ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/સરખાવો: ઉત્તાનપાદ અને ધ્રુવની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સરખાવો: ઉત્તાનપાદ અને ધ્રુવની કથા

એટલે મામાભાણેજ જનક રાજાની સમૃદ્ધ યજ્ઞશાળામાં ગયા, રસ્તામાં જનક અને અષ્ટાવક્ર ટકરાયા. રાજસેવકોએ અષ્ટાવક્રને રસ્તામાંથ હટાવ્યા એટલે અષ્ટાવક્રે કહ્યું,

‘જ્યાં સુધી બ્રાહ્મણ રસ્તામાં ન આવે ત્યાં સુધી અંધ, બધિર, સ્ત્રી, બોજવાહક, રાજાનો માર્ગ જેને તેને આપવો. જો સામે બ્રાહ્મણ આવે તો સૌથી પહેલાં બ્રાહ્મણને માર્ગ આપવો.’

રાજાએ કહ્યું, ‘મેં આજે તમારા માટે આ રસ્તો ખુલ્લો કરી દીધો છે. હવે જ્યાં ઇચ્છા હોય ત્યાં જજો. અગ્નિ ક્યારેય ક્ષુદ્ર ન હોય. બ્રાહ્મણ આગળ તો ઇન્દ્ર પણ માથું ઝુકાવે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘અમે તો આ યજ્ઞ જોવા આવ્યા છીએ. તમારા આ યજ્ઞ માટેની જિજ્ઞાસા બહુ વધી રહી છે. અમે બંને અતિથિ બનીને આવ્યા છીએ. પછી જનકે કહ્યું, ‘ભલે’, અને તે બંને રાજસભામાં આવી દ્વારપાલને બોલ્યા, હે દ્વારપાલ, યજ્ઞમંડપમાં પ્રવેશવાની આજ્ઞા આપો. અહીં અમે યજ્ઞ જોવા આવ્યા છીએ, જનક રાજા સાથે વાતો કરવી છે હે દ્વારપાલ, તમે અમને બંનેને રોગી માનીને ક્રોધી ન બનાવો.’

દ્વારપાલે કહ્યું, ‘અમે તો બંદીની આજ્ઞાનું પાલન કરીએ છીએ. મારી વાત સાંભળો. અહીં કોઈ બાળકને યજ્ઞશાળામાં પ્રવેશ નથી. વેદ જાણનારા શ્રેષ્ઠ બ્રાહ્મણોને જ પ્રવેશ છે.’

આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું, ‘જો યજ્ઞશાળામાં વૃદ્ધ બ્રાહ્મણો જ પ્રવેશી શકે તો અમે પણ વૃદ્ધ વ્રતધારી, વેદજ્ઞ છીએ. અમે જિતેન્દ્રિય છીએ, જ્ઞાની છીએ. તમે અમને બાળક ન સમજો. જરા જેટલો અગ્નિ પણ બધુ સળગાવી મૂકે છે.’

દ્વારપાલે કહ્યું, ‘તમે જો વેદ જાણો છો તો એક અક્ષરથી સંપન્ન અને વિશેષ રૂપે પ્રકાશિત અનેક રૂપવાળી વેદવાણી કરો. તમે બાળક જ છો. પોતાની નાહક પ્રશંસા શા માટે કરો છો? શાસ્ત્રાર્થમાં સિદ્ધિ મેળવવી બહુ અઘરું છે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘માત્ર શરીર મોટું થાય એનાથી કશો લાભ થતો નથી. એ વાત તમે જાણતા હો એમ લાગતું નથી. શીમળો બહુ જલદી મોટો તો થઈ જાય છે પણ એનાં ફળ ખાઈ શકાતાં નથી. કેટલાંય નાનાં વૃક્ષોનાં ફળ કેવાં મીઠાં હોય છે. એટલાં દળવાળાં નાનાં વૃક્ષ નાનાં હોવા છતાં પણ મોટાં છે અને ફળ વિનાનાં વૃક્ષ મોટાં હોવા છતાં પણ નાનાં છે.’

દ્વારપાલે કહ્યું, ‘બાળકો વૃદ્ધો પાસેથી જ વિદ્યા મેળવીને જ્ઞાની થાય છે. સમય આવે તેઓ પણ મોટા થાય છે. નાની ઉંમરમાં કોઈ જ્ઞાન મેળવી શકતું નથી. તું બાળક થઈને વૃદ્ધોની જેમ કેમ બોલે છે?’

અષ્ટાવક્રે કહ્યું, ‘કોઈના વાળ ધોળા થઈ જાય એટલે તે વૃદ્ધ ન મનાય. બાળક હોવા છતાં જે જ્ઞાની છે તેને જ પંડિતો વૃદ્ધ કહે છે. કોઈ પણ માણસ સફેદ વાળને કારણે, ધનને કારણે, બંધુબાંધવોને કારણે શ્રેષ્ઠ નથી મનાતો. ઋષિઓએ તો કહી દીધું છે — જે વેદ જાણે છે તે જ મહાન છે. હું બંદીને જોવા આવ્યો છું. કમળમાળા પહેરેલા રાજાને મારા આવવાની જાણ કરો. દ્વારપાલ, તમે થોડી વારમાં જ જોશો કે અમે સભામાં જઈને પંડિતો સાથે વિવાદ કરીશું; આજે જ્યારે બધા પ્રતિપક્ષીઓ ચૂપ થઈ જશે ત્યારે બધાને ખબર પડશે કે અમે નાના છીએ કે મોટા?’

દ્વારપાલે કહ્યું, ‘અહીં તો વિદ્વાનો અને પંડિતોનો જ પ્રવેશ થાય, આ સભામાં તારા જેવો દસેક વરસનો બાળક કેવી રીતે પ્રવેશી શકે? છતાં કોઈક રીતે હું તને અંદર લઈ જવાની કોશિષ કરીશ. તું પણ ઉત્તમ જ્ઞાનનો પરચો બતાવજે.’

અષ્ટાવક્ર બોલ્યા, ‘હે જનકવંશીઓમાં ઉત્તમ રાજા, તમે પૂજાઓ અને બધી ઋદ્ધિઓ તમને વરે. ભૂતકાળમાં માત્ર યયાતિએ કરેલાં કાર્યો જેવાં જ યજ્ઞકાર્યો તમે કર્યાં છે. અમે સાંભળ્યું છે કે બંદી શાસ્ત્રાર્થમાં હારેલા વિદ્વાનોને, જરા પણ ડર્યા વિના, તમારા નીમેલા પુરુષોને પાણીમાં ડુબાડી દે છે. હું બ્રાહ્મણોની આ વાત સાંભળીને બ્રહ્મવર્ણન કરવા આવ્યો છું. એ બંદી ક્યાં છે? મારે તેમની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. જેવી રીતે સૂરજ ઊગે ત્યારે તારાઓ અદૃશ્ય થાય છે તેવી રીતે આજે હું એને અદૃશ્ય કરી દઈશ.’

રાજાએ કહ્યું, ‘તમે બંદીની વિદ્વત્તાને જાણ્યા કર્યા વિના જ કહો છો કે હું એને જીતી લઈશ. પોતાના હરીફની વિદ્વત્તા જાણ્યા પછી જ આવું બોલાય. બંદીની વિદ્વત્તા તો વેદ જાણનારા પંડિતોને ખબર છે.’

અષ્ટાવક્ર બોલ્યા, ‘તેમણે મારા જેવા પંડિતો સાથે ક્યાં ચર્ચા કરી છે એટલે જ સિંહની જેમ ગરજે છે અને નિર્ભય બનીને બોલે છે. ધરી તૂટે અને રથ જમીન પર પડી જાય તેમ તે મારી સાથે ટકરાઈને સૂઈ જશે.’

રાજાએ કહ્યું, ‘છ નાભિ, બાર આરા, ચોવીસ પર્વ, ત્રણસો સાઠ તારવાળી જે વસ્તુ છે તેના મર્મને જે જાણે તે મોટો કવિ.’

અષ્ટાવક્રે કહ્યું, ‘ચોવીસ પર્વ, છ નાભિ, બાર પ્રધિ અને ત્રણસો આઠ તારવાળું જે ચક્ર નિત્ય ચાલે છે તે તમારી રક્ષા કરે.’

રાજાએ કહ્યું, ‘જે બે ઘોડીઓની જેમ સંયુક્ત છે, જે પડે બાજ પક્ષીની જેમ, દેવતાઓની વચ્ચે તે બંનેના ગર્ભને કોણ ધારણ કરે છે? તે કયા ગર્ભનું સર્જન કરે છે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘ઓ રાજા, તે તમારા ઘર પર કદી ન પડે. શત્રુઓના ઘર પર પણ ન પડે. જેનો સારથિ વાયુ છે તે એ ગર્ભને ધારણ કરે છે, તે બંને એ ગર્ભને જન્મ આપે છે.’

રાજાએ કહ્યું, ‘જે સૂતી વખતે આંખો બંધ ન કરે તે કયો જીવ? જે ઉત્પન્ન થઈને પણ ચાલે નહીં તે કોણ? હૃદય ન હોય તે શું? જે ઝડપથી વૃદ્ધિ પામે છે તે શું છે?’

અષ્ટાવક્રે ઉત્તર આપ્યો, ‘સૂતી વખતે માછલી આંખ બંધ કરતી નથી. ઈંડું ઉત્પન્ન થવા છતાં ચાલતું નથી. પથ્થરને હૃદય નથી હોતું? વેગથી નદી વહે છે.’

રાજા બોલ્યા, ‘હું તમને મનુષ્ય નથી માનતો. તમે તો સાક્ષાત્ દેવ છો, મારી દૃષ્ટિએ તમે બાળક નથી, વૃદ્ધ છો. તમારી જેમ વાદ કરનાર કોઈ નથી. એટલે યજ્ઞમંડપમાં જવાનું બારણું તમને બતાવું છું. સામે જ બંદી છે.’

‘શાસ્ત્રાર્થનું બહુ અભિમાન છે ને તમને? આજે મારી આગળ કશું બોલી નહીં શકે. પ્રલયકાળમાં જેવી રીતે અગ્નિ પ્રદીપ્ત થાય અને તેની નજીક રહેનારા જળનો પ્રવાહ સુકાઈ જાય તેમ તમે મારી આગળ સુકાઈ જશો. આજે તમે થંભી જશો.’

બન્દીએ કહ્યું, ‘સૂતેલા સિંહને નહીં જગાડો. ભયંકર ઝેરીલા અને પોતાની જીભ ચાટતા સાપના માથે લાત મારશો તો તમને દંશ દેશે જ. આ વાત સારી રીતે સમજી લે. નબળો પુરુષ બળના અભિમાનને કારણે પર્વતને લાત મારે તો તેના પગને જ ઇજા થાય, પર્વતને કશું ન થાય. મૈનાક પર્વત આગળ બીજા પર્વતો, આખલા આગળ વાછરડા- તેમ મિથિલાધિપતિ આગળ બધા રાજા નકામા.’

પછી બંદી બોલ્યા, ‘એક જ અગ્નિ ઘણા રૂપે પ્રજ્વળે છે, એક જ સૂર્ય આખા જગતને પ્રકાશે છે, એક જ ઇન્દ્ર શત્રુઓનો નાશ કરે છે. એક જ યમ પિતૃઓનો ઈશ્વર છે.’

અષ્ટાવક્ર બોલ્યા, ‘ઇન્દ્ર અને અગ્નિ મૈત્રી રાખીને બધે હરેફરે છે, નારદ અને પર્વત બે મહર્ષિ છે, અશ્વિનીકુમાર બે દેવતા છે, રથના બે ચક્ર છે, વિધાતાએ પતિપત્ની સર્જ્યાં છે.’

બંદીએ કહ્યું, ‘કર્મહેતુથી બધા લોકો દેવતા, માનવી અને તિર્યક્ — આ ત્રણ જાતિઓમાં જન્મે છે. ઋક્, યજુ, સામ — આ ત્રણ વેદ સંમિલિત થઈ બધાં કર્મનું પ્રતિપાદન કરે છે. અધ્વર્યુઓ પ્રાત:સંધ્યા, મધ્યસંધ્યા અને સાયંસંધ્યા કરે છે. સ્વર્ગ, મૃત્યુ અને નરક — આ ત્રણ લોક છે. સૂર્ય, વિદ્યુત અને અગ્નિ — આ ત્રણ જ્યોતિ છે.’

અષ્ટાવક્રે વળતાં કહ્યું, ‘બ્રાહ્મણોના ચાર આશ્રમ છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ; ચાર ઋત્વિજ મળીને કર્મકાંડ કરે છે; પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-દિશાઓ ચાર છે. વર્ણ પણ ચાર છે — હ્રસ્વ, દીર્ઘ, પ્લુત, હલ્; ગાય(એટલે કે વાણીના)ના પગ ચાર છે: પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી.

બંદીએ ઉત્તર આપ્યો: ‘પાંચ અગ્નિ છે. ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આહ્વનીષ, સથ્ય, અવસથ્ય; પંક્તિ છંદમાં પાંચ ચરણ છે; પાંચ યજ્ઞ છે: દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ઋષિયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ. પાંચ ઇન્દ્રિયો છે. કાન, તત્વ, નેત્ર, જીભ અને નાક; વેદમાં પાંચ શિખાઓવાળી પાંચ અપ્સરાઓ છે; પાંચ નદીઓ પવિત્ર છે — વિપાશા, ઇરાવતી, વિતસ્તા, ચંદ્રભાગા અને શતદ્રૂ.’

અષ્ટાવક્રે કહ્યું, ‘કેટલાકના મતે અગ્ન્યાધાનની દક્ષિણા છ ગાય છે; કાલચક્રની ઋતુઓ છ છે, પાંચ ઇન્દ્રિયો અને મન મળીને છ ઇન્દ્રિયો છે, કૃત્તિકા છ છે, તથા વેદમાં સાદ્યસ્ક પણ છ છે.’

બંદીએ કહ્યું, ‘પાળેલાં પશુ સાત છે; જંગલી પ્રાણી સાત છે. એક યજ્ઞમાં સાત છંદ પ્રયોજાય છે; સાત ઋષિ છે, સમ્માન કરનારી રીતિઓ સાત છે; વીણાના તાર સાત છે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘શણની બનેલી આઠ દોરીઓ વડે ત્રાજવાં સેંકડો મણ વસ્તુઓ તોળાય છે, સંહિ ઘાતક શસ્ત્રને આઠ પગ હોય છે, દેવતાઓના આઠ વસુ છે એવું તો સાંભળતા આવ્યા છીએ. બધા યજ્ઞોમાં આઠ હોય છે.’

બંદીએ કહ્યું, ‘પિતૃયજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા નવધા ઋક્ હોય છે. સૃષ્ટિસર્જનમાં પુરુષ, પ્રકૃતિ, મહત્, અહંકાર અને પાંચ તન્માત્ર, પ્રત્યેક ચરણમાં નવ અક્ષર- એવા ચાર ચરણથી બૃહતી છંદ બને છે, એકથી નવ સુધીના આંકડા વડે ગણત્રી પૂરી થાય છે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘પુરુષ માટે દિશાઓ દશ છે, દસ વાર સો મળે એટલે એક હજાર થાય, સ્ત્રીઓની સગર્ભાવસ્થા દસ મહિનાની હોય છે; આ તત્ત્વજ્ઞાનના ઉપદેશક દસ, વિરોધી પણ દસ; અધિકારી પણ દસ છે.’

બંદીએ કહ્યું, ‘અગિયાર ઇન્દ્રિયો શબ્દાદિ વિષયોમાં, એટલે શબ્દાદિ વિષય પણ અગિયાર, જીવરૂપી પશુના બંધન માટે અગિયાર વિષય યૂપસ્વરૂપે છે; શબ્દાદિ, હર્ષ વિષાદ વગેરે અગિયાર પ્રકારના વિકાર સ્વર્ગમાં દેવતાઓને પણ રુદન કરાવે છે.’

અષ્ટાવક્રે કહ્યું, ‘બાર મહિનાનો સંવત્સર બને, પ્રત્યેક ચરણમાં બાર અક્ષર હોય એવા ચાર ચરણમાં જગતી છન્દ કહેવાય. પ્રાકૃત યજ્ઞ બાર દિવસે પૂરો થાય, અને આદિત્ય પણ બાર છે.’

અષ્ટાવક્ર બોલ્યા, ‘બાર પંડિતોએ તેરસને બહુ ઉગ્ર કહી છે. પૃથ્વીને તેર દ્વીપવાળી કહી છે.’

આ અડધો શ્લોક કહીને બંદી ચૂપ થઈ ગયા. અષ્ટાવક્રે એ શ્લોક પૂરો કર્યો, ‘કેશીએ તેર દિવસ યજ્ઞ કર્યા અને અતિચ્છંદમાં તેર અક્ષર હોય છે.’

હવે યજ્ઞદીક્ષા પામેલા વરુણના પુત્ર બંદીને ચૂપ જોયો, તેનું મોં પડી ગયું હતું- એટલે ભારે ઘોંઘાટ થયો. જનકની સભામાં યજ્ઞ પૂરો થયો. વેદ જાણનારા બધા બ્રાહ્મણોએ પે્રમપૂર્વક હાથ જોડીને અષ્ટાવક્રની પૂજા કરી.

‘આ બંદીએ પહેલાં અનેક વિદ્વાન બ્રાહ્મણોને જીતીને પાણીમાં ડુબાડ્યા છે. તે પણ એવી જ ગતિ પામે. એને પણ પકડીને પાણીમાં ડુબાડીશ.’

બંદીએ કહ્યું, ‘હું વરુણનો પુત્ર છું. મારા પિતાએ પણ બાર વર્ષનો યજ્ઞ કર્યો છે. રાજન્, તમારા યજ્ઞની સમાંતરે ત્યાં પણ યજ્ઞ થયો છે. એટલે મેં બ્રાહ્મણોને ત્યાં મોકલ્યા છે. તે બધા વરુણનો યજ્ઞ જોવા ગયા છે અને પાછા આવી રહ્યા છે. હું અષ્ટાવક્ર મુનિની પૂજા કરું છું. એમને કારણે હું ફરી પિતાને મળી શકીશ.’

અષ્ટાવક્રે કહ્યું, ‘આ બધા બ્રાહ્મણોને સમુદ્રજળમાં ડુબાડી દીધા હતા. પંડિત હોવા છતાં બંદીના વાક્યકૌશલ કે તર્કછળથી પરાજિત થાય. મેં મારી શબ્દશક્તિથી જે રીતે તેમનો ઉદ્ધાર કર્યો છે, એવી જ રીતે વિવેકી પંડિતો મારાં એ વચનોની પરીક્ષા કરે. જેમ જાતવેદ અગ્નિ સ્વભાવથી જ દાહક હોવા છતાં સત્યવાદી લોકોના શરીરને આંચ પહોંચાડતો નથી, તેવી રીતે વિવેકશીલ પંડિતો મંદવાદી બાળક કે પુત્રના વાક્યની પરીક્ષા કરીને જ એને સ્વીકારે કે ન સ્વીકારે. હે જનક, તમે કોઈ કારણ સર તેજહીન થઈ ગયા હતા એટલે મારી વાત સાંભળતા ન હતા. બંદીની સ્તુતિઓથી તમે છકી ગયા હતા. જેવી રીતે મદમસ્ત હાથી અંકુશોના ઘા ખાઈને પણ મહાવતની વાત નથી માનતો તેવી રીતે તમે મારી વાત સાંભળતા ન હતા.’

જનક રાજાએ એ સાંભળી કહ્યું, ‘હું તમારી દેવસદૃશ અમાનુષી વાણી સાંભળી રહ્યો છું. તમે સાક્ષાત્ દિવ્યરૂપ છો. તમે બંદીને જીતી લીધા છે, એટલે બંદી તમને સોંપ્યો. તમારી જે ઇચ્છા હોય તે પ્રમાણે વર્તો.’

અષ્ટાવક્રે કહ્યું, ‘આ બંદી જીવતા રહે તેનાથી મને કોઈ લાભ નથી. એના પિતા જો સાચેસાચ વરુણ હોય તો તેને પાણીમાં ડુબાડી દો.’

બંદીએ કહ્યું, ‘હું વરુણરાજાનો પુત્ર છું એટલે પાણીની મને કશી ચિંતા નથી. અષ્ટાવક્રના પિતા કહોડ ઘણા વખતથી અદૃશ્ય છે તે અત્યારે જ દેખાશે.’

એટલે મહાત્મા વરુણ વડે પુજાયેલા બધા બ્રાહ્મણો જનક રાજા આગળ ઊભા રહી ગયા. કહોડે કહ્યું, ‘પુરુષો આટલા જ માટે અનેક કર્મ કરી પુત્રની ઇચ્છા રાખે છે. જે કાર્ય હું કરી ન શક્યો તે કાર્ય મારા પુત્રે કરી બતાવ્યું. દુર્બળનો પુત્ર બળવાન, મૂર્ખનો પુત્ર પંડિત અને અજ્ઞાનીનો પુત્ર જ્ઞાની હોઈ શકે.’

બંદીએ કહ્યું, ‘હે રાજન્, ધારધાર શસ્ત્ર લઈને યમરાજ જાતે જ તમારા શત્રુઓનાં મસ્તક કાપે, તમારું કલ્યાણ થાય. તમારા યજ્ઞમાં ઉકથ્ય નામનું સામગાન સરસ રીતે ગવાય છે, સોમવાન સારી રીતે થાય છે. દેવગણ પ્રસન્ન થઈને પવિત્ર ભાગોને ગ્રહણ કરે છે.’

જ્યારે બધા બ્રાહ્મણો તેજસ્વી બનીને ત્યાં પ્રગટ્યા ત્યારે જનક રાજાની આજ્ઞાથી બંદી બધા જ પ્રતાપી બ્રાહ્મણોના દેખતાં સમુદ્રમાં પ્રવેશ્યા. બધા બ્રાહ્મણોએ અષ્ટાવક્રની પૂજા વિધિસર કરી, અષ્ટાવક્રે પોતાના પિતાની પૂજા કરી. શ્રેષ્ઠ બંદીને જીતીને મામા શ્વેતકેતુ સાથે ઘેર પાછા ફર્યા.

(આરણ્યક પર્વ, ૧૩૨થી ૧૩૪)