ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/વિશ્વામિત્રકથા


વિશ્વામિત્રકથા

(અગત્સ્ય, દુર્વાસા, વસિષ્ઠ, વિશ્વામિત્ર જેવા ઋષિઓ સ્થળકાળની સીમાઓને ગણકાર્યા વિના ભારતીય કથાસાહિત્યમાં દેખા દે છે. મોટા ભાગના ભારતીયો વિશ્વામિત્રનો સંબંધ રામલક્ષ્મણ સાથે અને મેનકા સાથે જોડે છે. જેવી રીતે મહાભારતમાં બૃહદશ્વ ઋષિ યુુધિષ્ઠિરને અનેક કથાઓ કહે છે એવી રીતે રામાયણમાં વિશ્વામિત્ર રામની જિજ્ઞાસા સંતોષવા કેટલીક કથાઓ કહે છે. આ વિશ્વામિત્ર કોણ હતા? તેમની કથા ગૌતમ-અહલ્યાના પુત્ર શતાનંદ રામલક્ષ્મણને કહી સંભળાવે છે.)

વિશ્વામિત્ર ધર્માત્મા હતા, શત્રુઓ પર વિજય મેળવીને પ્રજાનું કલ્યાણ કર્યું હતું. કુશ નામે રાજા બ્રહ્માના પુત્ર હતા. તેમના પુત્ર ધર્મજ્ઞ કુશનાભ હતા. આ કુશનાભ રાજાને ગાધિ નામનો પુત્ર હતો. અને આ ગાધિના પુત્ર તે વિશ્વામિત્ર. અત્યંત તેજસ્વી વિશ્વામિત્રે હજારો વર્ષ રાજ્ય કરીને પૃથ્વીનું પાલન કર્યું હતું. રાજ્ય કેવું ચાલે છે તે જોવા માટે વિશ્વામિત્ર રાજા પોતાની વિરાટ સેના લઈને ધરતી પર ફરવા લાગ્યા. અનેક નગરો, પ્રદેશો, નદીઓ, પર્વતો વટાવીને તેઓ વસિષ્ઠ ઋષિના આશ્રમે જઈ પહોંચ્યા. તે આશ્રમમાં અનેક પુષ્પ, ફળવાળાં વૃક્ષો હતાં, અનેક પ્રાણીઓ હતાં, અને ત્યાં સિદ્ધપુરુષો, ચારણો પૂજાપાઠ કરતા હતા. દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર વગેરેથી તે આશ્રમ સોહી ઊઠતો હતો. હરણો શાંતિથી ફરતાં હતાં, પક્ષીઓનાં સમૂહ ત્યાં હતા. તપ કરી રહેલા, અગ્નિ જેવા તેજસ્વી બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓથી આશ્રમ શોભતો હતો. જળ, વાયુ, ખરેલાં પર્ણ, ફળમૂળ ખાનારા, જિતેન્દ્રિય એવા વાલખિલ્ય ઋષિઓ જપહોમ કરતા હતા. વસિષ્ઠ ઋષિનો આશ્રમ જાણે બીજો બ્રહ્મલોક. મહાબળવાન વિશ્વામિત્ર રાજા એવા આશ્રમને જોઈ આનંદ પામ્યા.

જપ કરી રહેલા વસિષ્ઠ ઋષિને જોઈ વિશ્વામિત્રે તેમને પ્રણામ કર્યા. વસિષ્ઠ ઋષિએ પણ વિશ્વામિત્રનું સ્વાગત ઉષ્માથી કર્યું અને બેસવા આસન ચીંધ્યું. રૂઢિ પ્રમાણે ફળફૂલથી વિશ્વામિત્ર રાજાનો સત્કાર થયો. એ ગ્રહણ કરીને વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને તપ, અગ્નિહોત્ર, શિષ્યગણ, ઝાડપાન વિશે પૂછ્યું. વસિષ્ઠે બધાની કુશળતા જણાવી વિશ્વામિત્ર રાજાને પૂછ્યું, ‘તમે કુશળ છો ને! ધર્મપૂર્વક પ્રજાપાલન કરો છો ને! નોકરચાકરો તમારું રાજકાજ સારી રીતે ચાલે તેમાં મદદરૂપ થાય છે ને? તમારા પુત્રો, પૌત્રો, મિત્રો કુશળ છે ને? તમારો રાજકોશ તો ભરેલો છે ને?’

વિશ્વામિત્રે બધાની કુશળતા જણાવી. બંનેએ અરસપરસ કેટલોક વાર્તાલાપ કર્યો અને બંને રાજી થયા. પછી વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્રને કહ્યું, ‘હું તમારા સૌનું સ્વાગત કરવા ઇચ્છું છું. તમારા જેવા શ્રેષ્ઠ અતિથિ તો પૂજનીય ગણાય.’

‘તમારી વાણીથી જ સ્વાગત થઈ ગયું. વળી તમે ફળમૂળ, પાદ્ય વગેરેથી સ્વાગત કર્યું જ છે. તમારા દર્શનનો લાભ પણ મળ્યો છે. હવે હું જઈશ. મને આજ્ઞા આપો.’

રાજાની વાત સાંભળીને વસિષ્ઠે ફરી ફરી સત્કાર કરવાની વાત કરી એટલે છેવટે વિશ્વામિત્રે તેમની વાત સ્વીકારીને ‘હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’

વસિષ્ઠ ઋષિએ પછી પોતાની શબલા ગાયને બોલાવી કહ્યું, ‘મારી વાત સાંભળ. હું વિશ્વામિત્ર રાજાનો ભારે સત્કાર કરવા માગું છું. દરેકની ઇચ્છા સંતોષાય એ રીતે ખટરસની વાનગીઓ તૈયાર કર. બધાને રસ, પાન, લેહ્ય, ચોષ્ય વાનગીઓ મળી રહે તે જોજે.’

તેમની વાત સાંભળીને શબલાએ બધાને મનગમતી વાનગીઓ તૈયાર કરવા માંડી. શેરડીનો રસ, મધ, મૈરેય, ગરમાગરમ ભાત, અનેક પીણાં, દહીંની વાનગીઓ, અનેક મીઠા પદાર્થો વગેરેથી પાત્રો છલકાવી દીધાં. પછી વિશ્વામિત્રને, બ્રાહ્મણો, પુરોહિતો, અમાત્યો, મંત્રીઓ, નોકરચાકર: બધાને ભોજન વડે તૃપ્ત કરી દીધા.

વિશ્વામિત્રને આ ઘટનાની બહુ નવાઈ લાગી. તેમણે ગુપ્ત રીતે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આ બધું શબલા ગાયને કારણે બન્યું હતું.

પછી વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને કહ્યું, ‘તમે મને શબલા આપો, એના બદલામાં લાખ ગાયો આપું, આ ગાય તો રત્ન છે રત્ન.’

આ સાંભળી વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર રાજાને કહ્યું, ‘તમે મને લાખ ગાય આપવાનું કહો છો પણ હું કરોડ ગાયના બદલામાં પણ શબલા નહીં આપી શકું. સોનુંરૂપું આપો તો પણ નહીં. હું તેનો ત્યાગ કરી શકું નહીં. એના વડે જ હું હવ્ય, કવ્ય, બલિ, હોમ કરી શકું છું. બધા જ પ્રકારના યજ્ઞો એના વડે જ શક્ય છે. મને બધી રીતે તે સંતોષ આપનારી છે. એટલે હું ગાય તો નહીં આપું.’

આ સાંભળી વિશ્વામિત્રે વસિષ્ઠને કહ્યું, ‘હું તમને સુવર્ણઘંટાઓ આપંુ, અનેક રથ આપું, ચૌદેક હજાર હાથી, ઉચ્ચ જાતિના અગિયાર હજાર ઘોડા આપું, કરોડ ગાય આપું.’

આ સાંભળ્યા પછી પણ વસિષ્ઠે કહ્યું, ‘હું કોઈ પણ રીતે, શબલા નહિ આપી શકું. એ જ મારું રત્ન, મારું ધન — જે કહો તે એ જ છે. મારું સર્વસ્વ છે, શબલા મારું જીવન છે. મારા યજ્ઞયાગાદિ એના વડે જ થાય છે. વધુ તો હું તમને શું કહું? તે મારી કામદોહિની છે.’

વસિષ્ઠ મુનિએ શબલા ન આપી એટલે વિશ્વામિત્રે જોરજુલમ કરીને પણ તેને લઈ જવા માંડી. એટલે દુઃખી, શોકગ્રસ્ત શબલા ‘શું વસિષ્ઠ ઋષિએ મને ત્યજી દીધી છે એટલે આ લોકો મને બળજબરીથી લઈ જઈ રહ્યા છે? મેં આ ઋષિનો એવો તે કયો અપરાધ કર્યો છે?’ આમ વિચારીને નોકરોના પંજામાંથી છૂટી જઈને તે ઝડપથી વસિષ્ઠ ઋષિ પાસે દોડી ગઈ. રડતી, બરાડતી તે વસિષ્ઠ ઋષિને કહેવા લાગી, ‘ભગવન્, તમે મને શા માટે ત્યજી દો છો? આ સેવકો મને શા માટે ખેંચી જાય છે?’

શોકગ્રસ્ત દુઃખી અને બહેન જેવી શબલાની વાત સાંભળીને વસિષ્ઠ ઋષિએ કહ્યું, ‘હું તારો ત્યાગ નથી કરતો. આ બળવાન રાજા તને બળજબરીથી મારી પાસેથી લઈ જાય છે, રાજાની સરખામણીમાં હું નિર્બળ છું. વિશ્વામિત્ર પૃથ્વીનું ભરણપોષણ કરનારા રાજા છે, વિરાટ સેના તેમની પાસે છે, હાથીઘોડા રથ તેમની પાસે છે.’

વસિષ્ઠની આ વાત સાંભળીને શબલાએ કહ્યું, ‘ક્ષત્રિયોના બળ કરતાં બ્રાહ્મણોનું બળ વધારે જ હોય, વિશ્વામિત્ર મહાપરાક્રમી છે પણ તમારા જેટલા નહીં. તમારા બ્રહ્મતેજને તે સહન કરી નહીં શકે. જો તમે વિશ્વામિત્રને શિક્ષા કરી શકતા ન હો તો મને આજ્ઞા આપો. હું તેમના બળ, અભિમાનને ધૂળમાં મેળવી દઈશ.’

શબલાની વાત સાંભળી વસિષ્ઠ ઋષિએ તેને સંમતિ આપી.

શબલાએ હંભારવ કર્યો એટલે સેંકડો પહ્લવો પ્રગટ્યા અને તેમણે વિશ્વામિત્ર રાજાના દેખતાં જ તેમની સેનાનો વિધ્વંસ કરવા માંડ્યો. એ જોઈને રાજા ભયંકર ક્રોધે ભરાયા, તેમની આંખો પહોળી થઈ ગઈ. પોતાનાં શસ્ત્રો વડે પહ્લવોનો નાશ કરવા માંડ્યો, પહ્લવોનો નાશ થતો જોઈ શબલાએ ફરી હુંકાર કર્યો; એટલે શક, યવન જેવા મહા પરાક્રમી પ્રગટ્યા, તે સૈનિકો કાંચનવર્ણા, અગ્નિ જેવા હતા. ફરી વિશ્વામિત્રે શસ્ત્રો ઉગામ્યાં. એને કારણે શબલાના સૈનિકો આકુળવ્યાકુળ થઈ ગયા, એ જોઈને વસિષ્ઠ ઋષિએ શબલાને કહ્યું, ‘તંુ ફરી તારી યોગવિદ્યાથી બીજી સેના ઊભી કર.’ એટલે શબલાએ ફરી હુંકાર કરીને અનેક સૈનિકો પ્રગટાવ્યા. તેના શરીરના અંગેઅંગમાંથી નવા નવા બળવાન સૈનિકો પ્રગટ્યા. તેમણે તરત જ આ જોઈને વિશ્વામિત્ર રાજાની બધા જ પ્રકારની સેનાનો નાશ કરી નાખ્યો. આ જોઈને વિશ્વામિત્રના સો પુત્રો ક્રોધે ભરાયા અને વસિષ્ઠ ઋષિ પાસે ધસી ગયા. ઋષિએ પણ ઘડીવારમાં હુંકાર કરીને બધાને ઘોડા, રથ સહિત ભસ્મ કરી દીધા. આમ સેનાનો અને પુત્રોનો વિનાશ જોઈને વિશ્વામિત્ર રાજા હેબતાઈ ગયા. તેમના હર્ષ, ઉત્સાહના ચૂરેચૂરા થઈ ગયા. પોતાના એક પુત્રને રાજગાદીએ બેસાડી મહાદેવને પ્રસન્ન કરવા તપ કરવા માંડ્યું. કેટલોક સમય વીત્યો એટલે વિશ્વામિત્રને મહાદેવે દર્શન આપ્યાં.

‘શા માટે રાજા, તમે તપ કરી રહ્યા છો? તમારી ઇચ્છા હોય તે વરદાન માગી લો.’

ભગવાનની આ વાત સાંભળીને વિશ્વામિત્ર ઋષિ બોલ્યા, ‘જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો અંગ, ઉપાંગ સહિત મને ધનુર્વેદ આપો. દેવોના, દાનવોના, ગંધર્વો, યક્ષો, રાક્ષસોનાં શસ્ત્રો આપો. તો હું તુષ્ટ થઈશ.’

ભગવાને તથાસ્તુ કહ્યું,

આ શસ્ત્રો મેળવીને રાજા વિશ્વામિત્ર અહંકારી થયા. પર્વના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ હવે બળ મેળવીને વસિષ્ઠ ઋષિને પરાજિત કરવાનો વિચાર રાજાને આવ્યો. એટલે બીજો કશો વિચાર કર્યા વિના વિશ્વામિત્ર વસિષ્ઠ ઋષિના આશ્રમે પહોંચી ગયા અને અસ્ત્રો વડે ઋષિનો આશ્રમ બાળ્યો. એનાથી ડરીને બીજા ઋષિઓ ત્યાંથી નાસવા લાગ્યા. વસિષ્ઠના શિષ્યો, મૃગો, પક્ષીઓ પણ ભય પામીને ચારે બાજુ નાસવા લાગ્યા. વસિષ્ઠ ઋષિએ બધાને ધીરજ બંધાવી. ‘જેવી રીતે ભાસ્કર (સૂર્ય) ઝાકળનો નાશ કરે છે તેવી રીતે હું હમણાં જ રાજાને હંફાવીશ.’ એમ કહીને વસિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર રાજાને કહ્યું, ‘તમે દુરાચારી છો, મૂઢ છો. મેં આ આશ્રમની પાછળ કેટલો બધો સમય આપ્યો ત્યારે તે આવો રળિયામણો થયો હતો, હવે તમે મારી સામે ટકી નહીં શકો.’

આમ કહીને ખૂબ જ ક્રોધે ભરાયેલા વસિષ્ઠ ઋષિ હાથમાં દંડ લઈને ઊભા રહી ગયા.

વસિષ્ઠની વાત સાંભળીને મહા બળવાન વિશ્વામિત્ર અગ્ન્યાસ્ત્ર ચઢાવીને બોલ્યા, ‘વસિષ્ઠ, ઊભા રહો, ઊભા રહો.’

વસિષ્ઠ પણ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘હું આ ઊભો. તમારામાં જેટલું બળ હોય એટલું દેખાડો. હે ગાધિપુત્ર, શસ્ત્રો પામીને તમને અભિમાન આવી ગયું છે.’

વિશ્વામિત્રે અગ્ન્યાસ્ત્ર ફેંક્યું. પણ પાણી વડે જેમ આગ ઓલવાઈ જાય તેમ એ અસ્ત્ર શાંત થઈ ગયું. પછી વિશ્વામિત્રે અનેક પ્રકારનાં શસ્ત્ર ઉગામ્યાં, પણ એ બધાં જ શસ્ત્ર વસિષ્ઠે નિવાર્યાં, છેવટે હતાશ થઈને ધનુષ પર બ્રહ્માસ્ત્ર ચઢાવ્યું, ત્રણે લોક એથી ભય પામ્યા. પણ વસિષ્ઠ ઋષિએ પોતાના બ્રહ્મદંડ વડે તે બ્રહ્માસ્ત્રને પણ શાંત કરી દીધું. તે અસ્ત્ર ઋષિમાં જ સમાઈ ગયું. તેમની કાયામાંથી જાણે અગ્નિના સ્ફુલ્લંગોિ પ્રગટવા લાગ્યા. બધાએ વસિષ્ઠ ઋષિની સ્તુતિ કરી.

પછી વિશ્વામિત્રે નિ:શ્વાસ નાખ્યો, ‘ક્ષત્રિયબળને ધિક્કાર છે. એક જ બ્રહ્મદંડ વડે મારાં બધાં અસ્ત્ર નિષ્ફળ થઈ ગયાં. એટલે હવે હું બ્રહ્મબળ મેળવવા તપ કરીશ.’

વિશ્વામિત્ર રાજાનું મન ભારે અસ્વસ્થ થઈ ગયું, પોતાના પરાજયનો ઘા તેમને વસમો લાગ્યો. પછી પોતાની પત્નીને લઈને દક્ષિણ દિશામાં જઈને તપ કરવાનો તેમણે નિર્ધાર કર્યો. ત્યાં ફળાહાર કરીને તેમણે ઘોર તપ આરંભ્યું. ત્યાં તેમને હવિષ્પંદ, મધુષ્પંદ, નેત્ર, મહારથ નામના ચાર પુત્ર થયા. તે બધા ધર્મજ્ઞ હતા. તેમણે હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપને કારણે બ્રહ્મા પ્રસન્ન થયા અને તપોધન વિશ્વામિત્રને તેમણે કહ્યું, ‘તમે ઘોર તપ કરીને રાજષિર્ લોકને જીતી લીધો છે. હવે અમે તમને રાજષિર્ તરીકે ઓળખીશું.’

પછી બ્રહ્મા તો ત્યાંથી ગયા પણ વિશ્વામિત્ર ઝંખવાઈ ગયા. ‘આટલા ઘોર તપ પછી પણ હું માત્ર રાજષિર્ જ થયો. બ્રહ્મર્ષિપદ માટે મારે ફરી તપ કરવું પડશે.’ એટલે રાજાએ ફરી તપ કરવા માંડ્યું.

એ સમયે ઇક્ષ્વાકુ કુલના એક રાજા હતા. નામ તેમનું ત્રિશંકુ. તે સત્યનિષ્ઠ અને ધર્મજ્ઞ હતા. તેમને ઇચ્છા થઈ કે હું યજ્ઞ કરીને સદેહે સ્વર્ગમાં જઉં. તેમણે પોતાના ગુુરુ વસિષ્ઠને પોતાની ઇચ્છા જણાવી. વસિષ્ઠ ઋષિએ એ અશક્ય છે એમ કહી ના પાડી. વસિષ્ઠના નકાર પછી ત્રિશંકુ નિરાશ થઈને દક્ષિણ દિશામાં ગયા. ત્યાં સો વસિષ્ઠપુત્રો ભારે તપ કરી રહ્યા હતા. તેમના દર્શન કર્યા પછી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘હું તમારા શરણે છું. વસિષ્ઠ ઋષિ પાસે જઈને મેં યજ્ઞ કરવાની ઇચ્છા પ્રગટ કરી, મારે સદેહે સ્વર્ગે જવું છે, પણ ગુરુએ મને ના પાડી. હવે તમે મારું કામ કરો. તમે ગુુરુપુત્રો જ મારું આ કાર્ય કરી શકશો.’

હવે જો વસિષ્ઠ ઋષિએ જે યજ્ઞ કરાવવાની ના પાડી હોય તે યજ્ઞ તેમના પુત્રો કેવી રીતે કરાવી શકે? ‘તમને અમારા પિતાને ના પાડી છતાં તમે અહીં આવ્યા? અમે પણ આ યજ્ઞકાર્ય ન જ કરાવી શકીએ. અમારા પિતા તો યજ્ઞ વડે ત્રિલોકપ્રાપ્તિ પણ કરાવી શકે, પણ જો તેમણે ના પાડી હોય તો આ કાર્ય ન જ થઈ શકે.’

વસિષ્ઠપુત્રોનું આ ક્રોધભર્યું વચન સાંભળીને ત્રિશંકુએ કહ્યું, ‘જો વસિષ્ઠ મુનિ અને તમે પણ ના પાડતા હો તો મારે કોઈ બીજા પુરોહિત પાસે જવું પડશે.’

આ સાંભળીને ઋષિપુત્રોએ ક્રોધે ભરાઈને રાજાને ચાંડાળ થઈ જવાનો શાપ આપ્યો.

રાત્રિ પૂરી થઈ એટલે ત્રિશંકુ ચાંડાળ થઈ ગયા. તેમનું શરીર કાળું પડી ગયું, કેશ ઝાંખા થયા, આભરણો લોખંડનાં થઈ ગયાં. તેમને જોઈને બધા લોકો તેમનાથી દૂર થઈ ગયા. છતાં ત્રિશંકુએ પોતાની ઇચ્છા ટકાવી રાખી. એમ કરતાં કરતાં રાજા વિશ્વામિત્ર ઋષિ પાસે જઈ ચઢ્યા. ચાંડાળ બનેલા રાજા પર વિશ્વામિત્રને દયા આવી. ‘તમારા આગમનનું કારણ જણાવો.’

એટલે ત્રિશંકુ રાજાએ વિશ્વામિત્રને બધી વાત માંડીને કરી. ‘હું કદી અસત્ય બોલ્યો નથી. મેં ઘણા યજ્ઞ કર્યા છે. ધર્માનુસાર પ્રજાનું પાલન કર્યું છે. સત્કાર્યો વડે બધાને સંતોષ આપ્યો છે. અત્યારે પણ ધર્મ પ્રમાણે ચાલું છું. મારી ઇચ્છા સદેહે સ્વર્ગે જવાની છે. હવે મને લાગે છે કે પુરુષાર્થ નહીં, દૈવ જ બળવાન છે. બધા દૈવથી જીવે છે, મારા માટે હવે કોઈ માર્ગ નથી. મારી નિયતિને પુરુષાર્થ વડે પલટી નાખો.’

રાજાની આ વાત સાંભળીને વિશ્વામિત્રને તેમના પર દયા આવી, ‘ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા હે રાજા, તમે ધર્મજ્ઞ છો તે હું જાણું છું. તમે કશો ભય રાખતા નહીં. હું તમને સ્વીકારું છું. હું બધા પુણ્યશાળી ઋષિઓને બોલાવીશ, તેઓ મને તમારા માટેના યજ્ઞમાં મદદ કરશે. ગુરુપુત્રોના શાપથી તમારું રૂપ વિકૃત થયું છે, એ જ રૂપે તમે સ્વર્ગે જશો. હવે તમે માની જ લો કે સ્વર્ગ મળી ગયું છે. તમે કુશિક કુળને શરણે આવ્યા છો ને!’

એમ કહીને વિશ્વામિત્રે પોતાના, ધામિર્ક પુત્રોને યજ્ઞની તૈયારી કરવા કહ્યું, બધા શિષ્યોને બોલાવીને કહ્યું, ‘તમે બધા ઋષિઓ પાસે મારા કહેવાથી જાઓ, બધાને બોલાવો. આ આમંત્રણ જાણીને જે કંઈ પ્રતિભાવ કોઈ આપે તો તમારે મને કહી દેવા.’

વિશ્વામિત્રની આજ્ઞાથી બધા શિષ્યો ચારે દિશામાં ગયા. પછી બધા ઋષિઓ ત્યાં આવવા લાગ્યા. શિષ્યોએ પાછા આવીને વિશ્વામિત્રને બધી વાત કહી.‘અમે વસિષ્ઠપુત્રોને પણ મળ્યા. તેમણે કહ્યું, ‘યજ્ઞ કરાવનાર ક્ષત્રિય, ચાંડાળ માટે યજ્ઞ થાય. એમાં હવિભાગ લેવા દેવો આવશે કેવી રીતે? ચાંડાળનું ભોજન બ્રાહ્મણો કેવી રીતે કરશે?’

આ સાંભળીને વિશ્વામિત્રની આંખો લાલચોળ થઈ ગઈ. ‘તેઓ મને દોષ આપે છે. તેઓ બળીને ભસ્મ થઈ જશે. પછી તેઓ યમલોક જશે. પછી સાતસો જનમ સુધી કૂતરાનું માંસ ખાનારા તેઓ યમલોક જશે. ચાંડાળ થશે. દુર્બુદ્ધિ મહોદય ઋષિની પણ એવી જ હાલત થશે. તે નિષાદ થશે.’

વસિષ્ઠપુત્રોને અને મહોદયને શાપ આપીને પછી વિશ્વામિત્ર બોલ્યા, ‘ઇક્ષ્વાકુ વંશના આ ત્રિશંકુ રાજા ધર્મજ્ઞ છે, તે મારે શરણે આવ્યા છે. તે સદેહે સ્વર્ગે જવા માગે છે. એટલે તેમના માટે તમે મારી સાથે યજ્ઞ કરો.’

વિશ્વામિત્રની વાત સાંભળીને બધા અંદરઅંદર બોલ્યા, ‘કુશિક વંશમાં જન્મેલા આ ઋષિ મહાક્રોધી છે. તેમની વાત નહીં માનીએ તો શાપ આપશે એટલે તે કહે તેમ કરીએ. આપણે યજ્ઞ કરીએ.’

અને યજ્ઞ શરૂ થયો, વિશ્વાંમિત્ર મુખ્ય કર્તા બન્યા, બીજા ઋષિઓ ઋત્વિજ બન્યા. પછી થોડા સમયે હવિભાગ માટે વિશ્વામિત્રે દેવોને આમંત્ર્યા. પણ એકેય દેવ ત્યાં આવ્યા નહીં. એટલે વિશ્વામિત્ર ઋષિ ક્રોધે ભરાયા, પોતાના હાથમાં સુરવો રાખીને ત્રિશંકુને કહેવા લાગ્યા, ‘હવે જોજો, મારું તપોબળ. તમને હું સ્વર્ગે મોકલું છું. મેં જે કંઈ તપ કર્યું છે તેનું કશું પણ ફળ હોય તો તમે સ્વર્ગે જશો.’

મુનિની આ વાત સાંભળીને બધા ઋષિમુનિઓના દેખતાં ત્રિશંકુ સ્વર્ગે ગયા. તેમને સ્વર્ગમાં આવેલા જોઈ ઇન્દ્રે અને બીજા દેવોએ કહ્યું, ‘ત્રિશંકુ, સ્વર્ગ તમારે માટે નથી. તમે પૃથ્વી પર પાછા જાઓ.’ એટલે ત્રિશંકુ સ્વર્ગમાંથી નીચે પડવા લાગ્યા. ત્રિશંકુએ વિશ્વામિત્રને પોકાર્યા. એટલે ઋષિએ કહ્યું, ‘ઊભા રહો, ઊભા રહો.’

પછી વિશ્વામિત્રે પોતે બીજા બ્રહ્મા હોય તેમ નવું સ્વર્ગ રચવાનો સંકલ્પ કરી બેઠા. દક્ષિણ દિશામાં તેમણે સપ્તષિર્મંડળ ઊભું કર્યું. એટલું જ નહીં, તે બોલ્યા, ‘બીજો ઇન્દ્ર પણ જન્માવીશ અથવા ભલે સ્વર્ગ ઇન્દ્ર વિનાનું થઈ જાય. એટલે બધા ઋષિઓ, દેવો ભય પામ્યા અને વિશ્વામિત્રને કહેવા લાગ્યા, ‘આ રાજા ગુરુના શાપથી ચાંડાળપણું પામ્યો છે, તે સદેહે સ્વર્ગે ન જઈ શકે.’

દેવોની વાત સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા, ‘મેં ત્રિશંકુ રાજાને સ્વર્ગે મોકલવાની પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા ન થવી જોઈએ. આ નક્ષત્રો, ધુ્રવ વગેરે પણ મેં સર્જ્યાં છે.’

આ સાંભળી દેવતાઓ બોલ્યા,‘ ભલે. તમે સર્જેલું આ નવું જગત આકાશમાં બીજી જગ્યાએ રહેશે, ત્રિશંકુ પણ અવળા મસ્તકે તેજસ્વી થઈને રહેશે.’

આમ વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા. પછી બધા પોતપોતાના સ્થાને ગયા.

(ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ પોતે અને બીજાઓ પાસે સ્થળાંતર કરાવ્યું. સમીક્ષિત વાચનામાં હરિશ્ચંદ્ર — રોહિતની કથા નથી. એ કથા તો ઐતરેય બ્રાહ્મણમાં છે, એ વાત ભાગ ૧માં જોવા મળશે. અહીં અંબરીષ રાજાની વાત છે.)

એ સમયે અયોધ્યા નગરીમાં અંબરીષ નામના રાજા થઈ ગયા. તે રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞના પશુનું અપહરણ ઇન્દ્ર કરી ગયા. એટલે બ્રાહ્મણોએ રાજાને કહ્યું, ‘કાં તો તમારા કારણે કાં તો તમારા સેવકોની બેદરકારીને કારણે યજ્ઞપશુ ખોવાઈ ગયો છે. એ બહુ મોટો દોષ ગણાય. એટલે હવે તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. કાં તો તમે યજ્ઞપશુને શોધી લાવો કાં તો કોઈ નરપશુ લઈ આવો.’

બ્રાહ્મણોની વાત સાંભળીને અંબરીષ રાજાએ હજારો ગાયો આપીને પણ કોઈ નરપશુ લાવવાનો નિર્ધાર કર્યો. જુદા જુદા દેશ, જનપદ, વન, આશ્રમોમાં એ રાજાએ પુષ્કળ શોધ ચલાવી. ભૃગુતુંગ નામના પર્વતશિખરે ઋચીક નામના ઋષિ રહેતા હતા. તેમની પાસે જઈને તેજસ્વી રાજાએ પ્રણામ કરીને કહ્યું, ‘હું તમને એક લાખ ગાય આપંુ, તમે તમારો એક પુત્ર મને યજ્ઞપશુ તરીકે આપો. મારો યજ્ઞપશુ ખોવાઈ ગયો છે, મેં તેની શોધ બહુ કરી પણ હું નિરાશ થયો.’

આ સાંભળીને ઋષિએ કહ્યું, ‘હું મારો સૌથી મોટો પુત્ર આપી ન શકું.’ ઋષિ આમ બોલતા હતા ત્યાં જ તેમની પત્નીએ કહ્યું, ‘મને મારો સૌથી નાનો પુત્ર શુનક વધુ વહાલો છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે પિતાને સૌથી મોટો પુત્ર વહાલો હોય છે અને માતાને સૌથી નાનો પુત્ર વહાલો હોય છે.’

આમ મુનિપત્નીની વાત સાંભળીને વચલા પુત્ર શુન:શેપે પોતાની જાતે જ કહ્યું, ‘પિતા મોટો પુત્ર આપવાની ના પાડે છે અને માતા નાના પુત્રની ના પાડે છે. તો પછી વચલો પુત્ર જ બાકી રહે છે, એટલે રાજા, તમે મને જ લઈ જાઓ.’ આમ લાખ ગાયો આપીને રાજાએ શુન:શેપ મેળવ્યો અને તરત જ તેને રાજા રથમાં બેસાડીને લઈ ગયા.

મધ્યાહ્નના સમયે રાજાએ પુષ્કર તીર્થમાં થોડો વિરામ કર્યો. તે વેળાએ શુન:શેપે વિશ્વામિત્ર ઋષિને જોયા. થાક, ભૂખ-તરસથી પીડાતો શુન:શેપ વિશ્વામિત્રના ખોળામાં બેસી ગયો અને બોલ્યો, ‘હવે નથી મારે કોઈ પિતા કે માતા, હે મુનિ, તમે મને બચાવો. તમે બધાનું રક્ષણ કરો છો, આ રાજાને યજ્ઞનું ફળ મળે અને હું દીર્ઘાયુ થાઉં એવું કશું કરો. હું શ્રેષ્ઠ તપ કરીને સ્વર્ગે જઉં એવું તમે કરો. હું અનાથ છું તો તમે મને સનાથ કરો. પિતા જેમ પુત્રનું રક્ષણ કરે તેમ મને આ દુઃખમાંથી છોડાવો.’

તેની વાત ઋષિએ સાંભળી અને તેને ઘણી રીતે સાંત્વન આપ્યું. પછી પોતાના પુત્રોને કહ્યું, ‘શુભપ્રાપ્તિ માટે પિતાઓ પુત્ર ઇચ્છતા હોય છે, તો તમારે માટે એ સમય આવી ગયો છે. આ મુનિપુત્ર મારે શરણે આવ્યો છે, તે ગમે તે રીતે જીવતો રહે એ માટે પ્રયત્ન કરો. તમે બધા સત્કાર્ય કરનારા છો, ધર્મપરાયણ છો તો રાજાના યજ્ઞમાં પશુરૂપ થઈ શુન:શેપની રક્ષા કરો.’

વિશ્વામિત્રની આ વાત સાંભળીને તેમના મધુષ્પન્દા પુત્રોએ કહ્યું, ‘તમારા પોતાના પુત્રોનો વધ કરાવીને બીજાના પુત્રની રક્ષા શા માટે કરો છો? તમારું આ કાર્ય નિંદાવાળું છે, જાણે ભોજનમાં કૂતરાનું માંસ ખાવાનું ન હોય!’

પુત્રોની આવી વાત સાંભળીને વિશ્વામિત્ર બહુ ક્રોધે ભરાયા, તેમની આંખો રાતી થઈ ગઈ. પછી બોલ્યા, ‘તમે ધર્મવિરુદ્ધ અને કઠોર વચન બોલ્યા. તમે પણ વસિષ્ઠપુત્રોની જેમ હજાર વર્ષ સુધી કૂતરાનું માંસ ખાનારા મુષ્ટિક જાતના ચાંડાળ થઈને રહેશો.’

પુત્રોને આવો શાપ આપીને શુન:શેપને આશ્વાસન આપ્યું, ‘તને જ્યારે ચંદનનો લેપ કરે, તારા ગળે ફૂલનો હાર પહેરાવે અને યજ્ઞના થાંભલા સાથે બાંધે ત્યારે તું અગ્નિની સ્તુતિ કરજે. જે બે ગાથા કહું તે ગાજે, અને આમ કરવાથી અંબરીષ રાજાના આ યજ્ઞમાં તને સિદ્ધિ મળશે.’

પછી શુન:શેપે વિશ્વામિત્ર ઋષિ પાસેથી બે ગાથા શીખી લીધી અને રાજા પાસે જઈને કહ્યું, ‘હવે આપણે યજ્ઞસ્થળે જઈએ, તમે સત્વર યજ્ઞદીક્ષા લો અને કાર્ય પૂરું કરો.’

ઋષિપુત્રની વાત સાંભળીને હર્ષ પામતા રાજા તરત જ યજ્ઞસ્થળે પહોંચ્યા. પછી રાજાએ બધાની સંમતિથી શુન:શેપને લાલ વસ્ત્ર પહેરાવ્યું, યૂપ સાથે બાંધ્યો. આમ બંધાયેલા શુન:શેપે અગ્નિની અને ઇન્દ્રની, ઇન્દ્રના અનુજની સ્તુતિ કરવા માંડી. આ સ્તુતિથી પ્રસન્ન થયેલા ઇન્દ્રે તેને ચિરંજીવ કર્યો, રાજાને પણ યજ્ઞફળ મળ્યું.

વિશ્વામિત્ર ઋષિએ ફરી પુષ્કરમાં હજાર વર્ષનું તપ આરંભ્યું. એટલે બ્રહ્મા તેમની પાસે આવ્યા, ‘ઋષિ, તમારું કલ્યાણ થાઓ. તમે કર્મો કરીને ઋષિપદ મેળવ્યું છે.’ એમ કહી દેવ ત્યાંથી જતા રહ્યા. ફરી વિશ્વામિત્રે તપ કરવા માંડ્યું કારણ કે તેમની ઇચ્છા બ્રહ્મર્ષિપદ મેળવવાની હતી.

આમ ઘણો સમય વીતી ગયો. મેનકા નામની અપ્સરા પુષ્કર સરોવરમાં નહાવા આવી ચઢી. વાદળમાં વીજળી ચમકે એમ ચમકતી રૂપવાન મેનકાને વિશ્વામિત્ર ઋષિએ જોઈ. તે તરત જ કામવશ થઈ ગયા, અપ્સરા પાસે જઈને બોલ્યા, ‘મારા આશ્રમમાં તારું સ્વાગત છે. હું મદનથી મોહ પામ્યો છું, તો મારા પર અનુગ્રહ નહીં કરે?’

વિશ્વામિત્રની વાત સાંભળીને મેનકા તેમના આશ્રમમાં જઈને વસી. અને ઘણો સમય વીતી ગયો. એટલે મુનિ ચિંતાતુર થઈ શોક કરવા લાગ્યા. મારા તપમાં વિઘ્ન આવ્યું. દસ વરસ આમ જ વીતી ગયાં. વિશ્વામિત્ર પશ્ચાત્તાપ કરીને દુઃખી થઈ ગયા એટલે અપ્સરા હાથ જોડીને ઊભી રહી ગઈ. વિશ્વામિત્ર ઋષિએ તેને મીઠા શબ્દોથી સ્વર્ગે જવાની આજ્ઞા આપી. પછી કામને જીતવાનો સંકલ્પ કરી વિશ્વામિત્રે કૌશિકી નદીના કિનારે ઘોર તપ આંરભ્યું, બધા દેવોએ બ્રહ્માને પ્રાર્થના કરીને તેમને મહર્ષિપદ અપાવ્યું.

બ્રહ્માની વાણી સાંભળીને વિશ્વામિત્ર ઋષિએ બે હાથ જોડીને કહ્યું, ‘તમે હજુ મને બ્રહ્મર્ષિપદ આપ્યું નથી. મારે જિતેન્દ્રિય બનવું છે.’

વિશ્વામિત્રની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘તમે હજુ તમારી ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી. એટલે તે મેળવો.’ એમ કહીને દેવ જતા રહ્યા.

પછી વિશ્વામિત્રે પોતાના બંને હાથ ઊંચા રાખીને, માત્ર વાયુનો જ આહાર કરીને પંચાગ્નિ તપ કરવા માંડ્યું, વર્ષાઋતુમાં આકાશ નીચે ઊભા રહ્યા. શિશિર ઋતુમાં પાણીમાં ઊભા રહ્યા. આવું ઘોર તપ કરતાં હજાર વર્ષ વીતી ગયાં. આ તપથી ઇન્દ્રને ત્રાસ થયો. બધા દેવોની સંમતિથી અપ્સરા રંભાને બોલાવીને તેમણે કહ્યું, ‘રંભા, તારે આજે દેવોનું એક કાર્ય કરવાનું છે. વિશ્વામિત્ર ઋષિ તપ કરી રહ્યા છે, તેમને મોહિત કરી તપમાં વિઘ્ન ઊભું કર.’

આ સાંભળીને રંભાએ ઇન્દ્રને કહ્યું, ‘વિશ્વામિત્ર ઋષિ મહા ક્રોધી છે, એમાં કશી શંકા નથી. મને ડર લાગે છે. આ કામ મને ન સોંપો.’

ત્યારે હાથ જોડીને ઊભી રહેલી રંભાને ઇન્દ્રે કહ્યું, ‘તું ડરીશ નહીં. મારી આજ્ઞાનું પાલન કર. હું કોયલ બનીને કામદેવ સાથે સુંદર વૃક્ષ પર બેસીશ. તું પણ તારા રૂપથી તેમને પ્રસન્ન કરજે.’

આ સાંભળી રંભા પોતાનું રૂપ દેખાડતી વિશ્વામિત્ર પાસે આવી ચઢી. કોયલનો ટહુકાર થયો. આનંદ પામીને વિશ્વામિત્રે આંખો ઊઘાડી તો સામે રંભા. આ બધું જોઈ સાંભળીને વિશ્વામિત્રને શંકા ગઈ. તેમણે દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે રંભા ઇન્દ્રના કહેવાથી અહીં આવી છે. એટલે તેમણે રંભાને શાપ આપ્યો, ‘હું ઇન્દ્રિયોને જીતવા માગું છું અને તું એમાં વિઘ્ન ઊભાં કરે છે, એટલે દસ હજાર વર્ષ સુધી તું શિલા થઈને રહેજે. પછી કોઈ મહાતેજસ્વી બ્રાહ્મણ તને મારા શાપથી મુક્ત કરશે.’ પણ તેઓ પોતાના કોપને શમાવી શક્યા નહીં એટલે મનમાં સંતાપ થયો. તેમના શાપથી રંભા શિલા થઈને પડી, કંદર્પ અને ઇન્દ્ર ત્યાંથી નાસી ગયા. વિશ્વામિત્ર પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી ન શક્યા અને વારે વારે ક્રોધ કરવાને લીધે તપ નાશ પામ્યું, તેમને શાંતિ ન મળી.

હવે વિશ્વામિત્ર દિશા બદલીને પૂર્વ દિશામાં ગયા અને ત્યાં જઈને કઠોર તપ કરવા બેઠા. મૌનવ્રત ધારણ કરીને હજાર વર્ષ તપ કર્યું. તેમનું શરીર સુકાયેલા લાકડા જેવું થઈ ગયું. અનેક વિઘ્નો વચ્ચે તેઓ સ્થિર રહ્યા. તેમના અંતરમાં ક્રોધ ન પ્રગટ્યો. પછી દેવતાઓ, ગંધર્વો, પન્નગો, અસુરો, રાક્ષસો તેમના તપથી ભારે સંતાપ પામ્યા. તે બધા બ્રહ્મા પાસે જઈને બોલ્યા, ‘અમે તેમનામાં ક્રોધ અને લોભ જાગે એ માટે બહુ પ્રયત્ન કર્યા પણ અમે નિષ્ફળ ગયા, તેમનું તપ વધ્યા જ કરે છે. હવે તેમનામાં કોઈ દોષ જોવા મળતો નથી. તેમને જે વરદાન જોઈએ છે તે નહીં આપો તો પોતાના તપના પ્રભાવથી ત્રણે લોક બાળી નાખશે. બધી દિશાઓ અંધકારમય થઈ ગઈ છે, સમુદ્ર ખળભળી ઊઠ્યા છે, પર્વતો ધ્રૂજી રહ્યા છે, પવનનું તોફાન વધ્યું છે, બધાની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એ અગ્નિમય દેખાય છે. ત્રિલોકને ભસ્મ કરે તે પહેલાં તેમને જે જોઈએ છે તે આપી દો.’

પછી બધા બ્રહ્માને આગળ કરીને વિશ્વામિત્ર પાસે આવ્યા. બ્રહ્માએ કહ્યું, ‘તમારા તપથી મને બહુ સંતોષ થયો છે, બ્રહ્મર્ષિ, તમે તપ કરીને બ્રહ્મર્ષિપદ મેળવ્યું છે. તમે દીર્ઘાયુ થાઓ, સુખ પામો અને હવે તપ પૂરું કરો.’

પિતામહની વાત સાંભળીને આનંદિત થયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘તમારી કૃપાથી મને બ્રહ્મર્ષિપદ તો મળ્યું, વસિષ્ઠ પાસે યજ્ઞના જે અંગઉપાંગ છે તે પણ મને મળે. આ બધું વસિષ્ઠ ઋષિ પણ માન્ય કરે, એવી મારી ઇચ્છા છે.’

દેવતાઓએ પણ વસિષ્ઠ ઋષિને આ વાત કરી, વસિષ્ઠે તેમને સ્વીકાર્યા, વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને વંદન કર્યાં.