ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/શક્તિમતીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શક્તિમતીની કથા

સાસુજી, અમારા દેશમાં ગામની અંદર મણિભદ્ર નામના એક પ્રતાપી યક્ષનું પૂર્વજોએ સ્થાપેલું મંદિર છે. તે યક્ષની માનતા ઘણી ચાલતી હતી. ત્યાંનાં માણસો મનવાંછિત સિદ્ધિ થવા સારુ તેને બલિદાન દેતાં હતાં. જે નર ત્યાં પરસ્ત્રી સાથે જાય તેને તે યક્ષના મંદિરના અંદરના ઓરડામાં રાખવામાં આવતો હતો. સવારમાં તે જ સ્ત્રીની સાથે રાજાની કચેરીએ લઈ જઈ, તેની વર્તણૂક પ્રગટ કરી દંડ દેવામાં આવતો હતો. એક દિવસ રાત્રે સમુદ્રદત્ત નામનો વાણીઓ પરસ્ત્રી સાથે ત્યાં આવ્યો, અને તે વાતની કોટવાળને ખબર પડી; એટલે તેને પકડી પરસ્ત્રી સાથે મણિભદ્રના મંદિરમાં પૂરી દીધો અને ભોગળ દઈ બારણાનો બંદોબસ્ત કર્યો. તે વખતે તે વાણીઆની સ્ત્રી મહા બુદ્ધિશાળી અને પવિત્ર શક્તિમતી નામની હતી. તેના જાણવામાં તે હકીકત આવી. ત્યારે ધીરજ રાખી બીજું રૂપ લઈ તે મણિભદ્રના મંદિરમાં રાત્રિ વખતે પૂજા લઈ સખીની સાથે તે સ્થાનમાં ગઈ. દક્ષિણાને લોભે તેનો પૂજારી આવ્યો, અને તેણે કોટવાળની રજા લઈને તે બાઈને અંદર દાખલ થવા દીધી. તે પેસીને જુવે છે, તો પરસ્ત્રીની સાથે પોતાનો પતિ ઉદાસ થએલો બેઠો છે, તેને જોઈ તેણીએ પેલી સ્ત્રીને પોતાનો વેષ પહેરાવીને કહ્યું; ‘તું અહીંથી ચાલી જા.’ ત્યારે તે સ્ત્રી પણ શક્તિમતીના વેષમાં જ દાસી સાથે ચાલી ગઈ. તેથી કોઈએ તેનું નામ પણ ન લીધું. શક્તિમતી પોતાના ભરથાર સાથે આખી રાત્રિ ત્યાં રહી, પ્રભાત થતાં રાજાના અધિકારી જ્યાં આવી જુવે છે તો પોતાની સ્ત્રીની સાથે વાણીઓ ત્યાં બેઠો છે. આ વાત જાણી મૃત્યુના મુખ સરખા યક્ષના ઘરમાંથી તે વાણીઆને છોડાવ્યો અને કોટવાળને દંડ કર્યો.

આ પ્રમાણે શક્તિમતીએ પોતાના પતિની રક્ષા કરી હતી. હું પણ તેવી જ યુક્તિપ્રયુક્તિ કરી, પતિની રક્ષા કરીશ.’ એવી રીતે એકાંતમાં તપસ્વિની દેવસ્મિતાએ સાસુને કહ્યું. સાસુએ જ્યારે તે વાત માન્ય રાખી ત્યારે પોતાની દાસીઓની સાથે વાણીઆનો વેષ ધારણ કર્યો અને વેપારનું મિષ કરી તે વહાણમાં બેસી, જ્યાં પોતાનો પતિ છે, તે કટાહ દ્વીપમાં જઈ પહોંચી. ત્યાં જઈ જુવે છે તો મૂતિર્ ધારણ કરનાર સમાશ્વાસ સરખા પતિ ગુહસેનને વાણીઆઓની વચમાં જોયો. તેણે પણ પોતાની જાતનો પોતાની સ્ત્રી સરખો આ વાણીઓ કોણ છે, તેમ છેટેથી જ જોઈ; જાણે પાન કરતો તેમ એકી નજરે જોવા માંડ્યું. પછી દેવસ્મિતાએ ત્યાં રાજા પાસે જઈ ફરિયાદ કરી, અને કહ્યું કે, હું અરજ ગુજારું છું કે, ‘સર્વ પ્રજાને એકઠી કરો.’ આ વાત સાંભળી રાજાને કૌતુક થયું અને સર્વ પ્રજા એકઠી કરી. પછી રાજાએ પૂછ્યું કે ‘શંુ તારી અરજ છે? જે હોય તે કહે.’ ત્યારે દેવસ્મિતા બોલી, ‘આ પ્રજાની વચમાં મારા ચાર ગુલામ નાસી આવ્યા છે તેઓને આપ મારે સ્વાધીન કરો.’ ત્યારે રાજાએ તેને કહ્યું કે, ‘આ સર્વે ગામની વસ્તી તારી સમક્ષ ઊભી છે, તે સર્વમાંથી તારા ગુલામને તું ઓળખી કાઢ, અને લઈ જા.’ આવો રાજાનો હુકમ થતાં જ શક્તિમતીએ પેલા ચાર વાણીઆના છોકરા કે જેને પોતાને ઘેરથી બેહાલ કરી કાઢ્યા હતા, અને જેના માથા ઉપરનો પાટો હજુ ખસ્યો નહોતો, તેમને પકડી લીધા. ત્યારે ત્યાં ઊભેલા મહાજને કહ્યું, ‘આ તો શેઠીઆના છોકરા છે, આ તે તારા ગુલામ ક્યાંથી થયા?’ એવી રીતે ક્રોધે ભરાઈને કહ્યું. ત્યારે તેણીએ જવાબ આપ્યો કે ‘જે વાત હું કહું છું તે પર તમને ભરોસો ન હોય તો એઓનાં કપાળ જુઓ, તેની ઉપર મેં કૂતરાના પગની નિશાની પાડેલી છે.’ આ કહેવું સર્વેએ કબૂલ રાખ્યંુ અને એ ચારેના માથા ઉપરના પાટા છોડ્યા, ત્યારે તેઓના કપાળમાં કૂતરાના પગનો ડામ સર્વ મનુષ્યોના જોવામાં આવ્યો. આ જોઈ આખું વાણીઆનું મહાજન લજ્જા પામ્યું, અને તે જોઈ રાજાના મનમાં કૌતુક થયું અને તે દેવસ્મિતાને પોતે પૂછવા લાગ્યો કે ‘આ તે શું થયું છે તે કહે.’ ત્યારે તેણે જેવી હતી તેવી સઘળી વાત કહી. તે સાંભળી સઘળા લોકો હસવા લાગ્યા. રાજાએ કહ્યું, ‘ખરેખર એ તારા ગુલામ છે, જા લઈ જા.’ આ હુકમ ઉપરથી તે શહેરનું મહાજન ભેગું થયું, અને તેમને છોડાવવાનો વિચાર કરી, તે સતી સ્ત્રીને ઘણું ધન આપ્યું અને રાજાને દંડ આપી ગુલામગીરીમાંથી તેઓને મુક્ત કીધા. સર્વજનોનો સત્કાર કરેલી દેવસ્મિતા તે ધન લઈ, પોતાના પતિને પામી, પોતાની ફ્રી તામ્રલિપ્તિમાં પાછી આવી અને ત્યાર પછી તેને પતિની સાથે વિયોગ ન થયો.