ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વૃદ્ધ કન્યાની કથા


વૃદ્ધ કન્યાની કથા

પ્રાચીન કાળમાં મહાતપસ્વી કુણિર્ગર્ગ નામના મુનિ થઈ ગયા. તેમણે ઘોર તપ કરીને પોતાના મનમાંથી એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તેને જોઈને પ્રસન્ન થયેલા તે ઋષિનો પછી સ્વર્ગવાસ થયો. તે સુંદર કન્યા આશ્રમ બનાવીને ઉગ્ર તપ કરવા લાગી. દેવતા અને પિતૃઓની પૂજા કરતી થઈ. એમ જ બહુ કાળ વીતી ગયો. તેના પિતાએ પોતાના જીવતાં પુત્રીનો વિવાહ કરવા ઇચ્છ્યું હતું પણ તેને યોગ્ય પતિ ન મળ્યો એટલે વિવાહની ઇચ્છા મરી ગઈ. ઘોર તપ કરી શરીરને કલેશ પમાડતી તે નિર્જન વનમાં પિતૃઓ અને દેવતાઓના તર્પણમાં જ તલ્લીન થઈ ગઈ. બહુ શ્રમથી થાકી જવા છતાં તે પોતાને કૃતાર્થ માનતી હતી. એમ કરતાં કરતાં તે કન્યા વૃદ્ધ થઈ ગઈ, દુર્બળ થઈ ગઈ. જ્યારે એક પણ ડગલું ભરી શકવાની શક્તિ તેનામાં ન રહી ત્યારે પરલોક જવાની ઇચ્છા થઈ. નારદે તેને કહ્યું, ‘તારું લગ્ન થયું નથી, તું કન્યા છે એટલે તને પુણ્યલોક મળશે કેવી રીતે? તારી વાત અમે સાંભળી છે, તેં બહુ તપસ્યા કરી છે પણ પુણ્યલોકમાં જવાનો અધિકાર નથી.’

નારદની વાત સાંભળી ઋષિઓની સભામાં જઈ તે કન્યાએ કહ્યું, ‘જે મારી સાથે લગ્ન કરશે તેને હું મારું અડધું તપ આપી દઈશ.’

તેની આ વાત સાંભળી ગાલવપુત્ર શ્રૃંગવાન મુનિએ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યકત કરી અને પોતાની શરત સંભળાવી. ‘હું તારી સાથે લગ્ન કરીશ. એક નિયમ કરીએ, વિવાહ પછી હું એક જ રાત્રિ તારી સાથે ગાળીશ.’ કન્યાએ તેની વાત સ્વીકારી લીધી. પછી એ ઋષિએ તેની સાથે લગ્ન કર્યું. તે રાતે એ કન્યા સુંદર યુવતી બની ગઈ, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે પતિ પાસે ગઈ. તેને પોતાની કાંતિ વડે ઘરને ઊજમાળું કરતી જોઈ શ્રૃંગવાન ખૂબ પ્રસન્ન થયા અને રાત્રિ તેની સાથે વીતાવી. સવારે તેણે પતિને કહ્યું, ‘તમે જે શરત કરી હતી તે પ્રમાણે એક રાત તમારી સાથે ગાળી છે, હવે તમારું કલ્યાણ થાય. હું જઉં છું.’

એમ કહી તે ત્યાંથી ચાલી નીકળી, જતાં જતાં તે બોલી, ‘જે માનવી એકાગ્ર બનીને આ તીર્થમાં સ્નાન કરશે અને જે એક રાત્રિ દેવતાઓનું તર્પણ કરી અહીં રોકાશે તેને અઠ્ઠાવન વર્ષના બ્રહ્મચર્યપાલનનું ફળ મળશે.’ અને તે શરીર ત્યજીને સ્વર્ગમાં જતી રહી.

શ્રૃંગવાન ઋષિ પણ તેના દિવ્ય રૂપનો વિચાર કરતા કરતાં વ્યાકુળ થઈ ગયા અને પ્રતિજ્ઞા પ્રમાણે તે કન્યાનું અડધું તપ દુઃખી થઈને ગ્રહણ કર્યું.


(શલ્ય પર્વ, ૫૧)