ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ચારુદત્તનાં લગ્ન


ચારુદત્તનાં લગ્ન

કોઈ એક વાર મારી માતા પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ હતી. સર્વાર્થને મિત્રવતી નામે રૂપાળી પુત્રી હતી. ભોજનનો વખત થયો ત્યારે, રોકવામાં આવી છતાં, મારી માતા ‘મારે ઘણું કામ છે’ એમ કહીને પોતાના ઘેર જવા નીકળી. મારા મામાએ તેને પૂછ્યું કે, ‘તું આવી નિ:સ્નેહ કેમ છે? તારી ભોજાઈ સાથે તારે મેળ ન હોય તો પણ મારા ઉપર કૃપા કરીને તું રહે.’ એટલે તેણે કહ્યું, ‘જો આ છોકરી મને આપે તો આપણો પ્રેમ ચાલુ રહેશે, નહીં તો આજથી આપણી પ્રીતિ તૂટી જશે.’ પ્રણામ કરીને મારા મામાએ કહ્યું, ‘મારી પુત્રી ઉપર તારા સિવાય બીજા કોનો અધિકાર છે કે જેથી તું આવું બોલે છે? જો તું મારા ઉપર પ્રસન્ન થતી હોય તો આ કન્યા તને આપું છું.’ આમ કહેવામાં આવતાં પ્રસન્ન થયેલી મારી માતા ભોજન કરીને પોતાને ઘેર આવી. પછી તેણે ઘરના મોટેરાઓને ઉત્સવ આદિ કરવાનું કહ્યું. મારા પિતા એ વખતે રાજદરબારમાં ગયા હતા. પ્રિયપૃચ્છક લોકોને ગંધ-પુષ્પ આપવામાં આવ્યાં. મારા પિતા ઘેર આવ્યા ત્યારે તેમને કન્યાપ્રાપ્તિના સમાચારથી અને પ્રશંસાનાં વચનોથી વધાવવામાં આવ્યા. મારી માતાને તેમણે પૂછતાં તે બોલી, ‘સર્વાર્થે મિત્રવતી ચારુદત્તને આપી છે.’ એટલે મારા પિતા બોલ્યા, ‘આ પ્રમાણે કન્યાનો સ્વીકાર કરવામાં તેં ઠીક નથી કર્યું. ચારુસ્વામી હજી હમણાં જ કલાઓ શીખ્યો છે. વિષયાસક્ત થઈને તે એ બધું ભૂલી જશે.’ માતાએ કહ્યું, ‘મળેલી કન્યાની શા માટે અવજ્ઞા કરો છો?’ આ બધી વાત મને દાસીઓએ કહી. પછી શુભ દિવસે અને જ્યોતિષીઓને માન્ય એવા મુહૂર્તમાં પિતાએ મારું પાણિગ્રહણ કરાવ્યું. મિત્રવતીનાં પણ કુલને અનુસરતાં કૌતુક-મંગલો કરવામાં આવ્યાં. સંગીત, નાટ્ય અને ચિત્રકળાના પરિચયથી હું આનંદ કરવા લાગ્યો.

એક વાર મિત્રવતી પોતાને પિયર ગઈ. ત્યાંથી મામીએ એને સ્નાન કરાવી, પ્રસાધન કરી અને જમાડીને તથા પોતાનાં આભૂષણો આપીને મોકલી, પણ અમારા ઘરનાં આભરણો તેણે ત્યાં જ રાખ્યાં. સાંજે જ્યારે મામા ઘેર આવ્યા ત્યારે તેમને તેણે બતાવ્યાં કે, ‘આ મિત્રવતીનાં શ્વશુર પક્ષનાં આભૂષણો છે, મેં તેને આપણાં આપ્યાં છે. એટલે મામાએ કહ્યું, ‘આ આભૂષણો તેં વેવાણને કેમ ન મોકલ્યાં? તે કહેશે કે આ અલંકારો તો બદલીને મોકલ્યા છે.’ મામીએ કહ્યું, ‘સવારે હું પોતે જ જઈને પાછાં આપી આવીશ.’

તેના વચનથી મામી પ્રભાતે જ અમારે ઘેર આવી. તે વખતે હું ગુરુને ઘેર ગયો હતો. જાગેલી મિત્રવતી પોતાની માતા પાસે ગઈ, આભૂષણો પાછાં આપતી મામીએ તેને અપરિમર્દિત વિલેપનવાળી જોઈને પૂછ્યું, ‘પુત્રિ! આજે શું ચારુસ્વામી અહીં રહ્યા નહોતા? અથવા શું તે તારા ઉપર કોપેલા છે? તું એકલી કેમ રહી હતી?’ એટલે ઘણી વાર સુધી ચૂપ રહીને તે બોલી, ‘માતા! મને પિશાચને, ગાંડાને આપીને હવે તું હેરાન કેમ કરે છે?’ એ વાત મારી માતાએ સાંભળીને તેને રોષપૂર્વક કહ્યું, ‘અલિ! બોંતેર કલાનો પંડિત ચારુસ્વામી એ શું તારી આગળ પિશાચ છે?’ તે બોલી, ‘ફોઈ! કોપ ન કરશો, જે એકાન્તમાં પણ એકલો નાચે છે, ગાય છે, કોઈને શાબાશી આપે છે અને હસે છે તેને સ્વાભાવિક-ડાહ્યો કેવી રીતે કહેવાય? આ પ્રમાણે જ કાર્યો થતાં જોતી હું પણ પિશાચ વડે કેમ ન ગ્રસાઉં?’ આ સાંભળીને તેની માતા રોતી રોતી મારી માતાને કહેવા લાગી, ‘તેં જાણી જોઈને મારા ઉપર વેર લીધું છે, કારણ કે તારા છોકરાનો આ દોષ તેં પહેલાં કહ્યો નહોતો.’ મારી માતાએ તેને કહ્યું, ‘ભલે, તારી પુત્રી સહિત તું નહીં બોલવા જેવું બોલે છે, એ શોભતું નથી. હું એવું કરીશ કે તને બરાબર ખબર પડશે. જા, તમે લોકો મારી નજર આગળ ઊભાં ન રહો.’ એટલે ખિજાઈને તે પોતાને ઘેર ગઈ. પછી તેના કહેવાથી સર્વાર્થ મામા આવીને મારી માતાને કહેવા લાગ્યા, ‘ખરેખર, પુત્ર ચારુસ્વામીના રક્ષણ માટેની ક્રિયા તમે શા માટે કરાવતાં નથી? શા સારુ બેદરકાર રહો છો?’ એટલે માતાએ તેને ધમકાવ્યો કે, ‘તારી સ્ત્રીની અને છોકરીની એવી રીતે રક્ષા કર કે પિશાચ તેમને વળગે નહીં. સ્ત્રીનું સાંભળીને મને તપાસવા આવ્યો છે! જા, ચાલ્યો જા, નહીં તો તને પણ પિશાચ વળગી પડશે!’ એટલે તે ગયો. આ બધું મારી શય્યાપાલિકાએ પરિહાસપૂર્વક મને કહ્યું.