ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/નિશ્ચયદત્ત અને અનુરાગપરાની કથા


નિશ્ચયદત્ત અને અનુરાગપરાની કથા

પૃથ્વી ઉપર પ્રખ્યાત ઉજ્જયિની નામની એક નગરી છે. તેમાં પૂર્વે નિશ્ચયદત્ત નામનો એક વાણીઓ રહેતો હતો. તે જુગારનો રોજગાર કરનાર છતાં પણ ઉદાર હતો. તે દરરોજ જુગારથી ધન જીતી જીતીને, ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી, મહાકાલેશ્વર શંકરનું પૂજન કરી, સૂતેલું ધન ગરીબ અને અનાથ બ્રાહ્મણોને દાનમાં આપી દેતો, અને ત્યાર પછી સામાન્ય રીતે અંગમાં ચંદન અર્ચતો, ભોજન કરતો અને પાન વગેરે ખાતો હતો. આ વાણીઓ સ્નાન અને પૂજા કર્યા પછી હંમેશાં મહાકાલેશ્વરના મંદિરની પાસે સ્મશાન હતું, ત્યાં જઈ પોતાના શરીરને ચંદન લગાડતો. તેને ચંદન લગાડવાની રીતિ એવી હતી કે તે એકલો સ્મશાનમાં જતો ને ત્યાં એક ઊભો પત્થરનો સ્તંભ હતો, તેને ચંદન લગાડી તે સાથે પોતાનો વાંસો ઘસતો, એટલે વાંસા ઉપર ચંદન લાગી જતું હતું. આમ કરતાં કેટલોક કાળ વીત્યા બાદ તેની પીઠના ઘસારા વડે પેલો પત્થરનો સ્તંભ લીસો થઈ ગયો. એવામાં તે માર્ગે એક ચિતારો અને તેની સાથે બીજો ચિત્રને કોરનારો બન્ને જણા આવ્યા. ચિતારાએ તે પત્થરને ઘણો લીસો જોઈ તે ઉપર પાર્વતીની મૂતિર્ આલેખી. ચિત્રને કોરનારાએ પણ ટાંકણાં વગેરે હથીઆરવતી તે મૂતિર્ને રમત માત્રમાં કોરી કાઢી. પછી ચિતારો અને કોતરકામ કરનાર બન્ને જણા ત્યાંથી ચાલ્યા ગયા. એટલામાં ત્યાં એક વિદ્યાધરની કન્યા, મહાકાલેશ્વરનું પૂજન કરવા માટે આવી. તેણે સ્તંભમાં પાર્વતીની મૂતિર્ને આલેખેલી દીઠી. આ મૂતિર્ની ઉત્તમ પ્રકારની કારીગરી જોઈ, શંકરનું પૂજન કર્યા પછી તે મૂતિર્માં પાર્વતીનો આવિર્ભાવ માની, તેનું પણ પૂજન કર્યું અને વિશ્રામ માટે તે સ્તંભ ઉપર અદૃશ્યરૂપે — મનુષ્યો દેખે નહીં તેમ બેઠી. એવામાં ત્યાં પેલો વાણીઆનો છોકરો નિશ્ચયદત્ત આવ્યો. તે પણ પત્થરના સ્તંભમાં આલેખેલું, પાર્વતીનું ચિત્ર જોઈ આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના અંગમાં ચંદન લગાડ્યું અને તે સ્તંભમાં જ્યાં ચિત્ર હતું તે સ્થાન છોડી બીજી તરફ ચંદન લગાડી, તેને પીઠ લગાડીને જ્યાં ઘસવાનો આરંભ કરે છે, ત્યાં તે તરુણને નીરખી, તે સ્તંભની અંદર રહેલી ચંચળનેત્રા વિદ્યાધરની કન્યાનું મન તેના ઉપર મોહિત થઈ ગયું. તે વિચાર કરવા લાગી કે ‘અરે આ આવો રૂપાળો છે, છતાં પણ કોઈ તેની પીઠ ઉપર ચંદન લગાડનાર નથી. વાહ! વાહ! લાવ, આજ હું પોતે તેની પીઠને ચંદન લગાડું.’ આવો વિચાર કરી તે વિદ્યાધરી તે વખતે પેલા સ્તંભમાંથી હાથને લાંબો કરી, તે તરુણ વાણીઆની પીઠ ઉપર ચંદન અર્ચવા લાગી. તે કન્યાના હાથનો સ્પર્શ થવાથી અને તેણે હાથમાં પહેરેલાં કંકણનો ખણખણાટ સાંભળી વાણીઆના છોકરાએ પોતાના હાથવતી તેના હાથને પકડી લીધો; ત્યારે તે વિદ્યાધરી સ્તંભમાં અદૃશ્ય રહીને બોલી: ‘અહો મહાભાગ! મારો હાથ શા માટે પકડે છે? છોડી દે. મેં તારો શો અપરાધ કર્યો છે?’ નિશ્ચયદત્તે તેને પ્રત્યુત્તરમાં કહ્યું, ‘તું કોણ છે તે પ્રસિદ્ધ થઈને મને જણાવ. ત્યાર પછી હું તારા હાથને છોડીશ.’ તે વિદ્યાધરીએ પ્રતિજ્ઞા લઈ કહ્યું, ‘હું પ્રત્યક્ષ થઈને તને સર્વ બાબત જણાવું છું. મારો હાથ મૂકી દે.’ પછી પેલા વાણીઆના છોકરાએ તેનો હાથ મૂકી દીધો. ત્યાર બાદ તે સ્ત્રી અનુપમ સ્વરૂપ સૌંદર્ય ધારણ કરી, પત્થરના સ્તંભમાંથી બહાર નીકળી તેની પાસે બેઠી અને તે વાણીઆના છોકરાના મુખ તરફ નજર કરીને બોલી:

‘હિમાચલ પર્વત ઉપર પુષ્કરાવતી નામની એક નગરી છે. તેના ઉપર વિન્ધ્યધર નામનો એક વિદ્યાધરનો રાજા રહે છે. તેની હું પુત્રી છું. મારું નામ અનુરાગપરા છે. મારાં લગ્ન હજુ થયાં નથી. અહીં મહાકાલેશ્વરનું પૂજન કરવા માટે આવી હતી અને હમણાં આ પત્થર ઉપર વિશ્રામ લેતી હતી એવામાં તું અહીં આવી આ સ્તંભ ઉપર ચંદન લગાવીને વાંસો ઘસવા લાગ્યો. અને કામના વશીકરણ મોહનાસ્ત્ર જેવો તું મારી દૃષ્ટિએ પડ્યો. પ્રથમ તો તારાં દર્શનથી મારું અંત:કરણ પ્રેમ વડે રંગાયું અને પછી તારી પીઠ ઉપર ચંદન લગાડવાથી મારો હસ્ત રંગાયો છે. એ પછી જે કંઈ બન્યું તે તો તારા જાણવામાં છે. હવે હું મારા પિતાને ઘેર જઈશ.’

જ્યારે તે વિદ્યાધરી એ પ્રમાણે બોલી રહી, ત્યારે પેલો વાણીઆનો છોકરો બોલ્યો: ‘અરે નિર્દય સ્ત્રી! મેં તેં કહ્યું તે સર્વ સ્વીકાર્યું, પણ જેણે તારા અંત:કરણને વશ કરેલું છે — મોહિત કર્યું છે અને જે મારા કબજામાં નથી, તે મને આપ્યા વગર હવે તું આવી રીતે મારા મનને મોહ ઉપજાવી વશ કરી કેમ જઈ શકીશ? અર્થાત્ મારા મનને તારા મોહપાશમાંથી મુક્ત કર્યા વગર ચાલ્યા જવાશે નહીં.’ તે વાણીઆના છોકરાનું આવું બોલવું સાંભળી, અનુરાગપરા, મોહથી પરાધીન બની ગઈ. તે બોલી: ‘પ્રાણનાથ! જો તમે અમારી નગરીમાં આવશો તો હું તમારી મરજી પ્રમાણે તમારી સાથે વર્તીશ. તમારાથી ત્યાં આવી શકાય તેમ છે. વળી તમારા મનની ઇચ્છા પણ પાર પડશે, કારણ કે

નિશ્ચય મનવાળા જનો, દુષ્કર કર્મ અનેક,

વેઠી દુઃખ નિજ કામને, પૂર્ણ કરે છે છેક.

આટલું કહી અનુરાગપરા આકાશમાં ઊડીને ચાલી ગઈ અને નિશ્ચયદત્ત પણ મનમાં તેનું સ્મરણ કરતો કરતો પોતાને ઘેર ગયો. ઘરમાં બેસીને તે સ્ત્રીને સંભારતો આમ વિચાર કરવા લાગ્યો: ‘હાય હાય! મને ધિક્કાર છે કે મેં ઝાડમાંથી જેમ નવાં પલ્લવ ફૂટે છે તેમ સ્તંભમાંથી નવો કરપલ્લવ નીકળ્યો તેને પકડ્યા છતાં તેની સાથે પાણિગ્રહણ-વિવાહ કર્યો નહીં. હવે પુષ્કરાવતી નગરીમાં, જ્યાં તે કન્યા રહે છે ત્યાં તેની પાસે જાઉં. પછી કાં તો પ્રાણનો નાશ કરું છું કે કાં તો મને નસીબ સહાય કરે છે, તે જોઉં છું.’ આવા વિચારમાં તલ્લીન તે કામપીડિત તે વાણીઆએ તે દિવસ તો ગાળી કાઢ્યો. બીજે દિવસે પ્રભાતમાં ઉત્તર દિશા તરફ મુખ કરી તેણે ચાલવા માંડ્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને બીજા ત્રણ જણાનો સથવારો મળ્યો. તેઓ પણ ઉત્તર દિશાના દેશમાં જનારા હતા. પેલો વાણીઆનો છોકરો તેઓની સાથે નગર, ગ્રામ, જંગલ અને નદીઓ ઓળંગતો ઓળંગતો, ક્રમે ક્રમે જ્યાં ઘણા મ્લેચ્છ લોકો વસતા હતા એવી ઉત્તર-દિશાની જમીનમાં જઈ પહોંચ્યો. એ દેશમાં માર્ગ ઉપર ચાલ્યા જતા હતા, એવામાં તાજક નામના મ્લેચ્છ લોકો તેમને મળ્યા. તેણે તેમને કેદ કરીને બીજા તાજકને ત્યાં અમુક કિંમતમાં વેચ્યા. જેણે તે વાણીઆને વેચાતો લીધો હતો, તેણે મુરવાર નામના તુરુષ્ક જાતિના માણસને ભેટ આપવા માટે ચાકરના હાથમાં સોંપી દીધો. બીજા ત્રણ સાથી સાથે તે વાણીઆના છોકરાને, તેના નોકરો લઈ ત્યાં ગયા, તો ત્યાંથી ખબર મળી કે મુરવાર તો મરી ગયો! પછી તેના છોકરાને તે ગુલામો ભેટ કર્યા. મુરવારના છોકરાએ મનમાં વિચાર કર્યો કે, મારા પિતાના મિત્રે આ ભેટ મારા પિતાને મોકલી છે, માટે તેને પિતાની પાસે મોકલાવા માટે મારે એ સર્વેને કાલે સવારે પિતાની ઘોરની અંદર નાંખી દેવા એ ઠીક છે. આવો વિચાર કરી તે તુરુષ્કે, સાથે આવેલા ચારે જણાને બેડીથી મજબૂત બાંધી તે રાત્રે કેદમાં રાખ્યા. રાત્રે કેદમાં પડેલા ત્રણ વાણીઆના છોકરા, મરણના ભયથી ડરીને ખેદ કરવા લાગ્યા. તેને નિશ્ચયદત્ત કહેવા લાગ્યો; ‘તમે ખેદ કરશો તેનાથી તમને કંઈ સિદ્ધિ થવાની નથી. ધીરજ ધરીને રહો; કારણ કે ધીર વીર પુરુષથી દુઃખ પણ ડરી દૂર રહેલું હોય તેમ જાણવામાં આવે છે. હાલ તો આપત્તિમાંથી બચાવનારી એક ભગવતી દુર્ગાનું સ્મરણ કરો.’

આમ તેઓને ધીરજ આપી પોતે દેવીની સ્તુતિ કરવા લાગ્યો: ‘હે દેવિ! તમને નમસ્કાર હો! તમારા અળતાથી રંગેલા ચરણમાં પ્રણામ કરું છું કે જે ચરણ કચરી નાખેલા અસુરના લોહીનો ગારો લાગેલો હોય એવા જણાય છે. તમે શિવની પણ શક્તિરૂપ છો. જગતમાં ઐશ્વર્ય આપનારાં તમે સર્વનો વિજય કર્યો છે. તમારી શક્તિથી સંયુક્ત થયેલું ત્રિભુવન ક્રીડા કરે છે. હે મહિષાસુરમદિર્ની! તમે મનુષ્યોનું રક્ષણ કર્યું છે, તો હે ભક્તવત્સલે! મારી શરણાગતની રક્ષા કરો.’

આવી રીતે પોતાના સહચરોની સાથે મહિષાસુરમદિર્નીની સ્તુતિ કર્યા પછી, થાકી ગયેલો નિશ્ચયદત્ત ઝટ નિદ્રાવશ થઈ ગયો. સ્વપ્નમાં તેને અને બીજા તેની સાથે હતા તે સર્વેને દેવીએ આજ્ઞા કરી કે: ‘પુત્રો, ઊઠો અને ચાલ્યા જાઓ, કારણ કે તમારું બંધન તૂટી ગયું છે.’ આ રીતે દેવીની આજ્ઞા થતાં જ, રાત્રિમાં તે સર્વ ઊઠ્યા અને જુવે છે તો ત્રણેનાં બંધન કપાઈ ગયાં હતાં. પછી પરસ્પર સ્વપ્નની કથા જણાવી ખુશ થતા થતા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ઘણા દૂર માર્ગ ઉપર ગયા પછી રાત્રિ વીતી ગઈ, સવાર પડ્યું; એટલે બીજા વાણીઆના છોકરાઓ, જેણે દુઃખ વેઠ્યું હતું તે નિશ્ચયદત્તને કહેવા લાગ્યા: ‘ હે મિત્ર! આ દિશામાં ઘણા મલેચ્છો રહે છે; તેને લીધે આ દિશામાં અમે નહીં આવીએ, અમે દક્ષિણ દિશા તરફ જઈએ છીએ, તું તારી ઇચ્છા પ્રમાણે કર.’ આમ તે વાણીઆઓએ કહ્યું, એટલે પોતાની ઇચ્છેલી દિશામાં જવા માટે તેઓની રજા માગી નિશ્ચયદત્ત એકલો ઉત્તર દિશાનો આશ્રય કરીને ઉતાવળો, ઉતાવળો તે તરફ ચાલવા લાગ્યો; કારણ કે અનુરાગપરાના પ્રેમપાશમાં બંધાવાથી તેની બુદ્ધિ નાશ પામી હતી. માર્ગમાં ક્રમે ક્રમે ચાલતાં તેને ચાર મોટા વ્રતધારી મળ્યા. તે ચાર જણાની સાથે તેઓ વિતસ્તા નામની નદી ઊતરી ગયા. ઊતર્યા પછી ભોજન કરી, સૂર્ય અસ્ત થવાનો સમય થયો એટલે તેઓની જ સાથે તે માર્ગમાં ચાલવા લાગ્યો; એવામાં તે માર્ગેર્ એક વન આવ્યું, તેમાં તે પેઠી. વન આગળ ગયા ત્યાં કેટલાએક લાકડાના ભારા ઉપાડનારા કઠિયારા તેઓને મળ્યા; તે બોલ્યા, અરે વટેમાર્ગુઓ! ‘દિવસ અસ્ત થયા પછી ક્યાં જાઓ છો? આગળ કોઈ પણ ગામ નથી, આ વનમાં એક ઉજ્જડ શિવ મંદિર છે. જે મનુષ્ય તે મંદિરની અંદર કે બહાર ઉતારો કરીને રહે છે, તેને શૃંગોત્પાદિની નામની યક્ષિણી પ્રથમ શંગિડાં ઉપજાવી, પશુ બનાવી, મોહ પમાડીને ખાઈ જાય છે.’ આટલું સાંભળ્યા છતાં પણ તે ચારે મહાવ્રતધારીઓ, તેની દરકાર કર્યા વગર નિશ્ચયદત્તને કહેવા લાગ્યા; ‘ચાલ, ચાલ તે રાંડ યક્ષિણી આપણને શું કરશે? કારણ કે અમે જુદા જુદા સ્મશાનમાં રાત્રિઓ રહ્યા છીએ.’ એવાં વચન સાંભળી નિશ્ચયદત્ત તેઓની સાથે ચાલવા માંડ્યો. આગળ ચાલતાં ગાઢ વનમાં એક શિવાલય આવ્યું એટલે રાત્રિ ગાળવા માટે તે ચારે દેવમંદિરની અંદર ગયા. તે દેવમંદિરના આંગણામાં તેઓએ રાખનું એક મોટું મંડળ કરી, ‘તે અમને શું કરનારી છે’ એમ કહી લાકડાનો અગ્નિ સળગાવ્યો અને ધીર નિશ્ચયદત્ત તથા બીજા સર્વે વ્રતધારીઓ, તે મંડળમાં બેસી પોતાની રક્ષા માટે મંત્ર જપવા લાગ્યા.

જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે પેલી શૃંગોત્પાદિની યક્ષિણી, નૃત્ય કરતી અને હાડકાની કિન્નરી વગાડતી ત્યાં આવી; અને મંડળની બહાર ઊભી રહી, પછી તે ચાર વ્રતધારીમાંથી એક વ્રતધારી તરફ નજર કરી નૃત્ય કરવા લાગી અને મંત્ર ભણવા લાગી. તેના મંત્રથી તે મહાવ્રતધારીને શંગિડાં ઉત્પન્ન થયાં અને તે મોહ પામીને ઊભો થઈ નાચ કરવા લાગ્યો, જોતજોતાંમાં બળતા અગ્નિમાં જઈ પડ્યો. પછી શૃંગોત્પાદિની નામની યક્ષિણી, અગ્નિમાં પડેલા અને અર્ધ બળેલા તે પુરુષને અગ્નિમાંથી બહાર ખેંચીને બીજા વ્રતધારીના દેખતાં ખાઈ ગઈ. આવી રીતે યક્ષિણી મહાવ્રતધારીઓને એક પછી એક મોહિત કરી શંગિડાંવાળા કરીને ખાઈ ગઈ. ચોથા વ્રતધારીએ દૈવયોગમાં તે કિન્નરી વાદિત્રને ઉપાડી વગાડવા લાગ્યો, નાચવા લાગ્યો, હસવા લાગ્યો અને ભમવા લાગ્યો; અને તે યક્ષિણીના મુખ સામી નજર કરી, સાંભળવાથી આવડી ગયલા શૃંગોત્પાદન નામના મંત્રને વારંવાર ભણવા લાગ્યો. તે યક્ષિણી તે પ્રયોગના પ્રતાપથી પરાધીન બની ગઈ અને પોતાનું મૃત્યુ થશે એમ શંકા કરવા લાગી. તેને શંગિડાં ઊગવાને તૈયાર થયાં એટલે તે ગદ્ગદિત થઈને બોલી: ‘હે મહાપરાક્રમી! તું આ નિરાધાર સ્ત્રીનું રક્ષણ કર. આ વખતે મારું શરણ તું છે. રે રે! ઓ ઓ! મંત્રનો પાઠ કરવા વગેરે કર્મ બંધ કર. હું તારા મનની ઇચ્છા સર્વ જાણું છું; અને તે પૂરી કરીશ. જ્યાં અનુરાગપરા છે, ત્યાં તને લઈ જાઉં છું. ચાલ.’ આવી રીતે તે સ્ત્રીએ પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું એટલે ધીર નિશ્ચયદત્તે ‘ઠીક છે’ એમ કહી મંત્રપાઠ વગેરે ભણવું બંધ કરી તે યક્ષિણીના કહેવાથી તેની કાંધ ઉપર બેઠો. તે યક્ષિણી આકાશ માર્ગે ઊડી અને તેને અનુરાગપરા નામની તેની પ્રિયા પાસે લઈ ગઈ. રાત્રિ પૂર્ણ થઈ ને પ્રભાત થયું. એવામાં એક પર્વતનું વન આવ્યું એટલે યક્ષિણી નમ્રતાથી નિશ્ચયદત્તને વિનંતિ કરવા લાગી: ‘મહારાજ! સૂર્યોદય થયા પછી હવે મારામાં ઉપર જવાની શક્તિ રહેતી નથી. માટે આ રમણીય વનમાં સ્વાદિષ્ટ ફળો ખાઓ, શીતળ ઝરણાનું જળ પીઓ અને આજનો દિવસ અહીં ગાળી કહાડો. હું મારા રહેઠાણ ઉપર જઈશ અને જ્યારે રાત્રિ પડશે ત્યારે પાછી આવીશ. તે જ વખતે તમને હિમાચળના મસ્તકના મુકુટ રૂપ પુષ્કરાવતી નગરીમાં અનુરાગપરાની પાસે લઈ જઈશ.’ આટલું કહી કાંધ ઉપરથી તેને ઉતારી ફરી આવવાની સત્ય પ્રતિજ્ઞા કરી તેની રજા માગીને તે ચાલી ગઈ.