ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલ્લને ગણિકામાતાએ હાંકી કાઢ્યો


ધમ્મિલ્લને ગણિકામાતાએ હાંકી કાઢ્યો

આ પ્રમાણે વધારે પ્રમાણમાં પીવાથી તે ધમ્મિલ્લ અચેતન થઈ ગયો. એટલે તેના શરીર ઉપર એક જ જીર્ણ વસ્ત્ર રાખીને (વસન્તસેનાની સૂચનાથી) નગરની બહાર બહુ દૂર નહીં અને નજીક નહીં એવા પ્રદેશમાં તેને ફેંકી દેવામાં આવ્યો. પ્રભાતના શીતળ પવનથી સ્વસ્થ થતાં તે જાગ્યો તો પોતાની જાતને જમીન ઉપર પડેલી જોઈ. ત્યાંથી ઊઠીને તે વિચાર કરવા લાગ્યો. ‘અહો! ગણિકાનું હૃદય ક્ષણમાત્ર માટે જ રમણીય હોઈ છેવટે તો વિષના જેવું પરિણામ આપનારું છે. એ પ્રીતિ, એ મધુરતા, એ શુશ્રૂષા, એ પ્રણયસેવા — બધું જ માત્ર કપટ હતું. ખરેખર વેશ્યા સ્ત્રીઓનો કુલક્રમાગત ધર્મ છે કે ઘડીકમાં પુરુષને ઊજળો બનાવીને બીજી ઘડીએ જ તેના ઉપર મેશનો કૂચડો તેઓ ફેરવે છે. ઝેરી સાપ, જંગલી વાઘ, મૃત્યુ, અગ્નિ અને વેશ્યા એટલાંઓને કોઈ પણ શું પ્રિય હોઈ શકે ખરું? અર્થલુબ્ધ આ વેશ્યાઓ મેશના લેપવાળા ચીકણા ઘડાની સાથે પણ રમણ કરે છે, પરન્તુ શ્રીવત્સના લાંછનથી અંકિત એવા વિષ્ણુને પણ મફત ઇચ્છતી નથી. પૈસાને માટે જેઓ શત્રુઓને પણ પોતાનું મુખ ચુંબન માટે સમર્પે છે અને આ રીતે જેમને પોતાનો આત્મા જ દ્વેષ્ય છે એવી વેશ્યાઓને બીજો કોણ વહાલો હોય?’

આ રીતે વિચારીને તે ત્યાંથી જવા માટે ચાલ્યો. પહેલાં જોયેલા માર્ગથી જેમ તેમ કરીને પોતાને ઘેર ઘણી વારે પહોંચ્યો. ત્યાં પણ અજાણપણાને લીધે દ્વાર ઉપરના પુરુષને પૂછવા લાગ્યો કે, ‘ભાઈ! આ કોનું ઘર છે?’ પેલાએ પૂછ્યું, ‘તું કોનું માને છે?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો કે, ‘ધમ્મિલ્લનું.’ ત્યારે પેલાએ કહ્યું,

ગણિકાના ઘેર વસતા અને કામી એવા સાર્થવાહપુત્ર ધમ્મિલ્લનાં માતાપિતા શોકથી મરણ પામ્યાં અને તેમનું ધન પણ નાશ પામી ગયું.’

તેનું આ વચન સાંભળીને, વજ્રના પ્રહારથી પર્વતના શિખર ઉપરનું વૃક્ષ પડી જાય તેમ, ધમ્મિલ્લ ધબ દઈને જમીન ઉપર પડી ગયો. મૂર્ચ્છા વળતાં ઊઠીને વિચાર કરવા લાગ્યો, ‘પિતા અને માતાના વિયોગથી દુઃખી તથા વૈભવથી રહિત એવા મને જીવવાની શી આશા છે?’ આમ હૃદયથી નક્કી કરીને તે નગરમાંથી નીકળ્યો. જેણે આત્મઘાત કરવાનો નિશ્ચય કર્યો છે એવો તે ધમ્મિલ્લ મરવાની ઇચ્છાથી અનેક પ્રકારનાં વૃક્ષ, લતા, ગુચ્છ અને ગુલ્મથી ગહન, અનેક પક્ષીઓ વડે શબ્દાયમાન તથા જેની આસપાસની ભીંતો જીર્ણશીર્ણ થઈને પડી ગઈ હતી એવા એક જીર્ણ ઉદ્યાનમાં પેઠો. ત્યાં અળસીના ફૂલ જેવી કાળી તીક્ષ્ણ તલવાર વડે પોતાનો ઘાત કરવા માંડ્યો. એ વખતે તેનું એ આયુધ દેવતાવિશેષે હાથમાંથી જમીન ઉપર પાડી નાખ્યું. ‘શસ્ત્રથી મારું મરણ નથી’ એમ વિચારીને ઘણાં લાકડાં ભેગાં કરીને તેણે અગ્નિપ્રવેશ કર્યો, પરન્તુ અગ્નિ પણ મોટી નદીના ધરાની જેમ શીતલ થઈ ગયો. ત્યાં પણ તે ન મર્યો. પછી તેણે વિષ ખાધું. તે પણ, અગ્નિ જેમ સૂકા ઘાસની ગંજી બાળી નાખે તેમ, તેના જઠરાગ્નિએ બાળી નાખ્યું. વળી તે ધમ્મિલ્લ વિચાર કરવા લાગ્યો, ‘શસ્ત્ર, અગ્નિ કે વિષભક્ષણથી મારું મરણ નથી, માટે ઝાડ ઉપર ચડી જઉં.’ પછી તેણે ઝાડ ઉપરથી ભૂસ્કો માર્યો, પણ રૂના ઢગલા ઉપર પડ્યો હોય તેમ બેસી ગયો. પછી જેનું રૂપ દેખાતું નહોતું એવા કોઈએ એને આકાશવાણીથી કહ્યું, ‘અરે! સાહસ ન કર, સાહસ ન કર!’ આ સાંભળી દીર્ઘ નિઃશ્વાસ મૂકીને ‘અહીં પણ મારું મરણ નથી’ એમ ચિન્તા અને અફસોસ કરતો ત્યાં બેસી રહ્યો. ધમ્મિલ્લની આ દશા થઈ.