ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/જનક અને સુલભાની કથા


જનક અને સુલભાની કથા

પ્રાચીન કાળમાં મિથિલામાં જનક નામના રાજા થઈ ગયા. તેમને બધા ધર્મધ્વજ કહેતા હતા. તેઓ વેદ, મોક્ષશાસ્ત્રમાં નિપુણ હતા, ઇન્દ્રિયો પર વિજય મેળવીને રાજ્ય કરતા હતા. વેદજ્ઞ પુુરુષો રાજાની સાધુવૃત્તિ સાંભળીને તેમના ચરિત્રને પ્રશંસતા હતા. તે સત્યયુગમાં યોગધર્મ પાળનારી સુલભા નામની સંન્યાસિની એકલી પૃથ્વી પર વિહરતી હતી. તે જ્યાં જ્યાં જતી ત્યાં તે ત્રિદંડી સાધુઓના મોઢે સાંભળતી કે પૃથ્વી પર મિથિલાપતિ જ મોક્ષધર્મ પાળે છે. બીજાઓના મોઢે સાંભળેલી આ વાત સાચી છે કે નહીં તે જાણવા માટે રાજા જનકને મળવાનો નિર્ધાર તેણે કર્યો. પછી તેણે યોગબળ વડે પોતાનું જૂનું રૂપ ત્યજીને એક સુંદર રૂપ ધારણ કર્યું. તે કમલનયની શીઘ્રગતિવાળા અસ્ત્રની જેમ પળવારમાં વિદેહનગરી પહોંચી ગઈ. અનેક સમૃદ્ધ લોકોથી ઊભરાતી સુંદર મિથિલાનગરીમાં પહોંચીને તે સંન્યાસિની ભિક્ષા લેવા માટે મિથિલાપતિને મળી.

રાજા તેનું સુુકુમાર શરીર, તેનું સૌંદર્ય જોઈ અચરજ પામ્યા, ‘આ કોણ છે? કોની કન્યા છે? ક્યાંથી આવી છે’ એમ વિચારવા લાગ્યા.

પછી રાજાએ તેનું સ્વાગત કર્યું, બેસવા ઉત્તમ આસન આપ્યું, તેના પગ ધોવડાવી ઉત્તમ અન્નદાન કરી તેને સંતોષી. ભોજન મેળવીને સુલભા પ્રસન્ન થઈ, સૂત્રાર્થના જાણકાર ઋષિઓની વચ્ચે, મંત્રીઓથી ઘેરાયેલા રાજાને મોક્ષધર્મ વિશે પૂછવા લાગી. ‘મિથિલાપતિ મુક્ત છે કે નહીં?’ એ બાબતે શંકા કરી યોગશક્તિની જાણકાર સુલભાએ મોક્ષધર્મના વિષય બાબતે પૂછવાની ઇચ્છા કરીને સૂક્ષ્મ રીતે રાજાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. પોતાનાં નેત્રકિરણોથી રાજાનાં નેત્રકિરણોને વશ કર્યા, તેમના ચિત્તને વશ કર્યું. જનક રાજાએ પણ પોતાના વિજેતાપણા પર ગર્વ કરીને સુલભાના આશયને પરાજિત કરવાની ઇચ્છાથી તેનો અભિપ્રાય પોતાના અભિપ્રાય દ્વારા ગ્રહણ કર્યો, રાજાએ રાજચિહ્ન, છત્ર ત્યજ્યાં, સુલભાએ યતિચિહ્ન, ત્રિદંડ વગેરે ત્યજ્યાં. અને બંને વાતે વળગ્યા.

‘હે ભગવતી, તમને આ સંન્યાસદીક્ષા ક્યાંથી પ્રાપ્ત થઈ? તમે કોની કન્યા છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જશો? અવસ્થા પ્રમાણે શાસ્ત્રજ્ઞાન થતું નથી, જે સંપર્ક કર્યો છે તે બધાં વિશે વિશેષ જાણવા માગું છું. રાજા હોવા છતાં મેં બધાં રાજચિહ્ન બાજુ પર મૂક્યાં છે. હું તમને વિશેષ રૂપે જાણવા માંગું છું. મેં જેમની પાસેથી વૈશેષિક જ્ઞાન મેળવ્યું છે તે ગુરુનો પરિચય સાંભળો. પરાશરના સગોત્ર મહાત્મા વૃદ્ધ પંચશિખ મારા ગુરુ છે. હું તેમનો શિષ્ય. તેમની પાસેથી હું સાંખ્યજ્ઞાન, યોગવિદ્યા, રાજધર્મ શીખ્યો. આ ત્રણે પ્રકારના મોક્ષધર્મની પ્રાપ્તિ મને થઈ, આ વિશેના મારા બધા સંશયો નષ્ટ થઈ ગયા. આ ગુરુ અહીં ચાર મહિના રહ્યા હતા. તે સાંખ્યજ્ઞાની ગુુરુએ મને ત્રિવિધ મોક્ષધર્મનો હેતુ સમજાવ્યો પણ રાજ્ય ત્યજી દેવાની આજ્ઞા તેમણે મને આપી નહીં. એ ગુુરુનો ઉપદેશ ગ્રહીને રાગરહિત થઈને પરમ પદમાં વિલાસ કરતાં કરતાં ત્રણે પ્રકારની મોક્ષસંહિતાનું આચરણ કરું છું. મોક્ષસાધનનો મુખ્ય ઉપાય વૈરાગ્ય છે, જ્ઞાનના હેતુ માટે વૈરાગ્ય જન્મે છે અને વૈરાગ્યથી પુરુષ મુક્ત થાય છે. જ્ઞાન દ્વારા માનવી મુક્તિ માટે મથે છે, એ રીતે તેને આત્મજ્ઞાન મળે છે. આત્મજ્ઞાન જ માનવીને મોક્ષ અપાવે છે, એ જ રીતે મૃત્યુને જીતી શકે છે.

(આ વિશે વિસ્તૃત ચર્ચા જનક કરે છે અને પછી સુલભાને કહે છે)

‘તમારું રૂપ યોગાનુષ્ઠાન પ્રમાણે નથી, તમારામાં સુંદરતા, સુકુમારતા છે, યૌવન છે અને યોગપ્રભાવ તથા નિયમ છે. આ બધું પરસ્પરવિરુદ્ધ છે. તમે આ વિરુદ્ધ ધર્મનો આશરો લો છો એટલે મને શંકા થાય છે. તમારી દંડગ્રહણની ચેષ્ટા જ અર્થહીન છે, તે માટે શરીરને સૂકવી દેવું પડે છે, પરંતુ તમે એ નથી કરતાં. આ પુરુષ મુક્ત છે કે નહીં એવી શંકા કરીને તમે મને રૂપ વગેરેથી મોહ પમાડવા માગો છો, તમે મારા શરીરને વશ કરીને તેના પર બળાત્કારે અધિકાર જમાવ્યો છે. મારા શરીરમાં પ્રવેશ કરીને તમે વ્યભિચાર કર્યો. તમે બ્રાહ્મણી છો, હું ક્ષત્રિય છું. આપણો એકત્ર યોગ શક્ય નથી, તમે વર્ણસંકર ધર્મ ન પાળો. તમે મોક્ષધર્મમાં છો, હું ગૃહસ્થાશ્રમમાં છું. તમે મારી સગોત્રા છો કે નહીં તે હું નથી જાણતો. તમે મારા વિશે પણ કશું જાણતા નથી. જો તમે સગોત્રના શરીરમાં પ્રવેશ કર્યો તો તમે ત્રીજો ગોત્રસંકર દોષ કર્યો. જો તમારા પતિ જીવિત રહી ક્યાંક વસતા હોય તો તમે પરસ્ત્રી રૂપે મારે માટે અગમ્યા છો.’

જનક રાજાનાં આ બધાં વચન સાંભળતાં છતાં સુલભા સહેજેય વિચલિત ન થઈ. પછી તેણે નિર્ણય, પ્રયોજનની સ્પષ્ટતા કરી.

‘તમે મને પૂછ્યું — તું કોણ છે?’ આવું ન પૂછાય.

નેત્ર પોતાનું રૂપ જોઈ નથી શકતાં, કાન પોતાને ઓળખી શકતા નથી. ધૂળ અને પાણી એકબીજામાં ભળી જાય તો પણ એકબીજાને જાણી શકતાં નથી... ‘આ મને મળશે કે નહીં, તું કોણ, કોની, ક્યાંથી આવી’, આવા પ્રશ્નો પૂછવાનું પ્રયોજન શું?

સ્ત્રીના સહવાસ — વિહારકાળમાં રાજાની પરતંત્રતા હોય છે, મંત્રીસમાજમાં તેની સ્વતંત્રતા ક્યાં છે? ઘણી બાબતોમાં સલાહ આપનારા મંત્રીઓ સિંહાસન પર બેઠેલા રાજાને અવશ કરી દે છે. રાજાને સૂવું હોય તો પણ લોકો તેને સૂવા નહીં દે, કાર્યવશ ઊઠવું પડે છે. અહીં પણ તે સ્વતંત્ર નથી.

સ્ત્રીપુરુષના સહવાસની ચર્ચા સભામાં ન થાય. જેવી રીતે કમળપત્રનું જળ તેને ન સ્પર્શીને સ્થિર રહે છે એવી જ રીતે હું તમારો સ્પર્શ કર્યા વિના તમારામાં રહીશ. હું સ્પર્શ ન કરું અને છતાં જો તમને સ્પર્શજ્ઞાન થાય તો?

હું જન્મથી બ્રાહ્મણી નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. હું ક્ષત્રિયાણી છું, શુદ્ધ વર્ણમાં જન્મ લીધો છે. મારા ચરિત્રને અપવિત્ર નથી કર્યું. તમે પ્રધાન નામના રાજાનું નામ સાંભળ્યું હશે. હું તેમના વંશમાં જન્મી છું. મારું નામ સુલભા છે. મેં મહાવંશમાં જન્મ લીધો અને મને અનુરૂપ પતિ ન મળ્યો ત્યારે મોક્ષ ધર્મ અંગીકાર કરીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતી એકલી એકલી વિહરું છું. હું કપટી સંન્યાસિની, બીજાનું હરણ કરનારી, ધર્મસંકર કરનારી નથી. હું માત્ર નિજધર્મમાં લીન છું. મારી પ્રતિજ્ઞામાં અસ્થિર નથી. વિચાર્યા વિના કશું બોલતી નથી. હું માત્ર તમારા મોક્ષધર્મનો માર્ગ જાણવા આવી છું. હું તમારા શરીરમાં એક રાત્રિ વસીશ. તમે મને આસન આપ્યું, માનવાચક વાણી કહી, મારુું આતિથ્ય કરી, પૂજા કરી. એટલે હું તમારા શરીરરૂપી સુંદર ગૃહમાં શયન કરી આવતી કાલે જતી રહીશ.’

જનક રાજા આ બધાનો ઉત્તર આપી ન શકયા.


(શાન્તિ પર્વ, ૩૦૮)