ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ચારુદત્તનો ગણિકાગૃહમાં પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારુદત્તનો ગણિકાગૃહમાં પ્રવેશ

પછી કોપાયમાન થયેલી મારી માતાએ ગોમુખ વગેરે મારા મિત્રોને બોલાવીને કહ્યું, ‘મારું એક પ્રિય કરો, ચારુસ્વામીનો ગણિકાગૃહમાં પ્રવેશ કરાવો.’ ગોમુખે કહ્યું, ‘માતા! એમ કરવાથી પિતાજી ખિજાશે. એક વાર વ્યસન પડ્યા પછી તે છોડવું મુશ્કેલ છે, માટે ગણિકાગૃહમાં પ્રવેશની વાત ન કરશો.’ એટલે તે બોલી, ‘શેઠ ખિજાશે તો મારા ઉપર ખિજાશે. તમે વિરોધ કર્યા સિવાય મારું વચન કરો. વ્યસનના દોષની વાત કરવાનું તમારે શું કામ છે? વ્યસની માણસ ધનનો નાશ કરે છે; આ કારણથી જ ઘણા વખતથી મેં મનોરથ કરેલો હતો કે — ધનનો ઉપભોગ કરનાર પુત્ર મને ક્યારે થશે? મને પુત્ર થયો છે. જો કદી વેશ્યાને વશ થઈને તે ધનનો નાશ કરશે તો પણ મારો મનોરથ પૂર્ણ થશે.’ મારા મિત્રોએ પણ આ વાત સ્વીકારી. આ સર્વ વાર્તાલાપ દાસીએ મને કહ્યો અને બોલી કે, ‘આર્યપુત્ર! હવે તો તમે ગણિકાગૃહમાં રહેશો. એટલે તમારું દર્શન અમને દુર્લભ થઈ જશે.’

કેટલાક દિવસો વીત્યા પછી મને મિત્રો વિનંતી કરવા લાગ્યા, ‘ચારુસ્વામી! ચાલો આપણે ઉદ્યાનમાં જઈએ, ત્યાં ભોજન કરી ક્રીડા કરીને પાછા આવીશું.’ મેં કહ્યું, ‘જો તમે ભોજન રાખ્યું છે તો મને પહેલાં કેમ ન કહ્યું?’ તેઓ બોલ્યા, ‘બીજા રોકાણને કારણે અમે કહ્યું નહોતું. શું એ ભોજન પણ તમારું નથી કે આવો ભેદભાવ રાખો છો?’ પછી હું તેમની સાથે નીકળ્યો. અમે ઉદ્યાનમાં પહોંચ્યા. ‘તડકાને લીધે હું તો તરસ્યો થયો છું’ એમ બોલતો હું વિશ્રામ લેવાની ઇચ્છાથી ઝાડની નીચે ઊભો રહ્યો. પછી હરિસિંહ (પાણી લેવાને માટે) પાસેની પુષ્કરિણીમાં ઊતર્યો, અને એક મુહૂર્ત માત્ર ત્યાં રહીને મને બોલાવવા લાગ્યો, ‘આવો, આશ્ચર્ય જુઓ.’ તેના વચનથી હું ગયો અને પુષ્કરિણીમાં ઊતર્યો તથા બોલ્યો, ‘કહે તેં શું આશ્ચર્ય જોયું?’ તેણે મને તરુણ યુવતીઓના વદનના લાવણ્યનું હરણ કરનારાં પદ્મો બતાવીને કહ્યું, ‘જુઓ, પદ્મોમાં (રક્ત) કમલના રંગની કાન્તિવાળો અદૃષ્ટપૂર્વ રસ મેં જોયો. તે શેનો હશે?’ ગોમુખે ઘણી વાર સુધી તેનું અવલોકન કરીને કહ્યું, ‘દેવોના ઉપભોગને યોગ્ય આ પુષ્કરમધુ કોઈ પણ રીતે અહીં ઉત્પન્ન થયું છે, માટે જરાયે વિલંબ કર્યા વગર પદ્મિનીપત્રના પડિયાઓમાં તે ગ્રહણ કરી લો.’ મિત્રોએ તે લઈ લીધું, પછી તેઓએ અંદરોઅંદર વિચાર કર્યો, ‘આ વસ્તુ મનુષ્યલોકમાં દુર્લભ છે, એનું આપણે શું કરવું?’ હરિસિંહે કહ્યું, ‘આપણે તે રાજા પાસે લઈ જઈએ; તેથી પ્રસન્ન થઈને રાજા આપણને આજીવિકા આપશે.’ વરાહે કહ્યું, ‘રાજાને મળવામાં ઘણી મુશ્કેલી પડે છે; મળ્યા પછી પણ તેઓ જલદી પ્રસન્ન થતા નથી. માટે આપણે તે અમાત્યને આપીએ, જેથી તે આપણું કાર્ય કરનારો થશે.’ તમન્તકે કહ્યું, ‘આપણે અમાત્યનું શું કામ છે? અમાત્યો તો રાજાનો ખજાનો વધારવામાં ઉદ્યત હોય છે, અને તેથી તેમને આવાં દુર્લભ દ્રવ્યોથી નહીં, પણ ધનથી જ સંતુષ્ટ કરી શકાય છે.’ મરુભૂતિએ કહ્યું, ‘આપણે નગરરક્ષકને આપીએ, કારણ કે તે રાત્રિચર્યામાં આપણું કામ કરનાર થશે અને આપણો મિત્ર થશે.’ એટલે ગોમુખ બોલ્યો, ‘તમે બધા અજ્ઞાન છો; આપણા તો રાજા, અમાત્ય, રક્ષક અને સર્વ કાર્યોના સાધક ચારુસ્વામી જ છે. આ દુર્લભ વસ્તુનું પાત્ર એ જ છે. એની જ કૃપાથી આપણે રહીએ છીએ.’ પછી તે સર્વેએ મને કહ્યું, ‘આનંદથી આ પીઓ.’ મેં કહ્યું, ‘મધુ, માંસ અને મદ્યનો સ્વાદ નહીં જાણનાર કુલમાં મારો જન્મ છે તે શું તમે જાણતા નથી, કે જેથી મને મધુ પાવા ઇચ્છો છો?’ ગોમુખ બોલ્યો, ‘ચારુસ્વામી! અમે તે બરાબર જાણીએ છીએ, પછી તમને શા માટે અકૃત્ય કરવાને પ્રેરીએ? આ મદ્ય નથી, પણ એમ સાંભળવામાં આવે છે કે દેવોને યોગ્ય આ તો અમૃત છે; માટે તમે અન્યથાબુદ્ધિ ન કરશો. અમારા માંગલિક વિચારને પ્રતિકૂળ થયા સિવાય તમે આ પીઓ; એમ કરવાથી તમારા આચારોનું ઉલ્લંઘન નહીં થાય.’

પછી હે સ્વામીપાદ! મારા પોતાના સમાન વહાલા એ મિત્રોના વચનથી તે રસ પીવાનું મેં સ્વીકાર્યું. હાથપગ ધોઈને, આચમન કરીને તથા પૂર્વ દિશા તરફ મુખ કરીને તે રસને અમૃત માનીને મેં પદ્મિનીપત્રના પડિયાથી પીધો. સર્વ ગાત્રોને આહ્લાદ પમાડનાર તે રસ પીવાથી મને સંતોષ થયો. મેં આચમન કર્યા પછી મિત્રોએ મને કહ્યું, ‘તમે વિશ્રામ કરતા આગળ જાઓ, અમે પુષ્પો ચૂંટીશું.’ એટલે હું આગળ ચાલ્યો. એ પાનની અપૂર્વતાને કારણે ઘેન ચઢતાં મને ઝાડ જાણે ફરતાં હોય તેવાં દેખાવા લાગ્યાં. હું વિચાર કરવા લાગ્યો, ‘શું અમૃતનું આવું પરિણામ થતું હશે? કે પછી મને યુક્તિપૂર્વક મદ્ય પાવામાં આવ્યું છે?’ હું આમ વિચાર કરતો જતો ત્યાં મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત શરીરવાળી, જેણે શુદ્ધ રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં તેવી તથા તરુણ વયમાં રહેલી એક સ્ત્રીને મેં અશોકવૃક્ષની નીચે જોઈ. તેણે પોતાની અગ્રાંગુલિઓથી મને બોલાવ્યો, એટલે હું તેની પાસે ગયો, અને ‘આ રૂપવતી કોણ હશે?’ તેનો વિચાર કરવા લાગ્યો. તેણે મને ‘સ્વાગત’ કહ્યું. પછી તેને મેં પૂછ્યું, ‘ભદ્રે! તું કોણ છે?’ તે બોલી, ‘ઇભ્યપુત્ર! હું અપ્સરા છું અને ઇન્દ્રે સેવા કરવા માટે મને તમારી પાસે મોકલી છે.’ મેં કહ્યું, ‘મને દેવરાજ ક્યાંથી જાણે, કે જેથી કરીને તને મોકલે?’ તેણે કહ્યું, ‘તમારા પિતા મહાગુણવાન શ્રેષ્ઠી તરીકે પ્રખ્યાત છે. તેમની પ્રીતિને ખાતર મને મોકલવામાં આવી છે એમ તમે જાણો. તમે શંકા ન કરશો. અમે સર્વ કોઈને દર્શન દેતાં નથી. જેના ઉપર અમારી કૃપા ન હોય તે મનુષ્ય અમને જોઈ પણ શકતો નથી. જો આ વાતની તમને ખાતરી ન હોય તો કહું છું કે આ તમારા મિત્રો મને જોઈ શકતા નથી, અને મારા પ્રભાવથી તમને પણ જોતા નથી. માત્ર તમે મૌન બેસો.’

પછી પાસે જ ઊભા રહેલા એવા મને નહીં જોતા અને ફરી ફરી મારા નામનો પોકાર કરતા મિત્રો આગળ ચાલ્યા. થોડેક દૂર જઈને ‘આગળ તો નથી, પાછા ગયા હશે’ એમ વાત કરતા તથા ‘ચારુસ્વામી! તમે ક્યાં છો?’ એમ બોલતા તેઓ પાછા વળ્યા. પછી પેલી સ્ત્રીએ મને કહ્યું, ‘મારો પ્રભાવ જુઓ, હવે તેઓ તમને જોશે.’ એટલે તેઓએ મને જોયા અને બોલ્યા, ‘તમે ક્યાં બેઠા હતા? અમે અહીં ફરતાં તો તમને જોયા નહોતા.’ મેં કહ્યું, ‘હું તો અહીં જ ઊભો હતો.’ તેઓ બોલ્યા, ‘આપણે જઈએ.’ પછી હું ચાલ્યો, પણ ઘેનને કારણે મારી ચાલ લથડતી હતી. પેલી સ્ત્રીએ મને કહ્યું, ‘તમારા મિત્રો મને જોતા નથી, માટે શરમાશો નહીં.’ પછી તેણે પોતાના જમણા હાથથી મારા હાથ અને મસ્તકને ટેકો આપ્યો. લથડતી ગતિથી ચાલતા મેં પણ તેના કંઠનું અવલંબન કર્યું. તેનાં ગાત્રોના સ્પર્શથી ‘નક્કી આ ઇન્દ્રની અપ્સરા છે’ એમ માનીને જેને કામ પેદા થયો છે અને જેનાં સર્વાંગ રોમાંચિત થયાં છે એવો હું, તેના ટેકાથી, મારા મિત્રો સહિત નોકરોએ તૈયાર કરેલા ભોજનગૃહમાં ગયો. ત્યાં અમે બેઠા, એટલે પ્રત્યેકને જુદું જુદું ભોજન આપવામાં આવ્યું. પેલી સ્ત્રી પણ મારી સાથે આસન ઉપર બેઠી. હું જમવા લાગ્યો. પણ મને ઊંઘ આવવા લાગી અને ઘેનને કારણે સ્વપ્નાં જોતા એવા મેં મારા મિત્રોનું વચન સાંભળ્યું કે, ‘આ અમે તને આપ્યો છે.’ પછી ગાડીમાં બેસાડીને મને તેની સાથે લઈ જવામાં આવ્યો અને તેના ભવન આગળ અમે પહોંચ્યાં. તેણે મને ગાડીમાંથી ઉતાર્યો અને તેના સરખી જ વયવાળી તરુણ સ્ત્રીઓ મને વીંટાઈ વળી. તે મને કહેવા લાગી, ‘ઇભ્યપુત્ર! હું તમને દેવવિમાનમાં લાવી છું. તમે નિશ્ચિન્તપણે મારી સાથે વિષયસુખ અનુભવો.’ પછી મધુર વાણી બોલનારી તે સ્ત્રીઓએ, હાથી સાથે હાથણીની જેમ, તેનું પાણિગ્રહણ મને કરાવ્યું. ગીત ગાતી તે સ્ત્રીઓ મને ગર્ભગૃહમાં લઈ ગઈ. ‘આ તો અપ્સરા છે’ એ પ્રમાણે નિશ્ચયવાળો હું રતિપરાયણ થઈને સૂઈ ગયો. ઘેન ઊતરતાં જાગ્યો તો મેં વસન્તતિલકા ગણિકાનું ભવન જોયું.

પછી તેને મેં પૂછ્યું, ‘આ કોનું ઘર છે?’ તે બોલી, ‘આ મારું વિમાન છે.’ મેં કહ્યું, ‘પણ આ તો મનુષ્યના ઘર જેવું છે, દેવભવન નથી.’ એટલે તે બોલી, ‘જો એમ છે તો ખરી વાત સાંભળો — ઇભ્યપુત્ર! હું વસન્તતિલકા ગણિકાપુત્રી છું. કન્યાભાવમાં રહેલી હું કલાઓના પરિચયથી સમય ગાળું છું. મને ધનનો લોભ નથી, મને ગુણ વહાલા છે; આથી હું તમને હૃદયથી વરી હતી. આથી તમારી માતાની અનુમતિથી તમારા ગોમુખ વગેરે મિત્રોએ યુક્તિપૂર્વક તમને મને આપ્યા છે.’ આમ બોલતી તે ઊઠી, તેણે વસ્ત્ર બદલ્યાં અને આવીને મને હાથ જોડીને વિનંતી કરવા લાગી, ‘ઇભ્યપુત્ર! હું તમારી સેવિકા છું. ધર્મપત્ની તરીકે તમે મારો સ્વીકાર કરો. હું કન્યા રહી છું એમ બતાવનારાં આ રેશમી વસ્ત્રો છે. હું જીવન પર્યંત તમારી સેવા કરનારી બનીને રહીશ.’ તેના ઉપર અનુરાગ બંધાયાથી મેં કહ્યું, ‘ભદ્રે! સ્વવશ કે અવશ એવા મારી તું ભાર્યા છે.’ પછી તેની સાથે હું સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યો. મારી માતાએ મોકલેલ ભોગવવા લાયક વસ્તુઓ વસન્તતિલકા મને બતાવતી હતી. આ પ્રમાણે (દરરોજ) એક હજાર અને આઠ (મુદ્રાઓ) અમને મોકલવામાં આવતી, જ્યારે ઉત્સવના દિવસે એક લાખ અને આઠ હજાર મોકલવામાં આવતી. આ પ્રમાણે વિષયસુખમાં મુગ્ધ થયેલા એવા મારાં, તેની સાથે રમણ કરતાં, બાર વર્ષ વીતી ગયાં.

એક વાર પાન કરી હું પ્રિયાની સાથે સૂતો હતો. ઠંડા પવનથી વીંજાયેલો હું જાગી ગયો, તો વસન્તતિલકાને મેં જોઈ નહીં. ‘હું ક્યાં છું?’ એમ વિચાર કરતો હું ઊભો થયો, તો શેરીને નાકે આવેલું ભૂતગૃહ (વ્યન્તરનું સ્થાનક) મેં જોયું. પહેલાં જોયેલું હોવાથી તે સ્થાન મેં ઓળખ્યું. મેં વિચાર્યું કે, ‘ગણિકાએ મારો ત્યાગ કર્યો છે, માટે કોઈ જુએ નહીં તે પ્રમાણે મારે ઘેર જતો રહું.’ એમ કરતાં પ્રભાત થયું, એટલે હું નીકળ્યો. પણ મારા ઘરમાં પ્રવેશ કરતાં મને દ્વારપાળે અટકાવ્યો અને પૂછ્યું, ‘અંદર ન જા, તું કોણ છે?’ મેં કહ્યું, ‘સૌમ્ય! આ કોનું ભવન છે?’ તે બોલ્યો, ‘ઇભ્ય રામદેવનું.’ મેં પૂછ્યું, ‘તો શું આ ભવન શ્રેષ્ઠી ભાનુનું નથી?’ એટલે તેણે ઉત્તર આપ્યો, ‘એ શ્રેષ્ઠીને ચારુદત્ત નામે કુપુત્ર થયો હતો. તે ગણિકાગૃહમાં પ્રવેશ્યો, એટલે તેના શોકથી શ્રેષ્ઠીએ ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા લીધી. પછી ધન ખૂટી જતાં તેની પત્નીએ આ ઘર અડાણે મૂક્યું, અને તે પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ.’

આ વાતચીત અંદર રહેલા રામદેવે સાંભળી એટલે તેણે દ્વારપાલને પૂછ્યું, ‘આ કોણ છે?’ તેણે કહ્યું, ‘કોઈ માણસ ભાનુ શ્રેષ્ઠીનું ભવન પૂછે છે; કદાચ તેનો પુત્ર જ હશે.’ એટલે રામદેવ બોલ્યો, ‘એ અભાગિયાને મારા ઘરમાં પ્રવેશવા દઈશ નહીં.’ આ સાંભળી લજ્જા પામેલો અને ખૂબ શોકાતુર થયેલો હું ત્યાંથી એકદમ ચાલી નીકળ્યો અને સર્વાર્થના ઘેર ગયો. એ ઘરમાં પ્રવેશ કરતાં દરિદ્ર વેશવાળી અને દીન તથા ઉદાસ વદનવાળી મારી માતાને મેં જોઈ. તેના ચરણમાં હું પડ્યો. તેણે પૂછ્યું, ‘તું કોણ છે?’ મેં ઉત્તર આપ્યો, ‘હું ચારુદત્ત છું.’ એટલે તેણે મને આલિંગન આપ્યું અને અમે બન્ને જણ રડી પડ્યાં. અમારા રુદનના શબ્દથી સર્વાર્થ ત્યાં આવ્યો અને તે પણ રડ્યો. પરિજનોએ અમને છાનાં રાખ્યાં. તે કાળે મલિન વસ્ત્રોવાળી અને જેની ઉપરનાં ચિત્રો ભૂંસાઈ ગયાં છે એવી ભીંતની જેમ શોભા વિનાની મિત્રવતીએ મને જોયો, અને તે મને પગે પડી રડવા લાગી. મેં તેને કહ્યું, ‘રડીશ નહીં, મારા પોતાના જ કૃત્યથી તને કલેશ થયો છે.’ સમજાવીને મેં તેને છાની રાખી. પછી બજારમાંથી વાલ લાવીને ભોજન તૈયાર કરવામાં આવ્યું. ભોજન કર્યા પછી મેં માતાને પૂછ્યું, ‘મા! હવે કેટલું ધન બાકી રહ્યું છે?’ તેણે કહ્યું, ‘પુત્ર! દાટેલું, વ્યાજમાં રોકેલું અથવા પરિજનોને આપેલું ધન કેટલું હતું તે હું જાણતી નથી. શ્રેષ્ઠીએ દીક્ષા લીધી, એટલે દાસદાસીઓને આપેલું ધન તો નાશ જ પામ્યું, તારા ઉપભોગમાં સોળ સુવર્ણકોટિ ધન વપરાઈ ગયું. અમે અત્યારે જેમ તેમ કરીને રહીએ છીએ.’ એટલે હું બોલ્યો, ‘માતા! લોકો દ્વારા ‘અપાત્ર’ તરીકે ઓળખાવતો હું અહીં રહી શકું તેમ નથી. હું દૂર દેશમાં જાઉં છું. વૈભવ મેળવીને પાછો આવીશ. તમારા ચરણની કૃપાથી અવશ્ય ધન ઉપાર્જન કરીશ.’ માતાએ કહ્યું, ‘પુત્ર! વેપારમાં કેટલો શ્રમ પડે છે તેની તને ખબર નથી; તું વિદેશમાં કેવી રીતે રહીશ? તું વિદેશમાં નહીં જાય તો પણ અમે બે જણીઓ તારો નિર્વાહ કરીશું.’ મેં કહ્યું, ‘માતા! એમ ન બોલો; હું ભાનુ શ્રેષ્ઠીનો પુત્ર શું એવી રીતે રહીશ? તમે આવા વિચાર ન કરશો. મને રજા આપો.’ તે બોલી, ‘પુત્ર! ભલે એમ થાઓ; તારા મામાની સાથે હું વાતચીત કરી લઉં.’