ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/જીમૂતવાહનની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીમૂતવાહનની કથા

પાર્વતીનો પિતા હિમાલય છે, તે કેવળ પર્વતોનો ગુરુ નથી પણ ગૌરીપતિ શંકરનો પણ ગુરુ છે. વિદ્યાધરોના નિવાસરૂપ તે મોટા પર્વતમાં વિદ્યાધરોનો અધિપતિ જીમૂતકેતુ નામનો એક રાજા રહેતો હતો. તેને ઘેર પિતાના વખતથી ચાલ્યું આવતું નામ પ્રમાણે ગુણવાળું પ્રખ્યાત અને મનોરથને આપનાર કલ્પ એવા નામનું વૃક્ષ હતું. એક દિવસ ઉદ્યાનમાં દેવતા રૂપ તે કલ્પવૃક્ષ પાસે આવીને જિમૂતકેતુ રાજાએ માગણી કરી, ‘તમારી પાસેથી અમે સર્વદા વાંછિત મેળવીએ છીએ, તો હે દેવ, હું અપુત્ર છું, માટે મને એક ગુણવાન પુત્ર આપો.’ ત્યારે કલ્પવૃક્ષે કહ્યું, ‘હે રાજા, તને જાતિસ્મરણના જ્ઞાનવાળો, દાનવીર અને સર્વ પ્રાણીનું હિત કરનારો એક પુત્ર થશે.’ તે સાંભળી રાજી થયેલો રાજા રાણી પાસે ગયો અને વાત કરીને રાણીને પ્રસન્ન કરી. હવે તેની રાણીને થોડા દિવસે પુત્ર જન્મ્યો. પિતાએ તેનું નામ પાડ્યું જીમૂતવાહન. તે પછી સ્વાભાવિક ઉત્પન્ન થયેલી સર્વ પ્રાણી ઉપરની દયાની સાથે મહા ધૈર્યવાન જીમૂતવાહન વૃદ્ધિ પામ્યો. ક્રમે કરી તે યુવરાજપદ પામ્યો અને તેની સેવાથી પ્રસન્ન થયેલા પિતાને જીમૂતવાહને એકાંતમાં કહ્યું,

‘પિતાજી, હું જાણું છું કે આ ભવમાં બધા પદાર્થો ક્ષણભંગુર છે અને કલ્પ પર્યંત રહેનારા તો માત્ર મોટા પુરુષોનો એક યશ જ સ્થિર છે. પરોપકારથી તે યશ મળતો હોય તો ઉદાર પુરુષોને પ્રાણથી અધિક બીજું કયું ધન છે? સંપત્તિ તો વીજળીની પેઠે ચંચળ અને લોકનાં લોચનને દુઃખ પહોંચાડનારી છે તથા પરનો ઉપકાર નહીં કરવાવાળી ક્યાંય લય પામે છે. તો આ કલ્પવૃક્ષ જે આપણી કામનાને પૂૂરનાર છે તે બીજાના કામમાં આવે તો તેનું ફળ મળ્યું કહેવાય. માટે હું તેમ કરું કે અહીં આ વૃક્ષની સમૃદ્ધિથી સર્વ ગરીબ યાચકો શ્રીમંત થાય.’

આવી રીતે પિતા પાસે પ્રાર્થના કરી, તેમની સંમતિ મેળવી તે કલ્પવૃક્ષ પાસે જઈ જીમૂતવાહને કહ્યું, ‘હે દેવ, તમે હંમેશાં વાંછિત ફળ દેનાર છો. તો આજે એક મારી ઇચ્છા પૂરી કરો. હે મિત્ર, આ સર્વ પૃથ્વીને ધનાઢ્ય કરો. તમારું કલ્યાણ થાઓ. આજથી તમને ધન ઇચ્છનારા લોકોને સ્વાધીન કરી દઉં છું.’ આમ કહ્યું એટલે તે વૃક્ષે ધરતી પર ઘણું સોનું વરસાવ્યું. જેને કારણે સકળ પ્રજા સંતુષ્ટ થઈ. જીમૂતવાહન કરતાં બીજો કોઈ ઉત્તમ જીવ આવી રીતે કલ્પવૃક્ષ પણ યાચકોને સ્વાધીન કરી દે? આવી રીતે અનુરાગવાળી દિશાઓ અને ખૂણાઓમાં પણ જીમૂતવાહનનો નિર્મળ યશ ખૂબ જ પ્રસરી ગયો.

તે પછી પુત્રની ખ્યાતિથી જિમૂતકેતુનું રાજ્ય કીર્તિવંત થયું. તેને જોઈ તેનાં સગાંસંબંધીઓના મનમાં દ્વેષ ભરાયો ને તેઓ તેના વિરોધી થયા. તેમણે વિચાર્યું કે જે કારણે તે આટલો બધો કીર્તિવંત થયો છે તે કલ્પવૃક્ષવાળી જગ્યા આપણે જીતી લઈએ પછી એનો પ્રભાવ જતો રહેશે, એટલે તે જીમૂતવાહનને સહેલાઈથી જીતી શકાશે. તેવો વિચાર કરી સર્વ ભાયાતોએ એકઠા થઈ યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ધીર જીમૂતવાહને પિતાને કહ્યું, ‘જેમ આ શરીર જળના પરપોટા સમાન છે તેમ વાયુવાળી જગામાં રહેલા દીવાની પેઠે ચપળ લક્ષ્મી કોને માટે છે? બીજાનો નાશ કરી તેવી લક્ષ્મી રાખવાની ઇચ્છા કયો વિચારવંત કરશે? મારે સગાસંબંધીઓ સાથે સંગ્રામ કરવો નથી. રાજય છોડી દઈ અહીંથી મારે કોઈ વનમાં જતા રહેવું છે. પછી એ કૃપણો ભલે અહીં રહે ને રાજ્ય ભોગવે. પણ કુળનો ક્ષય નથી કરવો.’ જીમૂતવાહનનાં એવાં વચન સાંભળી તેના પિતા જીમૂતકેતુએ પણ નિશ્ચય કરી કહ્યું, ‘હે પુત્ર, મારે પણ જતા રહેવું છે. તેં જ્યારે તણખલાની જેમ રાજ્ય ત્યજી દીધું તો હું તો હવે વૃદ્ધ થયો છું, મને તો તેની ઇચ્છા કેવી? માયાળુ માતાને પૂછ્યું તો તેણે પણ તેવો જ ઉત્તર આપ્યો. તે સાંભળી જીમૂતવાહન તેમને લઈ મલય પર્વત પર ગયો. ત્યાં સિદ્ધોના રહેઠાણમાં ચંદનનાં વૃક્ષોથી છવાયેલા ઝરણાવાળા આશ્રમમાં પિતાની સેવા કરવા લાગ્યો. ત્યાં સિદ્ધોના રાજા વિશ્વાવસુનો મિત્રાવસુ નામનો પુત્ર તેનો મિત્ર થયો. એક દિવસ એકાંતમાં પૂર્વ જન્માંતરની સ્ત્રી અને મિત્રાવસુની બહેનને જ્ઞાની જીમૂતવાહને જોઈ. તે વખતે બંને યુવાનનું એકસરખું પરસ્પરનું જોવું, મન રૂપી મૃગની દૃઢ જાળના બંધન સરખું થઈ પડ્યું. તે પછી અકસ્માત્ ત્રણ જગતના પૂજ્ય જીમૂતવાહન પાસે આવી પ્રસન્ન થયેલા મિત્રાવસુએ કહ્યું, ‘મલયવતી નામની કન્યા મારી નાની બહેન છે, તે હું તમને આપું છું. તો મારી માગણી સ્વીકારજો.’ તે સાંભળી જીમૂતવાહને તેને કહ્યું, ‘યુવરાજ, પૂર્વજન્મમાં પણ તે મારી સ્ત્રી હતી. ને તું પણ ત્યાં જ બીજા હૃદય સરખો મારો મિત્ર હતો. હું જાતિસ્મરણના જ્ઞાનવાળો છું. એટલે સઘળી હકીકત મને યાદ છે.’ એ સાંભળી મિત્રાવસુએ તેને આશ્ચર્ય પામીને કહ્યું, ‘પ્રિય મિત્ર, મને બહુ આશ્ચર્ય થાય છે માટે પહેલાં તમારા એ પૂર્વજન્મનું વૃત્તાંત કહો.’ મિત્રાવસુનું આવું વચન સાંભળી જીમૂતવાહન પોતાના પૂર્વજન્મની વાત કહેવા લાગ્યો.