ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/જિતશત્રુ રાજાનો પૂર્વભવ


જિતશત્રુ રાજાનો પૂર્વભવ

આ જ કૌશાંબી નગરીમાં હરિસેન નામે રાજા હતો. તેને ધારિણી નામે પટરાણી હતી. સુબુદ્ધિ નામનો તેનો અમાત્ય હતો. એ અમાત્યની પત્નીનું નામ સિંહલી હતું. એનો હું આનંદ નામે પુત્ર હતો. અશુભ કર્મના ઉદયથી મને કોઢ થયો. એ રોગથી પીડા પામતો તથા મારી જાતની નિંદા કરતો હું જીવન ગાળવા લાગ્યો.

પછી એક વાર યવન દેશના અધિપતિએ મોકલેલો દૂત આ નગરમાં આવ્યો. રાજકુલમાં આવતાં દૂતને યોગ્ય એવા ભારે સત્કારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. એક વાર મારા પિતાએ પણ પોતાને ઘેર લઈ જઈને તેનો નામ અને વૈભવને યોગ્ય સત્કાર કર્યો. રાજા, દેશ અને કુળના સમાચાર વિષે વાતચીત કરતા તેઓ બેઠા. એવામાં હું મારા ઘરમાં પ્રવેશ્યો તે તેણે જોયો, અને મારા પિતાને પૂછ્યું, ‘આ કોનો પુત્ર છે?’ પિતાએ જવાબ આપ્યો કે, ‘મારો છે.’ દૂતે પૂછ્યું કે, ‘તો શું આ દેશમાં એના રોગ માટે ઔષધિ નથી કે વૈદ્યો નથી?’ પિતાએ કહ્યું, ‘આ દેશમાં ઔષધિઓ પણ છે અને વૈદ્યો પણ છે, પરંતુ એના મંદભાગ્યને લીધે કોઈ ઔષધ લાગુ પડતું નથી અને રોગનું શમન થતું નથી.’ ‘તો જેને નવું યૌવન આવ્યું હોય એવા વછેરાના રુધિરમાં એને એક મુહૂર્ત બેસાડો’ એમ કહીને તે દૂત ગયો.

મારા પિતાએ પુત્રસ્નેહથી રાજકુલનો એક અશ્વ મારીને દૂતે જેમ કહ્યું તેમ કર્યું. પછી રાજાએ સાંભળ્યું કે ‘સુબુદ્ધિ અમાત્યે અશ્વ માર્યો છે.’ એટલે રોષે ભરાયેલા રાજાએ અમારા આખા ઘરને મૃત્યુદંડ ફરમાવ્યો. આ સાંભળીને ખાઈમાં ઊતરીને નાસતો નાસતો હું કલાલોના વાસમાં પહોંચ્યો. તે કલાલવાસના મુખીએ મને જોયો, અને પૂછ્યું, ‘તું કોણ છે? ક્યાં જાય છે? અને કોનો પુત્ર છે?’ એટલે મેં બની હતી તે બધી હકીકત કહી. તે અનુકંપાથી મને પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં મને રાખ્યો. પિતા, માતા, સ્વજન અને પરિજનના વિયોગથી પરિતાપ પામતો હું ત્યાં રહેવા લાગ્યો.

એક વાર ઇર્યાસમિતિ અને ભાષાસમિતિવાળા, આ લોક તથા પરલોકના વિષયમાં નિરપેક્ષ તથા પ્રાસુક ભિક્ષાને ઇચ્છતા શ્રમણો તે ઘરમાં પ્રવેશ્યા. ઘરસ્વામીએ તેમને પ્રણામ કર્યાં. મેં પણ તેમને વંદન કર્યાં, અને ધર્મ પૂછ્યો. અહિંસાપ્રધાન ધર્મ તેમણે કહ્યો. જિનેશ્વરોનું વચન મેં જાણ્યું. મેં તેમની પાસેથી શિક્ષાવ્રતો અને અણુવ્રતો ગ્રહણ કર્યાં. અણુવ્રતો તથા શિક્ષાવ્રતો ગ્રહણ કરીને કાળધર્મ પામેલો હું આ જ નગરમાં જિતશત્રુ રાજા થયો. આ જન્મમાં સાધુઓને જોઈને મને જાતિસ્મરણ થયું. પૂર્વજન્મમાં આટલી શિક્ષા વિદ્યાથી મને આ જન્મમાં રાજ્યશ્રી મળી. (પછી તારી અલ્પ ફળવાળી શિક્ષાથી મને આશ્ચર્ય શી રીતે થાય?)

એ સમયે નગર અને જનપદના માણસોએ રાજાને વિનંતી કરી કે, ‘દેવાનુપ્રિયના નગરમાં અપૂર્વ ખાતર પડે છે, કોઈ દ્રવ્યની ચોરી કરે છે, માટે હે દેવાનુપ્રિય! આપ નગરનું સંરક્ષણ કરો.’ એટલે રાજાએ નગરરક્ષકને આજ્ઞા આપી, ‘સાત રાત્રિની અંદર ચોર પકડાય તેમ કરો.’ ‘આ મારા ગમનનો અવસર છે’ એમ વિચારીને ફરી વાર રાજાને પગે પડીને મેં વિનંતી કરી કે, ‘જો દેવાનુપ્રિય આજ્ઞા આપે અને કૃપા કરે તો હું આપની કૃપાથી સાત રાત્રિની અંદર ચોરને આપના ચરણમાં હાજર કરું.’ મારું આ વચન રાજાએ સ્વીકાર્યું, અને કહ્યું, ‘ભલે એમ કર.’