ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/સોનાની થાળી


સોનાની થાળી

શંખ અને નંદન બંને સેરીગ્રામના. બંને વાણિયા અને બંને નજીકના અંધપુર નગરમાં ફેરી કરીને પેટગુજારો કરતા. જૂનાં વાસણોનો ભંગાર અને જરીપુરાણી ચીજો વેચાતી લેવાનો અને નવાં વાસણો તથા ખોટા મોતીમણકાનાં ઘરેણાં વેચવાનો ધંધો કરીને તેઓ પેટ પૂરતું ઉપજાવી લેતા.

ગામ એક, જાત એક, ધંધો એક, ધંધાનું ઠેકાણું પણ એક, પણ આવું હોય ત્યારે કેટલીક વાર બને છે તેમ, બંનેનાં મન જુદાં. શંખને નંદનની ચડતી કાંટાની જેમ ખૂંચતી. નંદન પોતાના સરળ, સંતોષી સ્વભાવ ને મીઠી જીભને લઈને ઘરાકોમાં ઘણો પ્રિય થતો જતો હતો. શંખ લોભવૃત્તિથી સીધા કે આડા માર્ગે કસાય તેટલું કસી વધુમાં વધુ નફો મેળવવા મથતો, અને લુચ્ચો, કડવો ને ઝઘડાખોર હોવાની છાપ વધારતો જતો. નંદનની વધતી જતી ઘરાકી શંખથી ખમાતી નહી. મીઠું મીઠું બોલી, લલ્લોચપ્પો કરીને નંદન તેની ઘરાકી પડાવી લેતો હોવાનું તે માનતો ને એથી મનમાં ધૂંધવાયા કરતો. એનો ઉપાય શો કરવો એની ભારે મૂંઝવણમાં તે પડ્યો હતો, પણ આ મૂંઝવણની સાથે તેની કંજૂસાઈ વધી ગઈ. ઘરાકો સાથે વાંધા પણ વારંવાર પડવા લાગ્યા. જ્યાં ને ત્યાં તે અકારો થઈ પડ્યો.

વિચાર કરતાં કરતાં છેવટે શંખને એક રસ્તો સૂઝી ગયો. નંદનને ધંધો કરતાં કે શબ્દોની જાળ પાથરી ઘરાકોને ફસાવતાં તો તે અટકાવી શકે તેમ ન હતું. પણ પોતાની ખાસ ઘરાકીવાળા લત્તામાંથી તેને કોઈક યુક્તિથી દૂર રાખી શકાય તો પછી તેની હૈયાબળતરા ઓછી થઈ જાય.

પ્રસંગ મળતાં જ તેણે નંદન આગળ પ્રસ્તાવ મૂક્યો:

‘નંદન, કેટલાક વખતથી તને એક વાત કહેવાનું મારા મનમાં ઘોળાયા કરે છે.’

કોઈક જ વાર સરખી રીતે બોલતો શંખ આજે એકાએક કાં મીઠાશથી વાત કરવા આવ્યો એનો વિચાર કરતો નંદન બોલ્યો:

‘કહે ને, ભાઈ શંખ, શી વાત છે?’

‘બીજું તો કાંઈ નહીં, પણ મને એમ થયા કરે છે કે આપણે બેય એક જ ગામના, જાત પણ એક, ને આટલાં વરસોનો આપણો સંબંધ, તો પછી શુંં કામ આપણે ધંધામાં એકબીજાની ખોટી હરીફાઈ કરીને એકબીજાને નુકસાન પહોંચાડવું?’

‘શંખ, તું હરીફાઈની ને નુકસાન પહોંચાડવાની વાત કરે છે તેથી મને ઘણો અચંબો થાય છે. મારા મનમાં કદી એવો કોઈ વિચાર પણ નથી આવ્યો. સીધોસાદો ધંધો કરતાં જે બે ખોબા ચોખા મળી રહે છે એટલું બસ છે, છતાં તને લાગતું હોય કે હું ક્યાંયે તારી આડો આવું છું તો કહી નાખ, તું કહે તેમ કરવા હું તૈયાર છું.’

‘એમ હું ક્યાં કહું છું કે તું મારી આડો આવે છે? આ તો બંનેના લાભની વાત છે, સમજ્યો ને? ને હમણાંથી કશીક ગોઠવણ કરી હોય તો આગળ ઉપર આપણો સંબંધ બગડવાના સંજોગો ઊભા ન થાય એ વાત છે, બીજું તો શું?’

‘તું નામ પાડીને કહે તો કાંઈક સમજાય કે શી ગોઠવણ કરવાની છે.’

‘ગોઠવણ તો બીજી શી કરવાની હતી? વાત સાવ સાદી છે. અત્યારે આપણે આખા અંધપુરમાં ટાંટિયા તોડતા ફરીએ છીએ, તેને બદલે અમુક લત્તા તારે માટે અલાયદા, અમુક મારા માટે અલાયદા, એવી વહેંચણી આપણે કરી લીધી હોય તો વધારે પડતું રખડવું ન પડે. કોઈ કોઈની ઘરાકી પડાવી લેવાનો પ્રસંગ જ ઊભો ન થાય. તેમ ન કદી કશો વાંધોવચકો પડે.’

શંખને શું પેટમાં દુઃખતું હતું તે નંદન હવે કળી ગયો. તેમ જે જાતની ગોઠવણ કરવાનું તે કહેતો હતો તેની પાછળ પણ શું રમત છે તેય તે તરત પામી ગયો. પણ હા — ના કરવાથી શંખ વધુ ખારીલો બનશે જાણી તે કબૂલ થયો. શંખે સારી ઘરાકીવાળા લત્તા પોતાને માટે રાખી લીધા. નંદને વાંધો ન ઉઠાવ્યો.

વળતા દિવસથી ગોઠવણ પ્રમાણે બંને પોતપોતાના વિભાગમાં ફેરી કરવા લાગ્યા.

પણ શંખને એ યોજનાથી તેની ધારણા હતી તેવો કશો ફાયદો ન થયો. કેટલાયે લત્તા એવા હતા જેમાં બંનેના હંમેશના ઘરાકો બાજુબાજુમાં રહેતા હતા. આથી વહેંચણીમાં એકના કેટલાક ઘરાક બીજાના વિભાગમાં આવી જાય એ અનિવાર્ય હતું.

શંખના જે ઘરાકો નંદનના વિભાગમાં ગયા તે તો તેણે ખોયા. ને બદલામાં ખરાબ સ્વભાવને લીધે પોતાના વિભાગમાં તે નવી ઘરાકી બહુ ન બાંધી શક્યો.

થોડાક દિવસમાં જ તેને થવા માંડ્યું કે આ ગોઠવણ તેને પરવડે તેમ નથી.

તેણે નંદનને મળીને ફરી વાત કરી. ઘણા વખતથી મહેનતે બંધાયેલા કાયમી ઘરાકોમાંથી એકે ઓછો થાય તેમાં તો બંનેને નુકસાન થાય ને કોઈ ત્રીજો જ ફાવી જાય. એટલે કરેલી ગોઠવણમાં થોડોક ફેરફાર કરવો, ધંધો કરવાના લત્તાની વહેંચણી કાયમી ન રાખવી, પણ દરરોજ પૂરતી ફરતીફરતી વહેંચણી કરી લેવી.

નંદન તો શંખને રાજી રાખવા તૈયાર જ હતો.

અને આ ગોઠવણ પણ થોડાક દિવસમાં જ શંખને ખૂંચવા લાગી. ઘરાકોનો દિવસ કે સમય અમુક એક જ નથી હોતો. તેમ તેઓ લેવા-વેચવા માટે અમુક ફેરિયાની રાહ જોઈને બેસે એવું હંમેશા નથી હોતું. ને ધંધો જ એવો હતો કે જેટલી વધારે જગ્યાએ ફરાય એટલું વધારે સારું, એટલે નવી ગોઠવણ પણ બદલાવવાની તેને જરૂર લાગી. એવું કાંઈક કરવું જોઈએ કે નંદનનું નડતર ઓછું થાય ને છતાં ફરવાની છૂટ પૂરતી રહે અને પોતે બને તેટલો વધુ લાભ ઉઠાવી શકે.

છેવટે એવું નક્કી કર્યું કે, દરરોજ લત્તા વહેંચવાનું તો રાખવું, પણ પોતાના ભાગના લત્તાઓમાં ફરી રહ્યા પછી બીજાના ભાગના લત્તાઓમાં પણ ધંધા કરવાની છૂટ. શરત એટલી રાખી કે, એક શેરીમાં એક જણ જ્યાં સુધી હોય ત્યાં સુધી બીજાએ ત્યાં ન જવું.

પણ આમતેમ ફરતીફરતી પ્રપંચી યુક્તિ કરવાથીયે શંખને કશો ધાર્યો લાભ ન થયો. તેની ઘરાકી ઘટતી જ રહી. ને તેમ તેમ તેનો લોભ વધતો ગયો, સ્વભાવ બગડતો ગયો.

હમણાંહમણાં તેની મુખમુદ્રા તંગ રહેતી. કારણ વગર તે ઉશ્કેરાઈ જતો ને ઝઘડો કરી બેસતો. સાધારણ વાત પણ બરાડા પાડીને જ કરતો. નંદન સાથે નાછૂટકે જ તે બોલતો અને તેમાંયે એકદમ છેડાઈ પડતો. તેને જ પોતાની બધી પાયમાલીનું મૂળ માનતો એટલે તેને જ્યારે જ્યારે જોતો ત્યારે તે અંદરથી સળગી ઊઠતો. પણ નંદન તેનું દુર્વર્તન સહી લઈ તેના પ્રત્યે બનતી ભલમનસાઈ દાખવતો.

એક દિવસ દરરોજના ક્રમ પ્રમાણે લત્તાઓ વહેંચી લઈને બંને જણા ફેરીએ નીકળી પડ્યા. ઉપરાઉપરી છેલ્લા બે દિવસથી નામની જ કમાણી થઈ હોવાથી શંખ ગળા સુધી ધૂંધવાટે ભરેલો હતો.

પોતાના ભાગના એક પછી એક લત્તામાં તે ફરવા લાગ્યો. ઘણી જગ્યાએ રખડ્યો, પણ કોડીનોયે વકરો ન થયો. તેની ખાતરી થઈ ગઈ કે આજે સવારના પહોરમાં કાળમુખા નંદને ઝગડો કરીને જે અપશુકન કરેલાં તેનું જ આ ફળ છે.

બપોર પછી તે સામાન્ય સ્થિતિનાં વણિકકુટુંબો જ્યાં વસતાં હતાં તેવી એક શેરીમાં આવી પહોંચ્યો.‘લ્યો મોતીની માળા, હીરાનાં કંકણ, દાંતના ચૂડા, ભૂંગળી ને પારા, જૂનાંપાનાં વાસણ, જરીપુરાણી ચીજો,’ એમ લલકારતો લલકારતો તે આગળ વધ્યો.

શેરીના એક ભાગમાં કેટલાંક ગરીબ કુટુંબોનો વસવાટ હતો. એક ઘરમાં એક ડોશી ને છોકરી રહેતાં હતાં. અંધપુરનું એક વખતનું ઘણું જ શ્રીમંત અને ભર્યુંભાદર્યું શ્રેષ્ઠીકુટુંબ પડતીના ચક્કરમાં ફસાતાં જોતજોતાંમાં તેનાં ધનભંડાર ને ઘરબાર બધું હતું ન હતું થઈ ગયું. માણસો પણ એક આઠનવ વરસની છોકરી અને તેની દાદી સિવાય સૌ એક પછી એક ટપોટપ કાળના મુખમાં ઝડપાઈ ગયાં. બચી ગયેલી ચીજવસ્તુ ને ઠામઠીકરાં વેચીવેચીને ડોશીએ ચાલે ત્યાં સુધી ચલાવ્યું. હવે તે પારકાં કામ કરીને બંનેનું પેટ ભરતી. છોકરીએ હમણાં થોડા દિવસથી મોતીની માળાનું વેન લીધેલું. એક વાર જ્યાં સાચાં હીરામોતીનાં ઢગલો ઘરેણાં હતાં ત્યાં આજે ખોટી માળા ખરીદવાને એક રૂપરડીના પણ સાંસા હતા. ભીની આંખે ડોશીએ દીકરીને ઘણું સમજાવી, પણ છોકરી કેમે હઠ નહોતી છોડતી. જ્યારે જ્યારે ફેરિયાની બૂમ કાને પડતી ત્યારે ત્યારે તેનું માળાનું રટણ રોકકળનું રૂપ લેતું.

આજે પણ આઘેથી શંખનો સાદ સાંભળીને છોકરીએ માળા અપાવવા ડોશીને રડતે રાગે કહ્યું.

ડોશી સમજાવતાં બોલી, ‘પણ માડી, તને મેં કેટલી વાર કહ્યું કે એવા રૂપકડાને કરવું છે શું? ને થોડાક પૈસા ભેગા થશે ત્યારે વળી તને લઈ દઈશ, પણ અત્યારે ને અત્યારે તારે જોઈએ તે ક્યાંથી લઈ દઉં? કોઈ ફૂટ્યુંતૂટ્યું ઠામઠીકરું પણ નથી કે એ આપીને બદલીમાં માળા લેવાય.’

‘છે, છે, એક ભાંગેલી થાળી મેડામાં પડી છે.’ એમ બોલતી ઓઢણીના છેડાથી આંખો લૂછતી છોકરી દોડી ગઈ અને ઝટપટ મેડામાં પડેલા નકામાં આચરકૂચર ને કાટકૂટના ધૂળિયા ઢગલામાંથી એક મેલે ખરડેલી થાળી લઈ આવીને તેણે દાદીના હાથમાં મૂકી. વળેલી, ગોબાયેલી, ત્રણ જગ્યાએથી તૂટેલા કાંઠાવાળી, ભોંયમાંથી ખોદીને કાઢી હોય એવી ભૂંડીભૂખ થાળીએ છોકરીના મોં પર ચમક આણી દીધી. અને ડોશી કાંઈ કહે તે પહેલાં તો દોડતી તે બહાર પહોંચી ગઈ ને ફેરિયાને બોલાવવા બૂમ પાડવા લાગી.

શંખ આવ્યો એટલે ડોશીએ થાળી દેખાડતાં કહ્યું, ‘જો ને ભાઈ, આનું શું આવશે? આ છોકરીએ મોતીની માળાનું વેન લીધું છે.’

શંખે થાળી હાથમાં લીધી. એક જગ્યાએ ભાર દઈને ઘસી જોતાં ધાતુ ચળકતી લાગી. તરત જ તેણે થાળી પર સોયથી થોડાક લીસોટા પાડીને તપાસી. તેની અનુભવી આંખો કળી ગઈ કે થાળી સોનાની છે.

કુટુંબની પડતી દશા બેઠી ત્યારે થયેલી અનેક હેરફેરો, નાસભાગ ને અસ્તવ્યસ્તતામાં અકસ્માત બીજાં હલકાં વાસણોના ગંજ નીચે દટાઈ ગયેલી આ સોનાની થાળીનાં અથડાઇ કુટાઈને તદ્દન અળખામણાં રૂપરંગ થઈ ગયેલાં. જાણે કે આ કુટુંબની સાથોસાથ તે પણ ઉત્તરોત્તર બધાંયે દશાપરિવર્તન ભોગવતી આવી. તદ્દન હલકી ધાતુની ગણાઈને તે વેચવા જેવું બધું વેચાઈ ગયા છતાં કચરાના ઢગમાં પડી રહી હતી. શરીર શણગારવાની પોતાની સ્વભાવસહજ વૃત્તિને સંતોષવાનો અભાનપણે રસ્તો ખોળતી છોકરીના હાથે ચડતાં તે આજે ફેરિયા પાસે આવી પડી હતી.

શંખ પામી ગયો કે થાળી ખરેખર સોનાની છે એની ડોશીને ગંધ સરખી પણ નથી. હંમેશનું દળદર ફિટાડે તેવડું મોટું ફાંફળ પડવાની આ લાખેણી તક એકાએક આવી પડી, એ ખ્યાલે તેનું હૃદય કૂદાકૂદ કરી રહ્યું. તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તેણે મનમાં ગાંઠ વાળી.

મોં બગાડીને તોછડા અવાજે તે બોલ્યો, ‘ડોશી, આ ઠીકરા જેવા ભંગારનું તે શું આવતું હતું? જોઈએ તો બે આના આપી દઉં, બોલ.’

‘બે જ આના? બે આનામાં મારું શું વળે, ભાઈ? મારે તો છોકરીનું મન રાજી કરવા માળા જોઈતી હતી. એ આપતો હોય તો થાળી લઈ જા.’

‘આ ફૂટલા શકોરાના બદલામાં તારે રૂપિયા દોઢની માળા જોઈએ છે?’ શંખ બરાડીને બોલ્યો. ‘અહીં તે શું મફતિયો માલ છે? લે. આ તારા કિંમતી માલને પેટીપટારામાં સાચવી મૂક!’ એમ ખિજાઈ, થાળી ધૂળમાં પછાડી, તોરમાં ઊભો થઈને શંખ ચાલતો થયો.

છોકરીનું મોં પડી ગયું. થાળી લઈ, છોકરીને માથે હાથ ફેરવતી ડોશી ઊભી થઈને ઘરની અંદર ગઈ.

આ પછી થોડીક વારે નંદન એ જ શેરીમાં આવ્યો. પોતાના વિભાગના કેટલાક લત્તામાં તેનો ઠીકઠીક માલ આજે ખપ્યો એટલે હવે પોતે ફરતો હતો તે શેરીને લગતી આ શેરીમાં, તેના બેત્રણ ઘરાક હોવાથી તેણે ડોકિયું કર્યું.

તેનો સાદ સાંભળીને છોકરી બહાર ડોકાઈ ને પછી તરત તેની દાદીને કહેવા લાગી. ‘મા, મા, બીજો ફેરિયો આવ્યો છે. એ થાળી લઈને માળા આપશે.’

‘બાપુ! પેલો ફેરિયો બે આના આપવાનું કહી થાળી પછાડીને ચાલતો થયો તે તેં ન જોયું? નકામી લમણાઝીંક શું કરવી?’ ડોશીએ કહ્યું.

‘પણ આ તો આપણો ભલો ફેરિયો છે. પેલો તો બહુ ખરાબ હતો. એનું મોં જ કેવું હતું. ને હાઉહાઉ કરતો બોલતો હતો.’

છોકરી થાળી લઈને બહાર આવી ને નંદનને બોલાવવા લાગી. પહેલાં વાસણકૂસણ વેચવાનાં હતાં ત્યારે ઘણું ખરું ડોશી નંદનને જ વેચતી, તેથી છોકરી તેને સારી રીતે ઓળખતી અને કેટલાયે ઘરાકોમાં નંદન ભલા ફેરિયાને નામે જ ઓળખાતો હતો.

નંદનના હાથમાં થાળી દેતાં ડોશી બોલી, ‘જો ને ભાઈ, આનું કાંઈ આવે તો. આ છોકરી માળા માળા કરતી અરધી થઈ ગઈ. એક માળા આપે તો એનું મન રહે.’

‘અરે માજી, નાની બહેનને માળા જોઈતી હોય, તો મારાથી કાંઈ ના પડાય? થાળીનું ભલેને ગમે તે આવે. તમે તમારે આમાંથી એક માળા લઈ લ્યો,’ એક હાથે થાળી લેતાં અને બીજે હાથે કોથળામાંથી માળાઓ કાઢીને ડોશીની આગળ મૂકતાં નંદન બોલ્યો. ડોશી ને છોકરી માળા પસંદ કરવા લાગ્યાં એટલામાં થાળી તપાસીને નંદને કહ્યું, ‘માજી, આ થાળી જેટલા દામ તો મારી પાસે નથી. આના બે હજાર રૂપિયા તો સહેલાઈથી આવે.’

સાંભળીને ડોશી તો ડઘાઈ જ ગઈ! બોલી, ‘હેં! હેં! શું કહ્યું તેં?’

‘હા, માજી,’ નંદન બોલ્યો. ‘આ થાળી ચોખ્ખા સોનાની છે. તેના બે હજારથી વધારે ઊપજે, ઓછું નહીં.’

‘પણ ભાઈ, હજી બે ઘડી પહેલાં જ એક ફેરિયાને બતાવી ત્યારે તે બે આના આપવાનું કહી થાળી પછાડીને ચાલતો થયો. ને તું કહે છે કે સોનાની છે. તારા જેવા ભલા માણસનો હાથ અડતાં સોનાની થઈ ગઈ હોય તો કોણ જાણે. ભાવમાં મને બહુ સમજ ન પડે. તું તારે આ એક માળા ને બાકી તારી આગળ જે કાંઈ થોડાઘણા રૂપિયા હોય તે આપ એટલે થયું. હું વળી બીજાને ક્યાં વેચવા જાઉં?’

‘એવું હોય તો માજી, આ મારી પાસેના પાંચસો રૂપિયા તમને આપી દઉં છું ને બીજો આ પાંચ સોનો માલ તમારે ત્યાં જ મૂકી જાઉં છું. તમારી થાળી વેચતાં જે કાંઈ ઊપજશે તેમાંથી વાજબી નફો રાખી બાકીના રૂપિયા પણ તમને આપી જઈશ. એ પછી તમારે કાંઈ બક્ષિસ પેટે આપવું હોય તો આપજો.’

એમ કહી હોડીના ભાડા પૂરતા ચાર આના અને ત્રાજવાં સિવાયનું બધું ડોશીને આપી દઈ, થાળી લઈને નંદન ગયો. આ અણધારી વાતથી ડોશી એટલી સ્તબ્ધ બની ગઈ કે માળા ગળામાં ઘાલીને હરખમાં કૂદતી ને ‘મા, જો તો !’ કરીને બોલાવતી છોકરી પણ ઘડીક તો તેની વિચારતંદ્રા તોડવામાં નિષ્ફળ નીવડી.

નંદનને ગયાને એકાદ ઘડી માંડ થઈ હશે ત્યાં શંખ ડોશીના ઘરનાં બારણાં પાસે ફરી દેખાયો.

તેણે ડોશીને બૂમ મારી, ’અરે ડોશી, નકામો લોભ કર મા ને થાળી લાવ. લાવ, બે આના વધુ આપું છું. ચાર આનાથી કોઈ કાકો એક કોડી પણ વધારે નહીં આપે સમજી કે?’

ડોશીએ આવીને કહ્યું, ‘થાળી તો વેચી દીધી.’

‘હેં! કોને? કોને?’ ફાટેલા અવાજે શંખના ગળામાંથી સવાલ છૂટ્યો.

‘પેલો ભલો ફેરિયો આવે છે ને? પેલો નંદન? તેને, થાળી સોનાની છે કહીને તે હજાર રૂપિયા જેટલું આપી ગયો.’

‘કોણ, નંદન? લુચ્ચો! દુષ્ટ! વિશ્વાસઘાતી! ક્યારે મર્યો હતો એ અહીં?’ ક્રોધે ધ્રૂજતા શંખે પૂછ્યું.

‘થોડીક વાર થઈ હશે.’ શંખના દેખાવથી જરા હેબતાઈ જઈને ડોશી બોલી.

‘દુષ્ટનો ટોટો જ પીસી નાખું,’ એમ બરાડતો ત્યાં ને ત્યાં માલનો કોથળો પટકી દઈને, હવામાં મુક્કી વીંઝતો, ગાંડાની જેમ તે ત્યાંથી ભાગ્યો ને તેલવાહા નદીની દિશામાં પૂરપાટ દોડ્યો.

હાંફતો હાંફતો શંખ નદીને કાંઠે પહોંચ્યો ત્યારે નંદનને લઈને હોડી દોઢસો — બસો વામ જેટલી ઘાટથી આગળ વધી ચૂકી હતી. ‘હોડીવાળા! એય હોડીવાળા! ઊભી રાખ, હોડી ઊભી રાખ! મને આવવા દે! નીચ નંદનિયા! નાસી ક્યાં જાય છે? વિશ્વાસઘાતી! અધમ! તને મારી નાખીશ! સોનાની થાળી મારી છે, આપી દે! નહીં તો તારું લોહી પીશ! હોડીવાળા! એને પાછો લાવ! દોડો! કોઈ દોડો! નંદનિયાને પકડી લાવો! હાય! હાય! હું લુંટાઈ ગયો! મને મારી નાખ્યો! મરી ગયો રે!’ એમ તે ચીસો પાડવા લાગ્યો. ક્યાંય સુધી ચીસો પાડી ને પછી તે કાંઠા પર ઘડી મૂઠીઓ ઘૂમાવતો દોડે તો ઘડી ભોંય પર આળોટતો છાતી કૂટતો કકળાટ કરે, તો ઘડી ગમે તેવા ચેનચાળા કરતો બબડાટ કરવા માંડે.

અને તે દિવસથી જ્યારે જ્યારે હોડી અંધપુરથી ઉતારુઓને લઈને પાણીનો પટ કાપતી થોડીક આગળ વધતી ત્યારે ત્યારે તરત જ વિખરાયેલા વાળ ને મેલા લઘરવઘર વેશવાળો એક ગાંડો ઘાટ પર ધસી આવતો ને હોડીની દિશામાં લાંબા લાંબા હાથ કરી, ફાટેલા સાદે નંદનનું નામ લઈને ગાળો દેતો. હોડી પાછી વાળવા વીનવતો, સોનાની થાળી માટે રડતો, ઘડીક દોડતો તો ઘડીક આળોટતો અચૂક દેખાતો. ને તે દિવસથી નંદન જ્યારે જ્યારે અંધપુર આવતો ત્યારે ત્યારે એ ગાંડાની સામે કરુણાભરી, દુઃખી નજર પળ બે પળ ઠેરવતો ને પછી સહેજ વિષણ્ણ વદને અને ધીમે પગલે તે ચાલતો થતો.