ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કન્યાનું પારખું


કન્યાનું પારખું
કન્યાનું પારખું

ચતુરરત્ન મહૌષધને જ્યારથી મહારાણી ઉદુંબરાએ ધર્મનો ભાઈ કર્યો, ત્યારથી તે ખરેખર એક સ્નેહાળ બહેનની જેમ જ તેની સારસંભાળ રાખ્યા કરતી. અસાધારણ બુદ્ધિપ્રતિભાને બળે મહૌષધને વિદેહરાજે મહામાત્યનું પદ આપ્યું હતું, તો પણ વયની દૃષ્ટિએ તો તે એક કિશોર જ હતો. ગમે તેમ પણ ઉદુંબરા તેને પોતાનો એક નાનકડો ભાઈ જ ગણતી. આથી મહૌષધે સોળમું વરસ પૂરું કર્યું એટલે મહારાણીએ તેના વિવાહનો પ્રસ્તાવ મહારાજા પાસે મૂક્યો. મહારાજા ઘણા આનંદથી એમાં સંમત થયા. થાય જ ને! પંડિતો ને ચતુરોનાં માથાં ભાંગે તેવો અને મહારાણીનો ખાસ પ્રીતિપાત્ર મહામાત્ય ચતુરરત્ન મહૌષધ મિથિલાનું એક અણમોલ રત્ન હતું. એટલે વિદેહરાજના પણ તેને માથે ચાર હાથ હતા.

વિદેહરાજની સંમતિ મેળવી ઉદુંબરાએ મહૌષધ આગળ વિવાહની વાત મૂકી. તેણે મહારાણીનું વચન માન્ય રાખ્યું. પણ કન્યાની પસંદગીની વાત આવી એટલે તેને થયું કે કદાચ મહારાણીની પસંદગી પોતાને ન રુચે તો? એટલે તેણે કહ્યું:

‘દેવી, કન્યા લાવવા માટે હમણાં મહારાજને તમે વાત ન કરશો. હું જ મને મનગમતી શોધી લાવીશ.’

‘સારું, તાત! તને રુચે તેમ કર.’ ઉદુંબરા સંમત થઈ, એટલે નમસ્કાર કરી મહૌષધ પોતાને આવાસે આવ્યો.

યોગ્ય પાત્ર માટે ક્યાં અને કેમ તપાસ કરવી તેનો એણે થોડોક વિચાર કરી રાખ્યો હતો. આવી સમૃદ્ધ મિથિલાનગરી હતી: કુલીનો, શ્રીમંતો, ઐશ્વર્યશાળીઓનો પાર ન હતો. પણ મહૌષધે ગાંઠ વાળી રાખેલી કે કન્યા ગામડાની જ લાવવી. એટલે તેણે જનપદમાં જવાની તૈયારી કરી.

સાથે તેણે એ પણ નક્કી ક્રી રાખેલું કે પસંદગી જાતતપાસથી જ કરવી. એ હેતુ બરાબર પાર પડે તે માટે તેણે વેશપરિવર્તન કર્યું. ચતુરરત્ને એક આબેહૂબ દરજીનો વેશ લીધો. ગજ, કાતર, સોય, દોરા વગેરે સામગ્રીની કોથળી, પાનસોપારીનો બટવો વગેરે લઈ લીધાં. સજાવટ એવી કરી કે ઘડીભર તો મિત્રો પણ થાપ ખાઈ જાય! એ રૂપે અચાનક રસ્તામાં તે મળ્યો હોય ને એકાદ મુહૂર્ત તેમની સાથે વાતચીત કરે, તો પણ તેમને ખબર ન પડે કે આ તો ચતુરરત્ન જ છે, કોઈ દરજી નહીં!

મિથિલા છોડીને આ નવતર દરજી ગામડાંઓમાં ફરતો ફરતો જનપદમાં આગળ વધ્યે જતો હતો. અનેક ગ્રામકુમારીઓ તેની નજર તળે નીકળી ગઈ. પણ આંખ લાંબો સમય મંડાયેલી રહે, મનને ભર્યુંભર્યું કરી મૂકે એવું કોઈ પાત્ર હજી તેને હાથ નહોતું આવ્યું.

એમ કરતાં એક ગામમાં રાતવાસો રહી, વહેલી સવારે ત્યાંથી તે નીકળ્યો, ને કેટલુંક અંતર કાપી બીજા ગામની ભાગોળ સમીપ આવી પહોંચ્યો. ત્યાં સામેથી એક ફૂટડી યુવતીને માથે મટુકી લઈને આવતી તેણે જોઈ. ઘાટીલું, ગોરું ગોરું મુખ, સુડોળ દેહ, પ્રશસ્ત લક્ષણ, પ્રસન્ન દર્શન. પ્રથમ દૃષ્ટિપાતે જ મહૌષધનું ચિત્ત રંગાઈ ગયું, એટલું જ નહીં, પોતાને જોઈને તે યુવતીના મુખ પર પણ લજ્જા અને પ્રસન્નતાના ભાવો તેણે વાંચ્યાં.

‘આ કુંવારી હશે કે પરિણીત?’ તેના ચિત્તે પ્રશ્ન કર્યો. સાથે જ તેણે આ વાત યુવતીને જ પૂછી જોવાનું નક્કી કર્યું. પણ સીધેસીધી નહીં, કરપલ્લવીથી. અને તેણે એક હાથ ઊંચો કરી યુવતીની સામે એક મુઠ્ઠી વાળીને ઘડીક ધરી રાખી.

યુવતી આ સાંકેતિક પ્રશ્ન સમજી ગઈ, ને તેણે ઉત્તર પણ સંકેતથી જ વાળ્યો. પોતાના હાથનો પંજો પહોળો કરી તેણે આગંતુક પ્રવાસીની સામે ધર્યો. મહૌષધને નિરાંત થઈ: ચાલો, છે તો કુંવારી ને ચતુર પણ. એટલે પાસે જઈને એણે પૂછયું, ‘ભદ્રે, તારું નામ શું?’

મહૌષધનો પહેરવેશ સાવ સાધારણ હતો, પણ તેની સુંદર દેહાકૃતિ, બુુદ્ધિશાળી મુખમુદ્રા અને સંસ્કારી વાણીથી યુવતીને લાગ્યું કે જરૂર આ કોઈ અસાધારણ પુરુષ છે. ને તે જો પોતાના ચાતુુર્યની કસોટી કરવા માગતો હોય તો પોતે શું કામ ઓછી ઊતરે? એટલે તે બોલી:

‘જે હતી નહીં, છે નહીં ને હશે નહીં તેના નામે મારું નામ છે.’

હતી નહીં, છે નહીં ને હશે નહીં એ તો અમર વસ્તુ — ત્રિકાળમાં કોઈ વસ્તુ એવી નથી કે અમર હોય; એટલે મહૌષધ બોલ્યો:

‘ઓહો, તારું નામ અમરા એમ ને?’

‘સાચું, સ્વામિન્!’

‘ત્યારે અમરાદેવી, તમે કોને માટે ભાત લઈને જાઓ છો?’

‘પૂર્વના દેવતા માટે, સ્વામિન્!’

પૂર્વેના દેવતા એટલે તો માતાપિતા. મહૌષધ સમજ્યો કે તેના પિતાને ભાત આપવા જતી હશે. આથી તેણે પ્રશ્ન કર્યો:

‘તારા પિતા શું કરે છે, ભદ્રે?’

‘એકમાંથી બે કરે છે.’

‘એટલે ખેતી કરે છે, એમ ને?’

‘હા, સ્વામિન્!’

‘તમારું ખેતર ક્યાં આવ્યું?’

‘જ્યાં એક વાર ગયેલું પાછું નથી આવતું ત્યાં.’

વાહ રે! છોકરી તો બહુ ચતુર નીકળી!

‘એમ તમારું ઘર સ્મશાન પાસે છે?’

‘બરાબર, સ્વામિન્!’

‘તું ત્યાંથી પાછી આજે જ આવીશ કે?’

‘આવશે તો નહીં આવું, પણ નહીં આવે તો આવીશ.’

અમરાએ તો સમસ્યાની ઝડી જ વરસાવી! ચતુરરત્ન મહૌષધે કહ્યું,

‘એમ છે? વાત તો સાચી. નદીકાંઠે ખેતર હોય એટલે કાંઈ ધાર્યું તો ન જ રહે. પૂર આવે તો તારે રોકાઈ જવું પડે, ન આવે તો વળી આ પાર ચાલ્યું અવાય.’

આટલું સંભાષણ થયું એટલે અમરાએ ભાવથી કહ્યું,

‘સ્વામિન્, પ્રવાસથી તમે થાક્યાપાક્યા છો, તો આ થોડીક કાંજી પીઓ: એટલે કાંઈક સ્વસ્થતા આવે.’ આવી વાતમાં નકાર ભણવો અમંગળ ગણાય, એટલે મહૌષધે નિમંત્રણ સ્વીકાર્યું.

અમરાએ કાંજીની મટુકી ઉતારી. શકોરામાં પાણી લાવી તેણે મહૌષધના હાથપગ ધોવડાવ્યા, ને પછી એ શકોરું નીચે ભોંય પર મૂકી મટુકીને હલાવી, તેમાંથી કાંજી રેડીને શકોરું ભરી દીધું. અમરાની સુઘડતા કોઈને પણ આકષણ આકર્ષે તેવી હતી.

પણ કાંજીમાં ચોખાનું પ્રમાણ જોઈએ તે કરતાં ઘણું ઓછું હતું.

‘કેમ ભદ્રે, કાંજી સાવ પાતળી છે?’ ચતુરરત્ને પૂછ્યું.

‘પાણી નહીં મળ્યું તેથી, સ્વામિન્.’ અમરાએ ઉત્તર આપ્યો.

ખરું કહ્યું! પાણી ન મળ્યું તેથી કાંજી પાતળી થઈ?

‘સમજ્યો, ક્યારાઓને જોઈએ તેટલું વરસાદનું પાણી નહીં મળ્યું હોય, એટલે ચોખાનો પાક પૂરતો નહીં ઊતર્યો હોય.’ મહૌષધે સ્મિત સાથે કહ્યું.

‘સાચું અનુમાન કર્યું, સ્વામિન્!’

અમરાએ પિતાના ભાગની કાંજી રાખી, બાકીની મહૌષધને આપી. કાંજી પી, મોઢું પખાળી તે સ્વસ્થ થયો. અમરાના રૂપે, ચતુરાઈએ, રીતભાતે તેના મન પર ઘણી અનુકૂળ છાપ પાડી હતી. કોઈ કુલીન, પણ માઠી દશા ભોગવતા કુટુંબની આ છોકરી છે એટલું તો ચોક્કસ હતું. તેને ઘેર જઈ વિશેષ તપાસ કરવાનું તેણે વિચાર્યું; એટલે એણે અમરાને કહ્યું:

‘ભદ્રે, અમે તારે ઘેર જવા માગીએ છીએ. તો કયે રસ્તે થઈને જવું?’

’સારું સ્વામિન્, હું તમને રસ્તો ચીધું. જ્યાં ચોખા છે, કાંજી છે, બેવડા પાનવાળું ખીલેલું પલાશવૃક્ષ છે, તે તરફ અમારે ઘેર પહોંચવાનો માર્ગ છે. આ સંકેતથી શોધી કાઢશો ને સ્વામિન્?’ એમ કહેતી, સ્મિત વેરતી, જરા આંખ નચાવતી અમરા મટુકી માથે ચઢાવીને સરી ગઈ.

મહૌષધે ગામમાં પ્રવેશ કર્યો. ચોખાનું હાટ અને પછી કાંજીનું હાટ વટાવી તે આગળ ચાલ્યો. એટલે ખીલેલું પલાશવૃક્ષ પણ તેણે જોયું, તેના મૂળ પાસે ઊભા રહી જમણા હાથ પરના ઘરમાં તે ગયો.

અમરાની માતાએ તેને અભ્યાસગત જાણી આસન આપ્યું ને પૂછ્યું:

‘થોડી કાંજી લેશો?’

‘ના, માતા, નાની બહેન અમરાદેવીએ મને હમણાં જ પાઈ.’ માતા પામી ગઈ કે આ મારી દીકરીના અર્થે જ આવ્યા હશે. સાદા વેશ પાછળ ડોકાતા પ્રભાવશાળી વ્યક્તિત્વને પારખતાં તેને પણ વાર ન લાગી.

મહૌષધે ઘરમાં સર્વત્ર દારિદ્ર્યનું સામ્રાજ્ય દીઠું. તેણે કહ્યું: ‘માતા, ધંધે હું દરજી છું, તો કાંઈ સાંધવાસીવવાનું હોય તો બતાવો.’

‘સીવવાનું તો છે, પણ ભાઈ, સિલાઈના પૈસા અંગે ઘરધણી-’

‘લાવો ને માતા,’ વચ્ચે જ તે બોલી ઊઠ્યો, ‘હું સીવી આપું. પૈસાનું તો થઈ રહેશે.’

માતાએ જરીપુરાણાં ફાટ્યાંતૂટ્યાં કપડાં દીધાં. મહૌષધે એ પટાપટ સાંધીસૂંધી સમારીને નવા સરખા કરી આપ્યાં. ચતુરરત્ન કાંઈ મોળો કારીગર હતો? કામ આટોપી તેણે કહ્યું:

‘માતા, તમારી શેરીના પાડોશીઓનું પણ કાંઈ કામ હોય તો લઈ આવો, હું કરી આપું.’

માતા તો તેના કૌશલથી અરધીઅરધી થઈ જતી, આડોશપાડોશમાં અને ઓળખીતાપારખીતામાં બધે ચોખા મૂકી આવી. વચ્ચે જમવા ઊઠ્યો તે બાદ કરતાં એક જ બેઠકે મહૌષધે સાંજ સુધી સિલાઈકામ કર્યું, ને એ દિવસના એક હજાર સોનૈયા કમાયો!

સાંજ પડતાં માતાએ પૂછ્યું:

‘કેટલાં જણનું રાંધું?’

‘માતા, આ ઘરમાં જેટલા જણ જમવાના હોય તેટલાનું.’

અમરાની માતાએ અનેક સૂપ ને વ્યંજન સહિત મોકળે હાથે ભાત રાંધ્યા.

અમરા પણ સાંજ પડતાં માથે લાકડાનો ભારો ને ખોળામાં પાંદડાં લઈને સીમમાંથી આવી. ઘરના આગલા બારણા પાસે ભારો નાખ્યો ને પાછલે બારણેથી અંદર આવી. તેનો પિતા સહેજ મોડો આવ્યો.

મહૌષધે રસરસની વાની આરોગી. અમરાએ માતાપિતાને જમાડ્યાં, પછી પોતે જમીને માતાપિતા અને પછી મહૌષધના પગ ધોઈ તે સૂવા ગઈ.

વાતવાત ઉપરથી મહૌષધે જાણી લીધું કે એ શ્રેષ્ઠીકુટુંબ પરાપૂર્વથી ત્યાં જ વસતું હતું, ને કાળબળે ઘસાઈ ગયું હોવા છતાં તેની કુલીનતામાં કચાશ આવી ન હતી.

પણ અમરાને બરોબર જાણવાજોવા માટે મહૌષધે કેટલાક દિવસ ત્યાં રોકાવાનું નક્કી કર્યું. તેની કાન્તિ, બુદ્ધિ, કુશળતા, સજ્જનતા ને સંસ્કારિતાએ શ્રેષ્ઠીકુટુંબને તો વશ કરી લીધું હતું.

એક વાર પરીક્ષા કરવા તેણે અમરાને ક્હ્યું:

‘ભદ્રે અમરાદેવી, અરધું માપિયું ચોખા લે ને એટલામાંથી મારા માટે કાંજી, પૂડા ને ભાત બનાવી લાવ.’

‘સારું.’ કહી અમરાએ કહ્યા પ્રમાણે અરધું માપિયું શાળ છડી, અને તેમાંથી આખા દાણા જુદા પાડી તેની કાંજી કરી, અડધા ભાંગેલા હતા તે રાંધી ભાત બનાવ્યો, ને બાકી રહેલી કણકીમાંથી પૂડા બનાવ્યા.

ઘટતો હવેજમસાલો નાખી સ્વાદિષ્ટ બનાવેલી કાંજી અમરાએ મહૌષધને પીરસી. બેત્રણ ઘૂંટડા પીતાંમાં તો કાંજીના આસ્વાદથી તે પાણીપાણી થઈ ગયો. પણ કૃત્રિમ રોષથી મોઢામાંના કાંજીના ઘૂંટડાનો ત્યાં કોગળો કરી નાખી કડક સ્વરે તે બોલ્યો:

‘ભદ્રે, રાંધતાં નથી આવડતું, તો પછી નકામા મારા ચોખા શું કામ બગાડે છે?’

સહેજ પણ રીસ ન ચઢાવતાં અમરા નરમાશથી બોલી: ‘સ્વામિન્, કાંજી સારી ન થઈ હોય તો આ પૂડા ખાઓ.’

પણ પૂડાનાંયે બેચાર કટકાં લઈ તેણે થૂંકી કાઢ્યાં, ને ભાતનું પણ એમ જ કર્યું ને પછી તો ખૂબ ખિજાયાનો દેખાવ કરીને એ થૂંકી કાઢેલી કાંજી, પૂડાના બટકાં ને ભાતને ભેગાં મસળી, અમરાને માથે ને શરીરે ચોપડી તેણે રાડ પાડી:

‘જા, બેસ જઈને બારણા પાસે.‘

અમરાએ સહેજ પણ અસ્વસ્થ થયા વિના ‘સારું,સ્વામિન્...’ એટલું બોલી કહેવા પ્રમાણે કર્યું.

તેની નિરભિમાનીવૃત્તિથી સંતુષ્ટ થઈ મહૌષધે તેને તરત જ પાછી બોલાવી. ‘ભદ્રે, અહીં આવ.’ ને આમ એક વાર બોલાવતાં સાથે જ તે તેની પાસે ગઈ.

આ રીતે ઘરકામની આવડત ને સહનશીલતાના ગુણની પૂરી પ્રતીતિ થઈ એટલે મહૌષધે પોતાના પાનના બટવામાંથી એક અતિ મૂલ્યવાન સાડી કાઢીને અમરાના હાથમાં આપતાં કહ્યું, ‘સ્નાન કરી, આ સાડી પહેરી તારી સખીઓ સહિત મારી પાસે આવ.’

કહ્યા પ્રમાણે તૈયાર થઈને અમરા આવી.

મહૌષધે પોતાની સાથે લાવેલા સોનૈયામાંથી એક હજાર, અને પોતે ત્યાં રહીને જે કમાયેલો તે એક હજાર-એમ બે હજાર સોનૈયા અમરાનાં માતાપિતાના હાથમાં આપ્યા, પુત્રીને અંગે તેમને નિશ્ચિત રહેવા સમજાવ્યાં, ને અમરાને સાથે લઈ મિથિલાનો માર્ગ લીધો.

મિથિલા પહોંચતાં તેણે અમરાને દ્વારપાળને ઘરે જ રાખી, કેમ કે છેવટની એક મોટી કસોટી હજી બાકી હતી. પોતાની શી યોજના છે તે દ્વારપાળની સ્ત્રીને ગુપ્ત રીતે સમજાવી, અમરાને ત્યાં જ મૂકી મહૌષધ એકલો ઘેર ગયો. ખાસ વિશ્ચાસુ માણસોને બોલાવી તેણે આદેશ દીધો:

‘એક સ્ત્રીને દ્વારપાળને ઘરે રાખીને હું આવ્યો છું. તમે આ એક હજારની થેલી લો અને તેની પરીક્ષા કરો.’

પેલાઓએ દ્વારપાળને ત્યાં જઈ અમરાને ધનથી લોભાવવા ઘણી યુક્તિપ્રયુક્તિ વાપરી. દ્વારપાળની સ્ત્રીએ પણ આડુંઅવળું ઘણું સમજાવ્યું, પણ અમરાએ ‘આ તો મારા સ્વામીની ચરણરજની તુલ્ય પણ નથી.’ કહી થેલીને હાથ અડકાડવાની ના પાડી.

છેવટે મહૌષધની સૂચનાથી તેના માણસો અમરાને પરાણે હાથ પકડીને તેની પાસે ખેંચી લાવ્યા.

ક્યાં મેળ વિનાના લઘરવઘર દરજીના વેશમાં રહેલો, ઢીલુંઢીલું બોલતો મહૌષધ ને ક્યાં ઝાકઝમાળ મહાપ્રાસાદમાં અનેક દાસ-દાસીઓથી સેવાતો, વસ્ત્રાભરણથી મંડિત, દેવ સમો દીષતો, દૂર રત્નજડિત આસન પર બેઠેલો, પ્રતાપ ને વૈભવથી ચકિતમુગ્ધ કરી દેતો મહૌષધ! અમરા મહૌષધને ઓળખી ન શકી. પણ આવીને તે ઘડીક તેની સામે જોઈ રહી. પછી પહેલાં હસી ને તરત જ રડી પડી.

વિસ્મિત મહૌષધે તેને આમ હસીને પછી એકાએક રડવાનું કારણ પૂછ્યું.

અમરા બોલી, ‘સ્વામિન્, તમારો આ વૈભવ જોઈને મને થયું કે આટલી અઢળક સંપત્તિ એમ ને એમ ન મળે. આગલા ભવમાં ઘણાં પુણ્ય કર્યાં હોય તે જ આવાં સુખ ભોગવે. અહો! પુણ્યનું કેટલું ફળ છે! અને તેથી મને આનંદ થતાં હું હસી. પણ પાછું તરત જ મને થયું કે અત્યારે તો આ પુણ્યશાળી જીવ બીજાએ વરેલી સ્ત્રીને બળજબરીથી ઝૂંટવી લેવાનું પાપ કરે છે, એટલે આવતે જન્મે એ નરકે જવાનો, ને એ વિચારે કરુણાથી મારું હૈયું ભરાઈ આવતાં મેં રડી દીધું.’

મહૌષધનું અંતર પ્રસન્નતાથી નાચી ઊઠ્યું. શીલની અંતિમ કસોટી અમરાએ પૂરા ગૌરવથી પાર કરી હતી. પણ પોતાનો મનોભાવ સંતાડી તેણે માણસોને આજ્ઞા કરી, ‘જાઓ, આ બાઈને હતી ત્યાં પાછી મૂકી આવો.’

પરિચારકો અમરાને દ્વારપાળને ત્યાં મૂકી આવ્યા. થોડીક વાર બાદ મહૌષધ દરજીનો વેશ લઈ દ્વારપાળને ત્યાં ગયો. અમરાની વીતકકથા સાંભળી તેને આશ્વાસન આપ્યું ને રાત ત્યાં જ ગાળી.

બીજે દિવસે રાજમહેલે તેણે ઉદુંબરાને બધી વાત કરી. ઉદુંબરાએ વિદેહરાજને કહ્યું.

પછી અમરાદેવીને સર્વ અલંકારથી વિભૂષિત કરી સુંદર રથમાં બેસાડી, મોટા સત્કારસન્માન સાથે મહૌષધના આવાસ પર લાવવામાં આવી. પોતાને કોની પત્ની બનવાનું વિરલ સદ્ભાગ્ય સાંપડ્યું છે તે ખરેખરું તેણે જાણ્યું, ત્યારે તેના આનંદની અવધિ આવી ગઈ.

વિવાહનો મંગળવિધિ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યો. મહારાજાએ એક હજાર સોનૈયાની ભેટ આપી. દ્વારપાળ સુધીના પ્રત્યેક નગરજને પણ કાંઈ નહીં ને કાંઈ ભેટ પોતાના આ અદ્ભુત મહામાત્યના વિવાહપ્રસંગે મોકલી. અમરાદેવીએ દરેકની ભેટના બે ભાગ કરી એક ભાગ રાખ્યો, બીજો દરેકને પાછો આપ્યો, ને એ રીતે તેણે સૌનાં મન જીતી લીધાં.

અમરા સાથે રહીને ચતુરરત્ન મહૌષધ વિદેહરાજને ધર્મ ને અર્થના વિષયમાં માર્ગદર્શન આપવાનું મહામાત્યના કર્તવ્યનું પૂર્ણપણે પાલન કરવા લાગ્યો.

‘(મહાઉમ્મગ્ગ’ જાતકનો એક અંશ)