ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મહાપદ્મ નગરવાસી બ્રાહ્મણની કથા


મહાપદ્મ નગરવાસી બ્રાહ્મણની કથા

ગંગાનદીના જમણા કિનારે મહાપદ્મ નામના ઉત્તમ નગરમાં એકાગ્ર ચિત્તવાળો કોઈ બ્રાહ્મણ રહેતો હતો. સૌમ્ય સ્વભાવના એ બ્રાહ્મણનો જન્મ સોમકુળમાં થયો હતો, વેદ જાણીને સંશયનું છેદન કર્યું હતું; તે ધર્મરત, ક્રોધ જીતનારો, નિત્યતૃપ્ત અને જિતેન્દ્રિય હતો. તે અહિંસાવ્રતી, સત્યવાદી, સજ્જનસંમત હતો. ન્યાયથી મળેલા ધનવાળો અને બ્રાહ્મણોચિત શીલવાળો હતો. તે સગાસંબંધીઓથી વીંટળાયેલો, મિત્ર સ્ત્રી પુત્રવાળો ઉત્તમ વિખ્યાત કુળમાં વિશિષ્ટ વૃત્તિ રાખીને નિવાસ કરતો હતો. પોતાના અનેક પુત્રો જોઈને મહાન કર્મમાં લાગી ગયો અને કુલધર્મના આશ્રયે ધર્માચરણ કરવામાં જ મન પરોવ્યું. ત્યાર પછી વેદોક્ત ધર્મ, શાસ્ત્રોક્ત ધર્મ અને શિષ્ટો દ્વારા આચરવામાં આવતો ધર્મ — આ ત્રિવિધ ધર્મનું ચિંતન કરવા લાગ્યો. શું કરવાથી મારું શુભ થાય, મારું કર્તવ્ય કયું અને કયો ધર્મ મારું પરમ અવલંબન છે? આમ વિચારીને તે ખિન્ન થયો અને કશો નિશ્ચય કરી ન શક્યો. તે પરમ ધર્મનો આધાર લઈ કલેશ કરી રહ્યો હતો ત્યારે એક અતિથિ બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે એ અતિથિનો સત્કાર કર્યો, અતિથિ સુખપૂર્વક બેઠો પછી તે અતિથિને પૂછવા લાગ્યો,

‘હે અનઘ, તમારા વાક્માધુર્યથી હું સ્નેહબદ્ધ થયો છું, તમારી ઉપર મારો મિત્રભાવ છે, હું જે કહું છું તે સાંભળો. પુત્રોને જન્મ આપ્યા સુધી મેં ગૃહસ્થધર્મ પાળ્યો છે, હવે હું કયો પરમ ધર્મ સ્વીકારું? કયા માર્ગને અનુસરું? આત્માનો આશ્રય લઈને આત્મજ્ઞાન માટે એકાંતમાં જ નિવાસ કરવાની મારી ઇચ્છા છે. પણ કોઇ કાર્ય કરવાની ઇચ્છા કે અભિલાષા કરતો નથી. મારું આયુષ્ય પુત્રથી ફળ પામવાની ઇચ્છામાં વીત્યું, હવે હું પારલૌકિક પાથેય ગ્રહણ કરવા માગું છું. આ સંસાર પાર જવાની અભીપ્સા (ઇચ્છા) થઈ છે કે સંસાર તરી જવા હું ધર્મમયી નૌકા ક્યાંથી લાવીશ? સાત્ત્વિક લોકોને પણ મેં સંસારની માયામાં ફસાયેલા જોયા છે, પ્રજાસમૂહ ઉપર યમરાજની કેતુ માલાઓ લહેરાતી જોઈ છે. મારું મન ભોગકાળમાં પ્રાપ્ત વિષયભોગમાં અનુરક્ત નથી, પરિવ્રાજકો બીજાને ત્યાં ભીખ માગે છે તે જોઈને યતિધર્મમાં પણ મન ચોંટતું નથી. એટલે હે અતિથિ, તમે બુદ્ધિબળનો આશ્રય લઈને ધર્મતત્ત્વ વડે મને ધર્મમાં સ્થાપો.’

બુદ્ધિમાન અતિથિ ધર્માભિલાષી બ્રાહ્મણની વાત સાંભળી મધુર વાણીમાં કહેવા લાગ્યો, ‘હું પણ આ વિષયમાં મોહ પામી રહ્યો છું, મારો મનોરથ પણ આવો જ છે. બહુ દ્વારવાળા સાધનવાળા સ્વર્ગની પ્રાપ્તિ માટે હું બહુ વિચાર કરી શક્યો નથી. કેટલાક દ્વિજ મોક્ષને શ્રેષ્ઠ કહે છે, કેટલાક યજ્ઞફળને શ્રેષ્ઠ કહે છે, કેટલાક વાનપ્રસ્થ આશ્રમમાં જીવે છે તો કેટલાક ગૃહસ્થાશ્રમના આશ્રયે જીવે છે. કોઈએ રાજધર્મ શોધ્યો છે. કોઈ આત્મ ફળનો આશ્રય લે છે. કોઈ કોઈ ગુરુસેવા કરે છે, કેટલાક મૌનવ્રતને શ્રેષ્ઠ માને છે, કેટલાક માતાપિતાની સેવા કરીને સ્વર્ગે ગયા છે, કોઈ અહિંસા દ્વારા અને સત્ય વચન દ્વારા સ્વર્ગ પામ્યા છે. કોઈ પુરુષ યુદ્ધમાં શત્રુ સાથે લડતાં મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા છે. કેટલાક ઉચ્છવૃત્તિનો આશ્રય લઈ સ્વર્ગવાસી થયા છે. કોઈ કોઈ બુદ્ધિમાન પુરુષ વેદવ્રતપરાયણ, સ્વાધ્યાય અનુરક્ત, પ્રસન્નચિત્ત અને જિતેન્દ્રિય થઈને સ્વર્ગમાં જઈ સુખભોગ કરે છે. કેટલાક માત્ર સરળ હોવાથી સ્વર્ગે ગયા, કેટલાક સરળ સ્વભાવવાળા કુટિલો દ્વારા મૃત્યુ પામીને શુદ્ધ ચિત્તવાળા થઈ સ્વર્ગે ગયા, જેવી રીતે વાયુને કારણે વાદળ આઘાંપાછાં થઈ જાય છે તેવી રીતે અનેક અનાવૃત ધર્મો દ્વારા આપણી બુદ્ધિ પણ ભ્રાન્તિયુક્ત થઈ ગઈ છે.’

અતિથિએ કહ્યું, ‘હે વિપ્ર, મારા ગુરુએ આપેલા ઉપદેશ પ્રમાણે હું યથાતથ કહું છું, તે તમે સાંભળો.’

પહેલા સર્ગમાં જ્યાં ધર્મચક્ર પ્રવર્ત્યું હતું ત્યાં નૈમિષ તીર્થમાં ગોમતીના કાંઠે નાગપુર નામનું નગર હતું. ત્યાં દેવતાઓએ યજ્ઞ કર્યો હતો. ત્યાં યજ્ઞ કરીને રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા ઇન્દ્રને પણ અતિક્રમી ગયા હતા. ત્યાં પદ્મનાભ નામનો વિખ્યાત ચક્ષુ:શ્રવા મહાનાગ વસતો હતો. તે ત્રણ માર્ગમાં સ્થિત રહીને મન, વચન અને કર્મ વડે પ્રાણીઓને પ્રસન્ન કરતો હતો. સામ, દામ, દંડ, ભેદની સહાયથી વિષમ માર્ગે જઈ ચઢેલાને રસ્તે લાવતો હતો અને સ્વયં નેત્રાદિ ઇન્દ્રિયોને ધ્યાન વડે રક્ષતો હતો. તમે તેની નજીક જઈને વિધિપૂર્વક મનોવાંછિત વિષય અંગે પૂછી શકો, તે તમને પરમ ધર્મ બતાવશે, મિથ્યા ધર્મનું પ્રદર્શન નહીં કરે. તે નાગ બધાનું આતિથ્ય કરે છે, તે બુદ્ધિમાન છે, શાસ્ત્રજ્ઞ છે, ઉત્તમ ગુણવાળો અને ઇચ્છવાયોગ્ય ઘણા બધા ગુણોવાળો છે. તે પ્રકૃતિથી જળ સમાન નિર્મળ છે, સદા અધ્યયનમાં રત રહે છે; તપસ્યા, ઇન્દ્રિયનિગ્રહ અને અતિ ઉત્તમ ચરિત્રવાળો છે. તે યજ્ઞ કરનારો, દાનેશ્વરી, ક્ષમાવાન, સચ્ચરિત્ર, સત્યવાદી, અસૂયા વગરનો, શીલવાન અને સંયતેન્દ્રિય છે. યજ્ઞમાંથી બચેલા અન્નનું ભોજન કરનારો, અનુકૂળ વાત કરનારો, હિતૈષી, વિનયી, શ્રેષ્ઠ વિષયોમાં કૃતાર્થ, કૃતજ્ઞ, શત્રુહીન, પ્રાણીઓના હિતમાં નિયુક્ત ગંગાના જળ સ્વરૂપ પવિત્ર અને ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયો છે.’

બ્રાહ્મણે કહ્યું, ‘મારા ઉપર ભારે બોજ હતો, આજે તે તમે ઉતારી દીધો. મેં તમારી વાત સાંભળી તે આનંદદાયક છે. માર્ગમાં ચાલીને થાકેલાને પથારી, સ્થાનરહિતને બેસવા આશ્રય, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન મળવાથી જેવો સંતોષ થાય તેવો તમારી વાત સાંભળીને થયો છે. અતિથિને સમય પર ઇચ્છિત અન્ન, સમય પર અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં મનને શાંતિ, વૃદ્ધને પુત્રલાભ, મનોમન વિચારેલા પ્રીતિયુક્ત પુરુષનું દર્શન આ બધાંની જેમ તમારાં મોઢે સાંભળેલાં આ વચન મને આનંદ આપે છે. પ્રજ્ઞાવચનના હેતુથી તમે ઉપદેશ આપીને મને નેત્રદાન કર્યું છે, એ સાંભળીને હું આકાશ સામે જોઉં છું અને કર્તવ્યનો વિચાર કરું છું, તમે જે કહ્યું છે તે પ્રમાણે હું અવશ્ય કરીશ. હે સાધુ, તમે આ રાત મારી સાથે ગાળો, સવારે સુખેથી ઊઠીને આશ્વસ્ત થઈ જ્યાં જવું હોય ત્યાં જજો. અત્યારે ભગવાન સૂર્ય ઝાંખા થયા છે અને અસ્ત પામી રહ્યા છે.’

ત્યાર પછી તે અતિથિએ બ્રાહ્મણે કરેલા અતિથિસત્કાર પછી ત્યાં જ રાત્રિ વીતાવી. બંને વચ્ચે મોક્ષધર્મ વિશે વાર્તાલાપ કરીને રાત્રિ દિવસની જેમ વીતાવી. સવારે તે અતિથિ પોતાના કાર્યસિદ્ધિની અભિલાષા રાખતા બ્રાહ્મણ દ્વારા તેની શક્તિ પ્રમાણે પૂજિત થઈને ચાલ્યો ગયો. તે ધર્મિષ્ઠ બ્રાહ્મણ કર્તવ્યકાર્યનો નિશ્ચય કરી સ્વજનોની અનુમતિ લઈને અતિથિએ સૂચવ્યા પ્રમાણે તે ભુજગેન્દ્રના સ્થળે જવા નીકળ્યો.

તે બ્રાહ્મણ વિચિત્ર વન, તીર્થ અને સમસ્ત સરોવરો વટાવતો કોઈ મુનિ પાસે જઈ ચઢ્યો. બ્રાહ્મણે અતિથિના કહેવા પ્રમાણે મુનિને નાગેન્દ્ર વિશે પૂછ્યું અને ત્યાંથી નાગ વિશે જાણીને ફરી આગળ જવા નીકળ્યો. તે બ્રાહ્મણ નાગના સ્થાને જઈ ‘ભો:’ શબ્દ ઉચ્ચારીને બોલ્યો, ‘હું આવ્યો છું.’ પતિવ્રતા, ધર્મવત્સલ, રૂપવાન નાગપત્નીએ તેનું વચન સાંભળી તેને દર્શન આપ્યું. ધર્મપરાયણ નાગપત્નીએ ત્યાં આવેલા બ્રાહ્મણની વિધિપૂર્વક પૂજા કરી અને સ્વાગત કર્યું અને પછી કહ્યું, ‘બોલો વિપ્ર, શું કરું?’

બ્રાહ્મણે કહ્યું, ‘હું તમારાં ઉત્તમ, મધુર, પવિત્ર વચન સાંભળીને વિશ્રામ પામ્યો છું, સત્કૃત થયો છું. અત્યારે ઉત્તમ નાગેન્દ્રનાં મારે દર્શન કરવાં છે. તેમનું દર્શન એ જ મારું પરમ કાર્ય છે, મારી એ જ ઇચ્છા છે. એટલે જ હું અહીં આવ્યો છું.’

નાગપત્નીએ કહ્યું, ‘હે આર્ય, હે વિપ્ર, મારા પતિ એક મહિના માટે સૂર્યના રથ ખેંચવા ગયા છે, પંદરેક દિવસ પછી તમે તેમનું દર્શન કરી શકશો. મારા પતિના ગમનનું કારણ તો તમે જાણ્યું. તમારું જે કાર્ય હોય તે કહો.’

બ્રાહ્મણે કહ્યું, ‘હે દેવી, હું નાગરાજના દર્શન માટે નિશ્ચય કરીને અહીં આવ્યો છું, એટલે તેમની પ્રતીક્ષા કરતો આ મહાવનમાં રહીશ. તેઓ આવે ત્યારે તમે અવ્યગ્રભાવે મારા આવવાના સમાચાર આપશો, પછી તેઓ મને દર્શન આપે એવી વિનંતી કરજો. હું ત્યાં સુધી રાહ જોઈશ, પરિમિત આહાર લઈ ગોમતી નદીના કાંઠે રહીશ.’ ત્યાર પછી તે બ્રાહ્મણ વારે વારે નાગપત્નીને આમ કહી ગોમતી નદીના કાંઠે જતો રહ્યો.

તે તપસ્વી બ્રાહ્મણ નિરાહાર નિવાસ કરતો હતો એટલે ભુજંગવૃંદ દુઃખી થયું. નાગરાજના ભાઈ, પુત્ર, ભાર્યા એકઠા થઈને તે બ્રાહ્મણ પાસે જઈને તેની પૂજા કરીને અસંદિગ્ધ રીતે બોલ્યા, ‘હે ધર્મવત્સલ તપોધન, તમને અહીં આવ્યાને છ દિવસ થઈ ગયા. પરંતુ ભોજન વિશે કશું કહ્યું નથી. તમે અતિથિરૂપે અહીં છો, અને અમે તમારી સેવામાં ઉપસ્થિત છીએ. અતિથિસત્કાર અમારું કર્તવ્ય છે, કારણ કે અમે બધા જ નાગેન્દ્રનાં કુટુંબીજનો છીએ. હે બ્રાહ્મણશ્રેષ્ઠ, આહારના હેતુથી ફળ, મૂળ, પર્ણ, દૂધ કે અન્ન લેવાં જોઈએ. તમે આહારનો ત્યાગ કર્યો અને આ વનમાં વસો છો એટલે અમારા ધર્મમાં વિક્ષેપ પડે છે. અમારા વંશમાં કોઇ ભ્રૂણહત્યા કરનાર, અહિત કરનાર રાજા, મિથ્યાભાષી નથી. દેવતાઓ, અતિથિઓ અને બાંધવો ભૂખ્યા હોય તો કોઈ પોતાનું ભોજન કરી લેતું નથી.’

બ્રાહ્મણે કહ્યું, ‘તમારો ઉપદેશ એ જ મારો આહાર થયો. નાગરાજને આવવામાં હવે આઠ રાત્રિ જ બાકી છે. જો આઠ રાત પછી તેઓ નહીં આવે તો હું ભોજન કરીશ, આ જ નિમિત્તે મેં વ્રત લીધું છે. તમે સંતાપ ન કરો, જ્યાંથી આવ્યા છો ત્યાં જાઓ, મેં જે વ્રત લીધું છે તેનો ભંગ કરવો તમારા માટે યોગ્ય નથી.’ ભુજંગવૃંદ બ્રાહ્મણ દ્વારા અનુજ્ઞાત થઈ અને અકૃતાર્થ થઈ જતું રહ્યું.

ત્યાર પછી ઘણા દિવસનો સમય પૂરો થવાથી નાગદેવતા કૃતાર્થ થઈને સૂર્યની આજ્ઞા મેળવી પોતાના સ્થાને આવ્યા. તેમની પત્ની પગ ધોવા પાણી, પાદ્ય આદિ લઈને તેમની પાસે આવી, ત્યારે તેમણે સાધ્વીને પૂછ્યું,

‘હે કલ્યાણી, મેં જે વિધિ બતાવી હતી તે વડે તું મારા જેવા દેવતા અને અતિથિઓના પૂજનમાં તત્પર તો રહી હતી ને? હે સુશ્રોણી, સ્ત્રીબુદ્ધિને કારણે મારા વિયોગમાં અકૃતાર્થ ધર્મથી મુક્ત થઈને પૂજનકાર્યમાં શિથિલતા તો નથી કરી ને?’

નાગપત્નીએ ઉત્તર આપ્યો, ‘શિષ્યોએ ગુરુસેવા, બ્રાહ્મણોએ વેદાધ્યયન, સેવકોએ સ્વામીની આજ્ઞાનું પાલન અને રાજાએ પ્રજાપાલન કરવું એ ધર્મ છે. બધાં પ્રાણીઓનું રક્ષણ કરવું એને જ આ લોકમાં ક્ષત્રિયધર્મ કહ્યો છે. આતિથ્યયુક્ત યજ્ઞકાર્ય કરવું તે વૈશ્યોનો ધર્મ છે. વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણે વર્ણની સેવા કરવી એ શૂદ્રનો ધર્મ છે. હે નાગેન્દ્ર, બધાં પ્રાણીઓના હિતની ઇચ્છા કરવી તે ગૃહસ્થનો ધર્મ છે. નિયતાહાર અને નિત્ય વ્રતચર્યા એ બધાનો ધર્મ છે. ઇન્દ્રિયોના ધર્મ સંબંધથી વિશેષ પ્રકારનો ધર્મ હોય છે. હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, અમારું કોણ છે? — મોક્ષ-આશ્રમમાં આ પ્રકારના જ્ઞાનનું પ્રયોજન હોય છે. હે નાગરાજ, ભાર્યાનું પતિવ્રતાપણું એ જ પરમ ધર્મ છે. તમારા ઉપદેશ પ્રમાણે હું એને યથાર્થ રૂપથી જાણું છું, એટલે ધર્મરત થયેલી તમારા આશ્રયે કે ધર્મ જાણીને હું સતપથ છોડી વિષમ પથમાં પગ કેવી રીતે મૂકી શકું? હે મહાભાગ, દેવતાઓ વિશે ધર્મ પરિત્યક્ત નથી થયો અને અતિથિસત્કારમાં હું આળસરહિત થઈ સદા નિયુક્ત રહું છું. આજે પંદરેક દિવસથી અહીં એક બ્રાહ્મણ આવ્યા છે. તેમણે મને પોતાનું પ્રયોજન કહ્યું નથી, તે માત્ર તમારા દર્શનની ઇચ્છા રાખે છે. તે કઠોરવ્રતી બ્રાહ્મણ ગોમતી કિનારે બ્રહ્મપારાયણ કરતા તમારા દર્શને બેઠા છે. હે નાગેન્દ્ર, તે મહાભાગ બ્રાહ્મણે મારી પાસે પ્રતિજ્ઞા કરાવી હતી કે નાગરાજ આવે એટલે મારી પાસે મોકલજો એટલે આ સાંભળીને તમારે તે સ્થળે જવું જોઈએ. તે બ્રાહ્મણને દર્શન આપવા તમારું કાર્ય છે.’

નાગે પૂછ્યું, ‘હે શુચિસ્મિતા, તેં બ્રાહ્મણ રૂપે જેમને જોયા છે તે કોણ છે? મનુષ્ય છે કે દેવતા? હે યશસ્વિની, મનુષ્ય થઈને કોણ મને જોઈ શકશે? અને દર્શન માટે અભિલાષી થઈને કોઈ આવું આજ્ઞાપૂર્વકનું વચન બોલી શકે છે? હે ભામિની, દેવતા, અસુરો અને મહર્ષિઓમાં સુરભિગંધવાહક બળવાન નાગગણ જ મહાવીર્યશાળી અને મહાવેગવાન હોય છે. તે સૌને વંદનીય છે, પોતાના સેવકોને માટે વરદ છે, હું પણ તેમનો અનુયાયી છું, શ્રુતિ કહે છે કે મનુષ્યોના ધનાધ્યક્ષ આપણે છીએ.’

નાગપત્નીએ કહ્યું, ‘હે નાગરાજ, તેમના રૂપ અને સરળતાથી ખ્યાલ આવે છે કે તે દેવતા નથી. તમારા તો તે ભક્ત છે અને અત્યંત પવિત્ર સ્વભાવવાળા બ્રાહ્મણ છે. જળની ઇચ્છા કરવાવાળા ચાતકની જેમ કાર્યાન્તરના આકાંક્ષી છે. જેવી રીતે વર્ષાપ્રિય ચાતક વર્ષાની ઇચ્છા કરે તેમ તે તમારા દર્શનની આકાંક્ષા કરે છે. તમે તે દેવતા પ્રત્યે કોઈ વિઘ્ન ઊભું ન કરતા. સમાન વંશમાં ઉત્પન્ન થઈ કોઈ અતિથિની ઉપેક્ષા કરી શકતા નથી. એટલે સહજ રોષ ત્યજીને તેને દર્શન આપવાં એ તમારે માટે ઉચિત છે. તેનો આશાભંગ કરી અત્યારે આત્માને દગ્ધ કરવો યોગ્ય નથી. જે લોકો આશા રાખીને નિકટ આવ્યા છે તેમનાં આંસુ ન લૂછનાર રાજા હોય કે રાજપુત્ર હોય, તે ભ્રૂણહત્યાના પાપમાં પડવાનો. મૌન વડે જ્ઞાનફળની પ્રાપ્તિ થાય છે, દાનના આશ્રયથી મહત્ યશ અને સત્ય વચન દ્વારા આ લોકમાં વાગ્મિતા લાભીને મનુષ્ય પરલોકમાં પૂજાય છે. ભૂમિદાન કરવાથી આશ્રમવાસી ઋષિઓનો મળવા જેવું સ્થાન મળે છે. નષ્ટના ઉપાર્જનથી અવશ્ય ફળભોગ પ્રાપ્ત થાય છે. અભિપ્રેત, અસંક્લિષ્ટ, આત્મહિતકર કર્મ કરવાથી કોઈ નરકમાં પડતું નથી. ધર્મવિદ મહાત્મા આવું જ વચન કહેશે.’

નાગે કહ્યું, ‘હે પતિવ્રતા, મારામાં અભિમાન કે અહંકાર નથી. જાતિદોષથી પહેલાં હું અહંકારથી પ્રમત્ત હતો. પરંતુ મારો આ સંકલ્પજનિત રોષ અત્યારે તારા વાચા-અગ્નિથી બળી ગયો. હે સાધ્વી, મોહિત કરતો બીજો કોઈ દોષ રોષથી અધિક નથી, અને ક્રોધને કારણે તો ભુજંગો નિંદાપાત્ર ગણાય છે. શક્રનો પ્રતિસ્પર્ધી પ્રતાપી દશગ્રીવ (રાવણ) ક્રોધવશ થયો અને યુદ્ધમાં રામચંદ્રના હાથે મૃત્યુ પામ્યો. હોમધેનુના વાછરડાંનું અપહરણ પરશુરામ કરી ગયા એ સાંભળી ક્રૂર અને ક્રોધી કાર્ત્તવીર્યના પુત્રો મૃત્યુ પામ્યા હતા. તારાં આ વચન સાંભળીને તપસ્યામાં વિઘ્નકારી, કલ્યાણકારી કાર્યોમાં બાધક એવા ક્રોધનો નિગ્રહ કર્યો. હે વિશાલનયના, તું મારી કદી વિખૂટી ન પડનારી અને ગુણશાળી ભાર્યા છે, હું મારા અને મારા સૌભાગ્યની પ્રશંસા વિશેષ રૂપે કરું છું. હવે જ્યાં બ્રાહ્મણ છે ત્યાં જઉં છું. તે જે કહેશે તે કરીશ. તે અતિથિ નિ:સંદેહ કૃતાર્થ થઈને વિદાય લેશે.’

નાગરાજ મનોમન તે બ્રાહ્મણના કાર્યની ચિંતા કરી, તેના પર વિચાર કરીને તેમની પાસે ગયા. સ્વભાવથી જ ધર્મવત્સલ તે બુદ્ધિવાન નાગરાજ બ્રાહ્મણની પાસે જઈને બોલ્યા,

‘હે બ્રહ્મન્, મને ક્ષમા કરો, તમને પૂછું છું, તમે ક્રોધ ન કરતા. તમે અહીં શા નિમિત્તે આવ્યા છો? શું પ્રયોજન છે? તમારી સામે આવીને સ્નેહપૂર્વક પૂછું છું, તમે આ ગોમતીના નિર્જન તટ પર કોની ઉપાસના કરો છો?’

બ્રાહ્મણે કહ્યું, ‘મારું નામ ધર્મારણ્ય છે. પદ્મનાભ નાગરાજના દર્શન કરવા અહીં આવ્યો છું. મેં તેમના સ્વજનો પાસેથી જાણ્યું કે તેઓ અહીં નથી. આટલી વાત જાણીને હું તેમની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેવી રીતે ખેડૂત વર્ષાની રાહ જુએ તેવી રીતે. હું યોગમુક્ત અને નિરોગી રહીને તે નાગરાજ અક્લેશ અને કલ્યાણકારી રહે તે માટે વેદપાઠ કરું છું.’

નાગે કહ્યું, ‘અહો તમે ચરિત્રશાળી, સજ્જન છો. હે મહાભાગ, તમારા ચરિત્રની કથા તો શું કહું? તમે મારા પર અત્યંત સ્નેહદૃષ્ટિ રાખો છો. હે વિપ્રર્ષિ, હું એ જ નાગ છું, તમે જેવા મને જાણો છો તેવો જ હું છું, તમે ઇચ્છા પ્રમાણે આજ્ઞા કરો, હું તમારું પ્રિય કાર્ય શું કરું? સ્વજનોના મોઢે તમારા આગમનના સમાચાર સાંભળ્યા, એટલે હું તમને જોવા માટે અહીં આવ્યો છું. હે દ્વિજશ્રેષ્ઠ, તમે અહીંથી આજે કૃતાર્થ થઈને જશો. તમે વિશ્વાસ રાખીને મને તમારી અભિલાષા જણાવો. તમે વિશેષ ગુણ વડે અમને બધાને ખરીદી લીધા છે. કારણ કે તમે તમારું હિત ત્યજીને મારા નિમિત્તે અનુધ્યાયી થયા છો.’

બ્રાહ્મણે કહ્યું, ‘હે મહાભાગ ભુજંગ, તમારા દર્શનાર્થે હું અહીં આવ્યો છું. હું અર્થ-અનભિજ્ઞ છું એટલે તમને કશું પૂછવાની ઇચ્છા કરું છું. હું આત્માનાં વિશ્રામસ્થાનનું અન્વેષણ કરતા આત્મસ્થ થયો અને મહાપ્રાજ્ઞ આત્માની ઉપાસના કરું છું. તમે ચંદ્રકિરણ સદૃશ સુખકર હૃદયકારી આત્મપ્રકાશિત નિજગુણોથી વિખ્યાત છો. હે નાગરાજ, મારા મનમાં જે પ્રશ્ન થયો છે તેનો ઉત્તર આપી આ સંદેહ દૂર કરો, પછી હું પ્રયોજનનો વિષય કહીશ તે તમે સાંભળજો. તમે પર્યાયક્રમથી સૂર્યદેવનો એકચક્ર રથ ખેંચવા જાઓ છો, ત્યાં તમને કશું આશ્ચર્યજનક દેખાયું હોય તો કહો -’

નાગે કહ્યું, ‘જેવી રીતે પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર બેસે છે એવી જ રીતે સૂર્યનાં સહ કિરણોના આધારે દેવતાઓ સમેત સિદ્ધ અને મુનિજનો વસે છે. સૂર્યકિરણના આધારે મહાન વાયુ આકાશમાં વાય છે ત્યાં આનાથી વધારે આશ્ચર્ય બીજું તો શું? આ સૂર્યનું જ સ્વરૂપ શુક નામનો શ્યામ મેઘ છે, તે આકાશમાં વર્ષાકાળે જળ વરસાવે છે, તેનાથી વિશેષ અચરજ શું? આઠ મહિના સુધી સૂર્ય પોતાના કિરણોથી આકર્ષિત કરી કાળક્રમે જળ વરસાવે છે તેનાથી વધારે આશ્ચર્ય કયું? જેના તેજોવિશેષમાં નિત્ય આત્મા પ્રતિષ્ઠિત છે, જેનાથી આ સચરાચરવાળી પૃથ્વીએ બીજ ધારણ કર્યાં છે. જેમાં મહાબાહુ, શાશ્વત, અક્ષર, અનાદિનિધન પરમ દેવ બિરાજે છે એનાથી વધારે મોટું આશ્ચર્ય કયું છે? નિર્મળ આકાશમાં અંબરમણિની મદદથી મેં જે આશ્ચર્યોનું આશ્ચર્ય જોયું છે તે સાંભળો. ભૂતકાળમાં સૂર્ય મધ્યાહ્નકાળે બધા લોકોને તપાવી રહ્યા હતા ત્યારે સૂર્ય જેવો જ એક તેજસ્વી પુરુષ દેખાયો. તે સર્વ બાજુથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તે પોતાના તેજ અને કાન્તિ વડે બધા લોકોને પ્રકાશિત કરી આદિત્યમંડળની પાસે આવવા લાગ્યા. જે અગ્નિમાં આહુતિ અપાઈ હોય એવા અગ્નિજ્યોતિને પોતાના તેજપુંજ અને કિરણો દ્વારા આવરીને તે અનિર્દેશ્ય રૂપે બીજા સૂર્યના જેવા આવીને ઊભા રહ્યા. તેમનું આગમન થયું એટલે વિવસ્વાને તેમને મળવા માટે પોતાનો હાથ લંબાવ્યો, તેમણે પણ પૂજા કરવા માટે પોતાનો જમણો હાથ લંબાવ્યો. ત્યાર પછી તે આકાશને ભેદીને રવિમંડળમાં પ્રવેશ્યા, તે તેજ આદિત્યમાં મળી ગયું અને ક્ષણેકમાં એકત્રિત થયું. તે વેળા બંનેનાં તેજ એકત્રિત થયાં એટલે અમને સંદેહ થયો કે રથમાં બેઠેલા અને આગંતુક — બેમાં સૂર્ય કોણ? જ્યારે અમને સંદેહ થયો ત્યારે અમે સૂર્યને પૂછ્યું, આકાશને આક્રમકતા આ બીજા સૂર્ય જેવા આવી ચઢેલા કોણ છે?’

સૂર્યે કહ્યું, ‘આ વાયુના મિત્ર અગ્નિ કે અસુર કે પન્નગ નથી. આ મુનિ ઉચ્છવૃત્તિ વ્રત વડે સિદ્ધ થઈ સ્વર્ગમાં આવ્યા છે. આ ફલમૂળ આહારી તથા સૂકાં પર્ણ ખાનારા અને છેવટે જળ, વાયુનું પાન કરી જીવન ધારણ કરનારા સમાધિમાં નિષ્ઠાવાન બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણે વેદપાઠ વડે ભગવાન ઋગ્વેદની બધી રીતે સ્તુતિ કરી હતી, એના વડે જ સ્વર્ગદ્વાર ઉઘાડી અહીં પધાર્યા છે. હે નાગરાજ, તેમને કોઈ વિષયમાં આસક્તિ ન હતી, તેઓ સદા ઉચ્છવૃત્તિ અને શિલાચાર વૃત્તિ વડે જીવિકા ચલાવતા હતા, તે બ્રાહ્મણ બધાં પ્રાણીઓના હિતકર કાર્યોમાં રત હતા. ઉત્તમ ગતિ મેળવનારાં પ્રાણીઓ પર દેવતા, ગંધર્વ, અસુર, પન્નગ — પ્રભુત્વ સ્થાપી શકતા નથી.’

નાગે કહ્યું, ‘હે દ્વિજ, તે સૂર્યમંડળમાં મેં આવું આશ્ચર્ય જોયું હતું. હે બ્રાહ્મણ, ઉચ્છવૃત્તિથી સિદ્ધ થયેલો મનુષ્ય ઇચ્છાનુસાર પૂરી રીતે સિદ્ધ થઈ તે સિદ્ધસ્થાનમાં જાય છે, સૂર્ય સહિત પૃથ્વીનું પરિભ્રમણ કરવામાં સમર્થ થાય છે.’

બ્રાહ્મણે કહ્યું, ‘હે ભુજગ, આ આશ્ચર્ય છે એમાં સંદેહ નથી. તમે યથાર્થ કથા કહીને મને માર્ગ દેખાડ્યો છે, એટલે હું પ્રસન્ન થયો છું. હે ભુજગશ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાઓ. હવે હું જઉં છું. સંપ્રેષણ-નિયોજન વડે હું તમારો સ્મરણીય થયો.’

નાગે કહ્યું, ‘હે દ્વિજ, તમે તમારા હૃદયની વાત કર્યા વિના ક્યાં જાઓ છો? જેને માટે તમે અહીં આવ્યા છો તે કાર્ય કહો. હે દ્વિજ, તમે કહો ન કહો, મારાથી જ્યારે તમારું કાર્ય પૂરું થશે ત્યારે મને પૂછી, મારી અનુમતિ અનુસાર, તમારા ઇચ્છિત સ્થાને જવા સમર્થ થશો. હે વિપ્રર્ષિ, તમે પ્રણયવાન થઈને આ સ્થળે મને એકલો જોઈ વૃક્ષમૂળમાં સમાગતની જેમ ત્યજીને જતા રહો એ તમારા માટે યોગ્ય નથી. હે વિપ્રવર, હું તમારો ભક્ત છું, તમે પણ મારામાં નિ:સંશય અનુરક્ત છો. આ બધા લોક તમારા અનુગત છે. એટલે મારા જેવો મિત્ર હોય પછી તમને શી ચિંતા છે?’

બ્રાહ્મણે કહ્યું, ‘હે આત્મતત્ત્વ જાણનારા મહાપ્રાજ્ઞ ભુજગ, દેવતા પણ તમારાથી ચઢિયાતા નથી એ યથાર્થ છે. હે ભુજગ, જે તમે છો તે હું છું, જે હું છું તે તમે છો, તમે જે આદિત્ય-અન્તર્વર્તી પુરુષની કથા કહી તેમાં જ તમે, હું, આકાશ આદિ સઘળું તેમાં જ વસી રહ્યું છે. હે નાગરાજ, મને પુણ્યસંચય વિશે શંકા હતી. હવે હું તમારા ઉપદેશ પ્રમાણે પરમાર્થ સાધન માટે ઉચ્છવ્રત કરીશ. આ મારો નિશ્ચય છે. તમારા લીધે મારું કાર્ય અત્યંત ઉત્તમ રીતે સંપન્ન થયું. હે ભુજગ, તમારું કલ્યાણ થાય. હવે હું કૃતાર્થ થયો.’

આ બ્રાહ્મણે કૃતનિશ્ચયી થઈને નાગરાજને આમંત્રી દીક્ષા વડે ઉચ્છવ્રત કરવા અભિલાષી થઈ ભૃગુવંશી ચ્યવનનો આશ્રય લીધો. ચ્યવન ઋષિએ તેને સંસ્કાર્યો એટલે તે ધર્મનિષ્ઠાવાન થયો.

(શાંતિપર્વ, ૩૪૧-૩૫૩) (આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)