ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધની કથા


ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધની કથા

એક વેળા ઇન્દ્ર દેવગણો સાથે રથમાં આરૂઢ થયા હતા ત્યારે પુરમાં દ્વાર આગળ પર્વત સમાન વૃત્રને જોયો. તે પાંચસો યોજન ઊંચો હતો અને વિસ્તારમાં ત્રણસો યોજન હતો. ત્રણે લોકમાં દુર્જય એવા વૃત્રનું આ રૂપ જોઈને દેવતાઓ સંત્રસ્ત થયા, તેમને શાંતિ ન થઈ શકી. વૃત્રનું તે ઉત્તમ રૂપ જોઈને ઇન્દ્રની સાથળો ભયથી સહસા જકડાઈ ગઈ. ત્યાર પછી દેવાસુર સંગ્રામમાં મોટો નાદ થયો અને યુદ્ધનાં વાજાં વાગ્યાં. શક્રને ત્યાં જોઈને વૃત્રાસુરને સંભ્રમ, ભય કે ચિંતા ન થયાં, ઇન્દ્ર સાથે યુદ્ધ કરવાનાં કોઈ ચિહ્ન ન દેખાયાં. ત્યાર પછી ત્રિલોકમાં ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયાનક યુદ્ધ શરૂ થયું. તરવાર, પટ્ટિશ, શૂળ, તોમર, મુદ્ગર, વિવિધ શિલાઓ, મહાશબ્દ કરતા ધનુષ્ય, અનેક દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર, પાવક (અગ્નિ) અને ઉલ્કા સમૂહ વડે દેવાસુર સૈન્ય દ્વારા આખું જગત છવાઈ ગયું. પ્રજાપતિ વગેરે દેવતાઓ, મહાભાગ ઋષિઓ આ યુદ્ધ જોવાને માટે ત્યાં આવ્યા. સિદ્ધ અને ગંધર્વો અપ્સરાઓ સહિત વિમાનોમાં આરૂઢ થઈને ભેગા થયા. ત્યારપછી ધર્મનિષ્ઠ વૃત્રાસુરે પથ્થરો અને પર્વતો વરસાવીને આકાશ છલકાવી દીધું અને દેવેન્દ્રને ઢાંકી દીધો. ત્યારે દેવતાઓએ ક્રોધે ભરાઈને સર્વ પ્રકારની શસ્ત્રવર્ષા કરીને વૃત્રાસુરની શિલાવર્ષાનો નાશ કરી દીધો. મહામાયાવી, મહાબલી વૃત્રાસુરે માયાયુદ્ધ વડે દેવેન્દ્રને બધી બાજુથી મોહિત કરી દીધો. જ્યારે ઇન્દ્ર વૃત્ર દ્વારા અત્યંત પીડાયા ત્યારે તેમનામાં મોહ વ્યાપ્યો, તે સમયે વસિષ્ઠે સામ ઉચ્ચારી તેમને ચૈતન્ય અર્પ્યું. તેમણે કહ્યું, ‘હે દેવેન્દ્ર, તમે દેવતાઓમાં શ્રેષ્ઠ છો, ત્રિલોકના બળથી સંયુક્ત છો, તો પછી શા માટે આ વિષાદ? અહીં જગત્પતિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ભગવાન સોમદેવ તથા મહર્ષિઓ છે. તો તમારે સામાન્ય માનવીની જેમ મોહ પામવો ન જોઈએ. યુદ્ધમાં શ્રેષ્ઠ બુદ્ધિનો આશ્રય લઈ શત્રુઓનો સંહાર કરો. હે સુરેશ્વર, સર્વલોક જેને નમસ્કાર કરે છે તે ત્રિનેત્રધારી શિવ તમને જુએ છે, એટલે તમે મોહનો ત્યાગ કરો. હે શક્ર, આ બૃહસ્પતિ સમેત બ્રહ્મર્ષિઓ તમને જય મળે માટે દિવ્ય સ્તવન વડે તમારી સ્તુતિ કરી રહ્યા છે.’

મહાત્મા વસિષ્ઠે આ પ્રકારે ઇન્દ્રને બોધ આપ્યો ત્યારે પરાક્રમી વાસવ (ઇન્દ્ર)નું પરાક્રમ અનેકગણું થયું. ત્યાર પછી ભગવાને (પાકશાસને) બુદ્ધિ સ્થિર કરીને મહાન યોગયુક્ત થઈને વૃત્રાસુરની માયા દૂર કરી. અંગિરાના પુત્ર શ્રીમાન બૃહસ્પતિએ તથા પરમ ઋષિઓએ વૃત્રાસુરનું પરાક્રમ જોઈને લોકોનું હિત ઇચ્છીને મહેશ્વર (મહાદેવ) પાસે જઈને વૃત્રાસુરના નાશ માટે પ્રાર્થના કરી, ત્યાર પછી જગત્પતિ મહાદેવનું તેજ જ્વર રૂપે મહા રૌદ્ર વૃત્રના શરીરમાં પ્રવેશ્યું અને લોકસંરક્ષણમાં રત અને સર્વલોક દ્વારા પુજાતા ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના વજ્રમાં પ્રવેશ કર્યો; ત્યાર પછી બુદ્ધિશક્તિ ધરાવતા બૃહસ્પતિ, મહાતેજસ્વી વસિષ્ઠ અને બધા મહર્ષિઓ લોકપૂજિત વરદ વાસવ (ઇન્દ્ર) પાસે જઈને એકાગ્ર મનથી બોલ્યા, ‘હે દેવેશ, હવે તમે વૃત્રાસુરનો વધ કરો.’

મહેશ્વરે કહ્યું કે ‘હે શક્ર, આ વૃત્ર મહા બળવાન છે, અને બળસમૂહથી એ પરિપૂર્ણ થયો છે. આ વૃત્ર વિશ્વવ્યાપી છે, સર્વગામી છે, અનેક માયાઓ સર્જી શકે છે એટલે જ તે વિખ્યાત છે. એટલે સુરેશ્વર, આ અસુરશ્રેષ્ઠ, ત્રિલોકદુર્જય વૃત્રનો વધ યોગનો આધાર લઈને કરો, તેની અવજ્ઞા ન કરો. આ વૃત્રાસુરે બળવાન થવા સાઠ હજાર વર્ષ તપ કર્યું હતું, બ્રહ્માએ તેને વરદાન આપ્યું હતું. હે સુરેશ્વર, તેમણે તેને યોગીઓનું મહત્ત્વ, મહામાયાત્વ, મહાન બળ અને શ્રેષ્ઠ તેજ આપ્યાં છે. હે ઇન્દ્ર, આ મારું તેજ તમારા શરીરમાં પ્રવેશે છે, આ તેજ વડે તેજસ્વી થાઓ અને જ્વરને કારણે વ્યગ્ર બનેલા દાનવનો વજ્ર વડે સંહાર કરો.’ ઇન્દ્રે કહ્યું, ‘હે ભગવાન્, તમારી કૃપાથી તમારા દેખતાં આ દુરાસદ દિતિપુત્રને વજ્રથી મારીશ.’

મહા અસુરના શરીરમાં શૈવજ્વર પ્રવેશ્યો એટલે દેવતાઓએ અને મહર્ષિઓએ હર્ષધ્વનિ કર્યો. ત્યાર પછી હજારો નગારાં, મોટો અવાજ કરતા શંખ, પખાવજ, ડિંડિમ વગેરે વાજિંત્રો વાગવા માંડ્યાં. બધા અસુરોની સ્મૃતિ ભુંસાઈ ગઈ. ક્ષણવારમાં જ તેમની પ્રબળ બુદ્ધિ નાશ પામી. શિવતેજ પ્રવેશેલું જાણીને દેવતાઓ તથા ઋષિઓ પ્રશસ્તિ કરીને ઇન્દ્રને પ્રોત્સાહિત કરવા લાગ્યા. યુદ્ધ સમયે જ્યારે મહાનુભાવ ઇન્દ્ર રથમાં બેઠા હતા અને ઋષિઓ સ્તુતિ કરતા હતા ત્યારે તેમનું રૂપ જોવાનું પણ અત્યંત અઘરું થઈ પડ્યું. વૃત્રાસુર જ્યારે તાવથી ઘેરાઈ ગયો ત્યારે તેના શરીરમાં નીચેનાં લક્ષણો પ્રવેશ્યાં. તેનું મોં ઘણું પ્રજ્વલિત અને ભયંકર વિવર્ણ થઈ ગયું, શરીર કાંપવા લાગ્યું, શ્વાસ જોરથી ચઢ્યો, શરીરનાં રૂવાંડાં ઊભા થઈ ગયાં, દીર્ઘ નિ:શ્વાસ શરૂ થયા. તેના મોઢામાંથી અશિવરૂપ અત્યંત દારુણ મહાઘોર રૂપવાળી શિયાળવી નીકળી, તે તેમની સ્મૃતિશક્તિ હતી. પ્રજ્વલિત અને પ્રદીપ્ત ઉલ્કાઓ તેના બંને પાર્શ્વમાંથી ખરવા લાગી. ગીધ, કંક અને વડ જેવા ભયંકર પક્ષી સંતુષ્ટ ચિત્તે વૃત્રાસુરની ઉપર એકઠા થઈ ચક્રની જેમ ભમતા ભમતા દારુણ શબ્દો ઉચ્ચારવા લાગ્યા. ત્યાર પછી મહાદેવના તેજથી પુષ્ટ થઈને શક્રે રથ પર ચઢીને, હાથમાં વજ્ર લઈને વૃત્રાસુરની સામે જોયું. તે સમયે તીવ્ર જ્વરને કારણે તે મહા અસુર અમાનુષી ધ્વનિ કરતો બગાસાં ખાવા લાગ્યો, જે સમયે તે બગાસું ખાઈ રહ્યો હતો તે જ સમયે ઇન્દ્રે તેના ઉપર વજ્ર છોડ્યું. તે કાલાગ્નિ જેવા, મહાતેજસ્વી વજ્રે તરત જ મહાકાય વૃત્રાસુરને મારી નાખ્યો. વૃત્રાસુરને મરેલો જોઈને ચારે બાજુથી દેવતાઓ હર્ષધ્વનિ કરવા લાગ્યા. દાનવશત્રુ, મહા યશસ્વી ઇન્દ્રે વિષ્ણુતેજવાળા વજ્રથી વૃત્રાસુરને મારીને સ્વર્ગમાં પ્રવેશ કર્યો.

ત્યાર પછી વૃત્રાસુરની મૃત કાયામાંથી મહાઘોર, રૌદ્રરૂપા, લોકભયાવહ બ્રહ્મહત્યા નીકળી. તેના દાંત વિકરાળ હતા, તેનું રૂપ ભયંકર, વિકૃત હતું, તેનો વર્ણ કાળો અને પીળો હતો, વાળ વિખરાયેલા હતા, તેનાં નેત્ર ઘોર હતાં. તેના ગળામાં નરમુંડની માળા હતી, તે કૃશ હતી, રુધિરથી ભીની એવી તેણે ચીર વસ્ત્ર ધારણ કર્યાં હતાં. તે ભયંકર રૂપવાળી સ્ત્રી નીકળતાં વેંત વજ્રધારી ઇન્દ્રને શોધવા લાગી. થોડા સમય પછી વૃત્રાસુરને મારનારા ઇન્દ્ર બધા લોકોના હિતની કામના કરીને સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા. તે જ વખતે બ્રહ્મહત્યા એ તેજસ્વી શક્રને બહાર નીકળતા જોઈને તેમના ગળે વળગી અને ત્યારથી તે તેમના શરીરને વળગી રહી. દેવરાજને બ્રહ્મહત્યાની બીક લાગી તો એમાંથી છૂટવા કમળના બિસ તંતુમાં છુપાઈને અનેક વર્ષ વીતાવ્યાં હતાં. બ્રહ્મહત્યાએ તેમનો પીછો કર્યો અને યત્નપૂર્વક તેમને ત્યાં પકડ્યા, તેઓ નિશ્ચેષ્ટ થઈ ગયા. દેવેન્દ્રે તેનાથી મુક્તિ મેળવવા બહુ પ્રયત્ન કર્યો પરંતુ કોઈ રીતે તેઓ તે બ્રહ્મહત્યાથી છૂટી ન શક્યા. તેણે દેવેન્દ્રને પકડી જ રાખ્યા હતા. ત્યાર પછી ઇન્દ્રે પિતામહ પાસે જઈને મસ્તક નમાવી પ્રણામ કર્યાં. એક દ્વિજશ્રેષ્ઠની હત્યાથી જન્મેલી બ્રહ્મહત્યાએ ઇન્દ્રને જકડી લીધા છે તે જાણી બ્રહ્મા વિચારવા લાગ્યા. તે સમયે પિતામહે બ્રહ્મહત્યાને મધુર સ્વરે સાન્ત્વન આપીને કહ્યું, ‘હે ભામિની, તું આ ઇન્દ્રને છોડી દઈ અમારું પ્રિય કાર્ય કરો. હું તારી કઈ ઇચ્છા પાર પાડું? તારી અભિલાષા કઈ છે?’

બ્રહ્મહત્યાએ કહ્યું, ‘તમે ત્રિલોકપૂજિત છો, ત્રિલોકકર્તા છો, તમે પ્રસન્ન થયા છો તો મારી બધી કામનાઓ સંતોષાઈ જ ગઈ. હવે હું ક્યાં વસું તેનો નિર્ણય કરો. તમે લોકસંરક્ષણ માટે મર્યાદા બાંધી છે, તમે જ આ મહત્ત્વપૂર્ણ મર્યાદા સ્થાપીને તેને ચલાવી છે. હે સર્વલોકેશ્વર ધર્મજ્ઞ પ્રભુ, જો તમે પ્રસન્ન થયા છો તો હું શક્રના શરીરમાંથી જતી રહીશ પણ મારા નિવાસનો પ્રબંધ કરો.’ પ્રજાપતિએ તે સમયે બ્રહ્મહત્યાને કહ્યું, ‘ભલે’ પછી તેમણે યત્ન કરીને બ્રહ્મહત્યાને શક્રના દેહમાંથી છૂટી પાડી. ત્યાર પછી મહાનુભાવ સ્વયંભૂએ અગ્નિનું સ્મરણ કર્યું, અગ્નિ તરત જ ત્યાં આવીને બોલ્યા, ‘હે ભગવન્, હું તમારી સમક્ષ છું, હે શત્રુનાશી, મારે જે કરવાનું છે તેની આજ્ઞા આપો.’

બ્રહ્માએ કહ્યું, ‘શક્રને બ્રહ્મહત્યાથી છોડાવવા માટે હું તેના કેટલાક ભાગ કરીશ, તમે તેનો ચોથો ભાગ લઈ લો.’

અગ્નિએ કહ્યું, ‘હે લોકપૂજિત પ્રભુ, આ બ્રહ્મહત્યામાંથી મને કેવી રીતે મુક્તિ મળશે, તેનો વિચાર કરો. હું તત્ત્વત: આ વાત જાણવા માગું છું.’

બ્રહ્માએ કહ્યું, ‘જે મનુષ્ય તમોગુણને કારણે તમને પ્રજ્વલિત જોઈને પણ બીજાંજલિ અને સોમરસ તમને તર્પિત ન કરે તો બ્રહ્મહત્યા તરત જ તેનામાં જઈને વસશે, એટલે તમે માનસિક ચિંતા ન કરો.’

હવ્યકવ્યના ભોક્તા ભગવાન અગ્નિએ આ સાંભળી પિતામહના વચનનો સ્વીકાર કર્યો એટલે તરત જ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ તેમને વળગ્યો. ત્યાર પછી પિતામહે વૃક્ષ, ઔષધિ અને તૃણોને આવાહન્ કરી કહેવા માંડ્યું,

વૃક્ષ, ઔષધિ અને તૃણ પણ ઉપર જણાવેલ બ્રહ્મહત્યા વિશે સાંભળીને અગ્નિની જેમ દુઃખી થઈને બ્રહ્માને કહેવા લાગ્યા, ‘હે લોકપિતામહ, અમે કેટલા સમયમાં મુક્ત થઈશું? અમે તો સ્વભાવથી જ સ્થાવર છીએ, અમને તમે મારી નાખો તે યોગ્ય નથી. અમે અગ્નિ, ઠંડી, વર્ષા, વાયુના વેગ, છેદન-ભેદનથી સતત સહન કરતા આવ્યા છીએ. તમારી આજ્ઞાથી આ બ્રહ્મહત્યા સ્વીકારીશું પણ એનાથી છૂટવાનો ઉપાય વિચારો.’

બ્રહ્માએ કહ્યું, ‘સંક્રાન્તિ, ગ્રહણ, પૂર્ણિમા, અમાવાસ્યાના દિવસોમાં જે મનુષ્ય મોહવશ થઈને તમારું છેદનભેદન કરશે તેને બ્રહ્મહત્યા વળગશે. ત્યાર પછી વૃક્ષ, ઔષધિ, તૃણસમૂહ બ્રહ્માની વાત સાંભળીને તેમની પૂજા કરીને પોતપોતાના સ્થાને ગયા. ત્યાર પછી લોકપિતામહે અપ્સરાઓને બોલાવી, તેમને મધુર વચનથી કહ્યું, ‘આ બ્રહ્મહત્યા, ઇન્દ્રના શરીરમાંથી નીકળી છે એટલે તમે તેનો ચોથો ભાગ ગ્રહણ કરો.’

અપ્સરાઓએ કહ્યું, ‘હે દેવેશ, હે પિતામહ, તમારી આજ્ઞા પ્રમાણે અમે એને સ્વીકારીશું પણ એનાથી અમારા છુટકારાનો ઉપાય વિચારો.’

બ્રહ્માએ કહ્યું, ‘જે પુરુષ રજસ્વલા સ્ત્રીઓ સાથે મૈથુન કરશે તેને તે જ સમયે બ્રહ્મહત્યા વળગશે, એટલે તમે માનસિક ચિંતા ત્યજી દો.’

‘ભલે’ એમ કહીને અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે પોતપોતાના સ્થાને જઈ ક્રીડા કરવા લાગી.

ત્યાર પછી મહાતપસ્વી ત્રિલોકકર્તાએ જળનું સ્મરણ કર્યું, સ્મરણ કરતાંવેંત તેઓ ત્યાં આવી ચઢ્યા. તેમણે તેજસ્વી બ્રહ્માની પાસે જઈને પ્રણામ કરી કહ્યું, ‘હે શત્રુનાશી દેવ, તમારી આજ્ઞાનુસાર અમે આવી પહોંચ્યા છીએ, અમારે શું કરવાનું છે તે કહો.’

બ્રહ્માએ કહ્યું, ‘આ મહાભયા બ્રહ્મહત્યા વૃત્રાસુરમાંથી પ્રગટીને ઇન્દ્રના શરીરમાં પ્રવેશી હતી, અત્યારે તેનો ચોથો ભાગ તમે ગ્રહણ કરો.’

જળે કહ્યું, ‘તમે જે કહ્યું તેમ જ થશે, પણ સમય જોઈને હું એમાંથી મુક્ત થઉં તેવો ઉપાય કરવો ઉચિત છે. હે દેવેશ, આ સમગ્ર જગતના તમે જ એક માત્ર પરમ ગુરુ છો. અમને આ કલેશમાંથી ઉગારે એવા બીજા કોને અમે પ્રસન્ન કરીએ?’

બ્રહ્માએ કહ્યું, ‘જે મનુષ્ય મોહવશ થઈને અલ્પ વિચાર કરીને તમારામાં મળમૂત્રનો નિકાલ કરશે, છીંકશે તો બ્રહ્મહત્યા તરત જ તેને વળગશે, આ રીતે તમારો છુટકારો થશે, હું આ સત્ય કહું છું.’

આમ બ્રહ્માની આજ્ઞાથી બ્રહ્મહત્યા ઇન્દ્રને ત્યજીને ઉપર કહ્યા તે નિવાસસ્થાનોમાં ગઈ. આમ બ્રહ્મહત્યા ઇન્દ્રમાં પ્રવેશી હતી, પિતામહની કૃપાથી ઇન્દ્ર તેમાંથી છૂટ્યા અને તેમની આજ્ઞાથી ઇન્દ્રે અશ્વમેધ યજ્ઞ કર્યો. એ યજ્ઞથી તેઓ પવિત્ર થયા, શત્રુસંહાર કરીને શ્રીવાળા થયા, આનંદ પામ્યા. વૃત્રાસુરના લોહીમાંથી જે શિખંડ નામે કૂકડા જન્મ્યા તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ખાસ તો દીક્ષિત તપસ્વીઓ માટે અભક્ષ્ય છે.

(શાંતિપર્વ, ૨૭૨-૨૭૩)