ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/રાજી કનકવર્ષની કથા


રાજી કનકવર્ષની કથા

પ્રાચીન કાળમાં ગંગા નદીના કિનારા ઉપર કનકપુર નામનું એક ભવ્ય નગર હતું. ગંગાના પવિત્ર જળના સ્પર્શ વડે આ નગર પવિત્ર થતું હતું. અને રૂડા રાજાને કારણે ઘણું રમણીય દેખાતું હતું. તે નગરમાં કવિઓની વાણીમાં બંધ હતો, જો પત્રોમાં છેદ દેખાતો હતો તો શણગાર માટેનાં પાંદડાંમાં હતો, ભંગ હતો તો નારીઓના કેશમાં, વચન કે પ્રતિજ્ઞામાં નહીં; ધાન્ય સંગ્રહમાં ખલ હતો, પ્રજામાં નહીં. આ નગરનો રાજા કનકવર્ષ મહાયશસ્વી હતો, તે નાગરાજ વાસુકિના પુત્ર પ્રિયદર્શનની રાજકુમારી યશોધરાનો પુત્ર હતો, તે સમસ્ત ધરતીનો ભાર સહન કરવા છતાં અશેષ હતો. રાજા કનકવર્ષ યશનો લોભી હતો, ધનનો નહીં; પાપથી ડરતો હતો, શત્રુઓથી નહીં; બીજાઓની નિંદા કરવામાં મૂર્ખ હતો, શાસ્ત્રોમાં નહીં; તે રાજાના ક્રોધમાં સંકોચ હતો, પણ કૃપા કરવામાં તો તે ઉદાર હતો. તેની મૂઠી ધનુષ્યમાં બાંધેલી રહેતી હતી, દાનમાં નહીં; આ આશ્ચર્યજનક સુંદર અને સંસારની રક્ષા કરનારા રાજાને જોતાંવેંત સુંદરીઓ કામવિહ્વળ થઈ જતી હતી.

એક વખત શરદઋતુ બેઠી, તે સમયે સખત તાપ પડવા લાગ્યો. હાથીઓ અને ઉન્મત્ત રાજપુત્રો પોતાના કુટુંબ સહિત આનંદમાં આવી ગયા. તેમ જ પ્રજા માત્ર ઉત્સવ કરીને આનંદમાં આવી ગઈ. આ ઉપરથી રાજાના સઘળા ગુણ ધારણ કરનાર એવી શરદઋતુમાં રાજા કનકવર્ષ વિહાર કરવા માટે ચિત્રપ્રાસાદમાં ગયો, તે મહેલમાં કમલના પરાગવાળો મંદ મંદ શીતલ પવન વાતો હતો. એ ચિત્રપ્રાસાદમાં રાજા એક ચિત્રને સારી રીતે જોઈ રહ્યો હતો અને તેની પ્રશંસા કરી રહ્યો હતો ત્યારે પ્રતિહારે આવીને જણાવ્યું ‘મહારાજ, વિદર્ભ દેશથી એક અપૂર્વ ચિત્રકાર આવ્યો છે અને તે પોતાને ચિત્રકળામાં અનુપમ તરીકે ઓળખાવે છે. રોલદેવ નામના તે ચિત્રકારે, રાજભવનના દ્વાર પરના ચિત્રપટમાં એક ચિત્ર આલેખીને લટકાવ્યું છે ને આ બાબતની ખબર આપી છે.’

આ સાંભળીને રાજાએ આદરપૂર્વક તેને લઈ આવવાની આજ્ઞા કરી અને પ્રતિહાર ઘડીભરમાં તેને લઈ આવ્યો. તે ચિત્રકારે ચિત્રશાળામાં જઈને ચિત્રો જોવામાં તલ્લીન થયેલા રાજા કનકવર્ષને એકાંતમાં જોયો. ત્યાર પછી અતિ સુંદર સ્ત્રીનાં સ્તનોની વચ્ચે શરીરનો ભાર આપીને આસન પર બેઠેલા અને હાથમાં પાનનું બીડું રાખેલા રાજાને તે ચિત્રકાર રોલદેવે નમ્રતાથી પ્રણામ કરીને કહ્યું,

‘મહારાજ, મેં આપના ચરણકમળના દર્શન માટે રાજદ્વાર પર એક ચિત્ર લટકાવી રાખ્યું છે, મારી કળામાં નિપુણતાના મદથી આ વિજ્ઞપ્તિપટ લટકાવ્યો છે. માટે મારી તે ભૂલ ક્ષમા કરશો. હે પ્રભો, આવડતનું પ્રદર્શન કરવા માટે નહીં . આપ આજ્ઞા કરો કે ચિત્રમાં કોનું રૂપ કંડારું? જેનાથી ચિત્રકળાનો મેં જે અભ્યાસ કર્યો છે તેની મહેનત સફળ થઈ એમ સમજું.’

ચિત્રકારે આમ કહ્યું એટલે રાજા બોલ્યો, ‘હે ઉસ્તાદ, તમારી જેવી મરજી હોય તે આલેખો, જે ચિત્ર જોઈ નેત્રમાં હર્ષાશ્રુ આવે. તમારી કુશળતામાં શંકા જ ક્યાં છે?’

રાજાએ આવું કહ્યું એટલે તેની પાસે બેઠેલા રાજાના પરિજનોએ કહ્યું, ‘ઉસ્તાદ, તમે રાજાનું જ ચિત્ર દોરો. બીજા કોઈ વિરૂપનું ચિત્ર દોરવાનો અર્થ ક્યો?’ આ સાંભળી ચિત્રકાર પ્રસન્ન થયો અને તેણે પટ પર રાજાનું ચિત્ર આલેખવા માંડ્યું. તેણે રાજાની કાયાને અનુરૂપ આગળ નાકની દાંડી ઊંચી બનાવી, લાંબી અને લાલ આંખો, પહોળું લલાટ, તેના કેશ વાંકડિયા અને કાળા રંગના આલેખ્યા. છાતીનો ભાગ પહોળો કર્યો, દિશાના હસ્તીના દાંત જેવી બે મનોરમ ભુજાઓ આલેખી અને તેમાં તીર વગેરે શસ્ત્રોના ઘાનાં ચિહ્ન આલેખ્યાં. પરાક્રમથી પરાજય પામેલા કેસરી સંહિનાં બચ્ચાંઓએ જાણે પોતાની કેડ તેને અર્પંણ કરી હોય તેમ કટિનો ભાગ ઘણો જ પાતળો આલેખ્યો. પછી બે સાથળો આલેખી. આ બે સાથળો યૌવનરૂપા મદમત્ત હાથીને કેદ કરવાના બે સ્તંભ હોય તેવી દેખાતી હતી અને અશોકવૃક્ષના નવપલ્લવો જેવા લાલ બે સુંદર પગ આલેખ્યા.

આ પ્રમાણે રાજાના શરીરની જેવી આકૃતિ હતી તે પ્રમાણે તાદૃશ રાજાને તત્કાળ આલેખ્યો જોઈ તે વખતે ત્યાં બેઠેલા સઘળા તે ચિત્રકારને ધન્યવાદ આપવા લાગ્યા, અને બોલ્યા, ‘અમે આ ચિત્રમાં એકલા રાજાને જોવા ઇચ્છતા નથી. માટે ઉસ્તાદ, આ ચિત્રેલી ભીંત ઉપર જે રાણીઓનાં ચિત્ર આલેખેલાં છે તેમાંથી આ રાજાના સ્વરૂપને મળતી આવે એવી કોઈ એક રાણી તરફ વિચાર કરી તેને પણ રાજાની પડખે આલેખો.’

આ સાંભળી દીવાલ પર ચિતરેલી રાણીઓનાં ચિત્ર જોઈને ચિત્રકારે કહ્યું, ‘રાજાના જેવી સુંદર રૂપ ધરાવતી એક પણ રાણી આ ચિત્રમાં નથી. પણ હું જાણું છું તે પ્રમાણે તો પૃથ્વી ઉપર રાજા જેવી ફૂટડી સોંદર્યમૂતિર્ એક જ રાજકન્યા છે. તેને માટે હું કહું છું તે સાંભળો.

વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું નગર છે, ત્યાં દેવશક્તિ નામે વિખ્યાત રાજા રાજ્ય કરે છે. રાજાને અનંતવતી નામની એક રાણી છે. તે રાણીને મદનસુંદરી નામની એક કન્યા અવતરી હતી. તે કન્યાના રૂપનું વર્ણન મારા જેવો એક જ જિહ્વાથી કેમ કરી શકે? તે કુંવારી છે. પરંતુ હું માત્ર એટલું જ કહું છું કે બ્રહ્માએ તેનું સર્જન તો કર્યું, હવે ઇચ્છા થાય તો પણ બ્રહ્મા યુગો સુધી આવી સુંદરી આલેખી નહીં શકે. આખી પૃથ્વી પર આ રાજાને અનુરૂપ મદનસુંદરી છે. રૂપ, લાવણ્ય, વિનય, વય — બધી રીતે આ રાજાને તે યોગ્ય છે. હું એક વાર દાસીઓએ બોલાવ્યો એટલે તેમના અંત:પુરમાં ગયો હતો. ત્યાં મેં એને જોઈ હતી. શરીરે ચંદનની અર્ચા કરી હતી, ગળામાં કમળનો હાર પહેર્યો હતો, કમળપત્રની શય્યા પર પડખાં ફરી રહી હતી. સખીઓ કેળના પાન વડે વીંઝણો નાખતી હતી. તે ફિક્કી, દુર્બળ શરીરવાળી હતી, તેના શરીરે કામજ્વરનાં લક્ષણો જોયાં. તે સખીઓને કહેતી હતી, ‘સખીઓ, તમે મારા શરીરે કરેલી ચંદનની અર્ચા કાઢી નાખો. અને કેળના પાન વડે વીંઝણો ઢોળો; આ બધું શીતળ હોવા છતાં મને દઝાડે છે. બસ, બંધ કરો. આ નિષ્ફળ પ્રયત્નોથી શો લાભ?’ ધીરજ બંધાવતી સખીઓને તે આમ વારી રહી હતી. મેં દૂર ઊભા ઊભા આવી દુઃખી અવસ્થામાં આવી પડેલી રાજકન્યાને જોઈ, તેના વિશે જુદા જુદા વિચાર કરવા લાગ્યો.

તેને પ્રણામ કરીને સામે બેસી ગયો. ત્યારે રાજકન્યા મારી સામે જોઈને બોલી, ‘ઉસ્તાદજી, આ એક રૂપક મને આ કપડા પર ચિતરી આપો તો.’

એમ કહી તે રાજકુમારીએ હાથમાં કલમ લઈ થરથરતે હાથે, જમીન પર ધીમે ધીમે કોઈ એક તરુણ અને કામકુંવર જેવો પુરુષ આલેખ્યો અને મને બતાવ્યો. એટલે મેં પણ તેવો જ સુંદર અને કામકુંવર જેવો પુરુષ આલેખ્યો. પણ મહારાજ, પછી મને વિચાર આવ્યો, ‘આ કન્યાએ તો સાક્ષાત્ કામદેવનું ચિત્ર દોર્યું છે અને મેં પણ તેવી જ છબિ ચિતરી છે. પરંતુ રાજકન્યાએ તે પુરુષના હાથમાં પુષ્પનું બાણ આલેખ્યું નથી. એટલે તે સાચેસાચ કામદેવ નથી પણ તેમના જેવો દેખાતો કોઈ બીજો રૂપવાન યુવાન છે. તેણે એ યુવાનને ક્યાંક જોયો હશે, તેના વિશે સાંભળ્યું હશે, તેના જ લીધે આ રાજકન્યાને કામજ્વર આવ્યો લાગે છે. એટલે મારે અહીંથી જલદી જતા રહેવું જોઈએ, તેનો પિતા દેવશક્તિ ઉગ્ર દંડ આપનારો કહેવાય છે. જો તેના પિતા દેવશક્તિને ખબર પડશે તો તે ક્ષમા નહીં આપે અને મારા પ્રાણ લેશે.’ એમ વિચારીને તથા મદનસુંદરીને નમન કરીને તેના દ્વારા સમ્માનિત થયેલો હું ત્યાંથી નીકળી ગયો.

અને મહારાજ, જ્યારે હું ત્યાં હતો ત્યારે તેનાં પરિજનો અંદરઅંદર વાતો કરતા હતા તેમની પાસેથી મેં સાંભળ્યું છે કે તમારા રૂપગુણ વિશે સાંભળીને તે આપને તમને ચાહે છે. એટલે ચિત્રપટ પર ગુપ્ત રૂપે આલેખીને તરત અહીં આપની આગળ આવ્યો છું. હવે આપનું સૌંદર્ય જોઈને મારી શંકા દૂર થઈ ગઈ છે. તે રાજકુમારીએ ચિત્રપટમાં તમારું ચિત્ર તેણે પોતાના હાથે આલેખ્યું હતું તે ઉપરથી મેં ચિતર્યું હતું. તે કન્યા તમારા જેવી સુંદર હોવા છતાં હું વારે વારે આલેખી શકતો નથી, એટલે સમોવડી હોવા છતાં ચિત્રપટમાં આપની સાથે તેને આલેખી શકતો નથી.’

તે સાંભળી રાજાએ રોલદેવને કહ્યું, ‘જો તમારાથી આલેખી શકાય એમ ન હોય તો તમારી પાસે ચિત્રપટમાં આલેખેલી છે તે બતાવો.’ ત્યારે ચિત્રકારે મંજુષામાંથી એક સુંદર ચિત્ર કાઢી મદનસુંદરીનું સૌંદર્ય રાજાને બતાવ્યું.

ચિત્રમાં આલેખાયેલી હોવા છતાં વિલક્ષણ રૂપ ધરાવતી મદનસુંદરીને જોતાંવેંત રાજા કનકવર્ષ કામવિહ્વળ થઈ ગયો. રાજાએ તે ચિત્રકારને અઢળક સુવર્ણમુદ્રાઓ આપી, તેની પાસેથી પોતાની પ્રિયતમાનું ચિત્ર લઈને પોતાના આનંદભવનમાં જતો રહ્યો. રાજા રાજ્યના બધાં કામકાજ ત્યજીને તેનું જ ધ્યાન ધરવા લાગ્યો. જાણે એમ લાગતું હતું કે રૂપસ્પર્ધાથી ઈર્ષ્યા કરવાવાળા કામદેવે પણ બાણો ચલાવીને રાજાને અધીર બનાવી દીધો. તે રાજાએ પોતાના રૂપ પર મોહ પામેલી સ્ત્રીને જે વેદના પહોંચાડી હતી તેનાથી હજાર ગણી વેદના હવે રાજા વેઠી રહ્યો હતો.

આમ થોડા જ દિવસોમાં રાજા વિરહથી વ્યથિત થઈને ફિક્કો પડી ગયો, દુર્બળ થઈ ગયો. તેના મનની વાત જાણવા માગતા મિત્રો અને વિશ્વાસુ મંત્રીઓને તેણે પોતાની હૈયાવરાળ જણાવી દીધી. તેમની સંમતિ લઈને મદનસુંદરીનું માગું કરવા રાજા દેવશક્તિની પાસે એક દૂત મોકલવાનો નિર્ણય તેણે કર્યો. એટલે કાર્યનું હાર્દ સમજનાર, પરમ વિશ્વાસુ, કુલીન, મધુર, ઉદાત્ત વાતચીત કરનાર સંગમસ્વામી નામના બ્રાહ્મણને દૂત બનાવ્યો. તે બ્રાહ્મણ કિંમતી ચીજવસ્તુઓ લઈને કુંડિનપુર ગયો. ત્યાં જઈને તે નિયમાનુસાર રાજા દેવશક્તિને મળ્યો અને પોતાના રાજા માટે તેણે મદનસંુદરીનું માગું કર્યું. ત્યારે દેવશક્તિ બોલ્યો, ‘આ કન્યા કોઈને તો આપવાની જ છે, રાજા કનકવર્ષ યોગ્ય પાત્ર છે. વળી અમારા જેવા પાસે તે કન્યાનું માગું કરી રહ્યો છે. તો તેને જ કન્યા આપું.’ એમ વિચારી રાજા દેવશક્તિએ સંગમસ્વામીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. રાજાએ કન્યાના રૂપના જેવું તેનું નૃત્ય પણ સંગમસ્વામીને બતાવ્યું. દર્શનથી પ્રસન્ન સંગમસ્વામીને રાજા માટે કન્યા આપવાની હા પાડી અને તેનો યથાયોગ્ય સત્કાર કરીને રાજાએ તેને વળાવ્યો. તથા સંગમ સ્વામીની સાથે જ પોતાનો સંદેશો લઈ જનારો દૂત મોકલ્યો; લગ્ન નિશ્ચિત કરીને વિવાહ માટે આવો, એમ કહેવડાવ્યું, તે રાજાના દૂત સાથે આવીને સંગમસ્વામીએ રાજા કનકવર્ષની કાર્યસિદ્ધિના સમાચાર આપ્યા.

પછી લગ્નનો નિર્ણય કરીને રાજાના દૂતનો સત્કાર કરીને મદનસુંદરી મારા પ્રત્યે ભાવ ધરાવે છે એવું જાણી તે અત્યંત પરાક્રમી રાજા કનકવર્ષ વિવાહ માટે કુંડિનપુર ગયો. રાજા કનકવર્ષ રસ્તો બતાવનારા સીમાપ્રદેશમાં વસતા વાઘસિંહ જેવાં હિંસક પશુઓનો નાશ કરનારા ભીલોને સાથે લઈ વિદર્ભ દેશમાં પ્રવેશ્યો. વિદર્ભમાં દેવશક્તિએ સામે આવીને તેનું સ્વાગત કર્યું અને તેની સાથે નગરમાં કનકવર્ષ પ્રવેશ્યો.

તે નગરની સ્ત્રીઓનો નયનોત્સવ કરતો વિવાહ સમારંભથી સજ્જ રાજભવનમાં ગયો. રાજા દેવશક્તિના ઉદાર આતિથ્ય સત્કારથી પ્રસન્ન રાજા કનકવર્ષ સ્વજનો સાથે તે દિવસે આનંદપૂર્વક ત્યાં રહ્યો. બીજે દિવસે દેવશક્તિએ પોતાના રાજ્ય સિવાય સર્વસ્વ આપીને કન્યાદાન કર્યું. વિવાહ ઉપરાંત રાજા કનકવર્ષ સાત દિવસ ત્યાં રોકાઈને આઠમે દિવસે નવવધૂને લઈને પોતાના નગરમાં પાછો આવ્યો. ચંદ્રિમ — ચંદ્રની જેમ મદનસુંદરી અને જગતને આનંદ આપનાર રાજા કનકવર્ષ પોતાના નગરમાં પહોંચ્યો ત્યારે આખું નગર ઉત્સવ મનાવવા લાગ્યું. જેવી રીતે કૃષ્ણની અનેક રાણીઓમાં રુક્મિણી પટરાણી હતી તેવી રીતે મદનસુંદરી પણ અનેક રાણીઓના અંત:પુરમાં પટરાણી બની. કામદેવનાં બાણોથી ઘાયલ થયા ન હોય એ રીતે તે દંપતી સુંદર મુખ પરની આંખો વડે એકબીજાને જોવામાં એવા તો આતુર બની ગયાં હતાં કે જાણે સુંદર પીંછાંવાળાં કામના બાણથી તેઓ વીંધાઈ ગયાં હોય તેમ એકબીજામાં લીન થઈ ગયાં હતાં.

એક વખત પુષ્પનાં પંગિળા રંગના કેસરરૂપ કેશવાળીથી અલંકૃત આમ પરસ્પર આનંદ ભોગવતા તે દંપતીના જીવનમાં માનવંતી સ્ત્રીઓના માનરૂપી માતંગનું મર્દન કરતો અને કેસર પુષ્પોરૂપી કેશવાળો વસંતકેસરીમાસ આવ્યો. વસંત ઋતુએ કામદેવ માટે મંજરીઓવાળા આંબા રૂપ ધનુષ્ય તૈયાર કર્યાં. અને તેના ઉપર બેઠેલી શ્યામ રંગની ભ્રમર રૂપી દોરી તૈયાર કરી. મલયાનિલનો પવન પ્રોષિતભર્તૃકાના અંત:કરણમાં કામદેવને ઉદ્દીપન કરતો ઉપવનોને કંપાવતો મલયાનિલ વહેવા લાગ્યો. કામી જનોને કોકિલા મધુર આલાપ કરી કહેતી હતી,

‘નદીઓમાં ફરીથી પુર આવે છે, વૃક્ષો પર ફરી પુષ્પો આવે છે; ચંદ્રની કળા ફરી વૃદ્ધિ પામે છે. પણ મનુષ્યોનું યૌવન એક વાર જાય પછી ફરી પાછું નથી આવતંુ. એટલે હે સુંદરીઓ, માનકલહ ત્યજીને તમારા પ્રિયતમો સાથે રમણ કરો.

આવા રમણીય કામોત્તેજક સમયે રાજા કનકવર્ષ પોતાની બધી રાણીઓ સાથે વિહાર કરવા વસંતઉદ્યાનમાં ગયો. રાજાની રાણીઓએ લાલ રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમની આગળ આસોપાલવ ઝાંખાં દેખાતાં હતાં. તેની સુંદરીઓનાં ગીતોથી કોયલોનો ધ્વનિ પણ લજ્જિત બની ગયો. રાજા બધી રાણીઓ સાથે આવ્યો હતો છતાં મદનસુંદરીની સાથે કુસુમાવયવ વગેરે વિધિથી ઉદ્યાનમાં વિહાર કરવા લાગ્યો.

આમ ઉદ્યાનમાં બહુ વિહાર કર્યા પછી રાજા સ્નાન કરવા બધી રાણીઓની સાથે ગોદાવરી નદીમાં ઊતરીને જલક્રીડા કરવા લાગ્યો. રાજાની રાણીઓએ પોતાનાં મુખ વડે નદીનાં કમળને, નેત્રો વડે શ્યામ કુમુદોને, સ્તનો વડે ચક્રવાક યુગલોને અને પોતાના નિતંબોથી ગોદાવરીના કિનારાઓને જીતી લીધા હતા. પછી તે નદીના અંદરના ભાગને ડહોળવા લાગી ત્યારે ગોદાવરી નદી પણ ક્રોધ કરીને પોતાના તરંગ રૂપી ભવાં ચઢાવીને જાણે તેમને જોઈ રહી હતી. આ પ્રમાણે ગોદાવરીમાં જલક્રીડા ચાલી રહી હતી. જલવિહારને કારણે સ્ત્રીઓનાં વસ્ત્ર શરીર પરથી ખસી જતાં હતાં અને તેમના અવયવો ખુલ્લા દેખાતા હતા, એટલે રાજાનું મન વિહ્વળ થઈ જતું હતું. રાજાનું મન તેમના સુંદર અવયવો નિહાળવામાં આમતેમ આંદોલન કરતું હતું. વિહાર કરતાં રાજાએ એક રાણીનાં નવસ્ત્રા થયેલાં સુવર્ણકળશ જેવાં ઉન્નત સ્તનપટ ઉપર હાથ વડે ખૂબ પાણી છાંટ્યું. તે જોઈ મદનસુંદરીના મનમાં ઈર્ષ્યા જન્મી કે હું આ સુખમાં બાકી રહી ગઈ. તે ઉપરથી સામી રાણી પર ગુસ્સે થઈ અને ખેદ કરતી હોય તેમ બોલી, ‘તમે નદીને કેટલી હદે ડહોળ્યા કરશો?’ એમ કહીને પાણીમાંથી ઝટપટ બહાર નીકળી, બીજું વસ્ત્ર પહેરી પોતાના પતિનો અપરાધ સખીને કહેતી કહેતી, ક્રોધ કરી પોતાના શોકભવનમાં ચાલી ગઈ.

ત્યારે તેના હૃદયની વાત જાણીને રાજા જળક્રીડા ત્યજીને નદીમાંથી બહાર નીકળી, બીજાં વસ્ત્ર પહેરી તે રાણીના રંગમહેલમાં ગયો. અને અંદરના ઓરડામાં જ્યાં રાણી હતી ત્યાં જવા લાગ્યો. પિંજરામાં પુરાયેલા પોપટોએ પણ ગુસ્સે થઈને અંદર જતાં રાજાને અટકાવ્યો છતાં તે અંદર ગયો. અંદર જઈને ક્રોધે ભરાયેલી રાણીને જોઈ. મદનસુંદરીએ ડાબી હથેળી પર ખિન્ન અને મ્લાન મુખાંબુજ (કમળરૂપી મુખ) ટેક્વ્યું હતું, મોટાં મોટાં સ્વચ્છ મોતીઓ જેવાં આંસુ તે સારતી હતી, રુંધાયેલા કંઠે અસ્પષ્ટ ઉચ્ચારણ કરતી હતી અને તેવી રીતે બોલતાં તેની સ્વચ્છ દંતપંક્તિ અત્યંત શોભતી હતી. આવી રીતે બેઠેલી તે શોક કરતી નીચેની પ્રાકૃત દ્વિપદી ફરી ફરી ગાઈ રહી હતી

‘હે હૃદય, તું જો વિરહ સહન કરી શકતું ન હોય તો સુખેથી માન જતું કરવું જોઈએ. હે હૃદય, જો વિરહ સહી શકાય તો તારે માનને વધારવું જ ઘટિત છે. આ પ્રમાણે ઉભય પક્ષ તને જણાવ્યા, તેમાં જે પક્ષ તને ગમતો હોય તે એક પક્ષનો આશ્રય કર. પરંતુ જો બંને પક્ષમાં લોભ રાખી, ઉભય પક્ષના કિનારા પર પગ દઈશ તો કદાચ તે બંનેમાંથી તું ગબડી પડીશ.’

આમ ક્રોધમાં પણ મનોરમા લાગતી મદનસુંદરીની પાસે રાજા કનકવર્ષ ભયભીત થઈને અને લજ્જા પામીને ડરતો ડરતો આવ્યો. મોં ફેરવીને બેઠેલી ને રાજા આલિંગન અને મધુર વાણી વડે નમ્રતાથી મનાવવા લાગ્યો. ત્યાં તો તેના પરિવારે વક્રોક્તિમાં રાજાને તેનો અપરાધ જણાવ્યો. એટલે રાજા પોતાનો અપરાધ થયો હતો તેને માટે શોક કરવા લાગ્યો. અને પોતાની સ્ત્રીનાં ચરણોમાં પડી ગયો. ત્યારે તે પ્રેમઘેલી રાણી રાજાના કંઠે વળગી પડી. રાજા પર કરેલો ગુસ્સો અશ્રુપાતની સાથે ગળી ગયો. રાજા તેના પર પ્રસન્ન થયો અને માન ત્યાગ કરી, પ્રસન્ન થયેલી રાણી સાથે આખો દિવસ આનંદમાં ગાળ્યો અને રાતે સુરતસમાગમ કરી બંને નિદ્રાવશ થયાં.

એક દિવસ તે રાજાને અકસ્માત સ્વપ્ન આવ્યું, જોયું તો એક ભયંકર સ્ત્રી તેના ગળામાંથી એકાવલી હાર અને મુકુટનાં રત્નો કાઢી રહી છે. થોડી વાર અનેક પ્રકારનાં પ્રાણીના આકારનો એક વેતાલ જોયો. તેમની સાથે બાહુયુદ્ધ થવાથી રાજાએ તેને જમીન પર ફંગોળ્્યો અને તેમના પર તે ચઢી બેઠો. પછી તે વેતાલ ઊભો થઈ પીઠ પર બેઠેલા રાજાને પક્ષીસદૃશ ઊડીને આકાશમાં લઈ ગયો અને ત્યાંથી સમુદ્રમાં લઈ જઈ ફેંકી દીધો. એમ તેણે સ્વપ્નમાં જોયું. તે સમુદ્રમાંથી અતિશ્રમે બહાર આવેલા રાજાના ગળામાં પહેલાંની જેમ એકાવલી હાર અને મસ્તક પર મુકુટ જોયા.

આ સ્વપ્ન જોઈને સવારે જાગેલા રાજાએ હંમેશના પરિચય પ્રમાણે મળવા માટે આવેલા બૌદ્ધ ભિક્ષુને જોઈ સ્વપ્નનું ફળ પૂછ્યું.

બૌદ્ધ ભિક્ષુએ કહ્યું, ‘મહારાજ, તમારી સામે અપ્રિય વાત કહેવી ન જોઈએ, પરંતુ તમે પૂછ્યું તો ના કેમ પડાય? તમે સ્વપ્નમાં જે એકાવલીને હરણ કરતાં દીઠી અને મુકુટને પણ હરણ કરતાં જોયો તો તેનું ફળ એ જ કે તમને સ્ત્રીપુત્રનો વિયોગ થશે. અને પાછા તમે સમુદ્રમાં પડ્યા હતા તેમાંથી કિનારા પર આવ્યા તેથી જણાય છે કે તમારે દુઃખને અંતે સ્ત્રીપુત્રનો સમાગમ થશે.’

આ પ્રમાણે સ્વપ્નનું ફળ ક્ષપણકે કહી સંભળાવ્યા પછી રાજા વિચારમાં પડી ગયો. અને પછી બોલ્યો, ‘મારે હજુ સુધી પુત્ર નથી પછી વિયોગ કેવો?’ આમ ક્ષપણક સાથે વાતચીત થતી હતી એવામાં રામાયણની કથા કરનારા એક વ્યાસજી ત્યાં પધાર્યા અને રાજા તેની કથા સાંભળવા લાગ્યો. કથામાં દશરથે પુત્ર ન હોવાને કારણે જે પશ્ચાત્તાપ કર્યો હતો તે સર્વ કથા વ્યાસજીએ વર્ણવી બતાવી. તે ઉપરથી રાજાને પણ પુત્રપ્રાપ્તિ માટે ચંતાિ થવા માંડી. પછી બુદ્ધયતિ ચાલ્યો ગયો અને રાજા કનકવર્ષે તે દિવસ વાંઝિયાપણાની દિલગીરીમાં ઉદાસ થઈને વીતાવ્યો.

રાતે જ્યારે તે શય્યામાં એકલો સૂતો ત્યારે તેને ચંતાિને કારણે નિદ્રા આવી નહીં. તેથી પોતે એકલો જાગતો પડી રહ્યો. તેવામાં મધરાત થઈ ત્યારે શયનગૃહનાં દ્વાર બંધ કર્યા હતાં તો પણ તેણે એક સ્ત્રીને અંદર આવતાં જોઈ. આ સ્ત્રી વિનયી અને શાંત સ્વભાવની જણાતી હતી. રાજા તે સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામ્યો, તેથી શય્યામાંથી ઊઠી તેને પ્રણામ કર્યા. એટલે તે સ્ત્રીએ રાજાને આશીર્વાદ આપી કહ્યું, ‘પુત્ર, હું નાગરાજ વાસુકિની પુત્રી છું અને તારા પિતાની મોટી બહેન છું. મારું નામ રત્નપ્રભા. હું હંમેશાં તારું રક્ષણ કરવા તારી પાસે જ રહું છું. પરંતુ આજે તને ચંતાિતુર જોઈ તારી આગળ પ્રત્યક્ષ થઈ છું. માટે મને તારા દુઃખનું કારણ કહે.’

આ પ્રમાણે નાગકન્યા અને રાજાની ફોઈ રત્નપ્રભાએ કહ્યું, એટલે રાજાએ કહ્યું, ‘વહાલાં ફોઈ, તમે મારા ઉપર આમ અનુગ્રહ કરો છો ત્યારે બેશક મને લાગે છે કે હું ભાગ્યવાન છું. મને ઉદાસ થવાનું કારણ મારું વાંઝિયાપણું છે. મારા જેવા દુઃખીને સ્વર્ગની ઇચ્છા ધરાવતા પ્રાચીન કાળના દશરથ આદિ રાજાઓની ઇચ્છા જેમ પૂર્ણ થઈ હતી તેમ મારી ઇચ્છા પૂર્ણ થાય તેવી કંઈ યુક્તિ હોય તો બતાવો.’

નાગકન્યા રત્નપ્રભા ભત્રીજાનું એ પ્રમાણે વચન સાંભળીને બોલી, ‘ઓહો, એટલું જ ને! હું તને એક ઉપાય બતાવું છું. તે કર એટલે તારું કાર્ય સિદ્ધ થશે. તું કાતિર્કસ્વામી પાસે જઈ પુત્ર માટે તેમને પ્રસન્ન કર. તેમની પાસે જઈ આરાધના કરવા માંડીશ તે જ વખતે વિઘ્ન કરવા માટે તારા મસ્તક ઉપર અતિ દુ:સહ જળની ધાર પડશે, પરંતુ હું તારા શરીરમાં પ્રવેશ કરીશ એટલે મારા પ્રતાપથી તું જળધારાને પણ સહન કરી શકીશ અને બીજાં વિઘ્નોનો નાશ કરીને બીજું પણ મનોવાંછિત હું તને મેળવી આપીશ.’ આટલું કહી નાગકન્યા અંતર્ધાન થઈ ગઈ.

બીજે દિવસે સવારે રાજાએ રાજ્યવહીવટ મંત્રીને સોંપી અને પોતે પુત્રપ્રાપ્તિ માટે સ્વામી કાર્તિકના ચરણકમળની પૂજા માટે નીકળી પડ્યો. ત્યાં જઈને તેણે કાર્તિકની આરાધના કરવા કઠોર તપ કરવા માંડ્યું, કારણ કે તેના શરીરમાં પ્રવેશેલી નાગકન્યાનું બળ હતું. ત્યારે રાજા પર વજ્ર જેવી જળધારા સતત પડવા લાગી. શરીરમાં પ્રવેશેલી નાગકન્યાના બળથી રાજા ધારાનો વેગ સહી શક્યો. તેની તપસ્યામાં વિઘ્ન ઊભું કરવા કાર્તિકેયે ગણેશને પ્રેરણા આપી. એટલે તેમણે જળધારામાં ભયંકર અજગરનું ઝેર વરસાવવા માંડ્યું. તેથી પણ રાજા ડગ્યો નહીં. ત્યારે દેવતાઓથી પણ ન જિતાય એવા ગણપતિ પોતે આવી તેની છાતીમાં પ્રહાર કરવા લાગ્યા. રાજા કનકવર્ષે આ જે દેવ પ્રહાર કરે છે તે દુર્જય છે એમ માની તેમની સ્તુતિ કરવા માંડી, ‘હે વિઘ્નનિવારણ પ્રભુ, તમને નમસ્કાર. તમે સર્વાર્થ સિદ્ધિના એક નિધાનકુંભ જેવા છો. લંબોદર છો અને તને સર્પનો અલંકાર છે. ગજાનન, તમારો વિજય થાઓ...’

આ સ્તુતિથી પ્રસન્ન થઈ ગણનાયક બોલ્યા. ‘પુત્ર, તારા પર હું પ્રસન્ન થયો છું. હું તને વિઘ્ન કરીશ નહીં. જા તને પુત્ર થશે.’

ત્યાર પછી કાતિર્કસ્વામીએ જળધારા ઝીલનારા કનકવર્ષને કહ્યું, ‘હે ધીરવીર, તારા તપથી હું પ્રસન્ન થયો છું. જે વર જોઈતો હોય તે માગ.’ એટલે તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કાતિર્કસ્વામીને વિનંતી કરી, ‘હે મહારાજ, મને પુત્ર થાય એવું વરદાન આપો.’ કાતિર્કસ્વામી બોલ્યા, ‘તને પુત્ર અવતરશે અને તે મારા ગણનો અંશ થશે. તેનું નામ હિરણ્યવર્ષ પાડજે.’ આટલું કહી રાજાને વધારે વરદાન આપવાની ઇચ્છાથી મયૂર વાહનવાળા કાતિર્કસ્વામીએ તેને અંદરના મંદિરમાં બોલાવ્યો. રાજા કાતિર્કસ્વામીના મંદિરના અંદરના ભાગમાં જ્યાં જવા તૈયાર થયો કે તેના દેહમાંથી નાગકન્યા અદૃશ્યરૂપે બહાર નીકળી ગઈ. કારણ કે કાતિર્કસ્વામીના મંદિરમાં સ્ત્રીઓ શાપના ડરને કારણે અંદર પ્રવેશી શકતી નથી. પછી રાજા મંદિરના ગર્ભાગારમાં પોતાના મનુષ્યતેજ સાથે પ્રવેશ્યો. નાગકન્યા નીકળી જવાથી નિસ્તેજ થયેલા રાજાને જોઈને દેવ વિચારમાં પડી ગયા. ‘શું આ પહેલાંનો રાજા નથી?’ તરત તેમણે સમાધિથી જોયું તો જાણવા મળ્યું કે આ રાજાએ નાગકન્યાના બળ વડે આવું બળ મેળવ્યું હતું. બાકી રાજા પોતે તો નિર્બળ છે. એટલે તેમણે શાપ આપ્યો, ‘રાજા, તેં મારી સાથે કપટ કર્યું છે. એટલે તને પુત્ર તો થશે. પણ જન્મનાર બાળકથી અને મહારાણીથી ભયાનક વિયોગ થશે.’

આવો વજ્રપાત જેવો ભયાનક શાપ સાંભળીને રાજા સમજુ હતો તેથી તે મુંઝાયો નહીં. પણ સ્તવનો વડે તેની સ્તુતિ કરવા લાગ્યો. તેની સ્તુતિથી પ્રસન્ન થયેલા ષડાનને (કાર્તિકે) તેને કહ્યું, ‘રાજન, તારી સુક્તિથી હું પ્રસન્ન છું. હવે તારી શાપમુક્તિની વાત. રાણીનો અને પુત્રનો વિયોગ એક વર્ષ માટે રહેશે. તને ત્રણ વેળા ઘાત થશે અને પછી તમારા વિયોગનો અંત આવશે.’

કાર્તિક સ્વામી આટલું કહીને ચૂપ થઈ ગયા. રાજા તેમને પ્રણામ કરીને તેમની કૃપાથી સંતોષ પામી નગરમાં ગયો. નગરમાં પહોંચ્યા પછી ચંદ્રમાથી ચંદ્રિકામાં જેમ અમૃતવર્ષાનો જન્મ થાય છે તેમ રાજાથી મદનસુંદરીને પુત્ર જન્મ્યો.

રાજા અને રાણી પુત્રનું મોં જોઈને આનંદથી ફૂલ્યા ન સમાયા. રાજાએ ધનવર્ષા કરતાં એક મોટો ઉત્સવ કર્યો અને સુવર્ણવર્ષા કરીને પોતાનું નામ કનકવર્ષ સાર્થક કર્યું; પાંચ રાત્રિ વીત્યા પછી છઠ્ઠી રાત્રિએ પ્રસૂતિભવનમાં પૂરતી રક્ષાનો પ્રબંધ કર્યો છતાં અકસ્માત જરાય અગમચેતી વિના વાદળો ઊમટી આવ્યાં. જેવી રીતે પ્રમાદી રાજાના રાજ્યને અપેક્ષિત શત્રુ ઘેરી લે તેવી રીતે ધીરે ધીરે વધુ ઉમટતાં વાદળોએ આકાશને ઘેરી લીધું. વાયુ રૂપી મદોન્મત્ત હાથી જાણે મદની ધારા સમાન મુશળધાર વૃષ્ટિ વડે વૃક્ષોને ઊખાડતો વહેવા લાગ્યો. આ વેળા સાંકળોથી વાસેલાં દ્વાર ખોલીને કોઈ સ્ત્રી હાથમાં કટાર લઈને પ્રસૂતિભવનમાં પ્રવેશી, અને સ્તનપાન કરાવી રહેલી મદનસુંદરી પાસેથી બાળકને ઝૂંટવીને તથા રાણીની દાસીઓને મૂચ્છિર્ત કરીને ભાગી ગઈ. ‘અરે અરે, રાક્ષસી મારા પુત્રને લઈને ભાગી ગઈ!’ એમ ચીસો પાડતી વ્યાકુળ સુવાવડી રાણી દીકરાને ખાતર અંધારામાંય તેની પાછળ દોડી, તે સ્ત્રી આગળ આગળ દોડતી અંધારામાં એક તળાવમાં પડી ગઈ. અને તેની પાછળ બાળક માટે પાગલ બનેલી દોડતી રાણી પણ તળાવમાં પડી. થોડા સમયમાં વાદળ વિખરાઈ ગયાં, રાત્રિ પણ પૂરી થઈ, પ્રસૂતિભવનમાં દાસીઓ અને દાયણોની ચીસરાણ મચી ગઈ. આ સાંભળીને રાજા કનકવર્ષ પ્રસૂતિભવનમાં આવ્યો. અને પત્ની-પુત્ર ન હતાં એટલે તે બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યા પછી ‘અરે પુત્ર, અરે રાણી’ — એમ બોલીને એક વરસની અવધિવાળો શાપ યાદ આવ્યો. તે બોલ્યો, ‘હે ભગવાન સ્કંદ, મારા જેવા અભાગીને તમે શાપયુક્ત વરદાન કેમ આપ્યું, આ તો વિષમય અમૃત જેવું છે. અરે પ્રાણથીય વહાલી મદનસુંદરી વિના એક વર્ષ તો હજાર યુગ જેવું લાગશે અને તે કેમ કરીને વીતાવીશ?’

આ પ્રમાણે બધી વાર્તા જાણ્યા પછી રડતા અને વિલાપ કરતા રાજાને મંત્રીઓએ ધીરજ બંધાવી પણ રાણીની સાથે જ જતી રહેલી ધીરજ પાછી આવી નહીં. ધીરે ધીરે કામાવેગથી ઉદાસ રાજા નગર ત્યજીને વિંધ્યાચલના વનમાં જતો રહ્યો. તે વનની નાની નાની હરણીઓનાં નેત્રોમાં તે રાણીના નેત્ર-સૌંદર્યને, ચમરી મૃગના વાળના જથામાં રાણીના કેશકલાપના સૌંદર્યને અને હાથણીઓની ચાલમાં રાણીની મંથર ગતિ જોઈને તેનો કામાગ્નિ વધુ પ્રજ્વળી ઊઠ્યો. ભૂખ્યો તરસ્યો આમ તેમ ભટકતો વ્યાકુળ રાજા વિંધ્ય પર્વતની તળેટીમાં ઝરણાનું પાણી પીને એક વૃક્ષ પાસે બેઠો. એટલામાં જ એક ગુફામાંથી વિંધ્ય પર્વતના અટ્ટહાસ્ય સમાન નીકળેલો વ્યાળવાળો સિંહ રાજાને મારવા માટે ધસ્યો.

તે જ વેળા આકાશમાંથી ઊતરી આવેલા કોઈ વિદ્યાધરે નીચે ઊતરીને તલવાર વડે સિંહના બે ટુકડા કરી નાખ્યા, પાસે આવીને તે ખેચરે રાજાને પૂછ્યું, ‘હે રાજા કનકવર્ષ, તમે આ સ્થિતિએ કેવી રીતે પહોંચ્યા?’

આ સાંભળીને રાજાએ પોતાની અવસ્થા યાદ કરીને કહ્યું, ‘વિરહઅગ્નિમાં પાગલ બનેલા મને શું તમે નથી ઓળખતા?’

વિદ્યાધરે કહ્યું, ‘હું પહેલા બંધુમિત્ર નામે મનુષ્ય પરિવ્રાજક રૂપે તમારા નગરમાં રહેતો હતો. સેવા સાથે પ્રાર્થના કરી, તમારી સહાયથી વીર વેતાલ પાસે સિદ્ધિ મેળવીને વિદ્યાધર બન્યો છું. એટલે જ તમને ઓળખીને પ્રત્યુપકાર કરવા માટે તમને મારવા આવેલા સિંહને મેં મારી નાખ્યો. હવે હું બન્ધુપ્રભ નામે છું.’

આમ તે બોલ્યો અને એમ વ્યક્ત કર્યો, પછી રાજા કનકવર્ષે કહ્યું, ‘હા, હા, મને યાદ આવ્યું. તમે મૈત્રી નભાવી. હવે કહો હું પત્ની અને પુત્રને ક્યારે મળીશ?’

રાજાની આ વાત સાંભળીને બંધુપ્રભ વિદ્યાધરે પોતાની વિદ્યાથી બધું જાણીને રાજાને કહ્યું, ‘વિંધ્યવાસિનીનું દર્શન કર્યા પછી પત્ની અને પુત્ર સાથે તમારું મિલન થશે.’ આમ કહી વિદ્યાધર આકાશમાં જતો રહ્યો અને રાજા ધીમે ધીમે ધૈર્ય મેળવીને વિંધ્યવાસિનીના દર્શને નીકળ્યો, વનમાં થઈને જતા રાજા ઉપર મસ્તક અને સૂંઢ ડોલાવતા એક મોટા હાથીએ હુમલો કર્યો. તેને જોઈ રાજાએ જે રસ્તે ખાડા હતા તે રસ્તે દોડવા માંડ્યું. આમ રાજાની પાછળ દોડતો હાથી તે ખાડામાં પડીને મરી ગયો. રાજા ચાલી ચાલીને થાકી ગયો, તરસ્યા રાજાએ ઊંચા અને ખીલેલાં કમળવાળું તળાવ જોયું. તેમાં તેણે સ્નાન કર્યું, પાણી પીધું અને કમળનાળ ખાધાં, પછી તૃપ્ત થયેલો રાજા થાકી ગયો હતો એટલે એક ઝાડ નીચે બેઠો અને ઊંઘી ગયો. એટલામાં જ શિકાર કરીને પાછા ફરેલા ભીલ તે રસ્તેથી નીકળ્યા અને તેમણે શુભ લક્ષણોવાળા રાજાને સૂતેલો જોયો. તે બલિદાન યોગ્ય છે એમ માની દેવીને ઉપહાર ચઢાવવા તેને બાંધીને પોતાના રાજા મુક્તાફલ પાસે લઈ ગયા. તે ભીલ સરદાર પણ તેને સુલક્ષણો જાણી આપવા વિંધ્યવાસિની મંદિરમાં ગયો.

પછી દેવીનું દર્શન કરી રાજાએ તેને પ્રણામ કર્યા, દેવીની કૃપા તથા સ્વામી કાર્તિકેયના વરદાનને કારણે તે જ સમયે રાજા બંધનમુક્ત થઈ ગયો. આ જોઈને તથા આ ઘટનાને દેવીની અદ્ભુત કૃપા માની ભીલ સરદારે રાજાનો વધ ન કરતાં તેને છોડી મૂક્યો.

આમ રાજા ત્રણ વાર અપમૃત્યુમાંથી બચ્યો અને એમ શાપનું એક વર્ષ પૂરું થઈ ગયું.

પછી પેલી નાગકન્યા પુત્ર સાથે મદનસુંદરીને લઈને રાજા પાસે આવી. તેણે કહ્યું, ‘હે રાજન્, કુમારના શાપની મને જાણ હતી એટલે મેં તારી પત્ની અને પુત્રને યુક્તિપૂર્વક મારા ઘરમાં સુરક્ષિત રાખ્યા હતા. હવે આ બંને તને સોંપ્યા અને શાપમુક્ત થઈને તારું રાજ્ય ભોગવ.’ આમ કહી, પ્રણામ કરતા રાજાને આશીર્વાદ આપીને તે નાગકન્યા અદૃશ્ય થઈ ગઈ. રાજાએ પણ પત્ની અને પુત્ર સાથેના એ મિલનને સ્વપ્નવત્ ગણ્યું. લાંબા સમયના વિરહને અંતે રાજાએ રાણીને આલિંગન આપ્યું, તેમની વિરહવેદના હર્ષાશ્રુ સાથે દૂર થઈ.

ભીલોના સરદાર મુક્તાફલે હવે રાજા કનકવર્ષને ઓળખ્યો, તેને પગે પડી ક્ષમા માગી, પછી રાજાને, તેની પત્ની-પુત્રને પોતાને ત્યાં લઈ જઈને યોગ્ય ઉપચાર વડે તેની સેવા કરવા લાગ્યો. ત્યાં રહીને રાજાએ દૂત દ્વારા પોતાના સસરા દેવશક્તિને અને પોતાની સેનાને ત્યાં જ બોલાવી લીધા. તેઓ આવ્યા એટલે રાજા કાર્તિકેયે પાડેલા નામવાળા હિરણ્યવર્ષને લઈને પુત્રની સાથે રાણી મદનસુંદરીને હાથી પર બેસાડ્યા અને સાસરે જવા નીકળ્યા. થોડા સમયે રાજા દેશમાં આવેલા સમૃદ્ધ કુંડિનપુર નગરમાં પહોંચ્યો. ત્યાં સસરાએ તેનો આદરસત્કાર કર્યો, પુત્રની સાથે થોડા દિવસ તે ત્યાં જ રહી ગયો.

ત્યાર પછી ધીમે ધીમે મદનસુંદરી અને પુત્ર હિરણ્યવર્ષની સાથે પ્રજાના મૂર્તિમંત ઉત્સવ સમાન, પ્રસન્ન રાજા રાજધાની કનકપુર પહોંચ્યો. ત્યાં જઈને પ્રસન્ન પ્રજાના અભિનંદન સ્વીકારી રાજાએ રાણી મદનસુંદરીનું પટ્ટબંધન કર્યું અને બધી રાણીઓમાં તેને પટરાણી બનાવી. રાજા મહારાણી અને પુત્ર સાથે નિત્ય ઓચ્છવ મનાવતો કાયમ માટે વિરહમુક્ત થઈ પોતાના નિષ્કંટક સાર્વભૌમ રાજ્યનું પાલન કરવા લાગ્યો.

(કથાસરિત્સાગર અલંકારવતી લંબક, પાંચમો તરંગ)