ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/અમ્બ જાતક


અમ્બ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજ્ય કરતા હતા. તે સમયે તેમનું પુરોહિતકુટુંંબ મહામારીમાં નાશ પામ્યું. માત્ર એક જ છોકરો ભાગી નીકળ્યો. તેણે તક્ષશિલા પહોંચીને વિખ્યાત આચાર્ય પાસે વૈદું અને બીજી વિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું. પછી તે રખડતો રખડતો એક નગર પહોંચ્યો. ત્યાં એક મહાચાંડાલોનું ગામ હતું. તે વેળા બોધિસત્ત્વ એ જ ગામડામાં રહેતા હતા, તે પંડિત, જ્ઞાની હતા. તે અકાળે ફળ મેળવવાનો મંત્ર જાણતા હતા. સવારે જ ગામથી નીકળી જતા, વનમાં એક આંબાથી સાત ડગલાં દૂર ઊભા રહીને મંત્રોચ્ચાર કરતા અને પાણી છાંંટતા. વૃક્ષ પરથી જૂનાં પાંદડાં ખરી જતાં, નવાં પાન ફૂટતાં, મ્હોર બેસતો અને પછી એ ખરી જતો, કેરીઓ થતી. તે વખતે પાકી ને મધુર, પ્રકાશમય, દિવ્ય ફળની જેમ ઝાડ પરથી પડતી. બોધિસત્ત્વ એમાંથી ચૂંટીને ખાતા અને થેલી ભરી ઘેર લઈ જતા, તે વેચીને સ્ત્રીનું અને પુત્રનું ભરણપોષણ કરતા.

તે બ્રાહ્મણકુમારે બોધિસત્ત્વને અકાળે કેરીઓ વેચતા જોયા અને વિચાર્યું, આ નિ:શક મંત્રબળથી સર્જાયેલાં ફળ છે. હું તેમની પાસેથી આ અમૂલ્ય મંત્ર પ્રાપ્ત કરું. તેણે બોધિસત્ત્વ કેવી રીતે ફળ આણે છે તે વિધિ જાણીને તેમાંથી ખ્યાતિ મેળવવાનો વિચાર કર્યો. તે બોધિસત્ત્વને ઘેર ગયો. તેઓ હજુ વનમાંથી પાછા ફર્યા ન હતા. તે વખતે તેમને ઘેર અજાણ્યાની જેમ તેમની પત્નીને પૂછ્યું,

‘આચાર્ય ક્યાં ગયા છે?’

‘વનમાં ગયા છે.’

તેમના આગમનની તે રાહ જોવા લાગ્યો. તેઓ આવ્યા એટલે તેમના હાથમાંથી થેલી લઈ લીધી અને ઘરમાં મૂકી. બોધિસત્ત્વે તેને જોઈને પત્નીને કહ્યું, ‘આ યુવાન મંત્ર જાણવા અહીં આવ્યો છે. પણ તે મંત્રને સાચવી નહીં શકે. તે દુર્જન છે.’ તે બ્રાહ્મણ યુવાને પણ નિશ્ચય કર્યો કે આચાર્યની સેવા કરીને મંત્ર શીખીશ. પછી તે ત્યાં રહીને સેવાચાકરી કરવા લાગ્યો. લાકડાં લઈ આવે, અનાજ સાફ કરે, રસોઈ કરે, હાથમોં ધોવા પાણી લાવતો, પગ ધોતો. એક દિવસ બોધિસત્ત્વે તેને કહ્યું, ‘મારા પલંગના પાયા આગળ ટેકો મૂક.’ તેને કશું ન મળ્યું. એટલે આખી રાત પલંગને પોતાની સાથળ વડે ટેકો આપીને બેસી રહ્યો, પછી થોડા સમયે બોધિસત્ત્વની પત્નીએ પુત્રને જન્મ આપ્યો, તેણે એ સ્ત્રીની પ્રસૂતિસેવા કરી. એક દિવસ તેમની પત્નીએ કહ્યું, ‘સ્વામી, આ બ્રહ્મચારી ઉચ્ચ કુળનો હોવા છતાં આપણી સેવા કરે છે તેની પાસે મંત્ર રહે કે ના રહે, તમે તેને મંત્ર શીખવાડો.’ બોધિસત્ત્વે પત્નીની વાત માની લીધી. મંત્ર શીખવાડીને કહ્યું, ‘જો, આ મંત્ર અમૂલ્ય છે. એને કારણે તને લાભ થશે, તારો સત્કાર થશે. રાજા પૂછે કે મહામંત્રી પૂછે કે તારો આચાર્ય કોણ છે, તો મારું નામ છુપાવીશ નહીં, ચાંડાલ પાસેથી મંત્ર શીખ્યો છું એ કહેવાનો તને શરમસંકોચ નડે અને તું જો એવું કહી બેસે કે મારા આચાર્ય બ્રાહ્મણ કુળના છે તો આ મંત્રનું ફળ નહીં મળે.’ તેણે કહ્યું, ‘હું શા માટે છુપાવું? કેઈ પૂછશે તો તમારું જ નામ કહીશ.’ તે પ્રણામ કરી ચાંડાલગ્રામમાંથી નીકળીને મંત્ર જપતાં જપતાં વારાણસીમાં કેરી વેચી બહુ ધન મેળવ્યું.

એક દિવસ કોઈ માળીએ રાજાને કેરી આપી. રાજાએ પૂછ્યું, ‘આ કેરી તને ક્યાંથી મળી?’

‘મહારાજ, એક માણસ કમોસમની કેરીઓ આણીને વેચે છે, મેં એની પાસેથી લીધી.’

‘તેને કહે કે હવે અહીં એ કેરી લાવતો રહે.’

તેણે એમ જ કર્યું.

યુવાન બધી કેરીઓ રાજમહેલમાં જ લઈ જવા લાગ્યો. રાજાએ કહ્યું, ‘મારી સેવામાં રહે.’ તેણે રાજસેવામાં રહીને બહુ ધન મેળવ્યું, ધીરે ધીરે તે વિશ્વાસપાત્ર બની ગયો. એક દિવસ રાજાએ પૂછ્યું. ‘આ પ્રકારની રંગ-ગંધ-રસવાળી કેરી તું લાવે છે ક્યાંથી? શું તને નાગ, ગરુડ, દેવતા આપે છે? કોઈ મંત્રથી આણે છે?’

‘રાજન્, મને કોઈ આપતું નથી. મારી પાસે અમૂલ્ય મંત્ર છે. એનું જ આ પરિણામ છે.’

‘મારી ઇચ્છા એ મંત્રબળ જોવાની છે.’

‘ભલે, તમને દેખાડીશ.’

બીજે દિવસે રાજા તેની સાથે ઉદ્યાનમાં ગયા અને બોલ્યા, ‘બતાવ ત્યારે.’

‘જુઓ.’ એમ કહી તે આંબા પાસે પહોંચ્યો, સાત ડગલાં દૂર ઊભા રહીને મંત્રજાપ કરી તેણે આંબા પર પાણી છાંટ્યું. તે વેળા પહેલાંની જેમ આંબે ફળ આવ્યાં અને વરસાદની જેમ કેરીની વર્ષા થઈ. લોકોએ હર્ષનાદ કર્યો, પાઘડીઓ ઉછાળી. રાજાએ ફળ ખાઈ બહુ ધન આપ્યું, અને પૂછ્યું, ‘ભાઈ, તને આ પ્રકારનો અદ્ભુત મંત્ર કોણે શીખવાડ્યો?’

‘જો હું એમ કહીશ કે ચાંડાલ પાસેથી શીખ્યો, તો મારે માટે બહુ શરમજનક કહેવાશે. મારી નિંદા થશે. હવે મને મંત્ર મોઢે થઈ ગયો છે. એટલે તે નાશ નહીં પામે. કોઈ જાણીતા આચાર્યનું નામ દઉં.’ એમ વિચારી તે જૂઠું બોલ્યો, ‘તક્ષશિલાના પ્રસિદ્ધ આચાર્યે મને આ મંત્ર શીખવાડ્યો છે.’ એમ કહી તેણે પોતાના આચાર્યની વાત છુપાવી. તે જ વેળા મંત્ર અદૃશ્ય થઈ ગયો. રાજા પ્રસન્ન હતા. તે એને નગરમાં લઈ ગયા. પછી એક દિવસ કેરી ખાવાની ઇચ્છા રાજાને થઈ એટલે તે ઉદ્યાનમાં જઈ મંગલ શિલાતલ પર બેઠા અને બોલ્યા, ‘ભાઈ, કેરી લાવ.’ તે ‘ભલે’ કહીને આંબા પાસે જઈ સાત ડગલાં દૂર જઈને મંત્રજાપ કરવા ગયો. પણ તેને મંત્ર યાદ ન આવ્યો. તે સમજી ગયો કે મંત્ર અદૃશ્ય થઈ ગયો છે. શરમ આવવાથી તે ઊભો રહી ગયો. રાજાએ વિચાર્યું, ‘પહેલાં તો લોકોના દેખતાં મને કેરી લાવીને આપતો હતો, વરસાદની જેમ પહેલાં તો આંબા પરથી કેરીઓ મળતી હતી. હવે આ થાંભલાની જેમ ઊભો છે તેનું શું કારણ? તે બોલ્યો, ‘અરે બ્રહ્મચારી, પહેલાં તો તું કેવી સરસ કેરીઓ લાવ્યો હતો, હવે તારા મંત્રથી આંબે કેરીઓ કેમ નથી દેખાતી?’

આ સાંભળી બ્રહ્મચારી વિચારવા લાગ્યો, ‘જો હું એમ કહીશ કે આજે મને કેરીઓ નથી મળતી તો રાજા મારા પર ગુસ્સે થશે. તો એમને જૂઠું કહીને છેતરું.’

‘હું નક્ષત્રયોગની રાહ જોઉં છું. નક્ષત્રની આજે કૃપા નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું પુષ્કળ કેરીઓ આપીશ.’

‘પહેલાં આ નક્ષત્રયોગની વાત કરતો ન હતો અને હવે કેમ કહે છે?’ એમ વિચારી પૂછ્યું.

‘પહેલાં તેં કદી નક્ષત્રયોગની વાત નથી કરી, કોઈ સારા મૂરતની વાત નથી કરી. રંગ, સુવાસ અને રસવાળી બહુ કેરીઓ લાવતો હતો. પહેલાં તારા મંત્રજાપથી આંબે કેરીઓ આવતી હતી. આજે હવે તું મંત્રજાપ પણ કરી શકતો નથી? આજે શું થયું છે?’

તેને થયું, ‘હવે રાજાને હું અસત્ય કહી નહીં શકું. સાચું બોલવાથી તે જે શિક્ષા કરશે તે વેઠીશ, હું સાચું જ બોલીશ.’

‘આ મંત્ર મને એક ચાંડાલે આપ્યો હતો. મને કહ્યું હતું કે આચાર્યનું નામગોત્ર કોઈ પૂછે તો કશું છુપાવીશ નહીં. તું જો છુપાવીશ તો મંત્ર અદૃશ્ય થઈ જશે. તમે મને પૂછ્યું તો સંકોચવશ હું જૂઠું બોલ્યો. મને આ મંત્ર કોઈ બ્રાહ્મણ પાસેથી નથી મળ્યો. હવે મંત્ર જતો રહ્યો એટલે પેટ ભરીને પસ્તાઉં છું.’

‘આ પાપીએ આવા રત્નની કિંમત ન કરી. ઉત્તમ રત્ન હોય તેમાં જાતિને શું લેવા દેવા?’ એમ વિચારી તેણે કહ્યું,‘ગમે તેવા વૃક્ષ પાસેથી જો મધ મળે તો વૃક્ષ તેને માટે ઉત્તમ જ ગણાય. આમ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ચાંડાળ કે કોઈ પણ મનુષ્ય પાસેથી જે કંઈ પ્રાપ્ત થતું હોય તો તે મનુષ્ય ઉત્તમ. આ યુવાને મહામુશ્કેલીએ ઉત્તમ અર્થનો નાશ મન, અભિમાનને કારણે કર્યો, તેને મારો.’

રાજસેવકોએ એમ કરીને તેને દેશવટો દઈ દીધો.

‘તારા આચાર્ય પાસે જા, એને રાજી કરીને જો મંત્ર મળે તો અહીં આવજે, નહીંતર ન આવીશ.’

તે અનાથ થઈ ગયો. તેણે વિચાર્યું, ‘આચાર્ય સિવાય હવે મારો કોઈ ઉદ્ધાર નથી. તેમની જ પાસે જઈને ફરી મંત્રની માગણી કરું.’ તે રડતો રડતો આચાર્ય પાસે ગયો.

તેને આવતો જોઈ બોધિસત્ત્વે પત્નીને બોલાવીને હહ્યું,‘જો — આ દુષ્ટ. મંત્ર વગરનો થઈ અહીં આવી રહ્યો છે.’

તેણે આવીને બોધિસત્ત્વને પ્રણામ કર્યાં. એક બાજુએ તે બેઠો.

‘કેમ આવ્યો?’

‘મેં જૂઠું બોલીને મારો વિનાશ નોતર્યો.’ પોતાની ભૂલ કબૂલીને ફરી મંત્રોની માગણી કરી.

‘કોઈ સપાટ ભૂમિ માનીને ખાડામાં, ગુફામાં જઈ પડે, દોરડું માનીને કાળા સાપને ઓળંગે, આંધળો આગમાં જઈ પડે એવી મારી સ્થિતિ થઈ. તમે આ મંત્રહીન અપરાધી પર ફરી કૃપા કરો.’

આચાર્યે કહ્યું, ‘તું શું કહી રહ્યો છે? આંધળાને જો ચેતવી દઈએ તો તે ખાડામાંથી ઊગરી જાય. મેં તને પહેલાં જ કહ્યું હતું. હવે તું મારી પાસે શા માટે આવ્યો છે? મેં તને ધર્મપૂર્વક મંત્ર આપ્યો તેં ધર્મભાવે ગ્રહણ કર્યા. આ મંત્રની પ્રકૃતિ પણ તને બતાવી કે જ્યાં સુધી ધર્મ પ્રમાણે ચાલીશ ત્યાં સુધી આ મંત્ર તારી પાસે રહેશે. મહામુશ્કેલીથી મળેલો મંત્ર ગુમાવ્યો, મૂર્ખતાથી જીવિકા ગુમાવી. જે મૂર્ખ, મૂઢ, અકૃતજ્ઞ, અસત્યવાદી, અસંયમી હોય તેને મંત્ર ન અપાય. હવે જા —- મંત્ર નથી.’

આમ આચાર્યે તિરસ્કાર્યો એટલે તેણે વિચાર્યું, ‘હવે જીવીને શું કરું?’ તે વનમાં જઈ મૃત્યુ પામ્યો.