ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/ભવશર્માએ કહેલી કથા


ભવશર્માએ કહેલી કથા

‘કાશી નગરીમાં એક તરુણ અને સ્વરૂપવાન સોમદા નામની બ્રાહ્મણી રહે છે. તે છાની રીતે યોગવિદ્યા જાણે છે. તે સ્ત્રી સાથે મારે દૈવવશથી એકાંતમાં સમાગમ થયો. તે સમાગમથી ધીરે ધીરે તે સ્ત્રી ઉપર મારી પ્રીતિ વધતી ગઈ. એક દિવસે તે સ્ત્રીએ અન્ય તરફ જોયું, તેથી મને ઈર્ષ્યા આવી. પછી મેં તેને ઇચ્છા પ્રમાણે સજ્જડ ઠપકો દીધો. આ વખતે તે ક્રૂર સ્ત્રીએ પોતાનો ગુસ્સો ગુપ્ત રાખી મારા મારને સહન કર્યો. બીજે દિવસે તે સ્ત્રીએ પ્રેમક્રીડાનું બહાનું કાઢી મારા ગળામાં દોરો બાંધી દીધો એટલે હું એક ગરીબ બળદ બની ગયો. હું બળદ બની ગયો પછી, તે સ્ત્રીએ ઊંટ ઉપર આજીવિકા ચલાવનારા ગરીબ ઊંટવાળાને ત્યાં મને મનમાની કિંમત લઈને વેચ્યો. એ ઊંટવાળો મારા ઉપર ભાર ભરતો. તેનાથી હું અત્યંત કષ્ટ પામતો હતો. નસીબ સંજોગે એક વખત આ નગરીમાં રહેનારી બંધમોચનિકા નામની યોગિનીએ મને દુઃખી થતો જોયો, અને જોતાં વાર જ તે સમજી ગઈ કે આને સોમદાએ પશુ બનાવ્યો છે! પછી મારો ધણી દેખે નહીં તેમ, તે સ્ત્રીએ મારા કંઠમાંથી દોરો છોડી નાખ્યો; એટલે હું મનુષ્ય થઈ ગયો. મારો ઉપરી ઊંટવાળો મને નાસી ગયેલો જાણી, ઝટ જોવા લાગ્યો અને ચારે તરફ દોડવા લાગ્યો. હું બંધમોચિનિકા સાથે જતો હતો, એવામાં દૈવયોગે તે દુષ્ટ સોમદાએ મને છેટેથી દીઠો, ત્યારે તે ક્રોધથી બળવા લાગી અને તે જ્ઞાનવાળી બંધમોચનિકાએ કહ્યું: ‘આ પાપીને તેં પશુપણામાંથી શા માટે છૂટો કર્યો? માણસ શું કામ બનાવ્યો? હે દુરાચારિણી! તને ધિક્કાર છે. આ કુકર્મનું ફળ તને મળશે. કાલે સવારે આ પાપી સહિત હું તારો નાશ કરી નાખીશ.’ આટલું કહી તે સ્ત્રી-મારી એક વારની પ્રિયા ચાલી ગઈ. પછી સિદ્ધ યોગિની, બંધમોચનિકા સોમદાનો નાશ કરવા માટે મને કહેવા લાગી: ‘અલ્યા ભવશર્મન્! આવતી કાલે, તે કાળી ઘોડીનું સ્વરૂપ લઈ મને મારવા આવશે, તે વખતે હું રાતી ઘોડીનું રૂપ ધારણ કરીશ. પછી જ્યારે અમારા બન્નેનું યુદ્ધ ચાલવા માંડે ત્યારે તારે સાવધાન થઈ હાથમાં રાખેલી તરવાર પાછળથી તે સોમદાને મારજે, તરવાર મારવાથી આપણે બે તે સોમદાને ઠાર કરી નાખશું. જા ને તું કાલે સવારે મારે ઘેર આવજે.’ આટલું કહી તે સ્ત્રી મને પોતાનું ઘર બતાવી, તે ઘરની અંદર પેઠી અને જેણે એક જ જન્મનાં અદ્ભુત અનેક જન્મોનો અનુભવ કર્યો હતો તે હું મારે પોતાને ઘેર ગયો.

બીજે દિવસે સવારમાં હાથમાં તરવાર લઈ હું બંધમોચનિકાને ઘેર ગયો. તુરત જ સોમદા કાળી ઘોડીનું રૂપ ધારણ કરી ત્યાં આવી. બંધમોચનિકાએ રાતી ઘોડીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને જણી પરસ્પર ખરી અને દાંતનો પ્રહાર કરીને યુદ્ધ કરવા લાગી. પેલી ક્ષુદ્ર ડાકણને પાછળથી તરવાર મારી અને બંધમોચનિકાએ લાત મારી તેથી સોમદા મરી ગઈ.

આવી રીતે હું પશુપણાથી મુક્ત થઈને નિર્ભય થયો છું અને હવે નઠારી સ્ત્રી સાથે સંબંધ કરવાનું મનમાં પણ વિચારતો નથી. ચપળતા, સાહસિકતા અને મંત્ર-તંત્ર-યંત્રની નીચ ક્રિયા- આ ત્રણ સ્ત્રીઓના દોષ છે, તે ઘણું કરીને ત્રણ જગતને ત્રાસ આપે છે માટે તું બંધુદત્તા ડાકણ પાછળ શા માટે દોડે છે? જેને પોતાના પતિ ઉપર પ્રેમ નથી, તે સ્ત્રીને તારા ઉપર પ્રેમ ક્યાંથી હશે?’

આવી રીતે મારા મિત્ર ભાવશર્માએ મને ઉપદેશ આપીને સમજાવ્યો, તો પણ મેં તેનું કહેવું કર્યું નહીં. તેથી આ દશાને પામ્યો છું. તને પણ મારું કહેવું એ છે કે તુંં અનુરાગપરા માટે ક્લેશ કર મા. જ્યારે તે સ્ત્રીને પોતાની જાતિનો પતિ મળશે, ત્યારે તે અવશ્ય તને છોડી દેશે, મિત્ર! જ્યારે તારો ત્યાગ કરશે ત્યારે તને મારી પેઠે ભારે પશ્ચાત્તાપ થશે. ભમરી જેમ નવાં નવાં પુષ્પની વાંછના રાખે છે, તેમ સ્ત્રી પણ નવા નવા પુરુષ સાથે સમાગમની વાંછના રાખે છે. વાનર થયેલા સોમસ્વામીએ ઘણાં વચન કહ્યાં, પણ નિશ્ચયદત્તનું હૃદય પ્રેમથી પૂર્ણ ભરાયેલું હતું તેથી ત્યાં તેના વચનનો પ્રવેશ થયો નહીં. પછી નિશ્ચયદત્ત બોલ્યો, ‘સોમસ્વામિ! તે કન્યા વિદ્યાધરના રાજાના શુદ્ધ કુળમાં જન્મી છે, માટે તે મારા ઉપર પ્રેમ કરીને અન્ય સંગે વ્યભિચાર કરશે નહીં.’ આમ વાત કરતા હતા એવામાં જાણે પ્રથમ દૂતી આવી હોય તેમ રાત્રિ દેવી પધાર્યાં, રાત્રિ પડી. પછી શૃંગોત્પાદિની યક્ષિણી નિશ્ચયદત્તની નિકટમાં આવી ઊભી રહી. નિશ્ચયદત્તે પ્રિયા પાસે જવા માટે સોમસ્વામી વાનરની રજા માંગી; ત્યારે સોમસ્વામી બોલ્યો: ‘ભાઈ! તું ભલે જા પણ ત્યાં મને સંભારજે.’

મનુષ્ય મટી વાનર બનેલા સોમસ્વામીની રજા લીધા પછી નિશ્ચયદત્ત તે યક્ષિણીની કાંધ ઉપર ચઢી વિદાય થયો. અર્ધ રાત્રિનો સમય થયો એટલે હિમાચળ ઉપર અનુરાગપરાના પિતા વિદ્યાધરના રાજાની, પુષ્કરાવતી નામની નગરીમાં તે આવી પહોંચ્યો. અનુરાગપરાએ પોતાના જ્ઞાનપ્રભાવથી જાણ્યું કે મારો પતિ આવે છે, તેને આવકાર આપવા માટે પોતે નગરીની બહાર આવી પેલી યક્ષિણી અનુરાગપરાને જોઈને મને બતાવવા લાગી અને બોલી: ‘બીજી ચંદ્રમાની મૂતિર્ માફક નેત્રને ઠંડક આપનારી તારી સ્ત્રી આવે છે, માટે હવે હું જાઉં છું.’ આટલું કહી નિશ્ચયદત્તને કાંધ ઉપરથી નીચે ઉતારી, તેને પ્રણામ કરી, ચાલતી થઈ. પછી અનુરાગપરાએ પ્રીતમની પાસે આવી, ઘણા દિવસની ઉત્કંઠાથી ઉતાવળે આલિંગન ચુંબન વગેરે આપી તેને રાજી કર્યો.

નિશ્ચયદત્ત પણ ઘણા કલેશ સહન કર્યા પછી તે સ્ત્રીનો સમાગમ થવાથી ઘણો રાજી થયો અને તે વખતે તેને આલિંગન કરી પોતાના શરીરનું પણ ભાન ભૂલી ગયો, તે કેવળ તન્મય થઈ ગયો. અનુરાગપરાએ ગાંધર્વ વિધિથી તેની સાથે વિવાહ કરી પોતાની વિદ્યા વડે નગર બહાર એક નવું નગર બનાવ્યું. આ નગરમાં નિશ્ચયદત્ત તે સ્ત્રીની સાથે રહેવા લાગ્યો. અનુરાગપરાએ પોતાની વિદ્યાથી માતાપિતાની નજર બાંધી લીધી હતી, તેથી તે નિશ્ચયદત્તને દેખતાં હતાં નહીં. પછી અનુરાગપરાએ પૂછયું, ‘પ્રાણવલ્લભ! તમે અહીં કેવી રીતે આવી શક્યા?’ ત્યારે નિશ્ચયદત્તે તે વિદ્યાધરી આગળ માર્ગમાં જે જે દુઃખો પડ્યાં હતાં તે સઘળાં કહી બતાવ્યાં. તેનાં દુઃખ સાંભળીને તે સ્ત્રી, તેને ઘણો મોટો માનવા લાગી અને ઉત્તમ પ્રકારના વૈભવથી તેની ચાકરી કરવા લાગી. પછી નિશ્ચયદત્તે વિદ્યાધરીની આગળ વાનર થયેલા સોમસ્વામીની અદ્ભુત વાર્તા કહી સંભળાવી, અને પછી બોલ્યો, ‘વ્હાલી! તે મારો મિત્ર છે. તારા કોઈ ઉપાયથી જો તે વાનરના શરીરમાંથી છૂટે તો મેં ને તેં તેનું ભલું કર્યું કહેવાશે.’ નિશ્ચયદત્તે કહ્યું એટલે અનુરાગપરા પણ બોલી,‘આ મંત્રનો વિષય છે ને તે યોગિનીઓનો છે, અમારો એ વિષય નથી. તથાપિ તે વાત તમને ગમતી છે તો હું મારી બહેનપણી ભદ્રરૂપા નામની એક સિદ્ધ યક્ષિણી છે, તેની પ્રાર્થના કરીને આ કામ કરીશ.’ તે સાંભળી તે વાણીઆનો દીકરો પ્રસન્ન થયો અને બોલ્યો, ‘પ્રિયા! ત્યારે તો તું મારા મિત્રનાં દર્શન કરવા માટે ચાલ. આપણે બન્ને તેની પાસે જઈએ.’ પેલી સ્ત્રી બોલી, ‘બહુ સારું.’ બીજે દિવસે નિશ્ચયદત્ત વિદ્યાધરીના ખોળામાં બેસી આકાશમાર્ગે વાનર મિત્રના રહેઠાણવાળા વનમાં ગયો ને વાનરના રૂપમાં રહેલા મિત્રની પાસે જઈ, નિશ્ચયદત્ત અને તેની સ્ત્રીએ પ્રણામ કર્યા: અને તે જ વખતે બન્ને જણાએ કુશળ સમાચાર પૂછ્યા. સોમસ્વામી બોલ્યો: ‘આજ મેં તને અનુરાગપરાની સાથે દીઠો, એ જ તારે મારું કુશળ જાણવું.’ આટલું બોલી નિશ્ચયદત્તને ઘણું માન આપ્યું. અને તેની સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી થા એવો આશીર્વાદ દીધો.

આકાશગામિની વિદ્યા

પછી તે ત્રણે જણાં એક મનોરંજન શિલાતલ ઉપર બેસી વાનરને તે શરીરમાંથી મુકત કરવા માટે અનેક કથા કરવા લાગ્યાં. કથા થઈ રહ્યાં પછી નિશ્ચયદત્તે જવા માટે સ્ત્રી સાથે પ્રથમ વિચાર કર્યો અને ત્યાર પછી વાનરની આજ્ઞા માગી તે વિદ્યાધરીના ખોળામાં બેસી આકાશ માર્ગે પોતાની પ્રિયાને મંદિરે ગયો. બીજો દિવસ થયો એટલે નિશ્ચયદત્ત બોલ્યો: ‘મનમોહના ચાલ, ક્ષણવાર તે વાનર મિત્રની પાસે જઈ આવીએ.’ અનુરાગપરા બોલી: ‘આજ તો મારી પાસેથી ઊંચે ઉડવાની અને નીચે ઊતરવાની વિદ્યા જાણી લઈને તમે પોતે જ તેની પાસે જાઓ.’ નિશ્ચયદત્ત સ્ત્રીનું એ પ્રમાણે કહેવું સાંભળી, તેની પાસેથી બન્ને વિદ્યા ભણી, આકાશમાર્ગે વાનર મિત્ર પાસે ગયો; અને ત્યાં તેની સાથે ઘણી વાર સુધી વાર્તા કરવા લાગ્યો.

આપણી તરફ તેની સ્ત્રી અનુરાગપરા પોતાના મંદિરમાંથી બહાર નીકળી ઉપવનમાં જઈને બેઠી છે. એવામાં દૈવેચ્છાથી એક વિદ્યાધરનો કુમાર, ફરતો ફરતો આકાશમાર્ગે તે ઉપવનમાં આવી ચઢ્યો. તે કુમાર, આ વિદ્યાધરીનાં દર્શન કરતાં વેંત જ કામદેવને અધીન થવાથી પરાધીન બની ગયો. પછી તે વિદ્યાધર સ્ત્રીની નજીક ગયો; અને વિદ્યાથી તપાસ કરતાં જાણ્યું કે, આ વિદ્યાધરીનો પતિ મનુષ્ય જાતિનો છે, દેવજાતિનો નથી. અનુરાગપરા પણ તે નવયુવાન પુરુષને નજીક આવ્યો જોઈ આશ્ચર્ય પામી. પછી પ્રણામ કરી ધીરે ધીરે પ્રશ્ન કરવા લાગી,‘તમે કોણ છો? ને શા માટે અહીં પધારવું થયું છે?’ તે સાંભળીને વિદ્યાધર બોલ્યો: ‘અલિ મુગ્ધે! હું રાજભંજન નામનો વિદ્યાધર છું; અને હું મારી પોતાની વિદ્યા જાણવામાં કુશળ છું. હે હરિણાક્ષિ! તારાં દર્શન કરતી વખતે જ મને કામદેવે સ્વાધીન કરી તને અર્પણ કર્યો છે; અર્થાત્ હું કામ ભોગવવાને કામાતુર તારી પાસે આવ્યો છું તો હે દેવિ! હવે પૃથ્વી ઉપર વસનારા મનુષ્યની સેવા કરવી છોડી દે; અને જ્યાં સુધી આ વાર્તા તારા પિતાના જાણવામાં આવે નહીં ત્યાં સુધી તું મારી સેવા કરી, મોજમઝા ઉઠાવ!’ આવી રીતે તે કુમાર બોલ્યો એટલે ચપળ અંત:રણવાળી તે સ્ત્રી, અર્ધા કટાક્ષવડે પ્રેમ ભરી આંખે તે પુરુષ તરફ જોવા લાગી અને નિશ્ચય કર્યો કે, આ પુરુષ મારા લાયક છે. પછી અનુરાગપરાએ પોતાના અંત:કરણની વાર્તા તે કુમારને જણાવી દીધી અને પરસ્પર પ્રિયા પ્રિતમ બની રહ્યા. જ્યારે એકાંતમાં બે જણાનો મેળાપ થાય છે, ત્યારે કામદેવ બીજું શું ઇચ્છે છે?

તે વિદ્યાધર તો રંગ રમી રમાડી ત્યાંથી ચાલ્યો ગયો અને તે જ વખતે સોમસ્વામી પાસેથી નિશ્ચયદત્ત પાછો આવ્યો. અનુરાગપરા પાસે જ્યારે તે આવ્યો ત્યારે તે ઉદાસ બની બેસી રહી માથું દુઃખવાનું બહાનું કાઢી નિશ્ચયદત્તને આલિંગન વગેરે પણ આપ્યું નહીં. નિશ્ચયદત્ત સ્વભાવે સરલ હતો અને તેના પ્રેમમાં ગાંડો બની ગયો હતો. તેને લીધે તેના ઢોંગને જાણી શક્યો નહીં, પણ તેને બિમાર જાણી, પોતે પણ તે દિવસ દિલગીરીમાં કાઢ્યો. રાત્રિ વીતી ગઈ વહાણું વાયું. પ્રિયાના દુઃખથી દિલગીર થયેલો નિશ્ચયદત્ત, ઊતરવા ને ઊડવાની વિદ્યાના બળથી આકાશમાર્ગે સોમસ્વામી પાસે ગયો. નિશ્ચયદત્ત મિત્ર પાસે ગયો એટલે વળી પેલો વિદ્યાધરનો કામીકુમાર અનુરાગપરાની પાસે આવ્યો, અને તેણે આખી રાત્રિનો વિરહ થવાથી, અતિ ઉત્કંઠિત બનેલી પ્રિયાને કંઠે વળગીને આલિંગન આપી, કામકેલી કરી, પરિશ્રાંત થઈ તે સ્ત્રીના ખોળામાં માથું મૂકી નિદ્રાવશ થઈ ગયો. અનુરાગપરા પણ વિદ્યાના પ્રભાવથી ખોળામાં સૂતેલા પ્રિતમને ગુપ્ત રાખી, રાત્રિનો ઉજાગરો થવાથી પોતે પણ નિદ્રાવશ થઈ ગઈ. આ વખતે નિશ્ચયદત્ત પણ સોમસ્વામી વાનરની પાસે જઈ પહોંચ્યો, તે વાનરમિત્રે તેની આગતાસ્વાગતા કરીને પૂછ્યું, ‘ભાઈ! આજે હું તને ઉદાસીમાં કેમ જોઉં છું, તે કહે.’ નિશ્ચયદત્ત વાનરને કહેવા લાગ્યો, ‘પ્રિય મિત્ર! અનુરાગપરા અત્યંત બિમાર છે, તેને લીધે હું ઉદાસ છું, કારણ કે તે સ્ત્રી મને પ્રાણ કરતાં પણ અધિક વહાલી છે.’

આવાં વચન સાંભળી જ્ઞાની વાનર બોલ્યો, ‘હમણાં તે સ્ત્રી પલાંઠી વાળીને સૂતી છે; માટે તેની આપેલી વિદ્યા વડે તે સૂતેલી સ્ત્રીને આકાશમાર્ગે મારી પાસે લઈ આવ. એટલે હમણાં હું તને એક મોટું આશ્ચર્ય અહીં જ બતાવું!’ તે સાંભળી નિશ્ચયદત્ત આકાશમાર્ગે ગયો અને જોયું તો પોતાની સ્ત્રીને સૂતેલી દીઠી, એટલે તેણે ધીમેથી તે સૂતેલી સ્ત્રીને પોતાના ખોળામાં લઈ લીધી. તે પોતે દિવ્ય દૃષ્ટિ ન હતો, માટે આ વખતે તે સ્ત્રીના અંગમાં લપટાઈ રહેલો વિદ્યાધર તેના જોવામાં આવ્યો નહીં; કારણ કે અનુરાગપરાએ પ્રથમથી નિદ્રાવશ થયેલા વિદ્યાધરને વિદ્યાના બળથી અદૃશ્ય કરી દીધો હતો. પછી નિશ્ચયદત્ત અનુરાગપરાને લઈ આકાશમાર્ગે ઊડી એક ક્ષણમાં સોમસ્વામી વાનરની સમીપમાં તે પ્રિય અંગનાને લઈ આવ્યો. તે વાનરને દિવ્યદૃષ્ટિ હતી કારણ કે તેને યોગનંુ જ્ઞાન હતું, તેથી તેણે વિદ્યાધરીની સર્વે ચેષ્ટા જોઈ. તેણે તે જ વખતે વિદ્યાધરને દીઠો. દેખતાવેંત જ તે બોલી ઊઠ્યો; ‘અરે રે ધિક્કાર છે! આ તે શું?’ આમ તે બોલવા લાગ્યો એટલે તત્ત્વવત્તા તે વાનરે તેને બનેલી સર્વે વાર્તા જણાવી એથી નિશ્ચયદત્તને બહુ ગુસ્સો ચઢ્યો ને ક્રોધનું ફળ મિત્રને બતાવવા ઇચ્છ્યું એવામાં તે વિદ્યાધરીનો-પ્રીતમ પેલો વિદ્યાધર જાગ્યો, અને આકાશમાં ઊડી અંતર્ધાન થઈ ગયો. અનુરાગપરા પણ તે વખતે જાગૃત થઈ ગઈ; અને પોતાની ગુપ્ત વાત ખુલ્લી પડી જાણી, લજ્જાથી નીચું મુખ કરીને બેઠી થઈ ગઈ. આ જોઈ નિશ્ચયદત્તના નેત્રમાંથી ચોધાર અશ્રુઓ પડવાં લાગ્યાં અને તે બોલ્યો; ‘અફસોસ અફસોસ! અરે પાપિણી! હું તારા ઉપર વિશ્વાસ રાખતો હતો; છતાં તેં આવી રીતે મને છેતર્યો! ધિક્કાર! અતિ ચંચળ પારાને બાંધવાની યુક્તિઓ શાસ્ત્રમાં છે, પરંતુ નવીન ચંચળ મનની સ્ત્રીને તાબે કરવાને વાસ્તે કોઈ યુક્તિ નથી.’

આવી રીતે તેણે તેને ઠપકો આપ્યો, એટલે અનુરાગપરા કંઈ ઉત્તર આપ્યા વગર રુદન કરતી આકાશમાં ઊડીને હળવે હળવે પોતાને ઘેર ચાલી ગઈ. પછી વાનર મિત્રે નિશ્ચયદત્તને કહ્યું, ‘મેં તને વાર્યો હતો, છતાં પણ તું જે સ્ત્રીની પાછળ દોડ્યો તે સખ્ત પ્રેમાગ્નિનું ફળ એ જ કે હમણાં તું હાય હાય કરે છે. સંપત્તિનો અને સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ છે, માટે તેનો વિશ્વાસ શો? તેને જતાં વાર લાગતી નથી. માટે તું પશ્ચાત્તાપ દૂર કર, શાંતિ પકડ. નસીબમાં જે થવાનું હોય તે બ્રહ્માથી પણ ફેરવી શકાતું નથી.’

તે વાનર પાસેથી આ પ્રમાણેના જ્ઞાનવચન સાંભળી, નિશ્ચયદત્ત શોક અને મોહનો ત્યાગ કરી, સંસાર ઉપર વિરાગ બુદ્ધિ લાવી, તે વનમાં રહી શંકરને શરણે થયો અને તે વણિકપુત્ર વનમાં વાનર મિત્રની સાથે રહેવા લાગ્યો હતો એવામાં દૈવેચ્છાથી તેની પાસે મોક્ષદા નામની એક તાપસી આવી. પ્રણામ કરનાર નિશ્ચયદત્તને જોઈ ક્રમવાર પૂછવા લાગી, ‘તારો આ મિત્ર મનુષ્ય હોવા છતાં, વાનર કેમ બની ગયો તે મને આશ્ચર્ય લાગે છે.’ નિશ્ચયદત્તે તે તાપસીને પ્રથમ પોતાનું ચરિત્ર કહી બતાવ્યું; અને ત્યાર પછી પોતાના મિત્રનું ચરિત્ર કહી બતાવ્યું; અને પછી તેની પાસે દીનતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે: ‘હે માતાજી! જો તમે પ્રયોગ અથવા તો મંત્ર જાણતાં હો, તો હમણાં આ મારા ભલું ઇચ્છનારા સન્મિત્રને વાનરપણામાંથી મુક્ત કરો.’ તે સાંભળી તે તાપસી બોલી, ‘બહુ સારું; અને તેણે તુરત વાનરના કંઠમાંથી મંત્રની યુક્તિ વડે દોરાને છોડી નાખ્યો, એટલે સોમસ્વામી, વાનરની આકૃતિનો ત્યાગ કરી પ્રથમની માફક મનુષ્ય બની ગયો. તુરત જ તે દિવ્ય પ્રતાપવાળી સ્ત્રી વીજળીની પેઠે એકદમ અદૃશ્ય થઈ ગઈ. પછી સોમસ્વામી તથા નિશ્ચયદત્ત બન્ને જણા તે વનમાં ઘણું તપ કરી, કાળે કરી ઈશ્વરના લોકમાં ગયા, આવી રીતે સ્ત્રીઓ સ્વભાવથી ચપળ છે અને ઘણાં દુરાચરણ કરી વિવેકનો નાશ કરે છે. એ સ્ત્રીઓમાં કેટલીક સ્ત્રીઓ સદાચરણી પણ હોય છે. નવી ચંદ્રની લેખા વિશાળ આકાશને જેમ શોભા આપે છે, તેમ એ સદાચરણી નારીઓ વિશાળ કુળને શોભા આપે છે.