ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કેશિની અને સુધન્વાની કથા


કેશિની અને સુધન્વાની કથા

(ધૃતરાષ્ટ્રને સમજાવવા જ્યારે વિદુર પ્રયત્ન કરે છે ત્યારે તેઓ કેશિની અને સુધન્વાનું દૃષ્ટાંત આપે છે)

કેશિનીએ વિરોચનને કહ્યું, ‘બ્રાહ્મણ શ્રેષ્ઠ કે દૈત્ય? જો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો સુધન્વા બ્રાહ્મણ મારી શય્યા પર કેમ બેસી ન શકે?(હું સુધન્વા સાથે લગ્ન કેમ ન કરું?’)

વિરોચને કહ્યું, ‘કેશિની, અમે પ્રજાપતિનાં ઉત્તમ સંતાનો. આ આખું જગત અમારું જ છે. અમારી આગળ દેવતાઓ અને બ્રાહ્મણોની શી વિસાત?’

કેશિનીએ કહ્યું, ‘વિરોચન, અહીં બેસીને આપણે રાહ જોઈએ. આવતી કાલે સવારે સુધન્વા આવશે, તમને બંનેને એક સાથે જોઈશ.’

‘ભલે, તું જેમ કહે છે તેમ કરીશ. આવતી કાલે તું અમને બંનેને સાથે જોઈશ.’

સુધન્વાએ કહ્યું, ‘પ્રહ્લાદનંદન, હું તમારા આ સુવર્ણમય આસનને સ્પર્શી શકું છું, હું તમારી સાથે બેસી નહીં શકું. આપણે સાથે બેસીશું તો સરખા થઈ જઈશું.’

‘સુધન્વા, તમારા માટે ચટાઈ, કુશનું આસન પણ ચાલે, તમે મારી સાથે બેસવા માટે અયોગ્ય છો.’

‘તમારા પિતા પ્રહ્લાદ નીચે બેસીને જ ઉપર બેઠેલા મારા જેવાની સેવા કરતા હતા. તમે તો હજુ બાળક છો, ઘરમાં સુખે ઉછેર્યા છો, એટલે તમને આ બધાનું કશું જ્ઞાન નથી.’

‘સુધન્વા, એક કામ કરીએ. અસુરોની પાસે જેટલાં સોનું-ચાંદી, ગાય-ઘોડા હોય એ બધા હોડમાં મૂકું છું. આ વિષયના જે જાણકાર હોય તેની પાસે બંને જઈએ — પૂછીએ કે અમારા બેમાં શ્રેષ્ઠ કોણ છે?’

સુધન્વાએ કહ્યું, ‘વિરોચન, સોનું-ગાય-ઘોડા તમારી જ પાસે રાખો. આપણે પ્રાણને હોડમાં મૂકીને જાણકારને પૂછીએ.’

‘ભલે, પ્રાણને હોડમાં મૂકીને આપણે ક્યાં જઈએ? હું ન દેવતાઓ પાસે જઉં કે ન મનુષ્યો પાસે.’

‘પ્રાણને હોડમાં મૂકીને આપણે બંને તમારા પિતા પાસે જઈએ. મને શ્રદ્ધા છે કે પ્રહ્લાદ પોતાના પુત્રનું જીવન બચાવવા પણ અસત્ય નહીં બોલે.’

પ્રહ્લાદ મનોમન વિચારતા બોલ્યા, ‘સુધન્વા અને વિરોચન ક્યારેય સાથે ચાલતા નહોતા તે આજે ક્રોધે ભરાઈને એક જ માર્ગે કેમ આવી રહ્યા છે?’

પછી પ્રહ્લાદે વિરોચનને પૂછ્યું, ‘વિરોચન, શું તમે બંને મિત્રો થઈ ગયા છો? બંને એક સાથે કેવી રીતે? પહેલાં તો કદી સાથે ચાલ્યા જ ન હતા?’

વિરોચને કહ્યું, ‘મારે સુધન્વા સાથે કોઈ મૈત્રી થઈ નથી. અમે બંને પ્રાણોને હોડમાં મૂકીને અહીં આવ્યા છીએ. હું તમને પૂછું છું. મારા પ્રશ્નનો ખોટો ઉત્તર ન આપતા.’

પ્રહ્લાદે સેવકોને કહ્યું, ‘સુધન્વા માટે પાણી અને મધુપર્ક લાવો.’ પછી સુધન્વાને કહ્યું, ‘તમને દાનમાં આપવા એક સરસ ઊજળી ગાય રાખી મૂકી છે.’

‘પાણી અને મધુપર્ક તો મને રસ્તામાં જ મળી ગયા. તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપો.’

‘તમે બે જણ છો. એમાં એક મારો પુત્ર છે, અને બીજી બાજુ તમે છો. તમારો વિવાદનો ઉકેલ મારા જેવો કેવી રીતે આણે? સુધન્વા, હું તમને પૂછું છું — જે સત્ય ન બોલે, અસત્ય નિર્ણય કરે તો એવા દુષ્ટ વક્તાના હાલ કેવા થાય?’

‘શોક્ય ધરાવતી સ્ત્રી, જુગારમાં હારેલો જુગારી, ભાર ખેંચીને થાકી ગયેલા મનુષ્યની રાતે જે હાલત થાય તે હાલત ખોટો ન્યાય આપનારની થાય. જે રાજા નગરમાં કેદી બનીને બહારના દરવાજે ભૂખનું દુઃખ વેઠતાં ઘણા બધા શત્રુઓને જુએ છે તેના જેવી હાલત ખોટો નિર્ણય બોલનારની હજાર પેઢીઓને નરકમાં ધકેલે છે. સોનાને માટે જૂઠું બોલનાર પોતાની બધી — ભૂતકાળની, ભવિષ્યની — પેઢીઓને નરકમાં ધકેલે છે. પૃથ્વી માટે જૂઠું બોલનાર પોતાનો સર્વનાશ વહોરી લે છે, એટલે તમે પૃથ્વીને માટે કદી જૂઠું ન બોલતા.’

પ્રહ્લાદે કહ્યું, ‘વિરોચન, સુધન્વાના પિતા અંગિરા મારા કરતાં ચઢિયાતા છે, સુધન્વા તારા કરતાં ચઢિયાતો છે, તેની માતા તારી માતાથી ચઢિયાતી છે. આજે તું હારી ગયો છે. હવે સુધન્વા તારા પ્રાણોનો સ્વામી છે, સુધન્વા! જો તું મને આપે તો વિરોચનને ફરી પામવા માગું છું.’

‘પ્રહ્લાદ, તમે ધર્મપાલન કર્યું છે, સ્વાર્થથી પ્રેરાઈને જૂઠું બોલ્યા નથી, એટલે આ દુર્લભ પુત્ર તમને પાછો સોંપું છું. મેં તમારો પુત્ર તો તમને સોંપી દીધો. પણ હવે તેણે કેશિની પાસે આવીને તેણે મારા પગ ધોવા પડશે.


(ઉદ્યોગપર્વ, ૩૫)