ્રે એક ક્ષયના રોગીનું રૂપ લીધું, તે સો વર્ષના વૃદ્ધ અને દુર્બલ બ્રાહ્મણ હતા. જે તીર્થમાં યવક્રીત સ્નાન કરતા હતા ત્યાં જઈ ગંગા નદી પર રેતીનો પુલ બનાવવા બેઠા. યવક્રીતે ઇન્દ્રની વાત ન માની એટલે ઇન્દ્ર ગંગાને રેતીથી ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

ઇન્દ્ર યવક્રીતને દેખાડીને દરરોજ ગંગામાં એક મૂઠી રેતી નાખવા લાગ્યા, અને આમ પુલ બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ જોઈને યવક્રીતને હસવું આવ્યું અને ઇન્દ્રને કહ્યું, ‘અરે બ્રાહ્મણ, આ શું કરો છો? તમારો આ પુુરુષાર્થ નકામો છે.’

ઇન્દ્રે કહ્યું, ‘આ નદી પાર કરવામાં લોકોને બહુ દુઃખ પડે છે. એટલે હું નદી પર પુલ બાંધીશ. સરસ રસ્તો થઈ જશે.’

યવક્રીતે કહ્યું, ‘તમે ગંગાનો આ પ્રચંડ વેગ રોકી નહીં શકો; આ કાર્ય થઈ જ ન શકે. જે કામ થઈ શકે તે જ કરો.’

ઇન્દ્રે કહ્યું, ‘જેવી રીતે તમે વેદ માટે તપ કરો છો એવી જ રીતે મેં પણ આ અશક્ય કાર્ય કરવાનો નિશ્ચય કર્યો છે.’

યવક્રીત બોલ્યા, ‘હે સ્વર્ગના સ્વામી, જેવી રીતે તમારું કાર્ય નિરર્થક છે એવી રીતે મારું કામ પણ નિરર્થક છે એવું જો તમે માનતા હો તો મારા વડે જે સંભવિત છે એ જ કરો, હું બીજાઓથી આગળ જઈ શકું એવું વરદાન આપો.’

તપસ્વી યવક્રીતે જેટલાં વરદાન માગ્યાં તે બધાં ઇન્દ્રે આપ્યાં, ઇન્દ્રે કહ્યું, ‘હે તપસ્વી, તમને અને તમારા પિતાને ઇચ્છાનુસાર બધા વેદોનું જ્ઞાન થઈ જશે. જે ઇચ્છશો તે મળશે.’ આમ ઇન્દ્ર પાસેથી વરદાન મેળવીને યવક્રીતે પિતાને કહ્યું, ‘મને અને તમને વેદોના મર્મ સમજાઈ જશે, આપણે બીજાઓને હરાવી દઈશું, એવું વરદાન મેં મેળવ્યું છે.’

ભરદ્વાજે કહ્યું, ‘ઇચ્છાનુસાર વરદાન મેળવીને તને અભિમાન થશે અને એ અભિમાનને કારણે તારો જલદી વિનાશ થશે. હું તને એક કથા કહું, ‘પ્રાચીન કાળમાં વાલધિ નામના ઋષિ થઈ ગયા. પુત્ર માટે તેમણે વ્યથિત થઈને ઘોર તપ કર્યું. દેવતાઓ પાસે વરદાન માગ્યું, ‘મારો પુત્ર અમર થાય.’

દેવતાઓએ એ વરદાન ન આપ્યું, ‘મનુષ્ય પોતાના ધર્મ ન પાળે એ અમર થઈ ન શકે. તમારો પુત્ર પણ મર્યાદિત આયુષ્યવાળો થશે.’

વાલધિએ કહ્યું, ‘જ્યાં સુધી આ પર્વત સદા સ્થિર, અક્ષય રહે ત્યાં સુધી મારા પુત્રનું આયુષ્ય રહે.’

થોડા સમય પછી વાલધિ મુનિને ત્યાં એક પુત્ર જન્મ્યો, તે બહુ બુદ્ધિશાળી અને ક્રોધી. તેના કાને આ કથા પડી એટલે એ વધુ અભિમાની બની ગયો અને મુનિઓનું અપમાન કરવા લાગ્યો. આમ બધાનું અપમાન કરતો રહ્યો, એક દિવસ તેનો ભેટો મહાતેજસ્વી ધનુષાક્ષી મુનિ સાથે થઈ ગયો. તે ઋષિનું પણ તેણે અપમાન કર્યું; એટલે ઋષિએ શાપ આપ્યો, ‘તું ભસ્મ થઈ જા.’ પણ તે ભસ્મ ન થયો. તેને જીવતો જોઈ ઋષિએ પાડાઓ વડે પર્વતનો નાશ કરાવ્યો અને આમ તેના આવરદા આવી રહ્યો, તેને મરેલો જોઈ ઋષિ રડવા લાગ્યા. બધાએ તેને મોટે મોટેથી રડતો જોઈને વેદવાક્યો સંભળાવ્યાં તે તું સાંભળ. કોઈ પણ વ્યક્તિ વિધિના લેખ મિથ્યા કરી નહીં શકે. આમ વરદાન મેળવીને તપસ્વીઓના પુત્રો અભિમાની થઈ જાય છે, તારી દશા પણ એવી ન થાય. આ રૈભ્ય અને તેના બંને પુત્રો વધુ પરાક્રમી છે, તું સાવધાનીથી તેમની સાથે વર્તજે. તેમનું અપમાન ન થાય તે જોજે. આ રૈભ્ય તપસ્વી તો છે અને ક્રોધી પણ છે. એ જો ક્રોધે ભરાશે તો તને દુઃખ પહોંચાડશે.’

યવક્રીતે કહ્યું, ‘તમે દુઃખી ન થતા, હું તમે કહેશો તેવું જ કરીશ. મારે માટે તો જેવા તમે તેવા જ રૈભ્ય પણ.’

પિતાને આમ સંતુષ્ટ કરી, બીજા ઋષિમુનિઓનો તિરસ્કાર કરતો યવક્રીત આનંદમાં રહેવા લાગ્યો. આમ નિર્ભય થઈને ફરતા ફરતા તે વસંત ઋતુમાં રૈભ્ય આશ્રમમાં ગયા. પુષ્પોથી ભરચક વૃક્ષોવાળો એ આશ્રમ સુંદર હતો, ત્યાં રૈભ્યની પુત્રવધૂ કિન્નરીની જેમ ઘૂમતી હતી. નિર્લજ્જ, યવક્રીતે કામાતુર થઈને તે લાજવંતી યુવતીને કહ્યું, ‘મારી પાસે આવતી રહે.’

તે યવક્રીતના ચરિત્રને જાણતી હતી. તેના શાપની બીક લાગી, રૈભ્યના તેજને યાદ કરી તે યવક્રીત પાસે જઈ પહોંચી. તેણે એકાંતમાં એ સ્ત્રીને ભોગવી અને તેને દુઃખી કરીને જતો રહ્યો. તે જ વેળા રૈભ્ય મુનિ આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે પુત્રવધૂને રડતી જોઈ, તેને શાંતિથી બધા સમાચાર પૂછ્યા. તે સુંદરીએ યવક્રીતનાં બધાં કાર્ય કહી દીધા. આ સાંભળીને રૈભ્ય ખૂબ જ ક્રોધે ભરાયા. તેમનું હૃદય સળગી ઊઠ્યું. તેમણે પોતાની જટાની એક લટ ઉખાડી અને મંત્રો વડે તેની આહુતિ અગ્નિમાં આપી.

તરત જ એક કૃત્યા પ્રગટી. તે પોતાની પુત્રવધૂના જેવી દેખાતી હતી, પછી મુનિએ બીજી લટ ઉખાડીને આહુતિ આપી. હવે હવનકુંડમાંથી એક ભયંકર દેખાવનો અને વિકરાળ આંખોવાળો એક રાક્ષસ પ્રગટ્યો. તે બંનેએ મુનિને પૂછ્યું, ‘અમે તમારી શી સેવા કરીએ?’

રૈભ્ય મુનિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘તમે યવક્રીતને મારી નાખો.’

‘ભલે’ કહીને તે બંને યવક્રીતને મારવા નીકળ્યા. તેઓ જ્યારે યવક્રીત પાસે પહોંચ્યા ત્યારે મહાત્મા રૈભ્યે સર્જેલી કૃત્યાએ યવક્રીતને મોહ પમાડીને તેના હાથમાંથી કમંડળ લઈ લીધું. પછી એંઠું મોં અને કમંડળ વિનાના યવક્રીતને જોઈને રાક્ષસ ત્રિશૂલ લઈને તેની તરફ દોડ્યો. યવક્રીતે જોયું કે રાક્ષસના હાથમાં ત્રિશૂલ છે અને તે મારવા આવે છે ત્યારે તે ત્યાંથી દોડીને તળાવ પર ગયો. તળાવમાં પાણી ન હતું તે જોઈને તે નદીઓ તરફ દોડ્યો, તો નદીઓ પણ સુકાયેલી હતી. ચારે બાજુ દોડીને તે થાક્યો, રાક્ષસની બીક લાગી એટલે પોતાના પિતાની યજ્ઞશાળામાં પહોંચ્યો ત્યાં આંગણે રક્ષા કરતો એક આંધળો શૂદ્ર બેઠો હતો. તેણે યજ્ઞશાળામાં પેસતા યવક્રીતને બળજબરી કરીને ઝાલી રાખ્યો. પેલા રાક્ષસે યવક્રીતને શૂદ્રે પકડી રાખ્યો છે તે જોયું, અને ત્રિશૂલ તેની છાતીમાં માર્યું અને તેં ભોંકાવાથી નીચે પડી ગયો. યવક્રીતને મારીને તે રાક્ષસ રૈભ્ય મુનિ પાસે આવ્યો અને તેમની આજ્ઞાથી તે સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો.

ભરદ્વાજ મુનિ સ્વાધ્યાય વગેરેમાંથી પરવારીને સમિધો લઈને આશ્રમમાં પ્રવેશ્યા. પહેલાં જ્યારે મુનિ પોતાના આશ્રમમાં પ્રવેશતા હતા ત્યારે અગ્નિ તેમને જોઈને ઊભા થઈ જતા હતા. પણ તે દિવસે પુત્રના મરણને કારણે મુનિ આવ્યા તો પણ અગ્નિજ્વાળા ઊભી ન થઈ. ઋષિએ ઘરની રક્ષા કરતા શૂદ્રને પૂછ્યું, ‘આજે આ અગ્નિ મને જોઈને પ્રસન્ન કેમ નથી? તું પણ દરરોજની જેમ આનંદમાં લાગતો નથી. આશ્રમમાં બધા કુશળ તો છે ને? મારો મૂરખ પુત્ર રૈભ્યના આશ્રમમાં તો ગયો નહોતો ને! તું બધી વાત તરત કહે. મારું મન વિચલિત થયું છે.’

શૂદ્રે કહ્યું, ‘તમારો મૂરખ પુત્ર રૈભ્ય ઋષિના આશ્રમમાં ગયો હતો, બલવાન રાક્ષસે તેનો વધ કર્યો છે, તેનું શબ અહીં પણ છે. હાથમાં ત્રિશૂલ લઈને આવેલા રાક્ષસને જોઈને તે ડરી ગયો હતો, યજ્ઞશાળામાં તે આવતો હતો પણ મેં તેને રોકી રાખ્યો. અપવિત્ર થઈને પાણી પીવા અહીં આવ્યો હતો. પણ મેં પકડી રાખ્યો એટલે રાક્ષસે દોડીને તેને મારી નાખ્યો.’

શૂદ્રની આવી કડવી વાત સાંભળીને ભરદ્વાજ મુનિ પોતાના મરેલા પુત્રને ઊંચકીને બહુ વિલાપ કરવા લાગ્યા.

‘અરે દીકરા, તેં બ્રાહ્મણો માટે ભારે તપ કર્યું હતું, વગર અભ્યાસે જ બ્રાહ્મણોને બધા વેદ આવડી ગયા. તું અત્યંત શીલવાન, બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ હોવા છતાં મહાત્મા બ્રાહ્મણો પ્રત્યે તું કઠોર થઈ ગયો. મેં તને કહેલું કે રૈભ્યના આશ્રમમાં ન જઈશ, પણ તું કાળ, યમરાજ જેવા આશ્રમમાં ગયો. તે દુષ્ટ, મહા તેજસ્વી રૈભ્યને ખબર હતી કે મારો તે એકનો એક પુત્ર છે. તો પણ તે ક્રોધને વશ થઈ ગયા. હવે આ સંસારમાં મારું બીજું કોણ છે? એટલે હું જીવ આપી દઈશ. જેવી રીતે હું પુત્રશોકમાં વ્યથિત થયો છું એવી જ રીતે રૈભ્યનો મોટો પુત્ર નિરપધરાધ રૈભ્યનો નાશ કરશે. જેમને ત્યાં પુત્ર ન હોય તેઓ બહુ સુખી છે, પુત્રશોકનો તેમને કશો અનુભવ જ ન થાય અને તે નિરાંતે હરેફરે. જેમનું હૃદય પુત્રશોકથી ભારે વ્યાકુળ છે, અને એવી અવસ્થામાં જ પોતાના પ્રિય મિત્રોને શાપે છે તેમના જેવો વધુ પાપી કોણ? મારા પુત્રને મરેલો જોઈ મેં પ્રિય મિત્રને શાપ આપ્યો, આવી આપત્તિ મારા સિવાય કોના પર આવી?’

ભરદ્વાજ મુનિએ બહુ વિલાપ કર્યો, પછી પુત્રને અગ્નિદાહ આપ્યો, અને એ જ સળગતી ચિતામાં પોતે ઝંપલાવી મૃત્યુ પામ્યા.

એ સમયે રૈભ્ય ઋષિના યજમાન બૃહદ્દ્યુમ્ન રાજાએ યજ્ઞ આદર્યો. એ રાજાએ યજ્ઞ માટે રૈભ્યના બંને પુત્રો અર્વાવસુ અને પરાવસુને સહાયક તરીકે પસંદ કર્યા. તે બંને પુત્રો પિતાની આજ્ઞા લઈને યજ્ઞ કરાવવા ગયા. આશ્રમમાં રૈભ્ય અને પરાવસુની પત્ની બે જ રહી ગયા. એક દિવસ રાતે પરાવસુ આશ્રમમાં પોતાની સ્ત્રીને મળવા જઈ પહોંચ્યા. ત્યારે તેમણે કાળા હરણનું ચામડું ઓઢેલા પિતાને જોયા.

ઘોર અંધારી રાતે, ઊંઘરેટી આંખોએ પિતાને ઓળખી ન શક્યો, તેણે પોતાના પિતાને કોઈ હિંસક પશુ છે એમ માની લીધું. તે પોતાનું રક્ષણ કરવા માગતો હતો, એટલે ઇચ્છા ન હોવા છતાં પિતાની હત્યા તેણે કરી. જ્યારે તેને જાણ થઈ કે આ તો અમારા પિતા હતા, ત્યારે બધા મરણોત્તર સંસ્કાર કરીને પાછા યજ્ઞમાં ગયો અને નાના ભાઈને આ વાત કરી. ‘ભાઈ, મેં હિંસક પશુ માનીને પિતાની હત્યા કરી છે. તું એકલો આ યજ્ઞનો બોજ ઉપાડી નહીં શકે. એટલે તું મારા માટે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કર, અને હું એકલે હાથે આ યજ્ઞકાર્ય પૂરું કરી શકીશ.’

અર્વાવસુએ કહ્યું, ‘તું રાજાનું યજ્ઞકાર્ય કર અને હું જિતેન્દ્રિય બનીને તારા માટે બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કરીશ.’

એમ કહીને બ્રહ્મહત્યાના પાપને દૂર કરીને અર્વાવસુ તે યજ્ઞમાં આવ્યા. જ્યારે પરાવસુએ ભાઈને યજ્ઞમાં આવતો જોયો ત્યારે સભામાં બેઠેલા રાજાને કહ્યું, ‘હે રાજન્, આણે બ્રહ્મહત્યા કરી છે. યજ્ઞ જોવા માટે પણ તે અહીં ન આવે. કોઈ બ્રહ્મહત્યારો તમને જોઈ લેશે તો તમને ભારે દુઃખ થશે.’

લોકોએ અર્વાવસુને રોક્યો એટલે તેણે વારે વારે કહ્યું, ‘આ બ્રહ્મહત્યા મેં નથી કરી.’

બધા બોલ્યા, ‘તું હત્યારો છે.’

આમ છતાં તેણે પોતાની વાત કહ્યે રાખી. છેવટે તેણે કહ્યું, ‘આ બ્રહ્મહત્યા મારા ભાઈએ કરી હતી. મેં પ્રાયશ્ચિત્ત કરીને તેને પણ આ પાપમાંથી છોડાવ્યો છે.’

અર્વાવસુના કાર્યથી બધા દેવતાઓ પ્રસન્ન થયા, અર્વાવસુને યજ્ઞમાં પ્રવેશ અપાવ્યો અને પરાવસુને કાઢી મુકાવ્યો.

અગ્નિ વગેરે દેવતાઓએ તેને વરદાન આપ્યાં, ત્યારે તેણે પોતાના પિતાનું જીવનદાન માગ્યું. મારો ભાઈ નિરપરાધી રહે. પિતાની હત્યાની સ્મૃતિ ન રહે. ભરદ્વાજ અને યવક્રીત પણ જીવતા થાય.

આ બધા પાછા જીવતા થયા એટલે યવક્રીતે દેવતાઓને પૂછ્યું, ‘વિધિવત્ વેદ હું ભણ્યો, અનેક વ્રત મેં કર્યાં તો પણ વેદાધ્યયન તથા તપસ્યા કરનારા મને રૈભ્ય કેવી રીતે મારી શક્યા?’

દેવતાઓ બોલ્યા, ‘યવક્રીત, તમે આવી વાત ન કરો. ગુુરુ વિના જ વેદ ભણ્યા છો. રૈભ્યે ઘણાં દુઃખ વેઠીને પોતાના ગુરુને પ્રસન્ન કરી પરિશ્રમ કર્યો હતો.’

આમ બધાને જીવાડીને અને યવક્રીતને આમ કહીને અગ્નિ વગેરે દેવતાઓ સ્વર્ગે ગયા.


(આરણ્યક પર્વ, ૧૩૫થી ૧૩૯)