ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધનપ્રાપ્તિ માટે ચારુદત્તનું વિદેશભ્રમણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનપ્રાપ્તિ માટે ચારુદત્તનું વિદેશભ્રમણ

આ પ્રમાણે નિશ્ચય કરીને વેશ્યાની સંગતિના દોષો વિષે વિચાર કરતો હું મારા મામાની સાથે પગે ચાલતો નગરની બહાર નીકળ્યો. (જનપદના) સીમાડા ઉપર આવેલા ઉશીરાવર્ત નામે ગામમાં અમે પહોંચ્યા. ત્યાં ગામ બહાર મને બેસાડીને મામા ગામમાં ગયા અને થોડી વાર પછી મર્દન માટેનાં તેલ, આચ્છાદન, અલંકાર અને વસ્ત્રો જેના હાથમાં હતા એવા એક પુરુષની સાથે તે પાછા આવ્યા. પછી મેં નદીમાં સ્નાન કર્યું અને લોકોત્તમ જિનેશ્વરોને પ્રણામ કર્યાં. પછી અમે ગામમાં પ્રવેશ્યા. ધીરધાર વગેરે ક્ષુદ્ર વેપાર જેમાં ચાલતો હતો એવું એ ગામ તથા તેમાંનાં ઉજ્જડ સ્થળો મેં જોયાં. દુકાન અને ઉપવન વડે કરીને એ ગામ નગર જેવું દેખાતું હતું. ખડકીવાળા એક ઘરમાં અમે દાખલ થયા, ઢાળવાળી જગા ઉપર હાથપગ ધોઈને પછી ભોજન કરવાના સ્થાનમાં ગ્રામનિવાસમાં સુલભ એવું ગોરસપ્રધાન ભોજન અમે જમ્યા. વિચાર કરતા અમે ત્યાં રાત રહ્યા. રાત પણ વીતી ગઈ. મામાએ મને કહ્યું, ‘જનપદની ખૂંધ સમાન આ દિશાસંવાહ નામે ગામ છે. અહીં વિશિષ્ટ વેપાર કરો. તારા પિતા જેમની સાથે ધીરધારના સંબંધ રાખતા હતા એવા ખેડૂતો અહીં વસે છે; તેમની પાસેથી તું સુવર્ણ લઈ શકે એમ છે.’ મેં સ્વીકાર્યું કે, ‘ભલે એમ થાઓ.’ પછી મારી અંગૂઠી વેચીને ખરીદેલા માલથી ત્યાં વેપાર કરતો હું ગ્રામવાસી લોકોને બહુમાન્ય થયો. સર્વ વિદેશમાંથી લાવવામાં આવતો સૂતર, રૂ વગેરે માલ મામા એકત્ર કરતા હતા.

એક વાર રાત્રે દીવાની સળગતી વાટ ઉંદર ખેંચી ગયો તે કારણે રૂ સળગી ગયું. દુકાનમાંથી હું મુશ્કેલીએ બહાર નીકળ્યો. ઘણીખરી દુકાન પણ સળગી ગઈ. જે કંઈ બાકી હતું તે લોકોએ બચાવી લીધું. પ્રભાતે ગ્રામવાસીઓએ મને આશ્વાસન આપ્યું.

ફરી પાછા વેપાર કરતાં અમે સૂતર અને રૂ એકત્ર કર્યું અને ગાડાં ભર્યાં. સાર્થની સાથે અમે ઉત્કલ દેશમાં ગયા. ત્યાંથી કપાસ લીધો, ગાડાં ભર્યાં અને તામ્રલિપ્તિ નગરી તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતા અમે અટવીમાં પ્રવેશ્યા. ગહન જંગલની પાસે મુકામ કર્યો. ચોકિયાતોના બળથી બધા લોકો નિશ્ચિન્ત હતા, પણ સૂર્યાસ્તકાળે ચોરો આવ્યા. તેમણે રણશિંગડાં ફૂંક્યાં અને પટહ વગાડ્યા. થોડીક વાર ચોકિયાતો લડ્યા, પણ પછી તેઓ પણ સાર્થના લોકોની સાથે નાસવા લાગ્યા. સાંજના સમયે ગાડાંઓને આગ લગાડવામાં આવી અને ચોરો માલ લૂંટવા લાગ્યા. એ સમયની ધમાલમાં વનમાં રહેલા મેં સર્વાર્થ મામાને જોયા નહીં. વંશલતાઓના અંધકારથી અને ધુમાડાથી દશે દિશાઓ વ્યાપ્ત થયેલી હતી તે સમયે સંભળાતી વાઘની ગર્જનાઓથી ત્રાસેલો હું તે પ્રદેશમાંથી ચાલી નીકળ્યો. વનમાં દાવાનળ વધતો જતો હતો તે વખતે ભયથી ત્રાસેલો હું એક કાર્પટિક-સાધુની સહાયથી દુઃખપૂર્વક અટવીમાં ગયો. સર્વાર્થ મામા ક્યાં ગયા, તેની મને ખબર નહોતી. મેં વિચાર કર્યો, ‘(આરંભેલા કામનો) ત્યાગ કર્યા સિવાય મારાથી ઘેર જઈ શકાય એમ નથી. ઉત્સાહમાં જ લક્ષ્મી વસે છે. દરિદ્ર માણસ તો મરેલા જેવો છે, સ્વજનો વડે પરાભવ પામતો તે ઓશિયાળું જીવન જીવે છે, માટે (પરદેશમાં) રહેવું એ જ મારે માટે યોગ્ય જ છે.’

પછી એક જનપદમાંથી બીજા જનપદમાં પ્રવાસ કરતો હું અનુક્રમે પ્રિયંગુપટ્ટણ પહોંચ્યો. ત્યાં સ્નાન કરીને હું બજાર જોતો નીકળ્યો, તે વખતે સૌમ્ય આકૃતિવાળા અને મધ્યમ વયના એક વણિકે મને કહ્યું, ‘અરે! તું ઇભ્યપુત્ર ચારુદત્ત છે?’ મેં કહ્યું, ‘હા.’ એટલે પ્રસન્ન થયેલા તેણે કહ્યું, ‘દુકાનમાં આવ.’ હું દુકાનમાં ગયા, એટલે અશ્રુ વર્ષાવતા તેણે મને આલિંગન આપ્યું. હું દુકાનમાં બેઠો, એટલે તે વણિકે મને કહ્યું, ‘ચારુસ્વામી! હું સુરેન્દ્રદત્ત નામે વહાણવટી છું અને તમારો પાડોશી છું. મેં સાંભળ્યું છે કે ‘શેઠે દીક્ષા લીધી છે અને ચારુદત્ત ગણિકાગૃહમાં રહે છે.’ માટે અહીં આવવાનું કારણ કહે.’ એટલે મેં તેને બધી હકીકત કહી સંભળાવી. પછી તેણે મને કહ્યું, ‘તું વિષાદ ન કરીશ. આ વૈભવ તારો છે અને હું તારે આધીન છું.’ પછી તે મને પોતાને ઘેર લઈ ગયો, ત્યાં સ્નાન કરી જમ્યા પછી મેં તેને કહ્યું, ‘મને એક લાખ ઉધાર આપો; બાકીનું ધન તમારું.’ તેણે પ્રસન્નતાપૂર્વક એટલું ધન મને આપ્યું. પછી જાણે હું મારા પોતાના જ ઘરમાં વસતો હોઉં તેવી રીતે મેં વહાણ સજ્જ કર્યું, તેમાં માલ ભર્યો, વહાણવટીઓની સાથે નોકરો પણ લીધા, સર્વાર્થને કુશળતાના સમાચાર મોકલ્યા, રાજ્યશાસનનો પટ્ટક લીધો, પવન અને શુકન અનુકૂળ હતા તે વખતે હું વહાણમાં બેઠો, ધૂપ કર્યો અને ચીનસ્થાન તરફ વહાણ ચલાવ્યું. જલમાર્ગને કારણે આખુંયે જગત જલમય હોય તેવું લાગતું હતું. પછી અમે ચીનસ્થાન પહોંચ્યા. ત્યાં વેપાર કરીને હું સુવર્ણભૂમિ ગયો. પૂર્વ અને દક્ષિણ દિશાનાં પટ્ટણોમાં પ્રવાસ ખેડીને તથા કમલપુર, યવનદ્વીપ અને સિંહલમાં તેમ જ પશ્ચિમે બર્ગર અને યવનમાં વ્યાપાર કરીને મેં આઠ કોટિ ધન પેદા કર્યું. માલમાં રોકતાં તથા એ માલ જલમાર્ગે લાવતાં ધન બમણું થાય છે. આથી વહાણમાં હું સોરઠના કિનારે કિનારે પ્રવાસ કરતો હતો ત્યારે, કિનારો મારી દૃષ્ટિમર્યાદામાં હતો તે જ વખતે, વાવાઝોડું થયું અને એ વહાણ નાશ પામ્યું. ઘણી વારે એક પાટિયું મને મળ્યું. મોજાંઓની પરંપરાથી આમતેમ ફેંકાતો હું તેનું અવલંબન કરીને સાત રાત્રિને અંતે ઉંબરાવતી કિનારા ઉપર ફેંકાયો. આ રીતે હું સમુદ્રમાંથી બહાર નીકળ્યો. પાણીના ખારને લીધે સફેદ શરીરવાળો હું એક જાળાની નીચે બેસીને વિશ્રામ લેવા લાગ્યો.

તે સમયે એક ત્રિદંડી આવ્યો. મને ટેકો આપીને તે ગામમાં લઈ ગયો. પોતાના મઠમાં તેણે મને સ્નાન કરાવ્યું, અને પૂછ્યું, ‘ઇભ્યપુત્ર! આ આપત્તિમાં તું કેવી રીતે પડ્યો?’ હું કેવી રીતે ઘેરથી નીકળ્યો અને મારું વહાણ કેવી રીતે ભાંગ્યું તે મેં સંક્ષેપમાં કહી બતાવ્યું. એટલે ક્રોધ પામીને તે બોલ્યો, ‘હં! તું નિર્ભાગી મારા મઠમાંથી ચાલ્યો જા.’ આથી હું તો પાછો તે વનમાં નીકળ્યો. થોડે દૂર ગયો. એટલે તે ત્રિદંડી વળી મને કહેવા લાગ્યો, ‘પુત્ર! મેં તો વિનય જાણવા માટે તારો તિરસ્કાર કર્યો હતો. તું ખરેખર અજ્ઞાન છે કે મૃત્યુસ્થાનમાં તારી જાતને ફેંકે છે. જો તું ધનની ઇચ્છાવાળો હોય તો અમારો વશવર્તી થા. અમારી ઉપાસના કરતાં તને કોઈ પણ પ્રકારના કલેશ વગર ધન પ્રાપ્ત થશે.’ પછી કિંકર-જનોએ મને નવરાવ્યો અને જવની રાબ પિવડાવી. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા.

એક વાર ભઠ્ઠી સળગાવીને તે પરિવ્રાજક મને કહેવા લાગ્યો, ‘જો.’ પછી તેણે પોલાદ ઉપર રસ ચોપડ્યો અને પોલાદ અંગારામાં નાખ્યું. ધમણ વડે ધમતાં તે ઉત્તમ સુવર્ણ થઈ ગયું. તેણે મને કહ્યું, ‘પુત્ર! આ તેં જોયું?’ હું બોલ્યો, ‘મેં અત્યંત આશ્ચર્ય જોયું.’ પછી તેણે મને કહ્યું, ‘મારી પાસે સોનું નથી, પણ હું મોટો સૌર્વિણક છું. તને જોઈને મને પુત્રવત્ સ્નેહ થયો છે. તું અર્થપ્રાપ્તિને સારુ કલેશ કરે છે, માટે તારે ખાતર હું જઈશ અને શતસહવેધી રસ લાવીશ. પછી તું કૃતકૃત્ય થઈને તારે ઘેર જજે. આ તો મારી પાસે પહેલાંનો મેળવેલો થોડોક રસ હતો.’ લોભી એવા મેં સંતુષ્ટ થઈને કહ્યું, ‘તાત! એમ કરો.’ પછી તેણે સાધનો સજ્જ કર્યાં અને ભાથું તૈયાર કર્યું. અંધારી રાત્રિએ અમે ગામમાંથી નીકળ્યા અને હિંસક પશુઓથી ભરેલી અટવીમાં પહોંચ્યા. અમે રાત્રે પ્રવાસ કરતા હતા અને ભિલ્લોના ભયથી દિવસે છુપાઈને રહેતા હતા. અનુક્રમે પર્વતની ગુફામાંથી નીકળી અમે ઘાસથી ઢંકાયેલા એક કૂવા આગળ પહોંચ્યા. ત્યાં પરિવ્રાજક ઊભો રહ્યો. મને પણ તેણે કહ્યું, ‘વિશ્રામ લે.’ પછી તે ચામડાનું વસ્ત્ર પહેરીને અંદર ઊતરવા લાગ્યો. એટલે મેં તેને કહ્યું, ‘તાત! આ શું?’ તેણે કહ્યું, ‘પુત્ર! ઘાસથી ઢંકાયેલો આ કૂવો ઊંધા પાડેલા કોડિયાના આકારનો છે. એની અંદર વજ્રકુંડ છે, તેમાંથી રસ ઝરે છે. હું ઊતરું છું. ખાટલીમાં બેઠેલા મને તું અંદર લટકાવજે એટલે પછી હું રસનું તુંબડું ભરી લઈશ.’ મેં કહ્યું, ‘હું ઊતરું છું, તમે ન ઊતરશો.’ તે બોલ્યો, ‘ના, પુત્ર! તને ડર લાગશે.’ મેં કહ્યું, ‘હું ડરતો નથી.’ પછી મેં ચર્મવસ્ત્ર પહેર્યું. યોગવર્તી સળગાવીને મને અંદર લટકાવ્યો. હું ઠેઠ કૂવાના તળિયે પહોંચ્યો. મેં રસકુંડ જોયો. પછી તેણે તુંબડી નીચે નાખી. મેં કડછીથી તુંબડી ભરી અને ખાટલીમાં મૂકી. દોરડું હલાવતાં પરિવ્રાજકે ખાટલી ઉપાડી લીધી. હું રાહ જોતો હતો કે, ‘મારે માટે ફરી પાછો તે ખાટલી નીચે લટકાવશે.’ મેં બૂમ પાડી કે, ‘તાત! દોરડું નીચે લટકાવો.’ પણ કૂવો ખૂબ ઊંડો હતો અને મને પશુની જેમ તેમાં ફેંકી દઈને પરિવ્રાજક ચાલ્યો ગયો હતો.

તે વખતે મેં વિચાર કર્યો કે, ‘સાગરમાં પણ મર્યો નહોતો એવો હું લોભને કારણે મરણ પામું છું.’ મારી યોગવર્તી દીપિકાઓ પણ ઓલવાઈ ગઈ. પ્રભાતમાં ત્યાં સૂર્ય દેખાતો નહોતો, માત્ર મધ્યાહ્નકાળે કૂવામાં પ્રકાશ આવ્યો. નીચે જોયું તો અંદરથી ખૂબ પહોળો પણ સાંકડા મુખવાળો કુંડ મારી નજરે પડ્યો. ઘણી વાર સુધી તાકી રહેતાં જેનું જીવન કંઈક અવશિષ્ટ રહ્યું છે એવા એક પુરુષને કુંડથી થોડેક દૂર મેં જોયો. મેં તેને પૂછ્યું, ‘તું અહીં કેવી રીતે આવ્યો?’ ઘણા દુઃખપૂર્વક તેણે કહ્યું, ‘આર્ય! પરિવ્રાજક મને અહીં લાવ્યો હતો.’ મેં કહ્યું, ‘મને પણ તે જ લાવ્યો છે.’ પછી મેં તેને પૂછ્યું, ‘મિત્ર! અહીંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય છે ખરો?’ તેણે ઉત્તર આપ્યો, ‘જ્યારે સૂર્યકિરણોથી આ કૂવો પ્રકાશિત થાય છે ત્યારે આ વિવરમાંથી એક મોટી ઘો પાણી પીવાને માટે આવે છે, અને તે જ માર્ગે પાછી જાય છે. ભીરુ અને અસાહસિક એવો હું અશક્ત થઈ ગયો હોવાને કારણે બહાર નીકળ્યો નહીં. જો તમે સાહસ કરી શકો તો ઘોના પૂંછડે વળગી પડજો, એટલે બહાર નીકળી શકશો.’ પછી હું પાણીની પાસે ઘોની રાહ જોવા લાગ્યો. પહોળી પીઠવાળી મોટી ઘો સુરંગના દ્વારમાંથી આવી અને તેણે પાણી પીધું. તે બહાર નીકળતી હતી તે વખતે મેં તેનું પૂછડું પકડી લીધું. પછી સુરંગના વિવરમાંથી જતરડું ખેંચે તેવી ગતિથી મને ખેંચતી તે દૂર સુધી જઈને બહાર નીકળી. મેં ચામડાનું કપડું પહેરેલું હોવાથી મારા શરીરને કંઈ ઈજા ન થઈ. પછી ઘોનું પૂછડું છોડી દઈને હું કૂવો શોધવા લાગ્યો, પણ મને તે જડ્યો નહીં, રાતમાં મને લાવવામાં આવ્યો હતો તે કારણથી એ પ્રદેશથી પણ હું માહિતગાર નહોતો. આ પ્રમાણે લોભગ્રસ્ત એવો હું તપાસ કરતો હતો ત્યાં જંગલી પાડાએ મારા ઉપર હુમલો કર્યો. તે મારી પાછળ પડ્યો. તેનાથી નાસતો એવો હું પાડો ચઢી શકે નહીં એવા ઊંચા ખડક ઉપર ચઢી ગયો. આથી પાડો ખિજાયો અને અત્યંત ક્રોધથી તેણે શિલા ઉપર પ્રહાર કર્યો. તેના પ્રહારના આઘાતથી ખડકમાંથી મોટો અજગર નીકળ્યો અને તેણે પાડાને પાછલા ભાગમાં પકડ્યો. આથી એ નિષ્ઠુર પાડો ત્યાં ઊભો રહ્યો. ડરેલો એવો હું પણ પાડાના માથા ઉપર પગ મૂકીને ત્યાંથી નાસી ગયો અને એકાન્તમાં સંતાઈ ગયો.

પછી ત્યાંથી નાસીને ભૂખ અને તરસથી પીડાતો હું વનમાં, કાંટાઓમાં રખડતો હતો. એક સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોઈને ‘અવશ્ય આ માર્ગે કોઈ આવશે’ એમ વિચારી હું ઊભો રહ્યો. થોડી વારે મેં રુદ્રદત્તને જોયો. તે મારે પગે પડીને રોવા લાગ્યો અને બોલ્યો, ‘હું તમારો અંતેવાસી છું. ચારુસ્વામી! તમે અહીં શી રીતે આવ્યા?’ એટલે મેં તેને બની ગયેલો બધો વૃત્તાન્ત કહ્યો. પછી તેણે પોતાના ભોટવામાંથી મને પાણી પાયું અને ભાથું આપ્યું. સ્વસ્થ થયેલા મને તે કહેવા લાગ્યો, ‘હવે હું તમારો સેવક છું. તમે વેપાર કરો; ચાલો, આપણે રાજપુર જઈએ.’ પછી અમે રાજપુર ગયા અને રુદ્રદત્તના મિત્રને ઘેર ઊતર્યા. રુદ્રદત્તે પડદા, અલંકારો, અળતો, રાતાં પોત, કંકણ વગેરે માલ લીધો. તેણે મને કહ્યું, ‘ચારુસ્વામી! વિષાદ ન કરશો. તમારા ભાગ્યથી અને ઉત્તમ શરીરચેષ્ટાના ગુણથી થોડી મૂડીથી પણ આપણે ઘણું દ્રવ્ય પેદા કરશું. દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે આ લોકો સાર્થમાં જાય છે, માટે ઊઠો, આપણે પણ તે સાર્થની સાથે જઈએ.’

એટલે ભેગા થઈને અમે સાર્થમાં પહોંચ્યા અને અનુક્રમે ચાલતા અમે સિન્ધુસાગરસંગમ (અથવા સાગરના જેવી) નદી ઊતર્યા. ઇશાન દિશા તરફ અમે ચાલવા લાગ્યા. હૂણ, ખસ અને ચીન ભૂમિઓ અમે વટાવી અને વૈતાઢ્યની તળેટીમાં શંકુપથ પાસે પહોંચ્યા. ત્યાં સાર્થના માણસોએ પડાવ નાખ્યો, રસોઈ કરી અને વનફળ ખાધાં. ભોજન કર્યા પછી સાર્થના માણસોએ તુંબરનું ચૂર્ણ કૂટ્યું. માર્ગદર્શકે કહ્યું, ‘ચૂર્ણ લઈ લો, અને કેડમાં ચૂર્ણની ઝોળીઓ બાંધી દો. પોટલામાં માલ ભરો અને તે બગલ ઉપર બાંધો. એટલે આ છિન્નટંક શિખર, વિજયા નદીનો અતાગ પાણીવાળો ધરો અને માત્ર એક જ સ્થળે શંકુ ઉપર જેનું આલંબન છે એવો શંકુપથ આપણે ઓળંગી જઈશું. જ્યારે હાથે પરસેવો વળે ત્યારે તમારે તુંબરનું ચૂર્ણ મસળવું, એટલે તેની રુક્ષતાથી હાથને પકડવાનો આધાર રહેશે; નહીં તો પથ્થરના શંકુ ઉપરથી હાથ લપસી જતાં ટેકા વગરના માણસનું અપાર પાણીવાળા છિન્નદ્રહમાં પડવાથી મૃત્યુ થશે.’ પછી અમે તેના વચનથી તુંબરુ ચૂર્ણનું ગ્રહણ વગેરે બધું કર્યું. અમે સર્વે શંકુપથ ઊતરી ગયા અને જનપદમાં પહોંચ્યા. ત્યાંથી અમે ઇષુવેગા નદી પાસે પહોંચ્યા, ત્યાં મુકામ કર્યો અને પાકાં વનફળ ખાધાં. પછી અમને માર્ગદર્શકે કહ્યું, ‘વૈતાઢ્ય પર્વતમાંથી નીકળતી આ ઇષુવેગા નદી અતાગ છે. જે તેમાં ઊતરે તે પાણીમાં ખેંચાઈ જાય છે. એમાં તીરછા માર્ગે પણ ઊતરી શકાય એમ નથી. માત્ર નેતરનો આધાર લઈને જ તેને સામે પાર જઈ શકાય એમ છે. જ્યારે ઉત્તર તરફથી વાયુ વાય છે ત્યારે, પર્વતમાંથી વાતા પવનના એકત્રિત વેગને કારણે, મોટી, ગાયનાં પૂછડાં જેવી (અનુક્રમે પાતળી) અને સ્વભાવથી જ મૃદુ અને સ્થિર એવી વેત્રલતાઓ દક્ષિણ તરફ નમે છે. આ પ્રમાણે નમી જતાં તે ઇષુવેગા નદીના દક્ષિણ કિનારે પહોંચે તે વખતે તેમનો આધાર લેવામાં આવે છે. આધાર લીધા પછી એ લતાઓના ગાંઠાના મધ્યભાગ પકડી લેવામાં આવે છે. પછી જ્યારે દક્ષિણ તરફથી પાછો વાયુ વાય ત્યારે એ વાયુ વેત્રલતાઓને પાછી ઉત્તર કિનારે ફેંકે છે. આ પ્રમાણે લતાઓના ગાંઠાની સાથે માણસ પણ ઉત્તર કિનારે ફેંકાય છે. તે કારણથી આ ગાંઠાઓ પકડવામાં આવે છે. માટે તમે (અનુકૂળ) પવનની રાહ જુઓ.’

પછી માર્ગદર્શકની સૂચનાથી અમે વેત્રલતાઓના ગાંઠાના મધ્યભાગ પકડ્યા, અને કેડ તથા માલ બાંધી લીધાં. સૂચના અનુસાર પવનની રાહ જોતા અમે દક્ષિણના પવનથી આ તરફ ફેંકાયેલી વેત્રલતાઓના આધાર ઉત્તર કિનારે જઈને ઊભા રહ્યા. વેત્રલતાઓ વડે વિકટ એવા પર્વતનાં શિખરોમાં શોધ કરતા અમે રસ્તા ઉપર પહોંચ્યા અને ટંકણ દેશમાં પહોંચ્યા. ત્યાં અમે એક પહાડી નદીના કિનારા ઉપર રહ્યા અને સીમાડા ઉપર સાર્થે મુકામ કર્યો. ભોમિયાની સૂચનાથી નદીના કિનારે જુદો જુદો માલ મૂકવામાં આવ્યો, એક કાષ્ઠરાશિ સળગાવ્યો અને અમે એકાન્તમાં ચાલ્યા ગયા. ધુમાડા સહિત અગ્નિને જોઈને ટંકણ લોકો આવ્યા, માલ લીધો અને તેમણે પણ ધુમાડો કર્યો. પછી ભોમિયાના કહેવાથી તેઓ પોતાના સ્થાને ગયા. તેમણે બાંધેલાં બકરાંઓ અને મૂકેલાં ફળો સાર્થના માણસોએ લીધાં.

પછી સાર્થ સીમાડા ઉપરની તે નદીના કિનારે કિનારે આગળ ચાલ્યો અને અમે અજપથ આગળ પહોંચ્યા. ત્યાં વિશ્રામ લઈ આહાર કરીને ભોમિયાની સૂચનાથી આંખે પાટા બાંધીને તથા બકરાઓ ઉપર બેસીને બન્ને બાજુ છિન્ન કટકવાળા (તદ્દન ઊભા અને સીધાં ચઢાણવાળા) વજ્રકોટિસંસ્થિત પર્વતને અમે વટાવી ગયા. ત્યાં ઠંડા પવનના ઝપાટા શરીરે લાગતાં બકરા ઊભા રહ્યા, એટલે અમે આંખો ખોલી નાખી. સપાટ ભૂમિ ઉપર અમે વિશ્રામ લીધો અને ભોજન કર્યું, એટલે ભોમિયાએ કહ્યું, ‘બકરાઓને મારી નાખો, રુધિરવાળા ચામડાની ભાથડીઓ (ખોળ) કરો, બકરાનું માંસ રાંધીને ખાઓ અને કેડે છરી બાંધીને ભાથડીઓમાં પેસી જાઓ. રત્નદ્વીપમાંથી ભારુંડ નામનાં મહાકાય પક્ષીઓ અહીં ચરવાને માટે આવે છે. તેઓ અહીં આવીને વાઘ, રીંછ વગેરેએ મારેલાં પ્રાણીઓનું માંસ ખાય છે, અને માંસનો મોટો પિંડ હોય તે પોતાના માળામાં લઈ જાય છે. તમને રુધિરવાળી ભાથડીઓમાં બેઠેલા જોઈને, ‘આ મોટા માંસપિંડ છે’ એમ ધારી તમને ઉપાડીને તે પક્ષીઓ રત્નદ્વીપમાં લઈ જશે. તેઓ તમને નીચે મૂકે, એટલે તમારે છરી વડે ભાથડીઓ ચીરી નાખવી. પછી તમારે ત્યાંથી રત્નો લેવાં. રત્નદ્વીપમાં જવાનો આ ઉપાય છે. રત્નો લીધા પછી વૈતાઢ્યની તળેટી પાસે આવેલી સુવર્ણ ભૂમિમાં અવાય છે. ત્યાંથી વહાણ માર્ગે પૂર્વદેશમાં આવી શકાય છે.’ તેનું વચન સાંભળીને સાર્થના માણસો બકરાને મારવા લાગ્યા. મેં રુદ્રદત્તને કહ્યું, ‘વેપાર આવો હશે એમ હું જાણતો નહોતો; અને જો જાણતો હોત તો અહીં આવત નહીં, માટે મારા બકરાને તમે મારશો નહીં. તેણે મને જંગલમાંથી બહાર કાઢ્યો છે, માટે તેનો તો ઉપકાર માનવો યોગ્ય છે.’ રુદ્રદત્ત બોલ્યો, ‘તમે એકલા શું કરશો?’ મેં કહ્યું, ‘વિધિપૂર્વક દેહત્યાગ કરીશ.’ એટલે મારું મરણ થવાની સંભાવનાથી ડરતો તે રુદ્રદત્ત સાર્થના માણસો સાથે મળીને બકરાને મારવા લાગ્યો. હું એકલો તેમને અટકાવી શક્યો નહીં. તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા મારા તરફ તે બકરો પણ એકાગ્રચિત્ત થઈને લાંબી નજરે તાકી રહ્યો.

એટલે મેં તેને કહ્યું, ‘હે બકરા! તારી રક્ષા કરવાને હું અશક્ત છું. પણ સાંભળ-જો તને વેદના થતી હોય તો તેના કારણરૂપે તેં પૂર્વે કરેલો મરણભીરુ પ્રાણીઓનો વધ છે. એટલે તેં પોતે કરેલાં કર્મોનો જ આ અનુભાવ છે. આથી એનું કેવળ નિમિત્ત બનનાર માણસો ઉપર તારે દ્વેષ કરવો જોઈએ નહીં. જેઓ રાગ, દ્વેષ અને મોહથી પર છે એવા ભગવાન અર્હંતો અહિંસા, સત્ય, અદત્તાદાનવિરતિ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વ્રતો સંસારભ્રમણનો નાશ કરનારાં હોવાનું ઉપદેશે છે, માટે તું સર્વે સાવધ — પાપયુક્ત વ્યાપારોનો, શરીરનો, અને આહારનો ત્યાગ કર; ‘નમો અરિહંતાણં’ એ વચન તારા ચિત્તમાં રાખ; એથી તારી સદ્ગતિ થશે.’ મેં એમ કહ્યું એટલે તે બકરો મારી આગળ પ્રણામ કરીને ઊભો રહ્યો. મેં પણ તેને વ્રતો આપ્યાં, આહારનું પચ્ચક્ખાણ આપ્યું અને સિદ્ધ તથા સાધુના નમસ્કાર સહિત અરિહંતનો નમસ્કાર નવકાર મંત્ર — ઉચ્ચાર્યો. આ પ્રમાણે વિરક્ત થયેલા અને ચિત્રમાં ચીતરેલા હોય તેવા સ્થિર એ બકરાને તેઓએ — રુદ્રદત્ત વગેરેએ મારી નાખ્યો. પછી તેની ભાથડી કરવામાં આવી. રુદ્રદત્તે પગે પડીને મને ભાથડીમાં બેસાડ્યો, અને સાર્થના માણસો પણ પોતપોતાની ભાથડીમાં પ્રવેશ્યા. થોડીક વારે ભારંુડ પક્ષીઓ આવ્યાં, તે અમે તેમના શબ્દ ઉપરથી જાણ્યું. માંસનાં લાલચુ તે પક્ષીઓએ ભાથડીઓ ઉપાડી, પણ તેમાં મારી ભાથડી બે ભારુંડ પક્ષીઓએ લીધી. પણ તે મેં જાણ્યું શી રીતે? (બે પક્ષીઓ વડે) આકાશમાં ઊંચે-નીચે દડાની જેમ હલાવાતો મને લઈ જવામાં આવતો હતો. આવી રીતે મને દૂર સુધી લઈ જવામાં આવ્યો. ત્યાં અત્યંત કોપથી લડતાં તે પક્ષીઓની ચાંચમાંથી ભાથડી સરકી જતાં હું મોટા ધરામાં પડ્યો. પડતાં પડતાં મેં છરીથી ભાથડી ચીરી નાખી, અને તરતો તરતો પાણીમાંથી બહાર નીકળ્યો. પછી મેં આકાશમાં જોયું, તો પક્ષીઓ વડે સાર્થનાં માણસો સહિત લઈ જવાતી ભાથડીઓ નજરે પડી. મારી ભાથડી પણ પક્ષીઓ લઈ ગયાં. પછી મને વિચાર થયો, ‘અહો! કૃતાન્ત જ મને ત્રાસ આપે છે. અથવા પૂર્વેનાં દુશ્ચિરિતને કારણે મારી આવી અવસ્થા થઈ છે.’ વળી મને થયું, ‘મેં પુરુષાર્થ કરવામાં તો કંઈ ખામી રાખી નથી. હવે તો મરવાને માટે આ પર્વત ઉપર ચઢું; ઉપર જ્યાં સમ ભૂમિ આવશે ત્યાંથી નીચે ભુસ્કો મારીશ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને હું પર્વત ઉપર ચઢવા લાગ્યો અને વાંદરાની જેમ હાથ તેમ જ પગથી પથ્થરો ઉપર વળગીને જેમ તેમ કરી શિખર ઉપર પહોંચ્યો.

ત્યાં અવલોકન કરતાં મેં પવનથી ફરફરતું શ્વેત વસ્ત્ર જોયું. મેં વિચાર્યું, ‘આ કોનું વસ્ત્ર હશે?’ વધારે ઝીણી નજરે જોતાં મને ખ્યાલ આવ્યો કે, ‘આ તો કોઈ સાધુ હાથ ઊંચા કરીને આતાપના લેતા એક પગે ઊભા છે.’ મેં વિચાર્યું કે, ‘મારો પુરુષાર્થ સાધુનાં દર્શનથી સફળ થયો છે.’ સંતુષ્ટ થયેલો હું સાધુ પાસે પહોંચ્યો, અને નૈષેધિકી કરીને તથા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તેમની સમક્ષ ઊભો રહ્યો તથા હૃદયથી પ્રશંસા કરવા લાગ્યો કે, ‘અહો! ધ્યાનમાં રહેલા આ સાધુ ખરેખર કૃતાર્થ છે.’ સાધુએ મારી સામે ઘણી વાર સુધી તાકી રહીને પછી કહ્યું, ‘શ્રાવક! ઇભ્ય ભાનુના પુત્ર તમે ચારુસ્વામી તો નહીં?’ મેં કહ્યું, ‘ભગવન્! હું તે જ છું.’ એટલે ભગવાને કહ્યું, ‘તમે અહીં કેવી રીતે આવ્યા?’ એટલે મેં ગણિકાગૃહમાં પ્રવેશથી માંડીને પર્વત ઉપર ચઢવા સુધીનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પછી સાધુએ પણ પોતાનો તપ-નિયમ સમાપ્ત થતાં બેસીને કહ્યું, ‘મને ઓળખો છો? જેને તમે મરણમાંથી ઉગાર્યો હતો તે હું અમિતગતિ છું.’ મેં કહ્યું, ‘ભગવન્! એ પછી તમે શું કર્યું તે મને કહો.’ એટલે તે કહેવા લાગ્યા,