ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદનો વૃત્તાન્ત


અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદનો વૃત્તાન્ત

વારાણસી નામે નગરી છે. ત્યાં ઘણી શિષ્યાઓના પરિવારવાળી, વ્યાકરણ અને સાંખ્યશાસ્ત્રમાં કુશળ તથા અત્યંત માનનીય એવી સુલસા નામે પરિવ્રાજિકા વસતી હતી. યાજ્ઞવલ્ક્ય નામે ત્રિદંડી વાદ કરવાની ઇચ્છાથી વારાણસી આવ્યો. તે બન્નેની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે સુલસાએ જ્ઞાનમદથી કહ્યું, ‘જો મને વાદમાં જીતો તો છ માસ સુધી તમારી પાદુકાઓ વહન કરું.’ પછી મધ્યસ્થો સમક્ષ તેમની વચ્ચે વાદ થયો. શબ્દશાસ્ત્ર-વ્યાકરણના વિષયમાં યાજ્ઞવલ્ક્યે સુલસાને જીતી, એટલે માન મૂકીને તે યાજ્ઞવલ્ક્યની સેવા કરવા લાગી. આ પ્રમાણે તેમની વચ્ચેની મર્યાદા તૂટી જવાથી તથા એકબીજાની સમીપ રહેવાને કારણે તેમનું પતન થયું. શિષ્યાઓએ પણ સુલસાને ખરાબ શીલવાળી ગણીને તેનો પરિત્યાગ કર્યો. તેને પોતાની બહેન માનતી તથા ઘણા કાળની તેની સોબતી એકમાત્ર નંદા નામે (શિષ્યા) તેની સાથે રહી હતી. સુલસાને ગર્ભ રહ્યો. ‘મને ગર્ભ રહ્યાની હકીકત જાહેર થતાં રખેને હું અપમાનિત થાઉં’ એમ વિચારીને, નંદાને પોતાનું ગમન-સ્થાન કહી બતાવી, તીર્થયાત્રાના બહાને તે નીકળી ગંગાના કિનારે યાજ્ઞવલ્ક્યની સાથે ઘેરી વૃક્ષઘટાઓથી વીંટાયેલા પીપળાના વૃક્ષની નીચે તે રહેવા લાગી. નંદા તેને સમાચારો આપતી હતી. પ્રસવનો દિવસ નજીક આવ્યો ત્યારે સુલસા અત્યંત ખિન્ન થઈ ગઈ. યાજ્ઞવલ્ક્યની શુશ્રૂષાથી તેણે યથાકાળે પુત્રને જન્મ આપ્યો. પુત્રને સ્નાન કરાવીને યાજ્ઞવલ્ક્યની પાસે મૂકીને ‘હું ગંગાતીર્થમાં ઊતરું છું (સ્નાન કરી આવું છું’) એમ કહીને તે ચાલી નીકળી. ‘મારે બાળકનું શું કામ છે? યાજ્ઞવલ્ક્ય સાથેના સંબંધથી પણ હવે બસ થાઓ,’ એમ વિચારતી સુલસાને પાછી આવતાં મોડું થયું તેથી બાળક રોવા લાગ્યો. યાજ્ઞવલ્ક્યે યોગ્ય તીર્થમાં તેની તપાસ કરી, પણ તેને માલૂમ પડ્યું કે ‘સુલસા નથી, એ તો ચાલી ગઈ છે.’ આ પ્રમાણે ચિન્તા કરતો તે ‘હવે તેને કેવી રીતે મળું?’ એમ વિચાર કરતો બેઠો. એટલામાં પવનથી તૂટેલી પીપળાની ડાળી બાળકના મુખ ઉપર પડી, એટલે તે (દૂધનો) સ્વાદ લેવા લાગ્યો અને રોતો બંધ થઈ ગયો. બાળકનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા યાજ્ઞવલ્ક્યે વિચાર કર્યો, ‘આહાર કરવા માંડેલો આ બાળક પીપળો ખાય છે માટે એનું નામ પિપ્પલાદ (પીપળો ખાનાર) ભલે રહે.’ એમ વિચારીને શિલા ઉપર તે નામ લખી (બાળકને ત્યજીને) તે ગયો. આ બાજુ, સુલસાનો પ્રસવકાળ નજદીક આવેલો જાણીને સ્નેહવશ નંદા ઘી લઈને તે સ્થળે આવી. તે વખતે એ બાળકના મુખમાંથી, તેના હલનચલનને કારણે, પીપળાની ડાળી ખસી ગઈ હતી, આથી તે ફરી રડવા લાગ્યો. તેનો સાદ — રુદન શબ્દ નંદાએ સાંભળ્યો, તેથી તેણે વિચાર્યું કે ‘સુલસાને પ્રસવ થઈ ગયો છે.’ પ્રસન્ન થયેલી તે ઝાડીની અંદર આવી, તો તેણે બાળકને જોયો તથા ‘પિપ્પલાદ’ એવું નામ વાંચ્યું, પરન્તુ પેલાં બે જણાંને જોયાં નહીં. તપાસ કરતાં ‘તેઓ પોતાનાં ઉપકરણો લઈને ચાલ્યાં ગયાં છે’ એમ જણાતાં અનુકંપાથી બાળકને લઈને તે વારાણસી આવી. બાળકને ગળથૂથી પિવરાવીને પછી પોતાના અંતેવાસી લોકોને કહેવા લાગી, ‘હું જ્યારે ગંગામાં સ્નાન કરવા ગઈ ત્યારે આ બાળકને મેં જોયો.’ તેઓ બોલ્યાં, ‘સારું કર્યું, અમે તને સામગ્રી પૂરી પાડીશું.’ તેઓએ યત્નપૂર્વક મદદ કરતાં નંદાએ તે બાળકને ઉછેર્યો તથા વિદ્યા શીખવી. અંગ સહિત વેદ તેણે ગ્રહણ કર્યા.

એક વાર ઉદ્યાનમાં તોફાન કરતો હોવાને કારણે નંદાએ એ બાળકને કહ્યું, ‘તને જન્મ બીજીએ આપ્યો અને હેરાન મને કરે છે.’ આથી તેણે પૂછ્યું, ‘માતા! હું કોનો પુત્ર છું?’ નંદાએ ઉત્તર આપ્યો, ‘મારો.’ છતાં બાળકે ઘણો આગ્રહ કરતાં નંદાએ તેની સાચી ઉત્પત્તિ કહી. આ સાંભળી માતાપિતા ઉપર તેને દ્વેષ થયો. તેણે અથર્વવેદ રચ્યો, માતૃમેધ અને પિતૃમેધનું તથા અભિચાર-મંત્રોનું વિધાન કર્યું. તે લોકોમાં બહુમાન્ય અને સમૃદ્ધ થયો.

ફરી એક વાર યાજ્ઞવલ્ક્ય (વારાણસીમાં) આવ્યો, અભિનવ બુદ્ધિવાળા પિપ્પલાદે તેનો પરાજય કર્યો. પછી તેનું સન્માન કરીને પિપ્પલાદ પોતાના ઘેર લઈ ગયો, એટલે તે ત્યાં રહ્યો. પછી યાજ્ઞવલ્ક્યે પૂછ્યું, ‘તું કોનો પુત્ર છે?’ પિપ્પલાદે ઉત્તર આપ્યો, ‘પિપ્પલનો.’ આમ યાજ્ઞવલ્ક્યે જાણ્યું કે, ‘આ મારો જ પુત્ર છે; બીજા કોની આવી શક્તિ હોય?’ પછી તેણે કહ્યું, ‘હું પિપ્પલને ઓળખું છું; જો તું તેનો પુત્ર હોય તો હું કૃતાર્થ થયો છું.’ પછી મનમાં દ્વેષ રાખતો તે પિપ્પલાદ તેની સેવા કરવા લાગ્યો. ઘણો કાળ વીત્યા પછી નંદાની ખબર લેવા માટે સુલસા ત્યાં આવી. તેણે નંદાને પિપ્પલાદના ભવનમાં ફરતી જોઈ. પૂછવામાં આવતાં નંદાએ પિપ્પલાદ કેવી રીતે મોટો થયો તે કહ્યું. (સુલસાના આગમનની ખબર) નંદાએ પિપ્પલાદને પણ જણાવી, અને કહ્યું, ‘પુત્ર! આ તારી માતા છે.’ પિપ્પલાદે પણ ખોટો વિનય બતાવી તેની સેવા કરી. પછી તેણે યાજ્ઞવલ્ક્યને કહ્યું, ‘તાત! તમને મોટા પિતૃમેધથી દીક્ષિત કરવામાં આવે છે.’ તે બોલ્યો, ‘પુત્ર! મારું જે કંઈ હિત હોય તે તું કર.’ પછી તેને પિપ્પલાદે દીક્ષા આપીને ગંગા તીરે એકાન્તમાં બાંધ્યો અને કહ્યું, ‘તાત! તમારી જીભ બતાવો.’ પછી તેણે હાથચાલાકીથી કાતર વડે જીભ કાપી નાખી. અવાક્ બનેલા તે યાજ્ઞવલ્ક્યનાં કાન, નાક, હોઠ, હાથ, પગ ઇત્યાદિ અવયવો ઉપર ખાર છાંટીને પિપ્પલાદે અગ્નિમાં હોમ્યા, અને તેને ક્રોધપૂર્વક કહ્યું, ‘દુરાચારી! મેં જન્મતાં વેંત તારો શો અપરાધ કર્યો હતો કે તેં મારો નિર્જન પ્રદેશમાં ત્યાગ કરી દીધો? હું જીવી શકું તે માટે તેં કોઈને ખબર પણ કેમ ન આપી? તું જ મારો શત્રુ છે.’ પછી નિશ્ચેષ્ટ થયેલા તે યાજ્ઞવલ્ક્યને તેણે ગંગામાં ફેંકી દીધો, ભૂમિ ઉપર ગંધોદક છાંટ્યું અને પછી જાહેર કર્યું કે, ‘યાજ્ઞવલ્ક્ય તો વિમાનમાં ગયા છે.’ આ જ પ્રમાણે તેણે સુલસાને પણ મારી નાખી.

આ પ્રમાણે પિતા અને માતાનો ઘાત કરનાર પિપ્પલાદનો હું વર્દલી નામે શિષ્ય હતો. અથર્વવેદના જ્ઞાનવાળો હું બ્રાહ્મણોને ભણાવતો હતો. મરીને હું બકરો થયો.

આ તરફ મિથિલામાં જનક રાજા હતો. તેનો શુનકમેધ નામે તાપસ ઉપાધ્યાય હતો. તે પુરોહિતે રાજાના શાન્તિકર્મ નિમિત્તે મારો ઘાત કર્યો. ફરી વાર હું બકરો થયો. એ શુનકમેધે, એ પ્રમાણે, પાંચ વાર મને મારીને હોમ્યો. વર્દલી વગેરે મારા પૂર્વજન્મો મને યાદ હતા. ફરી પાછો હું ટંકણ દેશમાં બકરો થયો. ત્યાં વણિકો જ્યારે મને મારતા હતા ત્યારે આ ચારુદત્તે અહિંસાપ્રધાન ધર્મનો મને ઉપદેશ કર્યો. તે વખતે મેં વિચાર કર્યો, ‘ધર્મનો શુદ્ધ ઉપદેશ આ જ હોવો જોઈએ. વેદશાસ્ત્રના ઉપદેશના ફળરૂપે તો આ છઠ્ઠું મરણ હું અનુભવું છું. જિનેશ્વરોએ ઉપદેશેલાં વચનો ઉપર આ ચારુદત્તે ભાવપૂર્વક મને રુચિવાળો કર્યો, અરિહંત-નમસ્કારમાં સ્થિર રહેલો હું કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો, એટલે વણિકોએ મને મારી નાખ્યો. પછી હું નંદીશ્વરદ્વીપમાં દેવ થયો છું અને આ ઇભ્યપુત્રની ગુરુપૂજા કરવાની ઇચ્છાવાળો હું અહીં આવ્યો છું.’

પછી વિદ્યાધરોએ તે દેવને કહ્યું, ‘દેવ! અમે પહેલાં સત્કાર કરીશું, કારણ કે ચારુસ્વામીએ અમારા પિતાને પહેલાં જીવિતદાન આપ્યું હતું અને પછી તે તમારા ધર્મોપદેશક બન્યા હતા.’ દેવ બોલ્યો, ‘હું સત્કાર કરીશ, પછી તમે સન્માન કરજો.’ વિદ્યાધરોએ કહ્યું, ‘દેવ! તમે સત્કાર કરી રહો એ પછી તમારા કરતાં વધુ કરવાની અમારી શી શક્તિ? અમે સત્કાર કરીએ ત્યાર પછી શુશ્રૂષાપૂર્વક તમે તેમનો સત્કાર કરજો. કૃપા કરો.’ આ પ્રમાણે દેવને સમજાવીને વિદ્યાધરો મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ‘ચારુસ્વામી! ચંપાનગરીમાં જવાની ઇચ્છા થાય ત્યારે મારું સ્મરણ કરજો’ એમ કહીને દેવ પણ ગયો. પછી જાણે મારા પોતાના જ ઘરમાં રહેતો હોઉં તેવી રીતે સિંહયશ અને વરાહગ્રીવ વડે પિતાના જેવી જ સેવા પામતો હું રહેતો હતો.