ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ભંગાશ્વન રાજાની કથા


ભંગાશ્વન રાજાની કથા

ભૂતકાળમાં ભંગાશ્વન નામના એક ધાર્મિક રાજા થઈ ગયા. પુત્ર ન હોવાથી તેમણે એ માટે યજ્ઞ કર્યો. તે મહાબળવાન રાજર્ષિએ ઇન્દ્રના દ્વેષી અગ્નિષ્ટુ નામનો યજ્ઞ આરંભ્યો. પ્રાયશ્ચિત્ત કરવા માટે અને પુત્રપ્રાપ્તિ માટે અગ્નિષ્ટુ યજ્ઞ કરવામાં આવે છે. આવો યજ્ઞ થઈ રહ્યો છે તે જાણીને સુરેશ્વર ઇન્દ્ર તે રાજાનું કોઈ છિદ્ર શોધવા લાગ્યા. થોડા સમય પછી રાજા મૃગયા માટે વનમાં ગયા ત્યારે ઇન્દ્રે એ ઉત્તમ સમય છે એમ માનીને તેને મોહવશ કરી દીધો. ઇન્દ્ર દ્વારા મોહિત અને ભ્રાન્ત થઈને એકલા એકલા અશ્વની સહાયથી ભ્રમણ કરતાં કરતાં ભૂખતરસથી પીડાઈને રાજા દિશાઓ ભૂલી ગયા. પરિશ્રમ અને તરસથી વ્યાકુળ થઈને આમ તેમ ભમીભટકીને નિર્મળ જળવાળું એક સરોવર જોયું. તેમણે ઘોડાને નવડાવીધોવડાવી પાણી પીવડાવ્યું અને પાણી પીવડાવી એક વૃક્ષના થડે તેને બાંધ્યો પછી તે રાજા પોતે પાણીમાં ઊતર્યા અને તેમાં સ્નાન કરતાં વેંત રાજા નારીમાં ફેરવાઈ ગયા. પોતાને સ્ત્રીરૂપે જોઈ રાજાને શરમ આવી, મનમાં ચિંતા થઈ, રાજાની ઇન્દ્રિયો અને ચેતના વ્યાકુળ થઈ ગયાં. તે સ્ત્રીવેશે વિચારવા લાગ્યા, ‘હવે હું ઘોડા પર કેવી રીતે બેસીશ? નગરમાં કેવી રીતે જઈશ? અગ્નિષ્ટુ યજ્ઞ વડે મને સો ઔરસ, બળવાન પુત્રો થયા છે. હું તેમને શું કહીશ? પત્નીઓ, નગરવાસીઓને શું કહીશ? ધર્મજ્ઞ ઋષિઓ કહે છે કે મૃદુતા, કૃશતા અને વ્યાકુળતા સ્ત્રીઓના ગુણ છે અને વ્યાયામ, કઠોરતા, પરાક્રમ પુરુષોના ગુણો. અત્યારે મારું પૌરુષ નાશ પામ્યું છે અને કોઈક રીતે સ્ત્રીત્વ હું પામ્યો છું. સ્ત્રીત્વને કારણે હવે ઘોડા પર બેસવાનો ઉત્સાહ કેવી રીતે આવશે?’

આમ વિચારીને રાજા અત્યંત દુઃખી થઈ ઘોડા પર બેઠા અને સ્ત્રીરૂપે નગરમાં આવ્યા. તેમના પુત્રો, પત્નીઓ, સેવકો, પુરવાસી ‘આ શું થઈ ગયું?’ એમ વિચારી બહુ વિસ્મય પામ્યા.

ત્યાર પછી સ્ત્રીરૂપે બોલનારાઓમાં શ્રેષ્ઠ રાજર્ષિએ કહ્યું, ‘હું સેના લઈને મૃગયા માટે નીકળ્યો હતો. દૈવવશાત્ ભ્રાન્ત ચિત્તે એક ઘોર વનમાં પ્રવેશ્યો. તે ભયંકર વનમાં તરસે મારો જીવ જતો હતો, ત્યાં મેં પક્ષીઓથી છવાયેલું એક સરોવર જોયું. એમાં સ્નાન કરવાથી હું સ્ત્રી બની ગયો. આ બધું દૈવને કારણે થયું એમાં તો કોઈ સંશય નથી.’ તે રાજા પુત્ર, પત્નીઓ અને ધનસંપત્તિથી અતૃપ્ત રહ્યો. છેવટે સ્ત્રીરૂપ ધરાવતા તે શ્રેષ્ઠ રાજાએ પુત્રોને કહ્યું, ‘હે પુત્રો, તમે પરસ્પર પ્રીતિપૂર્વક રહીને રાજ્ય સંભાળો. હવે હું વનમાં જઉં છું.’

રાજા એમ કહી રાજ્ય પુત્રોને સોંપી વનમાં ગયા. વનમાં આવીને તે સ્ત્રી કોઈ તપસ્વીના આશ્રમમાં ગઈ અને એમની પાસે રહેવા લાગી. આશ્રમમાં તે તપસ્વીથી તેને સો પુત્રો થયા. તે પોતાના પુત્રોને સાથે લઈને આગલા પુત્રોની પાસે જઈને કહેવા લાગી, ‘તમે બધા હું પુરુષ હતો ત્યારના પુત્રો છો. આ હું સ્ત્રી થઈ તે વેળાના પુત્રો છે. તમે બધા એક સંપ થઈને ભ્રાતૃભાવથી આ રાજ્ય ભોગવો.’ ત્યારે તે બધા ભાઈ મળીને રાજ્ય ભોગવવા લાગ્યા.

દેવરાજ ઇન્દ્ર આ બધા પુત્રોને ભ્રાતૃભાવથી ઉત્તમ રાજ્ય ભોગવતા જોઈને ક્રોધે ભરાયા અને મનોમન વિચારવા લાગ્યા, મેં તો આ રાજર્ષિ ઉપર ઉપકાર કર્યો, એના પર અપકાર તો થયો જ નહીં. ત્યાર પછી દેવરાજ શતક્રતુ(ઇન્દ્ર)એ બ્રાહ્મણવેશે તે નગરમાં જઈ એ રાજકુમારો વચ્ચે કુસંપ કરાવ્યો.

તેમણે કહ્યું, ‘એક પિતાના પુત્રો વચ્ચે ભ્રાતૃપ્રેમ નથી રહેતો. દેવો અને દાનવો એક જ પિતા કશ્યપના પુત્રો છે, તો પણ તેઓ રાજ્ય માટે અંદરઅંદર ઝગડે છે. તમે ભંગાશ્વન રાજાના પુત્રો છો. અને આ બધા તપસ્વીપુત્રો છે. જો દેવ અને દાનવો એક જ ઋષિ કશ્યપના પુત્રો હોવા છતાં બંને વચ્ચે પ્રેમ નથી, તો આ તપસ્વીના પુત્રો તમારા પૈતૃક રાજ્ય ભોગવે છે એ આશ્ચર્ય છે.’ ઇન્દ્રે આ રીતે ફૂટ પડાવી. એટલે બધા જ રાજપુત્રો પરસ્પર યુદ્ધ કરીને નાશ પામ્યા. આ વાત જાણીને તપસ્વિની દુઃખી થઈને રડવા લાગી. ઇન્દ્ર બ્રાહ્મણવેશે તે તાપસી પાસે જઈને બોલ્યા, ‘હે સુંદરી, તું શા માટે સંતાપ કરે છે?’

તે સ્ત્રી બ્રાહ્મણને જોઈ કરુણ સ્વરે કહેવા લાગી, ‘હે બ્રહ્મન્, મારા બસો પુત્ર મૃત્યુ પામ્યા. હે વિપ્રવર, પહેલાં હું રાજા હતો, તે વેળા મને સો રૂપવાન અને વિક્રમી પુત્રો હતા. ત્યાર પછી મૃગયા નિમિત્તે હું વનમાં ગયો, ત્યાં ભ્રમિત થઈ ભટકવા લાગ્યો. હે દ્વિજોત્તમ, એ વનની વચ્ચે એક સરોવરમાં સ્નાન કરવાથી હું સ્ત્રી બની ગયો. પછી પુત્રોને રાજગાદી આપીને વનમાં જતો રહ્યો. સ્ત્રી રૂપે એક તપસ્વી દ્વારા મને સો પુત્રો થયા. હું તેમને નગરમાં લઈ ગઈ. હે દ્વિજ, કાળથી પ્રેરાઈને તેમની વચ્ચે વેર થયું અને પરસ્પર લડીને બધા નાશ પામ્યા. હું દૈવ દ્વારા પરાજિત થઈને અત્યારે શોક કરી રહી છું.’

ઇન્દ્રે તેને દુઃખી જોઈ કઠોર વચન કહ્યું, ‘હે ભદ્રા, જ્યારે તું રાજા હતો ત્યારે તેં મને બહુ દુઃખ પહોંચાડ્યું હતું. હું અધિષ્ઠિત હતો છતાં તે મારું આહ્વાન ન કર્યું અને અગ્નિષ્ટુ યજ્ઞ કર્યો. હે દુર્બુદ્વિ, હું ઇન્દ્ર છું. મેં જ તારા પર વેર વાળ્યું છે.’

તે સમયે સ્ત્રી વેશે રાજર્ષિ ઇન્દ્રને જોઈને તેમના ચરણે પડ્યા અને કહ્યું. ‘હે દેવશ્રેષ્ઠ, તમે પ્રસન્ન થાઓ. મેં પુત્રની ઇચ્છાથી તે યજ્ઞ કર્યો હતો. દેવેશ્વર, તમારે મને ક્ષમા આપવી જોઈએ.’

આ પ્રકારે પ્રણામ કરવાથી ઇન્દ્રે સંતુષ્ટ થઈ વરદાન આપવા કહ્યું, ‘હે રાજન, તમને પુરુષ રૂપે પુત્રો થયા અને સ્ત્રી રૂપે પુત્રો થયા. હવે એમાંથી હું કોને જીવતા કરું?’

તાપસીએ હાથ જોડીને કહ્યું, ‘હે શક્ર, સ્ત્રી રૂપે મને જે પુત્રો થયા તેને જીવાડો.’

ઇન્દ્ર વિસ્મય પામ્યા, પ્રસન્ન થઈને તેમણે તે સ્ત્રીને પૂછ્યું, ‘પુરુષ રૂપે થયેલા પુત્રો પર તને દ્વેષભાવ કેમ? અને સ્ત્રી રૂપે જે પુત્રો જન્મ્યા તેમના ઉપર વધુ સ્નેહ કેમ? હું તેનું કારણ જાણવા માગું છું. એટલે તું આ વિશે મને કહે.’

સ્ત્રીએ કહ્યું, ‘હે દેવરાજ, સ્ત્રી પુત્રોને વધુ ચાહે છે, પુરુષનું એવું નથી. એટલે સ્ત્રીરૂપે થયેલા પુત્રો જ જીવે.’

ઇન્દ્ર તાપસીનું આ વચન સાંભળી પ્રેમથી બોલ્યા, ‘હે સત્યવાદિની, તારા બધા જ પુત્રો જીવશે. હે વ્રતધારી રાજેન્દ્ર, તું ઇચ્છાનુસાર વરદાન માગ. પુરુષત્વ — સ્ત્રીત્વ જેની ઇચ્છા હોય તે માગ.’

સ્ત્રીએ કહ્યું, ‘હું સ્ત્રીત્વની ઇચ્છા રાખું છું.’

દેવરાજે આ વાત સાંભળી ફરીથી કહ્યું, ‘પુરુષત્વનો ત્યાગ કરીને સ્ત્રીત્વ શા માટે જોઈએ છે?’

સ્ત્રીરૂપ ધારી રાજાએ ઇન્દ્રનું વચન સાંભળીને કહ્યું, ‘હે દેવેન્દ્ર, પુરુષ સાથેના સમાગમથી સ્ત્રીને જ પુરુષ કરતાં વધારે વિષયસુખ મળે છે. એટલે હું સ્ત્રીત્વ પસંદ કરું છું. હે દેવરાજ, એ સત્ય છે કે સ્ત્રી રૂપે જ રતિસુખ વધારે મળે છે. એટલે હું સ્ત્રી રૂપે સુખી છું. હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.’

‘ભલે.’ એમ કહી ઇન્દ્ર તાપસીની વિદાય લઈને દેવલોકમાં ગયા.

(ગીતાપ્રેસ, અનુશાસન, ૧૨)