ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અમિતગતિનો શેષ વૃત્તાન્ત


અમિતગતિનો શેષ વૃત્તાન્ત

‘હું તમારી પાસેથી ઊડ્યો. પછી મેં વિદ્યાનું આવાહન કર્યું, એટલે તેણે મને કહ્યું, ‘વૈતાઢ્ય પર્વત ઉપર કાંચનગુહામાં તારી પ્રિયા તારા શત્રુની સાથે છે.’ એટલે હું કાંચનગુહા ગયો. કરમાઈ ગયેલી જાણે પુષ્પમાળા હોય તેવી તથા દુઃખસમુદ્રમાં ડૂબેલી સુકુમારિકાને મેં ત્યાં જોઈ. વેતાલ-વિદ્યાની સહાયથી મારું મૃત શરીર તેને બતાવીને (ધૂમસિંહ) કહેતો હતો, ‘આ તારો પતિ અમિતગતિ (મરણ પામ્યો છે), માટે તું મારું સેવન કર અથવા સળગતા અગ્નિમાં પ્રવેશ કર.’ સુકુમારિકા બોલી, ‘હું તો મારા પતિ અમિતગતિનું જ અનુસરણ કરીશ.’ એટલે તેઓએ (ધૂમસિંહના સેવકોએ) લાકડાંનો મોટો ઢગલો કર્યો, તેમાં આગ મૂકી, શબને પણ મૂક્યું અને પ્રિયા શબને આલિંગન કરીને બેઠી. તે જ વખતે હું ત્યાં પહોંચ્યો. મેં હુંકાર કર્યો, એટલે તેઓ નાસી ગયા. મેં પ્રિયાને ચિતા ઉપરથી ઉતારી. હું હજી જીવતો હતો એ જોઈને તે વિસ્મય પામી. મારા શત્રુઓને મેં નસાડ્યા એટલે તેઓ સમુદ્રમાં પેસી ગયા. પછી હું પાછો વળીને પિતા પાસે ગયો અને તેમને બધું કહ્યું. પછી મારા પિતાએ વિદ્યાધરશ્રેણિના વૃદ્ધો દ્વારા ધૂમસિંહ સાથે વિદ્યાધરોનો બોલવા-ચાલવાનો વ્યવહાર બંધ કરાવ્યો.

એક વાર મારા પિતા વિદ્યાધરરાજની પુત્રી મનોરમા નામે કન્યા લાવ્યા. પાણિગ્રહણ કરીને હું તે ભાર્યાની સાથે રમણ કરવા લાગ્યો. પછી મારા પિતાએ, મને રાજ્યધુરા સોંપીને, હિરણ્યકુંભ અને સુવર્ણકુંભ નામના ચારણશ્રમણોની પાસે દીક્ષા લીધી તથા નિ:સંગ અને તપપરાયણ થઈને તેઓ વિચરવા લાગ્યા. મારે ત્યાં સિંહયશ અને વરાહગ્રીવ એ પુત્રો થયા, અને ગન્ધર્વદત્તા પુત્રી થઈ. મારા પિતા નિર્વાણ પામ્યાના સમાચાર સાંભળીને મેં પણ, સિંહયશને રાજ્ય આપીને, તે જ ચારણશ્રમણોની પાસે દીક્ષા લીધી. સૂત્રોનો અભ્યાસ કર્યા પછી હું આ કંઠક દ્વીપમાં કંકોડય ર્પત ઉપર આતાપના લઉં છું, અને રાત્રે ગુફામાં વસું છું.

ભદ્રમુખ! સારું થયું કે તમે અહીં મને મળ્યા. હવે તમને કોઈ વાતની ખામી નહીં રહે. મારા પુત્રો અહીં દરરોજ મને વંદન કરવા માટે આવે છે. તેઓ પોતાના નગરમાં લઈ જઈને તમારી શુશ્રૂષા કરશે, અને વિપુલ ધન સહિત તમને ચંપાનગરી લઈ જશે.’

ભગવાન આ પ્રમાણે કહેતા હતા ત્યાં તો થોડી જ વારમાં વિદ્યાધર રાજાઓ સિંહયશ અને વરાહગ્રીવ ત્યાં આવ્યા. તેમણે પિતાને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. સાધુએ તેમને કહ્યું, ‘પુત્રો! આ તમારા ધર્મપિતાને લાંબે કાળે પ્રણામ કરો. ઘણી મુશ્કેલીએ તેઓ અહીં આવી પહોંચ્યા છે.’ તેઓ બોલ્યા, ‘તાત! ‘આ તમારા ધર્મપિતા છે’ એમ કહો છો, તો શું આ ચારુસ્વામી તો નથી? તેમણે કહ્યું, ‘હા, એમ જ છે. સ્થાન અને ધનથી પરિભ્રષ્ટ થયેલા તે લાંબે કાળે મારા જોવામાં આવ્યા છે.’ પછી તેમણે બધી હકીકત પોતાના પુત્રોને કહી. એટલે તેઓએ પિતાને યોગ્ય એવા માન સાથે મને વંદન કર્યું, અને હું વિશ્રામ લેતો હતો ત્યારે મને કહ્યું, ‘જેનો પ્રતિકાર થઈ શકે નહીં તથા જેમાંથી છોડાવી શકાય નહીં એવી સ્થિતિમાં રહેલા અમારા પિતાને જીવિતદાન આપીને ઉપકાર કરનાર આપનો અમે યથાશક્તિ પ્રત્યુપકાર કરીશું. અમારા સદ્ભાગ્યે જ આપને અહીં આણ્યા છે. આજે અમારો કલેશ દૂર થયો છે.’ આ પ્રમાણે તેઓ બોલવા લાગ્યા.

એવામાં અજોડ રૂપવાળો, રુચિર આભૂષણોથી અલંકૃત તથા રજ વગરના આકાશ જેવો તેજસ્વી એક દેવ ત્યાં આવ્યો. હર્ષિત થયેલા તેણે ‘પરમ ગુરુને નમસ્કાર’ એમ વંદના કરતાં મને પ્રણામ કર્યા. ત્યાર પછી તેણે અમિતગતિને વંદન કર્યું. વિદ્યાધરોએ તેને પૂછ્યું, ‘દેવ! અમે ક્રમ પૂછીએ છીએ કે — પહેલાં સાધુને વંદન કરવું જોઈએ કે શ્રાવકને?’ તેણે ઉત્તર આપ્યો, ‘સાધુઓને વંદન કરવું જોઈએ, પછી શ્રાવકને; પણ હું ભક્તિવશ હોવાને કારણે ક્રમ ચૂકી ગયો હતો. આમની (ચારુદત્તની) કૃપાથી મને આ દેવશરીર અને આ રિદ્ધિ મળી છે.’ વિદ્યાધરોએ પૂછ્યું, ‘કેવી રીતે?’ એટલે દેવ કહેવા લાગ્યો, ‘બકરાના ભવમાં હું જાતિસ્મરણ જ્ઞાનવાળો હતો. ગત જન્મનું સ્મરણ કરતા મને એમણે ધર્મમાં જોડ્યો. સાંભળો, પહેલાં તો હું અથર્વવેદ દ્વારા પ્રવર્તેલા મંત્રોના વિનિયોગમાં પાંચ વાર અગ્નિમાં હોમાયો. છઠ્ઠી વાર મને વાણિયાઓએ મારી નાખ્યો.’ એટલે વિદ્યાધરોએ પૂછ્યું, ‘દેવ! અથર્વવેદ કેવી રીતે ઉત્પન્ન થયો? અને કોણે તે કર્યો?’ તેણે ઉત્તર આપ્યો, ‘મહાકાલ નામે પરમ ધાર્મિક દેવ હતો. સગર પ્રત્યેના દ્વેષને કારણે તેને નરકમાં નાખવાના હેતુથી, એ દેવે પશુવધ પ્રકાશિત કર્યો હતો. પરંપરાના આગમથી પિપ્પલાદે તે ગ્રહણ કર્યો હતો. તેણે તેના આશ્રયથી અથર્વવેદની રચના કરી હતી. એ પિપ્પલાદની ઉત્પત્તિ સાંભળો,