ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાર્તિકેય અને તારકાસુરની કથા


કાર્તિકેય અને તારકાસુરની કથા

સર્વશ્રેષ્ઠ હિમાલય પર્વત પર મહાનુભાવ ભગવાન શૂલધારી રુદ્રની સાથે રુદ્રાણી દેવીનો વિવાહ થયો અને પછી ભગવાન સાથે દેવી બેઠા હતા ત્યારે બધા દેવતાઓ ઉદ્વિગ્ન બનીને મહાદેવ પાસે આવ્યા. બેઠેલા મહાદેવ અને વરદા દેવીને મસ્તક નમાવી પ્રણામ કરી તેઓ બોલ્યા, ‘હે દેવ, હે અનઘ (નિષ્પાપ) દેવી સાથેનો તમારો સમાગમ થયો છે, તે તપસ્વી અને તપસ્વિનીનો તથા મહાતેજસ્વી અને તેજ- સ્વિની સાથેનો છે, તમારું તેજ અમોઘ છે, દેવીનું તેજ પણ અમોઘ છે. હે પ્રભુ, તમારો પુત્ર અત્યંત બળવાન થશે. તે ત્રણે લોકની વચ્ચે કોઈને બાકી નહીં રાખે, આ નિશ્ચિત છે. હે વિશાલ લોચનવાળા, અમે બધા દેવતાઓ તમારા શરણે આવ્યા છીએ. ત્રિલોકના હિત માટે અમને વરદાન આપો. તમે સંતાન નિમિત્તે તમારા ઉત્તમ તેજને અટકાવો.’

દેવતાઓની વાત સાંભળીને ભગવાન વૃષભધ્વજે (શંકરે) ‘ભલે’ કહ્યું, તેમણે દેવોની વાત સ્વીકારી પોતાના વીર્યને ઊર્ધ્વમાં ધારણ કર્યું એટલે તેમનું નામ ઊર્ધ્વરેતા પડ્યું. આ પ્રકારે મારા ભાવી સંતાનનો ઉચ્છેદ કર્યો એમ વિચારીને સ્ત્રીભાવથી ક્રોધે ભરાઈને દેવતાઓને કઠોર વચન રુદ્રાણીએ કહ્યાં, ‘સંતતિની ઇચ્છા કરનારા મારા સ્વામીએ તમારા વડે સંતતિલાભ ગુમાવ્યો તેવી જ રીતે તમે બધા દેવતાઓ સંતતિ વિનાના થશો. હે આકાશચારી દેવતાઓ, આજે તમે જેવી રીતે મારી સંતતિનો ઉચ્છેદ કર્યો છે તેવી રીતે તમને સંતાન નહીં થાય.’

આ શાપ અપાયો ત્યારે અગ્નિદેવ ત્યાં ન હતા. દેવીના આવા શાપથી દેવતાઓ નિ:સંતાન રહ્યા. તે સમયે રુદ્રદેવે અપ્રતીમ તેજ ધારણ કર્યું હતું. થોડા સમયે એમાંથી થોડું તેજ સ્ખલિત થઈને પૃથ્વી પર પડ્યું. તે અદ્ભુત તેજ પૃથ્વી પર પડતાંની સાથે જ અગ્નિમાં ભળીને વૃદ્ધિ પામવા લાગ્યું. તે સમયે ઇન્દ્રાદિ દેવ તારક નામના અસુરને કારણે બહુ સંતાપ પામ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, મરુત, અશ્વિનીકુમારો તથા સાધ્ય — આ બધા ગણ તે દૈત્યના પરાક્રમથી ભયભીત હતા. દેવતાઓનાં નિવાસ, વિમાન, નગર, ઋષિઓના આશ્રમ — અસુરોએ છિનવી લીધાં હતાં. આ બધા દેવતા, ઋષિઓ દીન ભાવે અજર પ્રભુ બ્રહ્મા પાસે ગયા.

દેવતાઓએ કહ્યું, ‘હે પ્રભુ, તમે જેને વરદાન આપ્યું છે તે તારક અસુર દેવતાઓને અને ઋષિઓને પીડી રહ્યો છે. એટલે તેને મારવાની યુક્તિ બતાવો. હે પિતામહ, એનાથી અમે ભયભીત થયા છીએ, અમને બચાવો, અમારી બીજી કોઈ ગતિ નથી.’

બ્રહ્માએ કહ્યું, ‘આ લોકમાં બધાં પ્રાણીઓ મારે માટે સરખાં છે. મને અધર્મમાં રુચિ નથી. એટલે દેવતાઓ અને ઋષિઓને ત્રાસ આપનારા તારકાસુરનો સવેળા વધ કરો. હે સુરશ્રેષ્ઠ, વેદ અને ધર્મનો નાશ થવો ન જોઈએ, આ વિશે મેં એક માર્ગ શોધ્યો છે, તેનાથી તમારું દુઃખ દૂર થશે.’

દેવોએ કહ્યું, ‘તમારા વરદાનથી તે દૈત્ય બળથી અભિમાની થયો છે, એટલે દેવતાઓ એને મારી શકશે નહીં, તો તેનો વધ થશે કેવી રીતે? પિતામહ, તારકાસુરે તમારી પાસે જ વરદાન માગ્યું હતું કે હું દેવ, દાનવ, રાક્ષસોના હાથે ન મરું. રુદ્રાણીની પુત્રકામના નષ્ટ થવાથી તેમણે દેવતાઓને શાપ આપ્યો છે કે તમને કોઈ સંતાન નહીં થાય.’

બ્રહ્માએ કહ્યું, ‘હે દેવશ્રેષ્ઠો, તે શાપ અપાયો ત્યારે અગ્નિદેવ ત્યાં ન હતા, તેઓ સંતાનને જન્મ આપશે. તે સર્વ દેવ, દાનવ, રાક્ષસ, મનુષ્ય, ગંધર્વ, નાગ અને પક્ષીઓને અતિક્રમી જે તારકાસુરનો તમને ભય લાગે છે તેને શક્તિ અસ્ત્ર વડે મારી નાખશે, અને બીજા દેવશત્રુઓને પણ મારી નાખશે. સનાતન સંકલ્પને જ કામ કહે છે, તે રુદ્રનું તેજ સ્ખલિત થઈને અગ્નિમાં પડ્યું છે. તે મહાન તેજ વડે અગ્નિદેવ બીજા અગ્નિની જેમ ગંગાના પેટે દેવશત્રુઓનો વધ કરનાર એક પુત્રને જન્મ આપશે. અગ્નિ શાપના ભયથી છુપાઈ રહેલા હતા. એટલે તેમને શાપ લાગ્યો નહીં; હે દેવતાઓ, તમારો ભય દૂર કરનાર પાવકનંદન (અગ્નિપુત્ર) જન્મ લેશે. હવે તમે અગ્નિ દેવને શોધી કાઢો. હે નિષ્પાપ દેવો, મેં તમને તારકાસુરના વધનો ઉપાય કહ્યો. તેજસ્વીઓના શાપ તેજસ્વી પુરુષોને પ્રભાવિત કરતા નથી. સાધારણ બળવાન પ્રબળ પુરુષ આગળ બળવાન થઈ શકતો નથી. તપસ્વી પુરુષોનું કામ સંકલ્પ અથવા અભિરુચિના નામે વિખ્યાત છે. તે સનાતન અગ્નિ છે. તે વર આપનારા અવધ્યોનો નાશ કરવામાંય સમર્થ છે. અગ્નિ જગતના પાલક, અનિર્દેશ્ય, સર્વગ, સર્વભાવન, બધાં પ્રાણીઓના હૃદયમાં વસે છે, રુદ્ર કરતાંય જ્યેષ્ઠ અને શક્તિશાળી છે. તે તેજરાશિ હુતાશનની જલદી શોધ કરો, તે અગ્નિ તમારી ઇચ્છા પૂરી કરશે.’

મહાનુભાવ દેવની વાત સાંભળીને સંકલ્પ સિદ્ધ થયેલા દેવતાઓએ અગ્નિને શોધવા વિદાય લીધી. ઋષિઓએ અને દેવતાઓએ અગ્નિના દર્શનની ઇચ્છાથી ત્રણે લોક શોધવા માંડ્યા, બધાનું મન એમાં જ હતું. પરમ તપસ્યાવાળા, તેજસ્વી અને લોકવિખ્યાત સિદ્ધગણ અગ્નિને શોધવા બધા લોકમાં ઘૂમવા લાગ્યા. પરંતુ જળમાં છુપાઈ ગયા હોવાને કારણે અગ્નિ દેખાતા ન હતા. એટલે દેવતાઓ તેમના સુધી પહોંચી ન શક્યા.

ત્યાર પછી અગ્નિના તેજથી પ્રદીપ્ત થઈને અને દુઃખી થઈને એક જલચર દેડકો રસાતલમાંથી ઉપર આવીને અગ્નિનું દર્શન કરવા ઉત્સુક દેવતાઓને કહેવા લાગ્યો, ‘હે દેવગણ, અગ્નિદેવ રસાતલ તળે નિવાસ કરે છે, પ્રભુ! હું તેમના સંતાપથી દુઃખી થઈને અહીં આવ્યો છું. હે દેવગણ, ભગવાન હવ્યવાહન (અગ્નિ) પોતાના તેજ વડે જળનો સંસર્ગ કરીને તેમની વચ્ચે સૂતા છે. અમે તેમના પ્રભાવને કારણે સંતાપ પામ્યા છીએ. હે દેવતાઓ, જો તમારી ઇચ્છા અગ્નિનાં દર્શન કરવાની હોય અને એમની સહાયથી કોઈ કાર્ય કરાવવા માગતા હો તો જાઓ, ત્યાં તમને મળશે. હે દેવતાઓ, તમે જાઓ. અમે અગ્નિના ભયથી દુઃખી થઈને બીજી જગાએ જઈશું.’ દેડકો આટલું કહીને તરત જ જળમાં પેસી ગયો. અગ્નિએ દેડકાની દુષ્ટતા જાણી લીધી અને તેને શાપ આપ્યો, ‘તને રસજ્ઞાન નહીં થાય.'

સર્વશક્તિમાન અગ્નિદેવ દેડકાને આવો શાપ આપીને બીજા સ્થળે નિવાસ કરવા જતા રહ્યા; તેમણે દેવતાઓને દર્શન ન આપ્યાં. હવે દેવતાઓએ દેડકા ઉપર કેવી કૃપા કરી? દેવતાઓએ કહ્યું, ‘અગ્નિના શાપથી તમે જિહ્વા વિનાના થયા તો પણ તમે અમારી કૃપાથી અનેક પ્રકારનાં વાક્યો બોલી શકશો. બિલવાસી થઈને રહેતા હોવાને કારણે તમે અચેતન, નિષ્પ્રાણ, શુષ્ક થઈ ગયા પછી પણ પૃથ્વી તમને ધારણ કરશે. તમે બધા ઘોર અંધકારવાળી રાતે પણ હરીફરી શકશો.’

દેડકાઓને આમ કહીને અગ્નિની શોધમાં દેવતાઓ પૃથ્વી પર વિચરવા લાગ્યા. પરંતુ હુતાશનને જોઈ ન શક્યા. ત્યાર પછી સુરેન્દ્રના ઐરાવત સમાન કોઈ હાથીએ દેવતાઓને કહ્યું, ‘અગ્નિદેવ અશ્વત્થ (પીપળો)માં વસે છે.’ ત્યારે અગ્નિએ પુષ્કળ ક્રોધે ભરાઈને તે હાથીઓને શાપ આપ્યો, ‘તમારા બધાની જીભ ઊલટી થઈ જશે.’

હાથીઓને શાપ આપીને અગ્નિદેવ પીપળામાંથી નીકળીને શયનની ઇચ્છાથી શમી વૃક્ષમાં પ્રવેશ્યા. સત્યપરાક્રમી દેવતાઓએ હાથીઓ ઉપર પણ કૃપા કરી. દેવતાઓએ કહ્યું, ‘તમે અવળી જીભથી પણ બધા પ્રકારના આહાર ખાઈ શકશો અને મોટેથી બોલી શકશો. પરંતુ કોઈ અક્ષર મોંમાંથી નીકળશે નહીં.’ દેવતાઓએ આમ કહીને અગ્નિની શોધ ચલાવી. અગ્નિ પીપળાામાંથી નીકળીને શમી વૃક્ષમાં બેસી રહ્યા. ત્યાર પછી પોપટના મોઢે અગ્નિના નિવાસની વાત જાણીને દેવતાઓ ત્યાં દોડ્યા. એટલે અગ્નિએ પોપટને શાપ આપ્યો કે તું વાણીહીન થઈશ. અગ્નિએ એની જીભ અવળી કરી નાખી. દેવતાઓએ અગ્નિને જોયો, દયા આણીને પોપટને કહ્યું, ‘તારી વાણી નાશ નહીં પામે. જીભ એંઠી રહેશે તો પણ તારી વાણી બાળકની જેમ વૃદ્ધોને નહીં સમજાય, પણ અવ્યક્ત, મધુર, અદ્ભુત અને મનોહર રહેશે.’

શુક પક્ષીને આમ કહીને દેવતાઓએ શમી વૃક્ષમાં અગ્નિદેવને જોઈને શમી વૃક્ષને બધાં કાર્યો માટે અગ્નિનું પવિત્ર સ્થાન બનાવ્યું, ત્યારથી અગ્નિ શમી વૃક્ષમાં દેખાવા લાગ્યા. તે સમયથી માનવીઓને શમીની શાખામાંથી અગ્નિ પેદા કરવાનો ઉપાય સૂઝ્યો. હે ભાર્ગવ, રસાતલમાં જે બધું પાણી અગ્નિના સ્પર્શવાળું થયું હતું, જે પાણીમાં અગ્નિ સૂતા હતા અને અગ્નિના તેજ વડે ઉત્તમ થયું હતું તે જળ પર્વતના ઝરણા દ્વારા પોતાની ગરમી કાઢે છે. તે સમયે અગ્નિ દેવતાઓને જોઈને દુઃખી થયા અને તેમને પૂછ્યું, ‘તમે શા માટે આવ્યા છો?’

દેવતાઓએ અને ઋષિઓએ અગ્નિને કહ્યું, ‘અમે તમને જે કાર્યમાં જોતરીએ તે તમારે કરવું પડશે. તે કરવાથી તમારો પણ ઉત્તમ મહાન ગુણ પ્રગટ થશે.’

અગ્નિએ કહ્યું, ‘હે દેવતાઓ, તમારે શું કામ પડ્યું છે તે કહો. હું તે પૂર્ણ કરીશ. હું તમારો આજ્ઞાંકિત છું. આ વિશે તમારે કશો વિચાર કરવાનો ન હોય.’

દેવતાઓ બોલ્યા, ‘તારક નામનો અસુર બ્રહ્માના વરદાનને કારણે અભિમાની થઈ ગયો છે. પોતાના પરાક્રમથી અમને પીડા પહોંચાડે છે. તમે એના વધનો કોઈ ઉપાય કરો. હે પાવક(અગ્નિ), આ મહાભાગ દેવતાઓ, પ્રજાપતિઓ અને ઋષિઓની રક્ષા કરો. હે પ્રભુ, તેજયુક્ત મહાવીર પુત્રને જન્મ આપો. હે હવ્યવાહન, તે અસુરથી ઉત્પન્ન થયેલો પુત્ર અમારા ભયનો નાશ કરશે. અમને બધાને મહાદેવી (પાર્વતી)નો શાપ છે. અત્યારે તમારા પરાક્રમ સિવાય અમારા માટે બીજો કોઈ માર્ગ નથી. હે પ્રભુ, અમારી રક્ષા કરો.’

ત્યારે હવ્યકવ્ય ગ્રહણ કરનારા અગ્નિએ કહ્યું, ‘ભલે એમ જ થશે.’ એમ કહીને તેઓ ભાગીરથી ગંગા પાસે ગયા. તેની પાસે જઈને તેનો સહવાસ કર્યો અને તે જ વેળા ગંગાને ગર્ભ રહ્યો. તે ગર્ભ ગંગાના ઉદરમાં ઝડપથી મોટો થયા લાગ્યો. ગર્ભના તેજથી ગંગા વિહ્વળ થઈ, અચેત થઈ અને તેને સંતાપ થયો. તેનાથી એ વેઠાયું નહીં, અગ્નિ દ્વારા ગંગામાં સ્થપાયેલો તે ગર્ભ મોટો થઈ રહ્યો હતો ત્યારે કોઈ અસુરે ત્યાં મોટેથી ગર્જના કરી. આકસ્મિક રીતે થયેલા આ મહાનાદથી ગંગા ડરી જઈને સંભ્રાંતલોચન થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. તે વિહ્વળ, ચેતનાહીન અને સંજ્ઞારહિત થઈને પોતાને અને ગર્ભને સાચવી ન શકી. ત્યારે ગંગાનાં બધાં અંગ તેજયુક્ત થયાં, ગર્ભના બળથી તે આક્રાંત થઈ અને કાંપતી કાંપતી અગ્નિદેવને કહેવા લાગી, ’હે ભગવન્, હું તમારા આ તેજને ધારણ કરી શકું એમ નથી. આ તેજથી હું વિમૂઢ થઈ રહી છું, અત્યંત અસ્વસ્થ થઈ છું, હું વિહ્વળ થઈ ગઈ છું, મારી ચેતના લુપ્ત થઈ છે, હે તપ્તોમાં શ્રેષ્ઠ, હું આ તેજને ધારણ કરી શકતી નથી. એટલે દુઃખે હું તેનો ત્યાગ કરું છું. સ્વેચ્છાથી તેનો ત્યાગ કરતી નથી.

હે દેવ વિભાવસુ, (અગ્નિ) મનથી ક્યારેય આની સાથે મારો સંસ્પર્શ નથી. હે મહાદ્યુતિ, આપત્તિને કારણે તમારી સાથે અત્યંત સૂક્ષ્મ સંબંધ થયો છે. હે હુતાશન, આ સંદર્ભે જે કોઈ દોષ, ગુણ, ધર્માધર્મ હશે તેની જવાબદારી તમારી છે એમ હું માનું છું.’

ત્યાર પછી અગ્નિએ તેને કહ્યું, ‘મારા તેજવાળો આ ગર્ભ ધારણ કરો, એનાથી મહાસુખ તથા ફળ પ્રાપ્ત થશે.એટલે આ ધારણ કરો, તમે પોતાની શક્તિ વડે આ ધરતીને ધારણ કરવામાં સમર્થ છો, તો મેં મૂકેલા ગર્ભને ધારણ કરવા સિવાય તમારે બીજું કશું કરવાનું નથી.’ દેવતાઓ અને અગ્નિએ ના પાડી તે છતાં સરિતાઓમાં શ્રેષ્ઠ એવી ગંગાએ ગિરિશ્રેષ્ઠ મેરુ પર્વત પર ગર્ભ ત્યજી દીધો. તે ગર્ભ ધારણ કરવામાં સમર્થ હોવા છતાં રુદ્રતેજથી પરાભવ પામી અને તે ગર્ભને ધારણ કરી ન શકી. જ્યારે ગંગાએ વૈશ્વાનર (અગ્નિ) સમાન પ્રભાવાળા ગર્ભનો ત્યાગ કર્યો ત્યારે અગ્નિએ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાને પૂછ્યું, ‘ગર્ભ સુખ રૂપે જન્મ્યો તો હતો ને? તેનો વર્ણ કેવો છે? રૂપે કેવો છે? તે કયા તેજથી યુક્ત છે, એ બધી વાત કરો.’

ગંગાએ કહ્યું, ‘હે અનલ(અગ્નિ), તે ગર્ભ સુવર્ણમય છે, તેનું તેજ તમારા જેવું છે, વિમલ સુવર્ણ સમાન તે પ્રદીપ્ત ગર્ભે પર્વતને પ્રકાશિત કર્યો છે. હે તપ્તમાં શ્રેષ્ઠ, આ ગર્ભ પદ્મ અને ઉત્પલ કમળવાળા સરોવરની જેમ શીતલ છે. તેની સુવાસ કદંબપુષ્પ જેવી છે. સૂર્ય જેવા તેજયુક્ત ગર્ભનાં કિરણો વડે પૃથ્વી અને પર્વતનું જે કંઈ દ્રવ્ય સ્પર્શાયું છે તે બધું કાંચન જેવું દેખાય છે. આ ગર્ભ તેજ વડે સચરાચર ત્રિલોકને પ્રદીપ્ત કરીને પર્વત, નદી, ઝરણાંમાં દોડી રહ્યો છે. હે હવ્યવાહન (અગ્નિ) તમારો પુત્ર આવા ઐશ્વર્યવાળો છે, તેજમાં તે સૂર્ય અને વૈશ્વાનર જેવો અને કાંતિમાં બીજા ચંદ્ર જેવો છે.’

આટલું કહીને તે દેવી અંતર્ધાન થઈ ગયાં. તેજસ્વી પાવક પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરીને પોતાના ઇષ્ટ પ્રદેશમાં જતા રહ્યા. આ બધાં કાર્ય અને ગુણોને કારણે દેવતાઓ અને ઋષિઓએ અગ્નિનું નામ ‘હિરણ્યરેતા’ પાડ્યું. પૃથ્વી દેવી પણ વસુમતી નામથી પ્રખ્યાત થઈ.

ગંગાના ઉદરમાંથી પડેલો અગ્નિ દ્વારા ઉત્પન્ન થયેલો તે અદ્ભુત દર્શનવાળો, મહાતેજસ્વી ગર્ભ દિવ્ય શરવણમાં જઈને ત્યાં મોટો થવા લાગ્યો. બાલસૂર્ય જેવા તેજવાળા બાળકને કૃત્તિકાઓએ જોયો, સ્નેહવશ પોતાના સ્તનનું દૂધ પીવડાવીને તેઓ પાળવા લાગી. આને કારણે તે પરમ દ્યુતિવાળા બાળકનું નામ કાર્તિકેય પડ્યું. શિવના સ્કન્દિન વીર્યથી ઉત્પન્ન થવાને કારણે તેનું નામ સ્કંદ પડ્યું અને ગુહા(ગુફા)માં વાસ કરવાને કારણે તેનું નામ ગુહ પડ્યું. એ જ રીતે અગ્નિનો પુત્ર સુવર્ણ થયો. અનેક પ્રકારના સુવર્ણોમાં જાંબૂનદ નામનું સુવર્ણ શ્રેષ્ઠ છે, દેવતાઓનું પણ તે આભૂષણ છે. ત્યારથી સુવર્ણ જાતરૂપ નામે વિખ્યાત છે, સુવર્ણ ભગવાન અગ્નિ, ઊશ અને પ્રજાપતિ સ્વરૂપ છે. કનક બધી પવિત્ર વસ્તુઓમાં અત્યંત પવિત્ર છે. સોમ અને જાતરૂપ અગ્નિ રૂપે તે વર્ણવાય છે. તે સર્વ રત્નોમાં ઉત્તમ અને સમસ્ત ભૂષણોમાં ઉત્તમ ભૂષણ છે, બધી પવિત્ર વસ્તુઓ કરતાં પવિત્ર અને બધા મંગલોમાં મંગલ છે.

(અહીં અચાનક કાર્તિકેયની કથા અટકી જાય છે, યુધિષ્ઠિરના પૂછવાથી વળી તે થોડા પુનરાવર્તન સાથે આગળ ચાલે છે.)

... ... ...

આ બાળક કૃત્તિકાઓ દ્વારા મોટો થયો એટલે સચરાચર ત્રિલોકના તેનું નામ કાર્તિકેય પડ્યું, તે ઉપરાંત સ્કંદ, ગુહ નામે પણ તે જાણીતો થયો. પછી તેત્રીસ દેવતાઓ, દિગીશ્વર સમેત દશ દિશાઓ, રુદ્ર, ધાતા, વિષ્ણુ, યજ્ઞ, પૂષા, અર્યમા, નક્ષત્રો, ગ્રહ, સૂર્ય અને દેવતાઓનાં પ્રાણીઓ — આ બધાં કુમારને જોવા આવ્યા. ઋષિઓ તેની સ્તુતિ કરવા લાગ્યા, ગંધર્વોએ ગીત ગાયાં. બ્રાહ્મણોને પ્રિય કુમારને છ મોં, બાર નેત્ર, બાર હાથ, વિશાળ સ્કંદ, અને અગ્નિ — સૂર્ય સમાન તેજ હતાં. શરગુલ્મમાં સૂતેલા કુમારને જોઈ દેવતાઓ અને ઋષિઓ પણ હર્ષ પામ્યા અને માની લીધું કે તારકાસુર મૃત્યુ પામ્યો છે.

દેવતાઓએ કુમાર માટે બધી પ્રિય વસ્તુઓ લાવી આપી. તે જ્યારે રમતો થયો ત્યારે દેવતાઓએ તેને રમવા માટે અનેક પ્રકારનાં પક્ષી આપ્યાં. ગરુડે વિચિત્ર રંગનાં પીંછાંવાળો મોર લાવી આપ્યો. રાક્ષસોએ વરાહ અને મહિષ (પાડો) આપ્યા. વરુણે અગ્નિ સમાન કૂકડો આપ્યો, ચંદ્રે ઘેટું આપ્યું, સર્પે રુચિરા (સુંદર) પ્રભા આપી. ગાયોની માતાએ તેને એક લાખ ગાયો આપી, અગ્નિએ ગુણસભર બકરો આપ્યો, ઇલાએ ફૂલ અને ફળ આપ્યા. સુધન્વાએ ગાડું અને અનેક કૂબરવાળો રથ આપ્યો. વરુણે દિવ્ય, સુંદર હાથી અને શુભ ભુજંગ (સાપ) આપ્યા. સુરેન્દ્રે (ઇન્દ્રે) સિંહ અને વાઘ આપ્યા. દ્વિપીને બીજા અનેક પ્રકારનાં હિંસક પ્રાણીઓ આપ્યાં, અનેક પ્રકારનાં ઘોર પ્રાણીઓ, વિવિધ છત્ર આપ્યાં. રાક્ષસો અને અસુરો તેના અનુગામી થયા. તારકાસુરે તેને વૃદ્ધિ પામતો જોઈ અનેક રીતે મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને મારવામાં તે નિષ્ફળ રહ્યો. દેવતાઓએ તે ગુહાવાસી (કાર્તિકેય)ને સેનાપતિ બનાવી પૂજ્યો અને તારકાસુરના ત્રાસ વર્ણવ્યા. અત્યંત પરાક્રમી દેવસેનાપતિએ વૃદ્ધિ પામીને તારકાસુરને પોતાની અમોઘ શક્તિ વડે મારી નાખ્યો. કુમારે રમતાં રમતાં તે અસુરને મારી નાખ્યો ત્યારે ઇન્દ્ર પાછા દેવતાઓના રાજ્યમાં સિંહાસને બેઠા.

(અનુશાસન પર્વ, ૮૩-૮૬)